ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:26, 16 November 2023


ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ
સૌમ્ય જોશી

આ સ્યોરી કેવા આયો સું ન ઘાબાજરિયું લાયો સું
હજુય દુઃખતું હોય તો લગાડ કોન પર ન વાત હોંભર મારી.
તીજા ધોરણમો તારો પાઠ આવ છ : ‘ભગવોન મહાવીર’.
અવ ભા ના પાડતા’તા તોય સોડીન ભણાવા મેલી મોંડમોંડ
તે ઈણે ઈસ્કુલથી આઈને પથારી ફેરવી કાલ.
ડાયરેક્ટ ભાને જઈન કીધું
ક આપડા બાપ-દાદા રાક્ષસ તો મહાવીરના ભગવોનના કૉનમાં ખીલા ઘોંચ્યા.
હવ ભાની પરશનાલિટી તન ખબર નૈ,
ઓંખ લાલ થાય એટલે શીધ્ધો ફેંશલો.
મને કે’ ઇસ્કૂલેથી ઉઠાડી મેલ સોડીન.
આ તારા પાઠે તો પથારી ફેરવી હાચ્ચન
હવ પેલાએ ખીલા ઘોંચ્યા ઈ ખોટું કર્યું મુંય માનું સું,
પણ ઈન ઓછી ખબર હતી તું ભગવૉન થવાનો
ને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો
ઈનું તો ડોબું ખોવાઈ જ્યું તો ગભરાઈ જ્યો બિચારો
બાપડાના ભા મારા ભા જેવા હશે
આ મારથી ચંદી ખોવાઈ જઈતી તો ભા એ ભીંત જોડે ભોંડું ભટકાઈન બારી કરી
આલી’તી ઘરમોં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારા લીધે
દિમાગ બરાબર તપ્યું હશે તો ઘોંચી દીધાં ખીલા
વૉંક ઈનો શી, હાડીહત્તર વાર ખરો
પણ થોડીક વૉંક તારોય ખરોક નઈ?
અવ બચારો ચ્યોંક જ્યો
તો બે મિનિટ આંશ્યું ફાડીન ઈનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવૉન નો થાત?
તારું તપ તૂટી જાત?
અવ ઈનું ડોબુંય ઈનું તપ જ હતુન ભઈ?
ચલો એય જવા દો
તપ પતાઈન મોટો મા’ત્મા થઈન બધાન અપદેસ આલ્વા મંડ્યો પસીય તન ઈમ થ્યું
ક પેલાનું ડોબું પાસું
અલાઉં?
તું ભગવોન, માર તન બઉ સવાલ નહીં પૂસવા
મુ ખાલી એટલું કઉસું ક વૉંક બેયનો સે તો ભૂલસૂક લેવીદેવી કરીન પેલો પાઠ
કઢાયન ચોપડીમથી
હખેથી ભણવા દેને મારી સોડીન
આ હજાર દેરાં શી તારાં આરસનાં તો એક પાઠ નઈ હોય તો કંઈ ખાટુંમોરું નઈ થાય.
તોય તન એવું હોય તો પાઠ ના કઢાઈસ બસ
ખાલી એક લીટી ઉમેરાય ઈમોં
ક પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ જ્યો સ,
ન ઘાબાજરિયું દઈ જ્યો સ.