ગામવટો/૩. ફળિયું: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:30, 24 October 2023
ફળિયું. ત્યારે તો ફળિયાની પેલે પાર કોઈ જીવન હોવાનો ખ્યાલ જ નહીં મળે, જીવન પણ ફળિયાની સરહદોમાં અસીમતા અનુભવતું ડૂબી રહેતું, ત્યાં જ ઊછળતું, કૂદતું, ઊગતું, આથમતું – આજે એ ફળિયું કેટલું તો વેગળું વહી ગયું છે, જનમોની પેલે પાર રહી ગયું છે જાણે. ફળિયું શમણું. આંખો મીંચી લઉં તો દેખાય, આ રહ્યું એ ફળિયું. તરભેટો. ત્રણ નેળિયાં ભેગાં થાય. ત્રણે બાજુ ઘરો, ઢળતાં પડાળોવાળાં, ઉપર રાતાં કુંભારી નળિયાં, આસપાસ વાડાઓ. વાડાઓમાં ઘાસનાં કૂંધવાં. પછી વાડ. વાડેવાડે ઝાડવાં. આંગણે લીમડાઓ હાથીઝૂલણા. તરભેટે કૂવો, વંડી અને થાળાવાળો, કઠેડો અને ગરગડીઓવાળો. બધું જીવતું, સળવળતું અને ખળભળતું. હારબંધ ઘરો–ડુંગરા એવડા. ક્યાંક સામેસામે, પણ વચ્ચે ખેતરવા પથરાયેલું ફળિયું. ફળિયામાં ઢોર, ફળિયામાં ગાડાં છૂટેલાં. ગાડાંમાં બેસી રમતાં કે લેખન કરતાં લફરાળાં છોરાં. એમાં આપણેય હોઈએ. ઘર કરતાં વધારે વખત આ છૂટેલાં ગાડાંમાં વીતે, લીમડાની છાયામાં બપોરે આ ગાડાં ઘરથીય વ્હાલાં લાગે. આંખો મીંચી વાગોળતાં ભેંસબળદ. પડસાળે ઊંઘતા દાદા, બાપા, કાકા જીભ લબડાવી લાળ પાડી હાંફતી ભૂરી કૂતરી અને ઊંઘી ગયેલો કાળિયો ડાઘલો. ટપાલીનાં જૂતાંનો અવાજ જગવે એને. ડાઘલો ટપાલીના ફાટેલા ડગલાને જોઈ ભસી લે, પછી જંપી જાય. ગાડાં જાગતાં હોય. સામેનાં ખેતરો ખાલીખમ. ચત્તોપાટ પડેલો ઉનાળો ભળાય. તડકો ઢોળાયેલી કઢી જેવો. એમાં ઊપસી આવેલાં ઝાડવાં, ધૂળિયો વગડો, વંટોળિયા... આવે ને જાય. વીજમડીઓ, વાદણો અને કમુછડિયો ખરે બપોરે જ માગવા આવે. મોટેમોટેથી ખળું માગે. દાદા કહે, ‘એ પડ્યું ખળું, ઊંચકી જા’ પણ માંડ મળેલી આંખ ઊઘડી જતાં બાપા રાતાપીળા થાય, તોય માગણ ખસે નહીં. અમે જઈને ચપટી ડાંગર, મકાઈ આપીએ તો એ કઢી–રોટલા માગે, પાણી માગે, ના આપો તો બબડાટ કરે. આ ફળિયું સૂકા ઘાસથી છવાયેલું, ઢોરોથી ભરાયેલું લાગે. બપોરે ચિત્રમાં હોય એવું. રેખાએરેખા એની નોખી, છતાં એકાકાર બધું. લોક વગડે જાય તોય ફળિયું તો ભર્યુંભાદર્યું. ઢોર બરાડે, છૂટે, બંધાય. ચકલાં, કબૂતરો ચણ્યા કરે ફળિયું. ચોપાડ વચ્ચે દાદી રાતી સાવલિયા છીકણી સૂંઘતાં હોય, છાણ, માટીનો ગારો કરીને બા પડસાળે ઓકળી પાડતી હોય, બીજત્રીજના ચન્દ્રની હારમાળાઓ જોઈ લ્યો. બા અમારી પાસે ગારો ગૂંદાવતી. અમે કૂવે ન્હાવા મળે એ બ્હાને ગારો ગૂંદી દઈએ. પછી ટાઢાં હેમ પાણી ખેંચીને બપોરે કૂવાને થાળે નાહીએ. એ નાવણની વાત જ જુદી. તાપે ફદફદતું ફળિયું. હાશકારો પામતું. ભાઈઓ શણની દોરડીથી નવાજૂના ખાટલા ભરતા હોય, ક્યાંક કોઈ રાતી માટીથી દીવાલો લીંપવા ચઢ્યું હોય, કોઈ કન્યા ગારાની તગારી માથે મૂકી નિસરણીએ ઊભી હોય. ઉનાળામાં ફળિયું સાફ લાગે, જરા નવું લાગે. મોટા નિશાળિયા લીમડા તળે પત્તે રમતા હોય. ગિલ્લીદંડા અમારી પ્રિય રમત. પછી તો લખોટીઓ આવી. ભમરડાઓ ગયા. હવે તો ક્રિકેટ રોગની જેમ ફેલાઈ ગઈ છે. હા, ફળિયામાં પણ એ રમાતી હશે. ભલું હશે તો રાતાં નળિયાંમાંના છાપરાંને માથેય એન્ટેના લાગી ગયાં હશે. દાંત વગરનાં દાદીને સમજાતું નહીં હોય કે આ શી કરામત છે! ઊતરતા વૈશાખે ફળિયાને છેડે, લવારિયો ગાડાંમાં ઘરવખરી ભરીને કુટુંબકબીલા સાથે આવીને, પડાવ નાખે. દાતરડાં, કોશ, કુહાડી, ધારિયાં, છરા બનાવે; ધા૨ કાઢે; દાંતા પાડે કે સમારી–સુધારી આપે. આખું ગામ ઊમટે. આ ફળિયું મગતાવાળું – મોટું. એનો મહિમા વધારે. લવારિયાની નાનકડી ધમણ લોઢાને રાતુંચોળ કરવા ફૂંફાડા મારતી હોય. અમને એ ધમણ હાંકવાનું મન થાય. લવારિયાનાં છોરાં બધું કરે. ઘણ પણ ફટકારે. અમને કેરીઓ છોલવા માટે લોખંડના નાના ખૂંટાઓને તપાવીને વીંછીના અંકોડા જેવી છરીઓ બનાવી આપે. લવારિયાની વહુ બાજુમાં જ રોટલા ઘડતી જાય ને બચ્ચાંને ધવરાવતી જાય. આભ નીચે, ઉઘાડી ધરતીના ખોળામાં ઘરસંસાર ચાલે. લવારિયાની ભાષા, એની મૂછ અને પાણીદાર આંખો – ત્રણે ધા૨દા૨. ભાવમાં રકઝક ચાલે; પણ એ મૂછાળો મરદ નમતું ના જોખે. છાણાં–કોલસામાં તપતું લોખંડ, નહીં રાતું, નહીં પીળું. આજે કોઈ ચેતના શબ્દ બોલે કે તરત મને એ તપેલા લોઢાનો રંગ સાંભરી આવે છે. એને ચેતના કહેવાય એવું મનમાં ગોઠવાઈ ગયું છે. લવારિયો ગાડાંના પૈડાંને લોખંડની વાટ ચઢાવતો એ જોયા કરતા અમે. ધગધગતી વાટ મોટી ગોળ. છાણાના અગ્નિમાંથી દેવની બંગડી જેવી પ્રકટે ને ચપોચપ પૈડાં પર બેસી જાય, ‘લાકડું દુણાયદઝાય' ત્યાં જ પાણીના છમકારા વાટને ટાઢી પાડે. ક્યારેક ફડાક કરીને વાટ તૂટી જતી. અમને ત્યારે મજા પડતી. આ જ દિવસોમાં છાણિયાં ખાતર ભરેલા ઉકરડા ગાડાં ભરી ભરીને ખેતરે ઠલવાય. ગામમાં, વાટે ને વગડે ગાડાં ગાડાં ખખડી રહે, ના ઘૂઘરાઓથી ખનકી–રણકી રહે. સોરઠીઆ વેપારીઓ બળદ રેલ્લાઓ વેચવા આવે. કૂવાની વંડીએ ઘરડેરાઓ આવી બેસે. રેલ્લા બળદની શિંગોટી, ચાલ, લંબાઈ, કપાળ, દાંત, કોઠો, પુચ્છ, ઊંચાઈ જોવાય. હળગાડે જોતરેય ખરા. પછી રૂમાલમાં હાથ ઢાંકીને આંગળીઓ દાબી સંકેતોથી મૂલ જાહેર થાય. છેવટે બન્ને ધણીઓ– દેનારલેનારને પોસાય તો મૂલ જાહેર થાય. ક્યારેક મૂલ કરનાર બન્નેની વાતનો તોડ કાઢી સત્તા વાપરે. પેલા બેઉ બબડતા રહે. પછી ફૂમતાં ને ગોટા બાંધેલા રેલ્લાઓ બીજે ગામ જાય. ઉનાળાની રાતોમાં ફળિયું બદલાઈ જાય. ઢોર ઘ૨માં કોઢિયામાં બંધાઈ જાય. ફળિયેથી છાણ–ઘાસ વળાઈ જાય. ક્યાંક ગારમાટી પુરાઈ જાય, લીંપાઈ જાય. પાણીનો છંટકાવ હવાને પલાળે. હારબંધ ખાટલાઓ દરેક ઘ૨ને આંગણે પથરાઈ જાય. ચૈત્ર–વૈશાખની ચાંદની તાજા ઘી જેવી. લીમડાઓની ગંધ કરતાં એની છાયાઓની ભાત તરફ વધુ ધ્યાન જતું હતું. બાળકો રમતાં રમતાં ઊંઘી જાય. વહુવારુઓ દૂરના કોઈ છેડે ધીમું ધીમું હસતી સંભળાય. સાસુઓની મંડળી જુદી, નિંદા૨સ–ગૂંથી વાતોના તડાકા સાથે છીંકણીના સડાકા ચાલે. બીજે છેડે જુવાનિયા પત્તે રમતા હોય. વચ્ચે વડેરાઓ ખેતી, વરસાદ કે જાતજાતની અથવા કોઈ પણ વાતે વળગ્યા હોય. વચ્ચે બીડીઓ ને હૂકાઓની આપ–લે ચાલતી હોય. ધીમે ધીમે રાત ઘીની જેમ થીજી જાય ને છેવટે ગામ ચાંદનીમાં ‘ફ્રિઝ’ થઈ જાય. રાતે રોન ફરનારા કૂવાની વંડીએ બેસીને ઝીણું ઝીણું બોલ્યા કરે. ક્યારેક સીમમાંથી એમના હાકોટા સાંભળીને ખાટલામાં ડરી જવાય. જાગીને, ક્યારેક બેઠાં થઈને, જોઈએ તો ઝાડવાંય છાયા મૂકીને જતાં રહેલાં લાગે. ઘર એકબીજાંમાં લપાઈ ગયાં હોય; તારાઓય ચમકતા ના હોય, એકલો ચન્દ્ર ઓગળતો પમાય. કૂવા પર કોઈ બેઠેલું ભળાતાં જ છાતી ધડક. ગોદડી માથેમોઢે. બેત્રણ વ૨સે રામાયણ–મહાભારત વંચાતું હોય. ફાનસના અજવાળે કાકા એ વાંચતા રહે, વચ્ચે બધાં ટિપ્પણી કરે, મજાક કરે. આખું ફળિયું પાછું એકકાન થઈ જાય. ત્યારે સાંભળેલી એ કથાઓમાંનાં હનુમાન અને ભીમનાં બે જ પાત્રો ખૂબ ગમેલાં ને લંકા સોનાની હતી એ અચરજ હમણાં સુધી શમેલું નહીં. શિયાળાની રાતોમાં રાવળિયા એકતારો ને મંજીરા લઈને ખાવાનું માગવા આવે. એ ભજનોમાં ‘વિધિના લખિયા લેખ લલાટે : ઠોકર ખાય ખાય ખાય' બરાબર જડાઈ ગયું હતું. રાતે રાવળિયાઓ પડસાળમાં મુકામ માગતા. રાતે ભજન કરતા, પણ ભજન–મંડળીઓનો ખરો રંગ તો દાસકાકા લુહારને ત્યાં જામતો. મંજીરા, તબલાં, કાંસીજોડાં ને તાનપુરો પછીની રાતોમાં કાનોમાં ગુંજ્યાં કરતાં. ત્યારે જીવન કદી એકવિધતાવાળું કે કંટાળાજનક નહોતું લાગતું. પડતા ને વાગતું. તાવ આવતો ને ગૂમડાં થતાં. ઘરે જ ઓસડિયાં થતાં. મા ‘પ્હાડ’નું પાંદડું ઘીમાં શેકીને ઘા ૫૨ બાંધતી પછી ફળિયામાં હડિયો–હાકોટા ચાલતાં. પડસાળે લેખન ને ફળિયામાં રમવાનું. પંથીઓ આવેજાય. ક્યારેક ઢોલ વગાડતી જાન જતી હોય, છોગાળા–સાફાળા ભીલ–બારિયા કે પગી–કોળી તલવારો લઈને નાચતા હોય. વરરાજા કાગળનાં ફૂલોની સેરોમાં ઢંકાઈ ગયા હોય, પીઠીથી કપડાં પીળાંપચ હોય. અમને પેલા નાચનારાઓ કરતાં વરરાજો જોવાનો ગમતો. બૈરીઓ ન સમજાય એવા લ્હેકાઓમાં ગાતી હતી... આજેય ગાતી હશે? હોળીના દિવસોમાં આ જ લોકો ઢોલ વગાડતા, દાંડિયે રમવા આવતા. ભાતભાતના વેશ કાઢેલા હોય, એમાંય હનુમાન તો હોય જ. છોકરાં હૂપાહૂપ કરે, ને હનુમાન જુધ્ધો કૂદ્યા કરે. પછી પૈસાનું ઊઘરાણું, ગોળધાણા. ફળિયામાં ક્યારેક કંકુથાપાથી સ્ત્રીઓ પુરુષોની પીઠે ધબ્બા મારી હોળી ઊજવતી હતી. હવે એવા કંકુવરણા દિવસો નથી રહ્યા, પણ ફળિયું ટકી રહ્યું છે. શિયાળામાં ફળિયા વચ્ચે સવારે તાપણી સળગી ઊઠે. કૂડોકચરો બળાય, ઢૂંસાં, માનાં લૂગડાં, મેલી પછેડીઓ ને ફાટેલાં ચોરસા–ચાદરો વીંટીને છોકરા તાપણીની ચારેપાસ પોથાઈ જાય. દાતણ ચાવતાં ચાવતાં મોટેરા પણ તાપે ને વળી કામ કરવા હડી મેલે. બધાં વારાફેરે ચા પીવા ઘરમાં ગરી જાય ને વળતાં ઘાસફૂસ લાવે, તાપણી ભડભડતી રહે. તડકો ૨સાણ બને ત્યારે તાપણી ઠરે. તાપણીના ધુમાડા લીલા લીમડાઓમાં વ્યાપી જતા ને દૂર ધુમાડો ધુમ્મસ થઈને ઊભો રહી જતો. ઉપર એવું જ આભલું દેખાતું. કૂવો પનિહારીઓથી છલકાતો. નવી વહુવારુઓ લાજ–ઘૂંઘટ કાઢીને જતી–આવતી ત્યારે અમને એ મોઢું ઢાંકવાનું કારણ સમજાતું નહીં. જોકે આજેય એ સમજાઈ ગયું નથી. હજીય ગામમાં નળ નથી આવ્યા. બધી દમયંતીઓ કૂવેથી પાણી ભરી જાય છે. વતનમાં જાઉં ત્યારે ઘરને ઓટલે બેસી આ ફળિયાને અને પેલી પનિહારીઓને જોતો જોતો હું ઘણાં વરસો પાછળ નીકળી જાઉં છું. પછી વર્તમાનમાં વળતાં તકલીફ થાય છે. એક દૃશ્ય આ ફળિયા સાથે ભળી ગયેલું છે – તે ભેંસો (ભમરતા) મૂંડતા નાઈનું. શિયાળાની સવારોમાં મોટા મોટા અસ્ત્રા લઈને લાલો હવાર (અમારે ત્યાં ઘાંયજાને ‘હવાર' કહે છે.) આવે. ગરમ પાણીમાં પોતું બોળી બોળીને દાદા ભેંસોને એક પછી એક પલાળતા જાય ને લાલો એના મોટા અસ્ત્રા વડે ભેંસોને ભમરતો જાય. ક્યારેક લાલાનો અસ્ત્રો ભેંસને લોહી કાઢે. દાદા લાલાને મણનો છશેર કરી નાખે. લાલો લોચવાતો–થોથવાતો કામ કરે. આખા ફળિયામાં બધાં ઘરોની ભેંસો ભમરાઈ જાય એટલા દા'ડા આ દૃશ્ય જોયા કરવાનું. આમ તો રોજ સવારે લાલો હવાર બગલમાં ચામડાની થેલી મારીને આવે. પડસાળે બેસે અને વતાં કરે. દાઢીવાળ કાપે. છોકરાના વાળ કાપવાના હોય ત્યારે આખું ફળિયું ઘાંઘું થાય. હવાર વાતો કરતો જાય, બે ઢીંચણ વચ્ચે માથું દબાવતો જાય ને મૂંડતો જાય. બધાંનું અપમાન વેઠી વેઠીને ઢોર જેવો થઈ ગયેલો એ વાળંદ સાચ્ચે જ ભારાડી હતો. ફળિયામાં આજે એને બદલે એના વારસો વત્તાં કરે ને વારતહેવારે કે પ્રસંગે હૂકાપાણી કરે, વાયરો નાખે છે. હજી ઘાંયજાઓની રીતરસમો અને દાપાં ગયાં નથી. ગામડાં છે ત્યાં સુધી એય રહેવાનાં હશે. ચોમાસાની આંધળી રાતોમાં ફળિયું કાળામેશ મેઘ જેવું. બોગદું જોઈ લ્યો ! હેલીનો વરસાદ છમછમ કર્યા કરતો હોય ને જગત પાણી ભેળું ઓગળીને વહી ગયું હોય – પાસેનાં એકલદોકલ વૃક્ષો પણ ગુલામ મોહમ્મદ શેખનાં ચિત્રોમાંથી લાવીને ગોઠવી દીધાં હોય એવાં લાગે. પડસાળમાં દાદા પડિયા–પતરાળાં કરતા હોય ને શ્રાવણી બપોરે ફળિયું ભીંજાતું–નીતરતું હોય. ઢોર માટે કરેલી ઘાસની મેડીઓ ટપકતી હોય, ફળિયું કાદવ કાદવ બોલતું હોય, ગાડાં પરસાળે પેસીને સંકેલાઈ ગયાં હોય. ઘાસ ઘર સુધી ઊગી આવ્યું હોય, સીમ ફળિયાને ભોઠું પાડી દેતી દેખાયા કરતી હોય ત્યારે કૂવો સ્થિતપ્રજ્ઞ જેવો. આ ઋતુમાં તડકો કુંભારી નળિયાંને ધોઈને રાતાં કરી દેતો. હમણાં જ છાયેલાં ઘરોથી ગામ જરા નવું લાગતું. મહીસાગરમાં પાણી વધતું સંભળાતું, ભેખડો તોડતી નદી ક્યારેક ફળિયા સુધી આવી પહોંચતી. પટેલ દહીંની દોણી વધેરી એને વધાવતા, બાપુ ટચલી આંગળીએ વાઢ કરી મહીમાતાને ભોગ ધરતા, લુહાર નાળિયેર ફોડતા. મા ખમૈયા કરતી, પાછી વળી જતી. પાછાં ઊતરતાં પાણીને અમે ઓટલે ચઢીને જોયા કરતાં. ફળિયાની ફડક ઘટતી. પાછો એનો જીવમાં જીવ આવતો. નવચંડી ને ગંગાપૂજનના મંડપો ફળિયે મંડાતા. ફળિયામાં નાત બેસતી. બત્રીસ મણનો લાડુ વપરાઈ જતો. ગામ આખું ન્યાતની સરભરા કરતું. ફળિયામાં મોદો નંખાતી. શોક વખતે માથાં મૂંડાતાં. ફળિયા વચ્ચેથી ઘરડેરાંની નનામીઓ નીકળતી. કોઈના સાજેમાંદે ફળિયું ખડેપગે થઈ જતું. ફળિયામાં મંડપ મંડાતા. રાતી પાઘડીએ એની પારોયોને વીંટીને શોભા કરાતી. સાડીઓથી અને રંગીન કાગદીનાં તોરણોથી મંડપ શણગારાતાં. લગ્ન પૂર્વે પંદર દા'ડાઓથી ફળિયું ગાણાં ગાવા માંડતું. ફૂલેકાં આવતાં. સ્ત્રીઓ ઢોલ સાથે તાલ મેળવી ધારો રમતી. દશ દશ વરરાજાઓ એક હારે ફૂલેકે ચઢીને ફળિયાને ભરી દેતા. ગૅસબત્તીઓથી રાતો ઊજળી થઈ જતી. ઘાંયજાની તેલાળી મશાલ બળ્યા કરતી. કૃષ્ણલીલાના ‘શલોખા’ ગવાતાં. ફળિયું પોતે જ પરણવા ઊઘલ્યું હોય એવું થઈ જતું.
* ‘વરને દા'ડો થોડો ને જવું વેગળે....'
* ‘આંણી શેરીએ ચોખલી વેરાંય રે! ઝરમરિયું...’
* ‘આંણી શેરડીએ તે શેનાં રે ઝમકાર વાજાં વાગિયાં રે...’
ફળિયું ગાતું–ગવરાવતું. નવાં કપડાં એકસામટાં બહાર પડતાં, પણ કન્યાઓ વિદાય થઈ જતી. પછીનું ફળિયું સાવ સૂનમૂન, માંદી ગાયની આંખ જેવું. બે બહેનો અને ત્રણ ભત્રીજીઓનાં એક સામટાં લગ્ન કરી છોકરાય અણવ૨ તરીકે જતા રહેલા. પાંચ પાંચ મંડપ અમે છોડતા હતા. ઘરની ઓકળીઓ, બધા શણગારો સાવ અર્થહીન થઈ ગયાં હતાં. પાંચે કન્યાઓની વિદાય, એમની સંવેદનાઓ, ભીની આંખે ઊભેલું લોક ! પછીનું ફળિયું નિરાધાર... અનિલના ગીતમાં ઢબૂકતો ઢોલ ને કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલ્યાં જતાં. પડઘા ડૂબી ગયા હતા... એ વસમીવેળા, એ સૂમસામ માણસો પછીથી ક્યારેય નથી અનુભવ્યાં ને એ સોંપો પડેલી સંવેદનાઓ કદી આછીઓછી થઈ નથી. ફળિયું આજેય એની આંખોમાં એ સાચવી બેઠું છે. અહીં નથી માઢ, નથી મેડીઓ, નથી ખડકી, નથી ખાંચાઓ. આ તો માત્ર ફળિયું છે, ખુલ્લું ફટાક ફળિયું. અહીં દીકરાઓ વગરનું આયખું ભોગવતાં બે વૃદ્ધો જીવ્યા છે. ભલાદાદા અને જેલાદાદા. આયખાને એષણાઓએ બેવડ વાળી દીધેલું. બન્નેનાં ઘ૨ જુદે જુદે છેડે. બન્ને પડસાળે કે ઓટલે બેઠા હોય, ખોવાયેલું. ત્યારે લાગે કે ભૂપેન ખખ્ખરના ચિત્રમાં બેઠા છે. બન્ને પાસે ખેતી. સારી આવક. કામ ફૂટી ફૂટીને કાયાની કાંકરી કરી નાખેલી. હાંફતી હાલતે હળ હાંકે. ગાડે ચડે. મજૂર વગ૨ લોભથી કમાય. કપડાં માટે સાબુય ન વાપરે. સવારે કઢી–રોટલા, સાંજે ખીચડી–ચટણી ખાય. અવતાર ધરીને સારું ખાધું હોય તો ફળિયાના પ્રસંગોમાં. ભલાદાદાની કાળી સીસમ કાયા, પરિશ્રમે ઘસાઈને ગોટલી થઈ ગયેલી. ડોસી ભેંસ સામે બેસી વિચારે ચઢે. જાતનું ભાન ન મળે, પણ લોભ એવો કે છાંટો ઘી ના ખાય. ઘીનાં કુલ્લાં ભરી દીકરીઓને મોકલે. સારું કપડું ન પહેરે. જેલાદાદા વાને ઊજળા. કાને સોનાનાં ફૂલ, પણ મેલથી ફાટી પડતાં કપડાં, બટન પણ ના હોય. ભારે અહમ્. એમનું નખ્ખોદિયું ખાનારાં કહે કે અમે જમીન ખેડી આપીએ ને હવે મજૂરી ફૂટ્યા વગર સુખે રોટલો ખાવ, પણ અક્કરમીઓને એ અવળું લાગે. કોણ જાણે કયા જનમનું ભોગવે? ઈશ્વરે એમને કમતિ મેલવામાંય પાછું વળી જોયું નહીં હોય. ફળિયું આરામ ફરમાવે ત્યારેય આ બે ડોસલા તો વગડાની વાટે હોય. ડોસીઓ ઘરને બાથ મારી રહે. પેટીપટારાની ચાર પૈસા મિલકતને નાગણોની જેમ સાચવે. કોણ જાણે કોના માટે? આ ચારેએ નથી જગત જોયું કે નથી જાણી કશી ગતિપ્રગતિની વાતો. ગણીએ તો નિજમાં જીવનારાં આ પરિશ્રમીઓ છે ને આમ જોઈએ તો જડ મજૂરી કરવાને ટેવાયેલાં એષણાએ મજબૂરિયાં બિચ્ચારાં! આલનારે આલ્યું પણ આપણે વાપર્યું નહીં, વધાર્યું ને આયખું વગોવ્યું. ભાવિ ન ઊકલે તો ધૂળ નાખી વાતમાં, પણ જેને આવતી કાલનું ના ભળાય ને જાત વિશેય કાંઈ ન સૂઝે એને શું કહેવું ? ફળિયાનાં લોક આમને તાકી રહે તાજ્જુબીથી. મદદ કરવા જાય તો છણકો કરે. ક્યારેક કાલાંવાલાં કરવા આવે. ક્યાંક ચપટીક ઉદારતા દાખવવા જાય, પણ પાછી મૂળ જાત મોઢું કાઢે. કર્મની કેવી ગતિ તે કોણ કમાય કોની વતી? આવતા જન્મારામાંય આવીને અહીં જ બાથ મારવાની હોય એમ જીવેલાં આ ચારેય વૃદ્ધો ફળિયાની અજાયબી બની રહેલાં. માણસનો સ્વભાવ દોરડી બળે પણ વળ ન મૂકે એવો. મનનું મેલું ને લાકડાનું પોલું ન સમજાય. કંઈકેટલીય કહેવતો નવી ઘડવી પડે એવાં આ ચાર જણ. એમના વર્તન વિશે ફ્રોઈડનું મનોવિજ્ઞાન પણ ખોટું પડે. માલિકે આવાં લોક પણ કશાક ઉદ્દેશથી જ ઘડ્યાં હશે? કે પછી એનેય ગમ્મત પડે છે? એ વૃદ્ધોની સામે ભગાકાકાને મૂકો. ફળિયાની દખણાદે છેલ્લું ઘર. સામે ઠાકોરની મેડી. ગામના નાક જેવી દેખાય દૂરથી. ભગાકાકાએ વેઠ્યું, વાપર્યું ને વેડફ્યું, પણ હિમ્મત તો એમની. બોલીના શૂરા એમ મહેનતનાય પૂરા. અમલદારો–અધિકારીઓનેય ના ગાંઠે. કોઈથી ગાંજ્યા ના જાય, પણ સમયે એમને વચ્ચેનાં વરસોમાં ઠમઠોરેલા. પાછા લાઈનમાં વળાકામાં આવી લાગ્યા. બોલે તો ન્યાત સાંભળી ૨હે, ગામ ટોળે મળે. હમણાં જમીન રાખી સરખી કરાવી. લસણઆદુની વાડી કરી. કમાય એથી દોઢું આદરે, બમણું વાપરે, ખાય, નિરાંતે ઊંઘે જગતને ઓશીકે મૂકી. કાને સોનાનાં ફૂલ ને છેલકડી પહેરે, તાંબા જેવો ચહેરો. કથ્થાઈ આંખો. ઢળતી રાતે હોકો પીએ ને રેડિયો સાંભળે. ઠાકોર બંદૂક રાખતા. વારતહેવારે આભભડાકા કરતા. એય કામગરો જીવ. માણસ સાબદો ને સમજણો. રોગે ખૂટવ્યો. ઠકરાણી દીકરાઓને નળિયાં ઘસીને નવડાવે, રાતાચોળ ને ઊજળાભટાક રાખે. ઘર નરી સ્વચ્છતા. ગામડામાં આટલી ચોખ્ખાઈ ક્યાંય ન ભાળો. આવી સ્વચ્છતા હતી તોય પ્રભુતાએ વાસ ના પૂર્યો. કેમ કે મંછાઓ વળગેલી હતી એ આવનારું આરોગી જતી ને પ્રકટતા દીવાને ઓલવી નાખતી. કૂવા સામે છે રાયજી માસ્તરનું ઘર. નોકરી ને ખેતી, બે પલ્લાંમાં બે પગ, રાયજી જિંદગીનો મત્સ્યવેધ કરે છે. છે સુખી, પણ હમણાં તો પરિશ્રમ થાય છે એટલે વાડી લીલી છે. વચ્ચેનાં ઘરોમાં થોડા માસ્તરો છે. થોડી ભણેલી વહુઓ આવી છે. પોલીસ–પટેલનો ઘસાયેલો હોદ્દો પણ આ ફળિયામાં છે. કેટલાય મહેનતુ પ્રામાણિક ખેડૂતો છે. છેલ્લે બે લાઈનમાં મારું ને મામાનું ઘર સામસામે છે. મામા અધ્યાપક છે. ‘મામા’ એમનું હૉસ્ટેલનું નામ છે. સ્વભાવે પોચા ને વ્યવહારે ખમચાતા, પણ પાકા જીવ. જે કરવું છે તે માટે તક જુએ, તાલ જુએ, વરસો જાય છે. મામી મહેતી છે. ઘરમાં બા છે. આખાબોલા ને સાચાબોલા, મહેનતું બાપા અડધા છે, અંગે અને સંગે. ફળિયાનો રંગ અહીં વધારે ગાઢો છે, રાતે ઘણા આ લીમડીઓ નીચે બેસીને ગામગપાટા મારે છે. કથની છે એવી કરણી નથી બધાંની. છતાં ફળિયા પર માલિકની મહેરબાની છે. આમ જુઓ તો ફળિયે વેઠ્યું છે ને ઘણી સૂકીલીલી જોઈ છે. તડકા પડે છે, વાયરા વાય છે. બાવા માગવા આવે છે. નોકરો ભાતાં લઈને જાય છે. હવે તો વાહનવ્યવહાર છે, ફળિયામાં વીજળીની લાકડીઓ આવી છે. કૂવાનો કઠેડો જર્જરિત છે. વંડી તૂટી છે પણ વૃક્ષો ઊભાં છે. બીડીઓનાં ઠૂંઠાં બળે છે. રૂપેરી હોકા હવે ગડગડતા નથી. છોકરાની ફૅશનો જોઈને વૃદ્ધો બડબડતા રહે છે, પણ બગડતા નથી. ફળિયાની શેહશરમ છે એટલે ખાસ કોઈ ઝઘડતા નથી. ગામને માથે મોળ પર બેઠેલું છે આ ફળિયું. ઉગમણા પંથકમાં જવાનો માર્ગ પણ આ ફળિયાને વીંધીને જાય છે, પણ ફળિયું ક્યાંય જતું નથી, આવતું નથી. ઘરડું ફળિયું બાળકો ભેળું રમીને પાછું ફરીથી જુવાન થઈ જાય છે. આ ફળિયું મારામાં હજી જીવે છે. એ ફળિયામાં જીવવા હું વારે વારે વલખું છું, પણ હવે કડાણા ડેમને લીધે ગામ ઊઠવા માંડ્યું છે. મારું ફળિયું ઊઠી ગયું છે ને બીજાં ફળિયાં પણ તૂટવાં માંડ્યાં છે.
તા. ૧૨–૨–૮૮
મોટાપાલ્લા