ભાષા, સમાજ અને સાહિત્ય/વિશ્વભાષા: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 17:34, 28 November 2023
૪
વિશ્વભાષા
[હમણાં કેટલાક વિવિધભાષી મિત્રો સાથેની વાતચીતમાંથી એક સૂર પકડાયો કે જે રીતે કૃત્રિમ વિશ્વભાષા (international language) નિર્માણ કરવાના પ્રયત્નો થયા (અને એ વખતે અંગ્રેજીને કે રશીઅનને વિશ્વભાષા તરીકે સ્વીકારી નહીં; કારણ એટલું જ કે રશીઅન પ્રચારમાં નહીં અને અંગ્રેજી ભાષા તો ફ્રેંચો બોલે જ શેના?) તે રીતે, ભારતમાં કૃત્રિમ રાષ્ટ્રભાષા (national language) તૈયાર ન કરી શકાય? કારણ કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવતાં દક્ષિણનાં મોટાં ભાગનાં રાજ્યોએ વિરોધ કર્યો છે એટલે એક વ્યવહારુ ઉકેલ તરીકે, ભારતના જાણીતા ભાષાવિદો–ભાષાવિજ્ઞાનીઓની ( ડૉ. સુનીતિબાબુ, ડો. સકસેના, ડૉ. એસ. એમ. કત્રે, ડો. પ્રબોધ પંડિત, ડૉ. કૃષ્ણમૂતિ, ડૉ. સુબ્રહ્મણ્યમ્, ડૉ ગણેશસુંદરમ્, ડો. ખૂબચંદાની વગેરેની) એક એવી સમિતિ બનાવવામાં આવે કે જેઓ ભારતની બધી જ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતા હોય, તે ઉપરાંત પોતે નિષ્ણાત ભાષાવિજ્ઞાની હોય. આ સમિતિ ભારતની બધી જ પ્રાંતિક ભાષાઓની લાક્ષણિકતા ધરાવતી એક કૃત્રિમ ભાષા રાષ્ટ્રભાષા તરીકે તૈયાર કરે તો કેવું? આવી જ એક કલ્પના લગભગ સો એક વરસ ઉપર કૃત્રિમ ‘વિશ્વભાષા' તૈયાર કરવા માટે થયેલી અને આ સો વરસ દરમ્યાન તેના સોએક જેટલા પ્રયત્નો પણ થયા જે બધા અસફળ રહ્યા. આજે કોઈ પણ ઠરાવો કે પ્રયત્નો વિના અંગ્રેજી ધીમે ધીમે ‘વિશ્વભાષા' થઈ રહી છે એટલે દેખીતી રીતે જ ભારતમાં કૃત્રિમ રાષ્ટ્રભાષાનો પ્રયત્ન કેટલો સફળ થાય તે તો ‘વિશ્વભાષા'ના પ્રયત્નોનાં આ પરિણામો જ કહી આપે છે. એમાંય ડૉ. ઝેમેન્હોફનો ‘એસ્પરાન્ટો' નામની કૃત્રિમ ભાષાનો પ્રયત્ન એકમતીના અભાવને કારણે નિષ્ફળ નીવડયો તેમ અહીં પણ એકમતીનો પ્રશ્ન છે જ. વળી બીજી અનેક ગૂંચવણો પણ ઊભી થાય. આ ઉપરાંત અત્યારે, આમે, હિંદીની બોલીઓ અને હિંદી જેવી જ લાક્ષણિકતાઓ ધરાવતી અન્ય ભાષાઓ બોલતા ભારતીય પ્રજાજનોની સંખ્યા ઓછી થતી નથી. એટલે સારો રસ્તો તો કૃત્રિમ રાષ્ટ્રભાષા તૈયાર કરવાની ચર્ચાઓ ઊભી કર્યા વિના હિંદીને જ ઓછા સમયમાં સરળતાથી કઈ રીતે શીખવી શકાય તેનું સંશોધન કરવાનો છે. દરેક પ્રાંતીય ભાષાનું અને હિંદીનું Contrastive Grammar તૈયાર કરીને, દરેક ભાષા માટે હિન્દીના ખાસ પાઠો તૈયાર કરવા જોઇએ. કૃત્રિમ રાષ્ટ્રભાષાના વિચારના સંદર્ભમાં ‘વિશ્વભાષા' વિશેની આ વિગતો જાણવી રસપ્રદ થશે, ] વૈજ્ઞાનિક પ્રગતિને કારણે જગત દિવસે દિવસે નાનું થવા માંડ્યું. એક દેશમાંથી બીજા દેશનાં માણસોની અવરજવર વધી, અન્ય દેશોમાં વસવાટ વધ્યો, વેપારરોજગાર વધ્યા, અવગમન વધ્યું અને એમ ઘણું વધ્યું. આ કારણે છેલ્લાં સોએક વરસથી આંતરરાષ્ટ્રિય ભાષા અથવા વિશ્વભાષાનો વિભાવ કામ કરતો થયો છે, ઘણા લોકોએ આ છેલ્લી સદીની અંદર એક વિશ્વસરકાર અને એ જ રીતે એક વિશ્વભાષાનાં સ્વપ્નો જોયાં છે અને એમ કરીને વિશ્વશાંતિ સિદ્ધ કરવાની કલ્પના કરી છે. લોકોને લાગ્યું કે વિશ્વભાષા આવિષ્કાર થાય તો સહકારની, અવગમનતી, વિજ્ઞાનની સિદ્ધિઓના પ્રચાર–પ્રસારની એવી અનેક સમસ્યાઓનો ઉકેલ શોધી શકાય.
આ ઉપરાંત, છેલ્લાં ચોવીસેક વરસ દરમ્યાન વિજ્ઞાનની મોટી સિદ્ધિરૂપે કોમ્પ્યુટર મળ્યાં. (ઈ.સ. ૧૯૪૪થી કોમ્પ્યુટરની શરૂઆત ગણી શકાય.) વળી છેલ્લાં પંદરેક વરસથી યંત્ર-અનુવાદ (કોમ્પ્યુટર-ટ્રાન્સલેશન)ની દિશામાં પ્રયત્નો શરૂ થયા એટલે એ અનુવાદપ્રક્રિયામાં સરળતા થાય એ ખાતર વળી પાછી વિશ્વભાષાની જરૂર જણાઈ. મૂળ તો, એમ માનવામાં આવ્યું કે આવી કોઈ વિશ્વભાષા હોય તો મૂળ ભાષામાંથી એક વાર વિશ્વભાષામાં યંત્ર-અનુવાદ થઈ થઈ જાય પછી તેમાંથી અનેક ધ્યેય ભાષાઓમાં (target languagesમાં) યંત્રઅનુવાદ કરવો સરળ પડે. પણ આ વિચાર કંઈ બહુ વાસ્તવિક સિદ્ધ થયો નથી. વિશ્વભાષાના નિર્માણ માટેના અત્યાર સુધીમાં (છેલ્લાં સોએક વરસો દરમિયાન) સો ઉપરાંત પ્રયત્નો થયા છે. આમાં ઇન્ટરલીન્ગ્વા, કોસ્મોસ, ઑકિસડેન્ટલ, પાર્લા, સ્પેાકીલ, ઇડો, યુનિવર્સલા, નોનાલ વગેરે અનેક પ્રયત્નોમાં વાલાપુક અને એસ્પરાન્ટો એ બે પ્રયત્નોએ સારી ચર્ચા ઊભી કરી અને બધાંનું ધ્યાન ખેંચ્યું. આ પ્રયત્નોમાં ડી સુસુર (નોવ એસ્પરાન્ટો) અને યેસ્પર્સન (નાતાલ–ઈ.સ. ૧૯૨૮) જેવા ભાષાવિજ્ઞાનીઓ પણ પ્રવૃત્ત થયેલા. ઈ.સ. ૧૮૭૯માં શ્રી. જે. એમ. સ્કલેયર નામના બવેરીઅન પ્રજાજને ‘વાલાપુક' વિશ્વભાષાના નિર્માણનો પ્રયત્ન કર્યો. એ પછી પૉલિશ ફિઝિશ્યન ડૉ. ઝેમેન્હોફનો ઈ.સ. ૧૮૮૭માં ‘એસ્પરાન્ટો’ વિશ્વભાષાના નિર્માણનો પ્રયત્ન નોંધપાત્ર ગણી શકાય. આ ‘એસ્પરાન્ટો' શબ્દમાંના મૂળ ધાતુ esperનો અર્થ થાય છે hope, ડૉ. ઝેમન્હોફનો પ્રયત્ન ખરે જ આશા આપનારો હતો. એક રીતે તે રોમાન્સ ભાષાઓનું સરળ સ્વરૂપ હતું. રોમન લિપિનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે રીતે લખાય તે જ રીતે બોલાય એવી રચના એમાં થયેલી. દરેક નામના અંત− ‘ઓ'થી આવતો અને દરેક વિશેષણનો અંત– ‘આ’ થી આવતો. દરેક શબ્દમાં છેલ્લાની પહેલાનોં અક્ષર (syllabe) સ્વરભાર સાથે (with stress) બોલાતો, જે અલબત્ત, કામયાબ ( functional ) ન હતો. આમાં અંગ્રેજી ભાષાના બધા ડેફિનેટ આર્ટિકલ્સ રાખવામાં આવેલા અને ઇન્ડેફિનેટ આર્ટિકલ્સ પડતા મૂકવામાં આવ્યા હતા. ઉપરાંત, ફ્રેંચ ભાષાના ‘Le'—એ આર્ટિકલને એમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મોટા ભાગનો શબ્દકોશ લેટિન ભાષાનો હતો અને તેમાંના મોટા ભાગના શબ્દો પશ્ચિમ યુરોપમાં પ્રચલિત હતા. આ ભાષા યુરોપના દેશો માટેની સાંકળરૂપ ભાષા (Link language) તરીકે ઉપયોગમાં આવે એવી હતી એમ કહી શકાય. બાકી એશીએન અને આફ્રિકન દેશોની ભાષાના ભાષકો માટે તો અંગ્રેજી ભાષા શીખવી અને આ ભાષા શીખવી એ બંને સરખા જ પ્રયત્નો માગી લે એમ હતું. જોકે કૃત્રિમ ભાષાનું નિર્માણ કરવાના આ બધા પ્રયત્નો એક રીતે સાચી દિશામાં હતા કારણ કે અંગ્રેજી કે રશીઅનના સરલીકરણ કરેલા સ્વરૂપને વિશ્વભાષા બનાવવાનો પ્રયત્ન થયો હોત તો બધા એને સ્વીકારત કે કેમ તે શંકાસ્પદ હતું. (રશીઅન તો આમ પણ એટલી પ્રચારમાં નથી. અને અંગ્રેજી આખા જગતમાં લગભગ પ્રચારમાં છે છતાં ફ્રેંચો અંગ્રેજી ભાષા બોલવાનું પસંદ શેના કરે ?) એટલે જે પ્રયત્નો હતા તે બધા વિશ્વની બને એટલી વધુ જાણીતી ભાષાઓની લાક્ષણિકતાઓ સમાઈ જાય એ દિશામાં હતા. થોડાં વરસો પહેલાં કેટલાક આગળ પડતા ભાષાવિજ્ઞાનીએ દ્વારા IALA (International Auxiliary Language Association) અસ્તિત્વમાં આવ્યું હતું. તેણે પણ વિશ્વની જાણીતી ભાષાઓની લાક્ષણિકતાઓ નજર સામે રાખીને વિશ્વભાષાનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બધા પ્રયત્નો અત્યાર સુધી અસફળ રહ્યા છે એનું કારણ એ ગણાય છે કે મોટે ભાગે આ વિશ્વભાષાઓનું નિર્માણ યુરોપની ભાષાઓને નજર સામે રાખીને થયું એટલે ચીની, મલયાયમ, જાપાની, તેલુગુ, બંગાળી વગેરે અનેક ભાષાઓ બોલતા ભાષકોનું શું? અને બધી ભાષાઓની લાક્ષણિકતાઓ એક જ ભાષામાં સમાવવી તો અશક્ય છે. જોકે ભાષાની મૂળભૂત લાક્ષણિકતા જ વિશ્વભાષાના આ પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે. જેવી વિશ્વભાષા પ્રચારમાં આવે કે થોડાં ગણતરીનાં વરસોમાં જ ભાષાવ્યવહારની ઘનતાના સિદ્ધાંત પ્રમાણે તે અનેક બોલીઓમાં વિભાજિત થઈ જાય. અને પછી એ દરેક બોલી વળી પાછી લાક્ષણિકતાઓ દૃઢ કરતી જાય. આજે હિંદીંગ્લિશની લાક્ષણિકતાઓ ઈસ્ટેશન (Station), ઇસ્ટાર્ટ (Start), ઈસ્ટાર (Star) વગેરે જાણીતી છે તો દક્ષિણ ભારતીઓ જે અંગ્રેજી ભાષા બોલે છે તેની ‘યીન્ડીઆ' (India), ‘વોન્લી' (Only) વગેરે લાક્ષણિકતાઓ પણ જાણીતી છે. વિશ્વભાષાની જે બોલીઓ થાય તેનું પણ આવું જ થવાનું અને આપણે જાણીએ છીએ કે સુરત પાસેનો ખલાસી અને ગિરના નેસડાઓમાં રહેતો મેર, આમ તો એક જ ગુજરાતી ભાષા બોલે છે, પરંતુ તેઓને ભેગા કર્યા હોય તો બંનેને માટે એકબીજાની ભાષા ન સમજાય તેવી જ હોય છે. વિશ્વભાષાનું પણ એવું જ ભાવિ થાય. વળી ભાષાના વાક્ય દ્વારા જે અર્થનું અવગમન થતું હોય છે તે સંદર્ભ ઉપર આધારિત હોય છે. દેખીતી રીતે સંસ્કૃતિએ સંસ્કૃતિએ સામાજિક, ધાર્મિ ક વગેરે અનેક સંદર્ભો જુદા જુદા હોવાના અને એ સંદર્ભનું પાછું અર્થઘટન પણ જુદું જુદું હોવાનું. આને કારણે વિચારો સ્પષ્ટ થવાને બદલે વધારે ગૂંચવાવાના. અને જે વિશ્વશાંતિને અથવા તો વિશ્વની અનેક સમસ્યાઓને હલ કરવા માટે આ વિશ્વભાષાની કલ્પના કરવામાં આવી છે તે સમસ્યાઓ કે સંઘર્ષોંનું કારણ ભાષાની અડચણો કે ભાષા પોતે નથી. ઉત્તર ભારતમાં જે તોફાનો થયાં કે દક્ષિણ ભારતમાં પ્રજાજનોએ જે ટ્રેનો બાળી તેનું કારણ ભાષા નથી. એક જ ભાષા બોલતા બે સમાજો કે દેશો ક્યાં નથી ઝઘડતા? અને ભિન્ન ભાષા બોલતા માનવો પણ ક્યાં શાંતિથી નથી રહેતા? આ સંઘર્ષો, અશાંતિ કે સમસ્યાઓનાં કારણો તો ઘણાં જાણીતાં છે. સ્વાર્થ, ઈર્ષ્યા, મહત્ત્વાકાંક્ષા વગેરે અનેક. અને એ બધાં કારણો તો દેખીતી રીતે બિનભાષાકીય છે. એટલે એ સમસ્યાઓ તો, સમગ્ર માનવજાત એકજ ભાષા બોલે(જોકે એ ભાષાકીય રીતે અશક્ય છે છતાં માની લઇએ કે બોલે) તોયે એની એ જ રહેવાની છે. એટલે બૌદ્ધિક રીતે તટસ્થ સ્વસ્થ રહીને આ આખા પ્રશ્નને જોવાથી જ આ સમસ્યાઓ દૂર કરી શકાય. તાત્ત્વિક રીતે એને આપણે ભાષાવાદનું ઝનૂન પણ ન જ કહી શકીએ. ભાષાવિજ્ઞાનના અભ્યાસીઓ બહુ બહુ તો ભાષા વિશેનો બૌદ્ધિક-તટસ્થ-સ્વસ્થ દૃષ્ટિકોણ પૂરો પાડી શકે એથી વધુ કંઈ નહીં.