દ્વિરેફની વાતો - ભાગ ૧/પ્રારંભિક: Difference between revisions
(Created page with "{{SetTitle}} <center><big><big>'''બે બોલ'''</big></big><center> {{Poem2Open}} વાર્તા લખવાની સ્વયંભૂ ઇચ્છા મને કદીયે થયેલી નહિ. તરંગો થયેલા પણ તે માત્ર તરંગો જ, સ્ફૂટ ઇચ્છા નહિ. પણ માથે પડયું માણસ શું નથી કરતો? 1922ની આખરમાં કે ’23ન...") |
(No difference)
|
Revision as of 04:48, 10 December 2023
વાર્તા લખવાની સ્વયંભૂ ઇચ્છા મને કદીયે થયેલી નહિ. તરંગો થયેલા પણ તે માત્ર તરંગો જ, સ્ફૂટ ઇચ્છા નહિ. પણ માથે પડયું માણસ શું નથી કરતો?
1922ની આખરમાં કે ’23ની શરૂઆતમાં એક વિદ્યાર્થીમિત્ર ‘કલ્લોલ’ નામના હસ્તલિખિત સામયિક માટે મારી પાસે એક લેખ લેવા આવ્યા. માસિકમાં મારા પહેલાં એક અધ્યાપકે વાર્તા લખી હતી તે જોઈ મને પણ આવા ખાનગી માસિકમાં વાર્તા લખવાનું મન થયું. કેટલાંક વર્ષો પહેલાં ‘સ્ટ્રૅન્ડ મૅગેઝીન’માં એક વાર્તા વાંચેલી. તેના સંસ્કારો, ચિત્તશાસ્ત્રના એકબે નિયમોરૂપે મારા મનમાં હતા. એક તો એ કે કોઈ પણ કાર્ય એક માણસે કર્યા પછી ‘તે હું પણ કરી શકત’ એવો વિચાર લગભગ દરેક માણસને થવા લાગે છે; અને બીજો એ કે, એ વિચાર સેવતાં એટલો દૃઢભૂમિ થાય છે કે ‘તે મેં જ કર્યું હતું’ એવો ભ્રમ તેમાંથી ઉત્પન્ન થાય છે. આ નિયમોને મૂર્ત રૂપ આપવા મેં એક નાની વાર્તા1 એ ભાઈને ઘસડી આપી. ‘વીણા’ માટે ભાઈ યશવંત પંડયાએ મારી પાસે વાર્તાની માગણી કરતાં, ‘કલ્લોલ’માંથી તેની નકલ કરી મંગાવી એને તેને જરા મઠારીને ‘વીણા’માં પ્રસિદ્ધ કરી. પ્રસિદ્ધિ સમયના એક સાહિત્ય યોજનાને લગતા વિવાદને અનુલક્ષી એ લખાઈ છે એવો મત ચાલ્યો હતો, પણ તે માત્ર સમયનો અકસ્માત જ હતો.
વાર્તા લખવાનું, ‘યુગધર્મ’ ચાલતું હતું ત્યારે ખરેખર માથે આવ્યું. ‘યુગધર્મ’માં વાર્તાનું અંગ ઉમેરવાનો નિશ્ચય થયો ત્યારથી મેં વાર્તા લખવાનું શરૂ કર્યું. એ પ્રવૃત્તિ ‘યુગધર્મ’ ચાલ્યું એટલો વખત ચાલી, ‘યુગધર્મ’ બંધ પડતાં પાછી બંધ પડી; ‘પ્રસ્થાન’ શરૂ થતાં પાછી શરૂ થઈ. સંગ્રહના અંતમાં મૂકેલી સૂચિ ઉપરથી તે જોઈ શકાશે.
આ સંગ્રહમાં ‘યુગધર્મ’માં અને ‘પ્રસ્થાન’માં અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ એકઠી કરી મૂકી છે. કોઈ શબ્દોની હેરફેર કે જરૂરની લાગેલી નાની વિગતોની ઉમેરણી સિવાય વાર્તાઓ મૂળરૂપે જ મૂકેલી છે. છેલ્લી વાર્તા નવી છે. વાર્તા લગભગ પ્રસિદ્ધિના અનુક્રમે મૂકેલી છે.
ઉપર જણાવ્યું તેમ ‘એક પ્રશ્ન’ અંગ્રેજી વાર્તાના સંસ્કારો ઉપરથી લખેલી. પછીથી કોઈ પણ વાર્તાનું અનુકરણ કર્યું નથી.
આ પ્રસિદ્ધિને અંગે એક બે ખુલાસા કરવા જરૂરના છે. મારા એક મુરબ્બી સાક્ષરે ‘માસિક મનન’માં લખેલું કે દ્વિરેફે હવે ‘ફઈએ પાડેલા’ નામ સાથે બહાર પડવું જોઈએ છતાં આ વાર્તાઓ સ્વયંકૃત નામ સાથે બહાર પાડી છે. ‘ફઈએ પાડેલા’ નામ માટે કોઈ ખુલાસો માગતું નથી, પણ પોતે પાડેલા નામ માટે તો, અને તે પણ માસિકમાં કકડે કકડે લખવામાંથી પુસ્તકાકારે વાર્તાઓ બહાર પાડવા જેટલી ધૃષ્ટતા કરું ત્યારે તો, ખુલાસો કરવો જોઈએ.
અને તે ખુલાસો મેં થોડો તો પહેલાં કર્યો છે. વાર્તાલેખનને હું મારી મુખ્ય પ્રવૃત્તિ માની શક્યો નહોતો, અત્યારે પણ માની શકતો નથી. મારી મુખ્ય પ્રવૃત્તિ, ઇષ્ટ પ્રવૃત્તિ જુદી છે; અને આવી ગૌણ અને સ્ખલિત પ્રવાહવાળી પ્રવૃત્તિને નામનો ઠઠારો શો કરવો એમ મારા મનમાં.
અને બીજું કારણ તો કદાચ સર્વ લેખકોને સામાન્ય હશે; સરસ્વતીદેવીના પદે મોટું કે નાનું, તાજું કે વાસી ગમે તેવું ફૂલ ધરતાં કયા સાહિત્યોપાસકને પ્રથમ સંકોચ નહિ થયો હોય! શૉપનહાઉર કહે છે કે સત્યદેવતા કોઈ ગણિકા નથી કે તેમને ખુશ કરવા તે હાવભાવ કરતી આવે! એ તો એક અતિ શરમાળ કુમારિકા છે, જે માંડ માંડ ઘણી ઉપાસનાને અંતે એકાદ કૃપાકટાક્ષ કરે! હું સત્યદેવતાને જ રૂપાન્તરે કલાદેવતા સમજું છું અને સરસ્વતી તો દુરારાધ્ય મુગ્ધ કુમારિકા છે. ગમે તેવો ધૃષ્ટ ઉપાસક પણ તેની પાસે જતાં નામનો પટંતર રાખે છે. અને આ નામરૂપ જગતમાં હવે મને એ નામનો મોહ થયો છે.
દ્વિરેફનો અર્થ પણ મારે કરી આપવો પડશે. એ શબ્દનો રૂઢ અર્થ ભ્રમર થાય છે, પણ પુષ્પોમાંથી મધ ભેગું કરી આપનાર ભમરો હોવાનો હું દાવો કરતો નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી અને મારી ઘણીયે વાર્તા કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહિ પણ યૌગિક અર્થમાં દ્વિરેફ છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ બે રેફ – રકાર છે.
તે હું હવે મારી વાર્તાઓ ભેગી કરી ગુજરાત સમક્ષ રજૂ કરું છું. કહે છે કે ધીરો ભક્ત કાવ્યો લખીને તેને વાંસની ભૂંગળીઓ કે બીજા કશામાં બંધ કરી મહી નદીમાં તરતાં મૂકતો અને લોકો તેને લઈ જઈ સંઘરતા. એ સંતકવિ જેટલી શ્રદ્ધા કે રમતિયાળ બેપરવાઈ હું કેળવી શક્યો નથી. છતાં હું પણ આ વાર્તાઓ તરતી મૂકું છું. તેમાંથી કોઈ ઉદ્ધરાવી હશે તો ઉદ્ધારાશે, નહીં તો સમયપ્રવાહમાં કે દૃષ્ટિપારના કાલમહાસાગરમાં લુપ્ત થશે.
માઘ વદ 5, 1984 [ઇ. 1928] રામનારાયણવિ. પાઠક અમદાવાદ