ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/અવાજને ખોદી શકાતો નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:17, 11 November 2023
અવાજને ખોદી શકાતો નથી.
લાભશંકર ઠાકર
અવાજને ખોદી શકાતો નથી!
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો!
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી.
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષર ભૂમિની કાંટાળી વાડને?
આપણી આંખોની ઝાંંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એ ય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો!
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન