The 5 AM Club: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:42, 4 November 2023

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The 5 AM Club-title.jpg


The 5 AM Club

Robin Sharma

ધ ફાઇવ એ. એમ. ક્લબ


રોબિન શર્મા


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદઃ છાયા ઉપાધ્યાય


લેખક પરિચય:

રોબિન શર્મા વિશ્વના ટોચના લીડરશીપ ગુરુ અને 'ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી' નામના બેસ્ટ સેલિંગ પુસ્તકના લેખક છે. તેમણે લાખો લોકોને વધુ સારા નેતા બનવામાં, પોતાનું પ્રદર્શન સુધારવામાં અને વધુ સારું જીવન જીવવામાં મદદ કરી છે.

જાગ્યા ત્યાંથી સવાર, તમારા જીવનમાં લાવો સુધાર

સવારની દિનચર્યામાં ક્રાંતિકારી ફેરફાર અપનાવવાથી કેવાં ચમત્કારિક પરિણામો મળે છે તે વાત ધ ફાઇવ એ. એમ. ક્લબ (૨૦૧૮) પુસ્તકમાં છે. આ પુસ્તકમાં એક ઉદ્યોગ સાહસિક, એક કલાકાર અને તેમના માર્ગદર્શક એવા એક ધૂની ધનકુબેરની મંત્રમુગ્ધ કરનારી કાલ્પનિક ગોઠડી છે. તેમની વાતો વડે આ પુસ્તક સમજાવે છે કે દિવસના પહેલા કલાકનો ઉપયોગ વિશિષ્ટ રીતે કરવાથી કેવી રીતે વ્યક્તિગત વિકાસ અને ભરપૂર જીવન પામી શકાય છે.

પરિચય

આ પુસ્તક મારે શું કામ વાંચવું? તમારી સવાર પર કાબૂ કરો અને જીવન બહેતર બનાવો.

એક વખતની વાત છે. એક ધનકુબેર હતો. એ માણસે જીવનમાં ખરેખરી ઊંચાઈ અંકે કરેલી; પોતાના વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષેત્રે એણે ચમત્કારિક સિદ્ધિઓ મેળવી હતી. એણે એવો દરજ્જો મેળવેલો કે આપણે તેની પ્રશંસા કર્યા વગર રહી ન શકીએ. તેને જોતાં જ જણાઈ આવે કે તે દુનિયા માટે સકારાત્મક વારસો મૂકી જનારા લોકોમાંનો છે.

તો, તેનું રહસ્ય શું હતું? શું કુદરતની મહેર જેવી ખાસ પ્રકારની આવડતો તેને મળેલી કે જેને કારણે તે સફળ થયેલો? ના– કોઈ જન્મજાત આવડત નહીં. શું તેની સફળતા સખત મહેનત અને ધગશનું પરિણામ હતી? ના, તે પણ નહીં.

પુસ્તકના શીર્ષક પરથી તમે તારણ કાઢ્યું હશે – ધનકુબેર તેમની તમામ સફળતાની ચાવી સરળ છતાં ક્રાંતિકારી એવી સવારની દિનચર્યાને ગણાવે છે.

આપણા આ ધનકુબેર સવારે પાંચ વાગ્યે ઊઠી જાય, દરરોજ. ઊઠ્યા પછી તેઓ એક ઓછી જાણીતી વિધિ અનુસરે. તે નિત્યક્રમને કારણે તેમનું ધ્યાન કેન્દ્રિત અને સ્વાસ્થ્ય ઊર્જાવાન રહે. પરિણામે દિન પ્રતિદિન તેમનું શ્રેષ્ઠ અભિવ્યક્ત થાય.

સવારની આ વિધિ તમે જાણવા ઈચ્છો છો? રોબિન શર્માના પુસ્તક ધ ફાઇવ એ. એમ. ક્લબના મુખ્ય વિચાર અહીં રજૂ કરીએ છીએ.

ચાવીરૂપ ખ્યાલો :

૧. એક ઉદ્યોગસાહસિકને અને એક કલાકારને એક આકસ્મિક મુલાકાત ધ ફાઇવ એ. એમ. ક્લબના રહસ્ય સુધી લઈ ગઈ.

આપણે અહીં ત્રણ જિજ્ઞાસુ વ્યક્તિઓનો કાલ્પનિક વાર્તાલાપ જાણવાના છીએ: નવા જોમની ખોટ અનુભવતા એક હતાશ ઉદ્યોગસાહસિક, પોતાની સર્જનાત્મકતામાં નવા પ્રાણ પૂરી દુનિયામાં અમીટ છાપ છોડી જવા મથતાં એક રઘવાયા કલાકાર અને પોતાના અનુભવસિદ્ધ જ્ઞાનને વહેંચવાની ઈચ્છા સેવી રહેલા સફળતાઓની હારમાળા સર્જનારા ધનકુબેરની.

સ્પેલબાઈન્ડર નામના એક વ્યવસાયગુરુ તેમના ઊંડા જ્ઞાન વડે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટે જાણીતા હોય છે; વ્યક્તિગત શ્રેષ્ઠતા કેળવવા બાબતના એક મેળાવડામાં તેમનું પ્રવચન હોય છે. તે મેળાવડામાં આ ત્રણ પાત્રો મળે છે. સ્પેલબાઈન્ડરના પ્રવચન પછી ધનકુબેર પેલા ઉદ્યોગસાહસિક અને કલાકારને મળવા જાય છે. ઉદ્યોગસાહસિક અને કલાકારને ખબર નથી કે તેમને મળી રહેલી વ્યક્તિ ધનકુબેર છે. ધન સર્વસ્વ નથી એમ પોતાને યાદ રહે તે માટે ધનકુબેર જાહેરમાં ગરીબ વેશે રહેતા હોય છે, સિવાય કે મોંઘીદાટ ઘડિયાળ. ગરીબ લાગતા ધનકુબેર પેલા બંનેને કહે છે કે સ્પેલબાઈન્ડરને કારણે પોતે ઘણું ધન કમાયો છે; કે સ્પેલબાઈન્ડરે તેને શીખવ્યું કે જ્યારે મોટાભાગના લોકો તેમની સાથે કશુંક ચમત્કારિક બને તેવી આશા સેવતા હોય છે ત્યારે સફળતા અંકે કરનારા ગણ્યાગાંઠ્યા લોકો એવું શીખે છે જેથી તેમની સાથે ચમત્કાર આપમેળે થવા માંડે.

જાણે પોતે જ ગુરુ હોય એમ વાત કરનારા આ રહસ્યમય પુરુષ વિશે ઉદ્યોગસાહસિક અને કલાકારનું કુતૂહલ વધતું જાય છે. ધનકુબેર સમજાવે છે કે કઈ રીતે સ્પેલબાઈન્ડરે - કે જે આ માણસનો વ્યક્તિગત સલાહકાર હતો – તેને એક એવી અગત્યની વાત શીખવી જે બીજી બધી વાતો કરતાં વધારે મહત્ત્વની છે.

તે શું છે? પોતાના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં શ્રેષ્ઠ પરિણામ લાવવાનો સૌથી અસરકારક રસ્તો છે દુનિયાને પાછળ છોડી દે તેવો સવારનો નિત્યક્રમ કેળવવો.

ઉદારદિલ એવો ધનકુબેર પેલા બે સમક્ષ એક પ્રસ્તાવ મૂકે છે : જો ઉદ્યોગસાહસિક અને કલાકાર મોરેશિયશમાં આવેલા તેના બીચહાઉસ ખાતે તેની સાથે રહેવા તૈયાર હોય તો તે પોતે તે બંન્નેને વૈશ્વિક સ્તરના પેલા સવારના નિત્યક્રમનું રહસ્ય શીખવે. તે માટે તેમણે તે પછીની સવારે પાંચ વાગ્યે ધનકુબેરને મળવાનું.

બીજા દિવસની સવારે ઉદ્યોગસાહસિક અને કલાકારના મનમાં થોડી શંકા હતી. પણ જ્યારે શૉફર ડ્રિવન રોલ્સ રોયલ તેમણે તેડવા આવી અને આછા સફેદ રંગના, ચમકદાર પ્રાઈવેટ જેટ લાંગરેલા હવાઈ મથકે ઊતારી ગઈ ત્યારે તેમને ભરોસો બેઠો. તે જેટ પર લોગો હતો : "5AC."

ઉદ્યોગસાહસિકે ડ્રાઇવરને લોગો વિષે પૂછ્યું. ડ્રાઇવરે જણાવ્યું કે તેનો અર્થ હતો "The 5 AM Club." અને આમ સવારના ચમત્કારિક નિત્યક્રમ અને સમગ્ર જીવન બાબતે નવીન દૃષ્ટિકોણ સમજવાની તેમની યાત્રા શરૂ થઈ; જે તેમને લગતું બધું જ સારા માટે બદલી નાખવાની સંભાવના ધરાવતી હતી.

તે પછીની વહેલી સવારે ધનકુબેરે ઉદ્યોગસાહસિક અને કલાકારને જણાવ્યું કે પોતે કઈ રીતે શીખ્યો કે પાંચ વાગ્યે ઊઠવું એ મામૂલીપણું છોડીને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો માર્ગ છે. પાંચ વાગ્યે ઊઠવાથી તેની સર્જનાત્મકતાને બળ મળ્યું, તેની ઊર્જા બેવડાઈ ગઈ અને તેની ઉત્પાદકક્ષમતા ત્રેવડાઈ ગઈ.

કઈ રીતે? ધનકુબેરે કહ્યું, ઇતિહાસ સાક્ષી છે કે ઘણાં મહાન લોકો – નવલકથાકાર જોન ગ્રિશમથી માંડીને વોલ્ફ્ગેંગ એમેડસ મોત્જાર્ટ સુધીના – સમજી શક્યા કે પાંચ વાગ્યે ઊઠવાથી મળનારા એકાંતની અસરો કેવી ગુણકારી છે.

ર. પાંચ વાગ્યે તમે જે એકાંત અને મગજની ઊંચકાયેલી ક્ષમતા અનુભવશો તે તમને નીવડેલા શ્રેષ્ઠ લોકો જેવું પ્રદર્શન કરવામાં મદદરૂપ થશે.

આપણા બધાની માનસિક ક્ષમતા અને બૌદ્ધિક શક્તિ મર્યાદિત છે. વળી, દિવસ દરમિયાન આપણું ધ્યાન કામ, સમાચાર, બીજા લોકો સાથે વ્યવહાર, સોશિયલ મીડિયા જેવી વસ્તુઓમાં ઘણાં સમય સુધી ફંટાય છે. આ વસ્તુઓમાં આપણી શક્તિ ખર્ચાય છે અને બપોર સુધીમાં તો આપણે કશા પર સરખું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આપણું ધ્યાન એક બાબત પરથી બીજી બાબત પર વારેઘડીએ ફંગોળાતું રહેવાને કારણે આપણે એક પણ વસ્તુ પર સરખું ધ્યાન આપી શકતા નથી. પણ જો તમે પાંચ વાગ્યે ઊઠી જાઓ તો તમને સોનેરી તક મળે છે– બેધ્યાન થયા વગર એક ઉચ્ચ પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક.

આમ કેન્દ્રિત થયેલું ધ્યાન વળી ઊંડું થાય છે ટ્રાન્સિઅન્ટ હાયપોફ્રોંટેલિટી વડે, એટલે કે, સવારે પાંચ વાગ્યે તમે એવી સ્થિતિમાં હો છો જ્યાં તમારો વિચાર પ્રવાહ તરલ થઈ વહે છે.

આમ થવાનું કારણ, ધનકુબેરે સમજાવ્યું કે, જ્યારે તમે સવારે પાંચ વાગ્યે શાંત શરૂઆત કરો છો ત્યારે મગજનો તાર્કિક પાસું સંભાળતો ભાગ -- પ્રિફ્રંટલ કોટેક્સ – તત્પૂરતો ઊંઘી જાય છે. તેથી વિશ્લેષણ, તાણ કે ચિંતા કરવાની વૃત્તિ ખોડંગાય છે. વળી, ઊઘડતી સવાર વેળાની શાંતિ ડોપામાઈન અને સેરોટોનિન જેવા ન્યૂરોટ્રાન્સમીટરના ઉત્પાદનને ઉત્તેજન આપે છે. પરિણામ? તમે સ્વાભાવિક રીતે પ્રવાહી સ્થિતિમાં પ્રવેશો છો : ઉત્સાહથી સભર, એકચિત્ત અને મગ્ન. સંગીતકારથી માંડીને વૈજ્ઞાનિક સુધીના ઉચ્ચ કક્ષાના સિદ્ધ લોકોની માનસિકતા તરલ હોય છે, ખાસ તો તેમની શ્રેષ્ઠ પળોમાં. જો તમે પાંચ વાગ્યે ઊઠશો તો તમે દિવસભર વધારે એકાગ્ર રહેશો અને વધારે કામ પાર પાડી શકશો.

5 AM Club - માં જોડાવા તમારે હજી કારણ જોઈતું હોય તો આ જુઓ: જો તમારે ઉચ્ચ કક્ષાનું પરિણામ મેળવનારી 5% વ્યક્તિઓ જેવું જીવન જોઈતું હોય તો તમારે એ કરવું પડશે જે 95% સાહસિકો, કલાકારો અને બીજા લોકો કરતા નથી. મોટાભાગના લોકો સવારે પાંચ વાગ્યે ઊઠવા તૈયાર નથી. જો તમે ત્યારે ઊઠવા તૈયાર છો તો સ્પર્ધામાં તમે ખાસા આગળ છો.

ચાલો જોઈએ કે મોટી સિદ્ધિ મેળવનારા જ નહીં, જેની ઉપલબ્ધિઓ દુનિયા બદલી નાખે તેવા ઇતિહાસના ઘડવૈયા કેવી રીતે બનવું.

૩. ઇતિહાસ રચનારા પોતાની પ્રતિભાનું મૂડીરોકાણ કરે, ધ્યાન ફંટાવનારી બાબતો ટાળે, પ્રતિદિન કશુંક હાંસલ કરે અને પોતાની જાતના માલિક બને.

એક ચમકીલી સવારે ઉદ્યોગસાહસિક, કલાકાર અને ધનકુબેર દરિયાકિનારે મળ્યા. કાચ જેવા પાણીમાં સ્ક્વિરલફિશનું જૂથ તરી રહેલું. આવી સુંદર પશ્ચાદભૂમાં ધનપતિએ ઇતિહાસ રચનારાઓનાં ચાર લક્ષણ જણાવ્યાં.

પહેલું તો, તેણે કહ્યું, મહાન વ્યક્તિઓ તેમની પ્રકૃતિદત્ત પ્રતિભાને કારણે નહીં પણ તે આવડતનો ઉપયોગ કરવાને કારણે જુદા પડે છે.

ધનકુબેરના કહેવા મુજબ, કુદરતે બક્ષેલી પ્રતિભા અને ક્ષમતાઓ કરતાં સ્વયંશિસ્ત અને સાતત્યપૂર્ણ પ્રયત્ન વિજેતા બનતા રહ્યા છે. આથી, સફળતા માટે જે જોઈએ તે પોતાની પાસે ના હોવાનો વિચાર કરવાને બદલે પોતાની પાસે જે છે તેને ઉપયોગમાં લેવાથી ઘણો ફેર પડશે.

બીજું, ધનપતિએ સમજાવ્યું, ધ્યાનભંગ કરનારાં વ્યવધાનોથી બચીને રહેવું એ મુખ્ય કળ છે. આજે મોટાભાગના માણસો ખોખલી ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા જેવાં બંધાણ પાછળ કલાકો બગાડે છે. તમારે જો જીતવું હોય તો તમારે નક્કી કરીને સરળ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે--ફોકસ, સિમ્પ્લિફાય, કોંસંટ્રેટ. મતલબ કે સદાચારી બનવું પડશે, ઘણા બધાં સારાં કામ છોડીને થોડાંક જબરજસ્ત કામ પર ધ્યાન આપવું પડશે અને તમારા લક્ષ્યથી દૂર કરનાર પ્રત્યેક વ્યવધાનને તમારે રોજિંદા નિત્યક્રમમાંથી કાઢી ફેંકવું પડશે. તો, જે પ્રવૃત્તિ ખરેખરી મૂલ્યવાન છે તેનાથી ભટકાવનારા નોટીફિકેશન્સ ટર્ન ઓફ કરો, નકામી મીટિંગ રદ કરો. The 5 AM Clubમાં જોડાઈને પ્રત્યેક સવારે વ્યવધાનમુક્ત કલાક મેળવો જેથી અગત્યની વાત પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો.

ત્રીજું, ફક્ત મહાન વ્યક્તિઓ જ રોજ કરેલાં કામનો ખરો અર્થ સમજી શકે છે. મતલબ કે, ક્યારેક કરેલા એક મહાન કામ કરતાં રોજ કરેલાં નાનાં નાનાં કામ ઘણાં વધારે મહત્ત્વનાં છે. એક આવડત કે કૌશલની ધાર કાઢવા દરરોજ એક ટકો સમય ફાળવતા શું થાય તે વિચારી જુઓ. આમ તો એક ટકો એ નાનો સુધારો છે પણ એક વર્ષને અંતે તે 365% જેટલો બની જશે!

છેલ્લે, ધનકુબેરે ઇતિહાસ રચનારાઓના ચોથા લક્ષણની વાત કહી: વ્યક્તિગત શ્રેષ્ઠતાનો મહાવરો. એન્દ્રેસ એરિક્સન નામના મનોચિકિત્સકના મંતવ્ય મુજબ, વ્યક્તિ કોઈ કૌશલ માટે દસ વર્ષ સુધી રોજના 2.75 કલાક મહાવરો કરે ત્યાર પછી તેનામાં તે કૌશલનાં ઉચ્ચ સ્તરીય લક્ષણો દેખાવાની શરૂઆત થાય. તો, જો તમારે કોઈ બાબતની હથોટી મેળવવી છે તો સવારનો પહેલો કલાક તમારા પોતાના પર, તમારી મનોવૃત્તિ અને સ્વાસ્થ્ય બાબતે તમારા અભિગમ, આધ્યાત્મિકતા અને પ્રેમ માટે ફાળવો.

ઉદ્યોગસાહસિક અને કલાકારને હવે વધારે સ્પષ્ટતા થઈ કે ઉચ્ચ પરિણામો મેળવનારા કેમ આગળ રહે છે. આથી, ધનપતિએ તેમને કહ્યું કે હવે પછીના સ્તર તરફ આગળ વધવાનો સમય થઈ ગયો છે: હવે સમય પાકી ગયેલો કે તેઓ સમજે કે પોતાનું શ્રેષ્ઠતમ કેવી રીતે કેળવવું.

૪. અંતરના ચારેય રાજ્ય પર ધ્યાન આપવાથી તમે તમારા અને તમારા પસંદગીના ક્ષેત્રના રાજા બનશો.

કેટલી વાર, ધનકુબેરે પૂછ્યું, તમે કોઈ ગુરુને કહેતા સાંભળ્યા છે કે મનોવૃત્તિ સુધારો? આપણે સતત સાંભળીએ છીએ – સકારાત્મક વિચારો અને તમારા જીવનમાં સુધારો આવી જશે.

પણ, પોતાના શિષ્યો સાથે સફેદ રેતીવાળા સમુદ્ર કિનારે ટહેલતાં ટહેલતાં ધનકુબેરે કહ્યું, આ ગુરુઓ જે વાત નથી કહેતા તે એ કે મનોવૃત્તિ તો ચાર "આંતરિક રાજ્યો”માનું એક છે. તમે જો ફક્ત તમારા મનોમંડળ પર જ કામ કરો છો તો તમે તમારા સ્વાસ્થ્યમંડળ, હૃદયમંડળ અને આત્મમંડળને અવગણી રહ્યા છો. આ તો કોઈ ચિત્રના 25% ભાગને પૉલિશ કરવા જેવું થયું.

તમારું હૃદયમંડળ એટલે તમારી લાગણીઓ અને માનસિક સુખાકારી. તે ખૂબ અગત્યનું છે કારણ કે મનોમંડળ શ્રેષ્ઠ હોવા છતાં જો તમારી લાગણીઓ ગૂંચવાયેલી હશે તો તમે શ્રેષ્ઠ પ્રદર્શન નહીં કરી શકો.

સિગમંડ ફ્રોઇડે નોંધ્યું હતું તેમ, "અવાંછિત લાગણીઓ ક્યારેય શાંત નહીં થાય. તે ભીતર ધરબાયેલી રહેશે અને તક મળતાં વધારે ખરાબ રીતે ઊછળી આવશે." તો, હૃદયમંડળ પર ધ્યાન આપો અને તમે તરત જ સુધારો અનુભવી શકશો.

પછી, તમારા સ્વાસ્થ્ય મંડળ – શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. જીવનમાં આગળ આવવાની એક અસરકારક કળ છે દીર્ઘાયુ. ધનકુબેરે હસતાં હસતાં ચીંધ્યું કે તમે ઉદ્યોગપતિ બની ન શકો, જો તમે મરી ગયા હો. શક્યતમ સ્વસ્થ શરીર તમને શ્રેષ્ઠ વારસો રચવા માટે સ્વસ્થ અને પરિણામ લાવનારા કેટલાક વધારે દશક આપશે. શ્રેષ્ઠ વ્યક્તિઓ અનુભવ પરથી જાણે છે કે કસરતને કારણે તમારો દિવસ સુધરી જાય છે. કસરત તમારી ઊર્જા સંકોરશે, તણાવ ઓગાળશે અને મજા વધારશે. પણ, આટલું પૂરતું નથી, હજી એક આંતરિક રાજ્ય કેળવવું બાકી છે.

તમારું આત્મમંડળ, ધનકુબેરે સમજાવ્યું, એટલે કે તમારી આધ્યાત્મિકતા રોજીંદું જીવન. આપણને વારેઘડીએ ઉપરછલ્લી બાબતો અને ભૌતિકતા તરફ ખેંચે છે. આથી, પ્રભાતના શાંત સમયે કેટલીક ક્ષણ પોતાને યાદ અપાવો કે તમે મૂળે કોણ છો. તમારી ભીતરના નાયક સાથે જોડાણ સાધો. ઊઘડતા ઉજાસની નીરવતામાં ધ્યાન ધરો કે આ દુનિયા માટે મૂકી જવા તમારી પાસે શું છે. તમારા આત્મ મંડળ પર ધ્યાન આપો અને તમે તમારી જ શ્રેષ્ઠતા સાથે જોડાઈ જશો.

ઉદ્યોગસાહસિકને આ વાતોની નવાઈ લાગી. તેણે ઉત્સાહથી જણાવ્યું કે આ વાતોએ તેનો પોતાના વિશેનો અભિપ્રાય બદલી નાખ્યો છે. તેને હજી વધારે, આગળ જાણવું હતું--પોતે જે નવું શીખી તે દિવસના પહેલા કલાકમાં અસરકારક રીતે અમલમાં મૂકવા શું કરવું?

ધનકુબેરે જણાવ્યુ કે હવે તે 20/20/20 સૂત્ર સાંભળવા યોગ્ય બની ગઈ છે. પણ, તે માટે મોરિશિયસના પારદર્શક ભૂરા પાણીને છોડીને તેઓ સનાતન શહેર રોમ ગયા. હવે સમય હતો રોમન પ્રજાનાં જુસ્સા, તે શહેરના સ્થાપત્ય અને તેના દિવ્ય ભોજનમાંથી પ્રેરણા પામવાનો.

પ. પાંચ વાગ્યે ઊઠવાથી અસામાન્ય પરિણામો મળે તે બાબત 20/20/20 સૂત્ર નક્કી કરે છે.

રોમના સ્પેનિશ પગથિયાંવાળા સુખ્યાત ચોકમાં પહેલા પગથિયા પાસે ઊભા રહી ધનકુબેર, ઉદ્યોગસાહસિક અને કલાકાર આજુબાજુ જોઈ રહેલા.

હવે સમય થયો છે, ધનકુબેરે કહ્યું, તમારી સર્જનાત્મકતા, પ્રભાવ, ઉપયોગિતા, ધન અને કાર્ય પરિણતિને નવી ઊંચાઈએ કેવી રીતે લઈ જવાય તે શીખવાનો. પાંચ વાગ્યે ઊઠવું પૂરતું નથી. તમે પાંચ વાગ્યે ઊઠીને કલાક સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં, મેસેજ ચેક કરવામાં વેડફો એમ પણ બને અને તેથી તમારો દિવસ સુધરવાનો નથી. તમારો દિવસ સુધરશે 20/20/20 સૂત્ર –જેનો અર્થ છે 20 મિનિટનું હલનચલન, 20 મિનિટનું ચિંતન અને 20 મિનિટ વિકાસ માટે– અમલમાં મૂકવાથી.

પહેલું પગલું છે હલનચલન– 20 મિનિટની જોરદાર કસરત. અહીં અગત્યનું એ છે કે તમે પરસેવો પાડો. કારણકે પરસેવા સાથે તમે કોર્ટિસોલ-ભય માટેનો હોર્મોન પણ કાઢી ફેંકો છો. પરસેવાને કારણે BDNF (બ્રેઇન ડિરાઇવ્ડ ન્યૂરોટ્રોફીક ફેક્ટર) પ્રોટીન સક્રિય થાય છે. BDNF મગજના કોષ રિપેર કરવામાં અને નવાં ચેતાજોડાણો ઝડપથી ઊભાં કરવામાં ભૂમિકા ભજવે છે.

તો, 20 મિનિટ પરસેવો પાડવો એટલે કે તમારી વિચાર ઝડપ વધારવી.

પછી, 5:20 થી 5:40નો સમય ફાળવો ઊંડી શાંતિ અને એકાંતમાં ચિંતન માટે. દિવસની દડમજલ શરૂ થાય તે પહેલાં તમારા માટે સૌથી મહત્ત્વનું શું છે તેનું ચિંતન કરો. ધ્યાનમાં ખલેલ અને સતત મેસેજ, નોટિફિકેશનના આ યુગમાં પોતાની જાત સાથે શાંતિથી થોડી ક્ષણો બેસો. આમ કરવાથી તમે જોશો કે તમારા ચિત્તમાં કેવી કેવી કલ્પનાઓ, સપનાં અને પ્રેરણાઓ તરે છે; તે જોઈને તમે ચકિત થઈ જશો.

આ સમયના તમારા વિચારો નોંધપોથીમાં નોંધતા રહો. તમારી હાલની મહત્ત્વાકાંક્ષાઓ, તમને જેની કદર છે તેવી બાબતો, તમારી હતાશાઓ અને પરાજયને કાગળ પર ઉતારો.આમ કરવાથી તમને તમારો દૃષ્ટિકોણ સમજવામાં અને નકારાત્મક, હાનિકારક ઊર્જા વહાવી દેવામાં મદદ મળશે.

ધ્યાન માટે કેટલીક મિનિટો ફાળવો. સંશોધન કહે છે કે ધ્યાન કરવાથી કોર્ટિસોલનું પ્રમાણ ઘટે છે, તમારી તાણ ઘટે છે. ધ્યાન એ શાંત રહેવાનો સતત અજમાવાયેલો સફળ રસ્તો છે અને મહાન કામ કરનારા હમેશાં શાંત હોય છે.

હવે તમારા પહેલા કલાકની છેલ્લી વીસ મિનિટનો વારો. હવે તમારે વિકાસ સાધવાનો છે એટલે 20 મિનિટ કશુંક શીખવા માટે વાપરો. મહાન વ્યક્તિત્વોની આત્મકથાઓ વાંચી તેમના જીવનનો અભ્યાસ કરો. માણસજાતની માનસિકતા વિશે શીખો, સંશોધનોને લગતી ડોક્યુમેન્ટરી જુઓ કે પછી વ્યવસાય જમાવવાને લગતી ઓડિયો બુક સાંભળો. દરેક ધનપતિમાં જે સામાન્ય લક્ષણ છે તે છે શીખવા માટેનો પ્રેમ.

તો, તમને આ સૂત્ર આપ્યું. સુવાંગ સંપૂર્ણ નિત્યક્રમ, પ્રભાતના તે કલાકને હસ્તગત કરી The 5 AM Clubના સાચા સભ્ય બનવાનો રસ્તો .

૬. The 5 AM Clubની સંભાવનાઓના મહત્તમ ઉઘાડ માટે. ઊંઘને વધાવવી અને "શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓનાં જોડિયા ચક્ર" ખૂબ મહત્વનાં છે.

રોમની સવાર ઊઘડતાં શહેરનો ધબકાર શરૂ થયો ત્યારે ધનકુબેર, ઉદ્યોગસાહસિક અને કલાકાર શહેરના છેક અંદરના વિસ્તારમાં પહોંચી ગયા. તેઓ જ્યારે એક અંધારી ધૂળિયા ટનલમાં ઊતરી રહેલા ત્યારે ધનકુબેરે કહ્યું કે તેઓ કેટાકોમ્બ્સ--પ્રાચીન રોમનો જેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરતા હતા તેવી ભોંયતળિયે રહેલી ગલીઓમાં છે.

કલાકારે આ જગ્યાએ જવાનું કારણ પૂછતાં ધનકુબેરે સમજાવ્યું કે તેઓ સદીઓથી સૂતેલા માણસોની વચ્ચે છે અને ગાઢ નિદ્રાની વાત કરવા માટે તે જગ્યા યોગ્ય છે.

સંશોધનોમાં સાબિત થયું છે કે ઉંમર વિશે અનુમાન લગાવવામાં ઊંઘ એ ચાવીરૂપ પરિબળ છે. તમારા શ્રેષ્ઠ પ્રદર્શનની વાત હોય ત્યારે દિવસનો છેલ્લો કલાક તમે કઈ રીતે પસાર કરો છો તે એટલું જ અગત્યનું છે જેટલું તમે પહેલો કલાક કઈ રીતે પસાર કરો છો તે.

આજકાલ નોંધપાત્ર સંખ્યામાં લોકો અનિદ્રાથી પીડાય છે, જેનું એક કારણ ટેક્નોલૉજી છે. સંશોધનો જણાવે છે કે આપણાં સાધનોનો ભૂરો પ્રકાશ મેલાટોનિન--ઊંઘ લાવનારા રસાયણનું પ્રમાણ ઘટાડે છે. ઊંઘતાં પહેલાં સ્ક્રિન સામે રહેવાથી યોગ્ય ઊંઘ આવતી નથી તેથી તમારે મોડામાં મોડા 8:00 વાગ્યે ટેક્નોલોજિકલ સાધનો બંધ કરી દેવાં જોઈએ. તે પછીનો સમય પ્રિયજનો સાથે વાતો કરવામાં, ધ્યાન કરવામાં, સ્નાન કરવામાં કે પુસ્તક વાંચવામાં વ્યતીત કરવો અને દસ વાગ્યા સુધીમાં સૂઈ જવું. આમ કરવાથી તમે સવારના 5:00નો મહત્તમ ફાયદો લઈ શકશો.

ઊંઘ એ પોતાને તાજગીસભર કરવાનો એકમાત્ર રસ્તો નથી. લાંબા સમય સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓની ચાવી એ છે કે તેઓ જોશભેર, એકાગ્રપણે, શ્રેષ્ઠ કામ કરવા અને હળવા થઈ ફરીથી નવી ઊર્જા મેળવી લેવા વચ્ચે સંતુલન કરી લે છે. આ તે પ્રક્રિયા છે જેને ધનકુબેર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓનું જોડિયાચક્ર કહે છે.

જ્યારે વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શિત કરી રહી હોય ત્યારે જ તેની વિકાસ પામવાની પ્રક્રિયા ચાલુ હોય છે એવું નથી, વ્યક્તિ (પુન:ઊર્જા સંચાર માટે) હળવાશમાં હોય ત્યારે પણ વિકાસ પ્રક્રિયા ચાલતી હોય છે. આવું કેમ તે સમજવું હોય તો, ધનકુબેરે કહ્યું, ખેડૂત સાથે વાત કરો. તે તમને કહેશે કે ખેડ કરવી, રોપણી જેવા સખત મહેનતના કામનો એક સમય હોય છે. પણ તે પછી એક ગાળો પડતર સમયનો આવે છે. પડતર સમય એટલે આરામનો ગાળો. એમ લાગે કે કશું કામ થઈ રહ્યું નથી. હકીકતે, તે પડતર ગાળામાં જમીન રાહત અનુભવે છે અને પોષકતત્ત્વોથી પોતાને સમૃદ્ધ કરે છે. ગાળા પછી નક્કી થાય છે કે પાક કેવો મબલખ થવાનો છે.

આપણાંમાના કેટલાક આ જોડિયા ચક્રમાંના આરામના ગાળાને વધાવતા નથી. ઉદ્યોગસાહસિકે આ વાતમાં હામી ભરતાં કહ્યું કે જ્યારે તે કામ ના કરે ત્યારે પોતાને દોષિત મને છે. પણ, ધનકુબેરે કહ્યું કે સંતુલન અગત્યનું છે. એટલે ફક્ત કામ કર્યે ના રાખો, આરામ, હળવા થવું અને મજા કરવાનું પણ અપનાવો: એમ સમજીને કે શ્રેષ્ઠ પ્રદર્શન માટેની તે ચાવી છે.

સારાંશ

આ પ્રકરણનો મુખ્ય સંદેશ છે :

આપણા નાયકો દિવસના પહેલા કલાકને પ્રતાપે છે. તમારે જો તમારા જીવન પર કાબૂ મેળવવો હોય તો તમારી સવાર પર કાબૂ મેળવો. સવારના 5 વાગ્યે, ધ્યાનભંગ કરનારાં વ્યવધનોથી મુક્ત રહેવાથી ગૂંચવણોવાળા આ કાળમાં તમે તમારી સર્જનાત્મક્તા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાચવી શકશો. અમલમાં મૂકવા યોગ્ય સલાહ :

તમારી ઘડિયાળને અડધો કલાક આગળ સેટ કરો અને સવારના 5 કલાકે ઊઠવા માટે પોતાની સાથે ચાલાકી કરો.

સૌ પહેલાં તો એક એલાર્મ ઘડિયાળ ખરીદો. ટેક્નોલૉજી ધ્યાનભંગ કરે છે અને તે બેડરૂમમાં ના હોવી જોઈએ. એક વાર તમે જૂનવાણી એલાર્મ ઘડિયાળ વસાવો પછી તેનો સમય અડધો કલાક વહેલો ગોઠવો. તે પછી એલાર્મ 5:30નું ગોઠવો. આમ કરવાથી બીજી સવારે જ્યારે તમે એલાર્મ સાંભળીને ઊઠો છો ત્યારે ઘડિયાળમાં 5:30 જોઈ તમે 'મોડુ જગાયું' એમ પોતાની સાથે ચાલાકી કરો છો. એલાર્મ બંધ કરતાંની સાથે પથારીમાથી બહાર આવી જાવ; તમારું નબળું પાસું તમને ઢબૂરાઈ જવા ઉશ્કેરે તે પહેલાં.

The 5 AM ક્લબ વિચારકણિકાઓ:

  • "દરેક બદલાવ શરૂઆતમાં અઘરો, વચ્ચેના ગાળામાં ગૂંચવણભર્યો અને અંતે સુંદર હોય છે."
  • "કળા મારા આત્માને પોષે છે; શ્રેષ્ઠ પુસ્તકો મારી આશાની ઢાલ બને છે, સમૃદ્ધ ચર્ચાઓ મારી સર્જનાત્મકતા ઉઘાડે છે, સારું સંગીત મારા હૃદયને આનંદ આપે છે, સુંદર દૃશ્યો મારા જીવને સુરક્ષાની અનુભૂતિ કરાવે છે."
  • "તમારા દિવસના શરૂઆતના ભાગની ખૂબ કાળજી લો અને તમારો બાકીનો દિવસ આપમેળે ગોઠવાઈ જશે. જાગ્યા ત્યાંથી સવાર, તમારા જીવનમાં લાવો સુધાર."
  • "યાદ રાખો, દરેક વ્યાવસાયિક ક્યારેક શિખાઉ હતો અને દરેક શ્રેષ્ઠ વ્યક્તિ ક્યારેક નવીસવી હતી. સામાન્ય માણસો પણ અસામાન્ય સફળતા મેળવી શકે છે, એક વાર તે સારી ટેવોને પોતાનો નિત્યક્રમ બનાવી લે તે પછી."
  • "અહમ્ માટે ખરાબ દિવસ તે આત્મા માટે સારો દિવસ છે."
  • "તમને એમ લાગતું હોય કે તમારું જીવન અત્યારે ખરાબે ચડેલું છે, તો તેનું કારણ એટલું જ છે કે તમારો ડર તમારી શ્રદ્ધા કરતાં થોડો વધારે મજબૂત છે."
  • "જીવન ટૂંકું છે, તમારી આવડતોને વામણી ના સમજો."