દ્વિરેફની વાતો - ભાગ ૧/૧૧. નવો જન્મ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 05:16, 10 December 2023
આખા ગામમાં સર્વત્ર હાહાકાર થઈ ગયો હતો. આખા ગામની વસ્તી માત્ર બે જ જગાઓ હતીઃ પુરુષો સર્વ સ્મશાને ભેગા થયા હતા અને સ્ત્રીઓ સર્વ ઝમકુકાકીને આંગણે કૂટતી હતી. ગામમાંથી રૂપચંદની લાશ કાઢી ત્યારે ખરે બપોરે પણ ગામમાં પુરુષોની પોકનો પડઘો પડયો હતો. દરેક મહોલ્લે છોકરાં ભય અને કુતૂહલથી ચકિત નયને આ દૃશ્ય જોઈ રહ્યાં હતાં. મહોલ્લાનાં કૂતરાં આ ભયંકર અમંગળ અવાજમાં પોતાનો અવાજ પૂરતાં હતાં. સ્મશાનમાં બીજા કોઈ મરણમાં તો માણસો ગામની વાતો કરે, કે મરનારની વાતો કરે, કે ભૂતભવિષ્ય ઉખાળીને બેસે, —સ્મશાન એ નાતનું કે ગામનું એક સ્વાભાવિક સભાસ્થાન છે – પણ આજે તો વૃદ્ધ ચિતા સામું જોઈ અવાક બેઠા હતા, અને કેટલાક યુવાનો મડદું બાળવાના કામમાં અત્યંત વ્યાપૃત હતા. તે સિવાય બીજાઓ માત્ર ઝમકુકાકીની, રૂપચંદની અને તેમના ઘરની જ વાતો કરતા હતા. ઝમકુકાકીના પતિ મૂળચંદ શેઠની જાહોજલાલી, તેની ઘરાકી, તેની ઉદારતા, કંઈક વાણિયાઓને ભીડના વખતમાં તેણે બચાવી લીધેલા, કંઈક બ્રાહ્મણોની દીકરીઓ પરણાવી આપેલી, અભ્યાગત તો તેમને ઘેરથી કદી પાછો ફરે જ નહિ. ઘેર ત્રણ દીકરા મોટા લથડબથડ શરીરવાળા, બે તો ઘોડીઓ, અને મોસમમાં ઘોડીએથી જીન કદી ઊતરે નહિ; ફરતાં ચાલીસ ગામનો વહીવટ મૂળચંદ શેઠને ઘેર. મૂળચંદ શેઠ ભાવ કરે તે થાય, અને પંચમાં પુછાય. પછી દહાડો ફર્યો. મૂળચંદ શેઠ ઉમ્મર થયે ગુજરી ગયા. છોકરાઓએ રૂડી ચોકડી કરી ફરતાં ગામ જમાડયાં. એનો સામાન લાવતાં વચેટ કળસચંદ ઘોડીએથી પડયો, તે ફરીથી ઊભો થયો નહિ. મહિનાનો ખાટલો ભોગવી બાપની પાછળ ગયો.
આખું કુટુંબ બેઠું હોય ત્યારે રૂડું ગોકળિયું લાગે. છોકરાંનાં છોકરાં રમતાં હોય અને ઝમકુકાકી રેશમી મગિયું પહેરી વહુવારુને કામ ચીંધતાં હોય. પણ કુટુંબ દાંતના માળતા જેવુ છે. બત્રીસમાંથી એક પડતાં આસપાસના બધા હલવા લાગે અને એક પછી એક પડી જાય તેમ કુટુંબમાંથી એક જતાં બધાં ખસવા લાગે છે. પહેલો પ્લેગ થયો તેમાં મોટો દીકરો અને નાનો તથા નાનાની વહુ મરી ગયાં. પછી જાત્રાએ ગયાં ત્યાં રાત્રે એક ઘરમાં ઉતારો કર્યો હતો તે ઘર પડયું અને મોટાની વિધવા, તેની એકની એક દીકરી અને નાનાનાં બે છોકરાં દટાઈ મૂઆં, છેવટે વચેટની વહુ પણ નાના રૂપચંદને મૂકી મરી ગઈ. વરસ એકબીજાને ખાતાં આવે તેમાં ઘણી આસામીઓ તૂટી, છોકરાંની નાનમ પડી. ઘરમાં કોઈ કરનાર નહિ અને ઝમકુકાકી ઘરની રહીસહી સમૃદ્ધિ સાચવી માત્ર આ એક કુળદીવા ઉપર નજર રાખી જીવનની અંધારી રાત કાઢતી હતી.
દુઃખમાં પણ ઝમકુકાકીએ ધીરજ ઘણી રાખી. ઘરનું કોઈ દિવસ તેણે ખોટું દેખાવા દીધું નથી. કમાનાર નથી. કમાનાર નહિ અને વેપાર બંધ થયો એટલે પહેલાં જેટલા મહેમાન તો હવે શેના આવે, પણ ઘરની પ્રતિષ્ઠા તેણે સાચવી રાખી. મહેમાનગતિ તેની તેવી ને તેવી જ હતીઃ ઘરમાં ક્યાંથી આવે છે તે ગામના કોઈ માણસને તેણે કદી જણાવા દીધું નહોતું. ઘરની પ્રતિષ્ઠા અને ડોશીની સલાહથી રૂપચંદની સગાઈ પણ પંદર વરસે થઈ. રૂપચંદ જૂના ચોપડા જોતો થયો હતો. નજર પહોંચે તે પ્રમાણે વેપાર કરતો હતો. ધીમે ધીમે તેના ઘરની અસલ જગા બહાર લેતો હતો. માત્ર સોળમે વરસે પાલિતાણાની યાત્રાને નિમિત્તે જ તેનો વિવાહ બાકી રહેલો; સોળ વરસ પૂરાં થયાં, યાત્રા કરીને ડોશી ને દીકરો પાછાં આવ્યાં, અને લગન લેવાની વાતો થાય છે ત્યાં રૂપચંદને તાવ આવ્યો; પડખામાં શૂળ ચાલ્યું, અને વૈદોએ સન્નિપાત કહ્યો. એકવીસ દિવસની લાંઘણે તેને મગનું પાણી પાયું. ફરીથી ઝમકુકાકીનું મોં ઊજળું થયું. પણ રૂપચંદનું શરીર વળ્યું નહિ. ઝીણો તાવ લાગુ પડયો, અને તેમાંથી ક્ષય રોગ થયો. લોકોએ ઘરનું નામ રાખવાને દીકરાને પરણાવી નાખવા સલાહ આપી. પણ ઝમકુકાકીએ કહ્યું કે મારો દીકરો સાજો થશે ત્યાર જ પરણાવીશ. ઘણીયે માનતા કરી, બકરીના દૂધ ઉપર રાખ્યો, ખાટલા આસપાસ બકરાં બાંધ્યાં, પણ શરીર ઘસાતું જ ગયું અને છેવટે ઝમકુકાકીની અનેક આશાઓનો એ એક તંતુ પણ તૂટી ગયો.
સાંજે સ્મશાનેથી સૌ પાછા ફર્યા. રસ્તામાં સ્ત્રીઓ કૂટતી હતી તે જોવા હું અવશ થઈ ઊભો રહ્યો. એ ભય, નિરાશા, કલ્પાન્ત, મૃત્યુ, અમંગળતાની એવી ઊંડી વિકરાલ છાપ મારા મનમાં પડી કે તે હજી ગઈ નથી.
ગામમાં ઝમકુકાકીના ઘરથી બીજે નંબરે અમારું ઘર. ગામની રીત મુજબ ઝમકુકાકીને અમે અમારે ઘેર ભડકું ખાવા લઈ આવ્યા. સાંજે એમણે તો શું પણ અમે કોઈએ ખાધું નહિ. બચ્ચાંઓ પણ આ બનાવથી ચૂપ થઈ આખા દિવસના થાકથી ખાવાનું માગ્યા વિના ઊંઘી ગયાં. ચોફાળ પાથરી અમે સર્વ રાત ગાળવા સૂતાં, ઊંઘ્યાં, પણ એ ઊંઘ નહોતી, મૃત્યુની પાંખ જાણે હતી. ઊંઘમાં પણ એક ચિત્કાર જાણે સતત લંબાતો હોય એમ લાગતું હતું. પડખેનાં ઓરડામાંથી ઝમકુકાકીના લાંબા નિસાસા અને વચમાં નામસ્મરણો, વળી રૂપચંદને આશ્વાસનનાં વચનો, તેને પરણાવવાના કોડ, એવું અસંબદ્ધ આવ્યા કરતું હતું. ઊંઘમાં ત્રણ વાર તેમણે રડવાનું ઠૂસકું મૂક્યું, એટલું લાંબું કે અમને ભય થયો કે ડોશીનો શ્વાસ વળશે નહિ અને ઠૂસકામાં જ ક્યાંક મરી જશે. પણ પહેલાંનું શરીર આટલા દુઃખ સામે પણ, અનિચ્છાએ પણ વેરીની ગરજ સારતું ટકી રહ્યું.
બીજે દિવસે ભડકું કર્યું. ડોશીને ખાવાનો આગ્રહ કર્યો. આપણું જીવન ભલે રૂઢિચુસ્ત હોય પણ કેટલીક રૂઢિઓમાં રહસ્ય છે, અર્થ છે. ઝમકુકાકીને અમે જમાડવા લઈ ન ગયા હોત તો પોતાને ઘેર પોતાની મેળે કોણ જાણે ક્યારે ખાત. મારાં મા અને પત્નીના આગ્રહથી અને ખાસ કરીને તો ધાવણા બચ્ચાને ધાવણ નહિ આવે એ લાગણીથી ભડકું ખાવા બેઠાં, પણ જીવ, ખાવાની સામે એક અડગ વિરોધ કરતો હતો, તેમણે ખરાં થઈ કોળિયો મોંમાં તો મૂક્યો, પણ તે ગળે ન ઊતર્યો. મોંમાંથી થૂંક જ ન નીકળ્યું, અને કોળિયો ગળામાં બાઝી રહ્યો. ડોશીનો શ્વાસ અટક્યો, ડોશી ખેંચાવા લાગ્યા. મારી બાએ મને બોલાવ્યો. ડોશીનું મોં નીચું કરી ઉપરથી ભાર દઈ મેં કોળિયો કાઢી નંખાવ્યો. ત્યારે ડોશીએ શ્વાસ લીધો. ખાવાનું પડયું મૂક્યું. મેં ચા પીવાની સૂચના કરી પણ મારી બાએ મને સમજાવ્યો કે તેમાં ખાંડ આવે તે ન લેવાય. એ દિવસ આખો ડોશીએ ખાધા વિના કાઢયો. માત્ર બહારના માણસો આવે તેની સાથે કૂટે તે સિવાય ડોશીના જીવનની કશી નિશાની રહી નહોતી.
ડોશીને ઉપવાસનો ત્રીજો દિવસ થયો. ભૂખ્યા પેટમાં વાયુ થયો, ઓડકાર આવવા લાગ્યા, અનો ગોળો ચડયા જેવું થઈ ડોશી પડી ગયાં. અમે બધાં ચિંતામાં પડયાં. મારી પત્નીને માટે ઘેર સોડા બનાવવાની ટીકડીઓ હું લાવેલો હતો તેમાં થોડું જિંજર નાખી મેં ડોશીને પાયું. ડોશીને શાંતિ વળી, હાશ કરીને બેઠાં થયાં. તે દિવસે તેમણે થોડું ખાધું.
ચોથે દિવસે ડોશીએ ઘેર જવા ઇચ્છા બતાવી. હું કૂંચીઓ લઈ આગળ થયો. ધીમે રહી તાળું ઉઘાડયું. મોટાં ભારે વેણીબંધ કમાડ ધીમે ગંભીરતાથી અવાજ કરતાં ઊઘડયાં. તેથી જાણે મૃત્યુની નીરવતા જાગ્રત થઈ. રૂપચંદનો ખાટલો અને ઘરની એકેએક ચીજ મૃત્યુને જ તાજું કરી આપતી હતી. હું જાણે મૃત્યુની જ સમક્ષ આભો થઈ ઊભો રહ્યો. ડોશી તો આવતાં જ બારણા આગળ ઢગલો થઈ પડયાં. ઘરમાંથી ઍમોનિયમ મંગાવી મેં સૂંઘાડયું અને ઘેરથી ગરમ મસાલાનો ચા કરી પાયો. રાત્રે ડોશીએ ખીચડી કરી પણ એકલાં ઘરમાં ભાવી નહિ. કૂતરાંને નીરી દીધી.
બીજે દિવસે હું જ ઘેરથી ચા લઈ ગયો. ડોશીએ પીધી. બપોરે પાછો ખીચડી લઈ ગયો. ખીચડીમાં ઘેરથી ઘી નાખીને લઈ ગયો હતો. આજ પાંચમે દિવસે ડોસીએ ‘આંધળા આંતર’ ભર્યાં. જમી રહ્યા પછી ડોશીએ કહ્યું કે પેટમાં બહુ ભાર થઈ ગયો છે. મને લાગ્યું કે ઝાઝે દિવસે પેટ ભરની જમ્યાં છે તે ક્યાંક પચશે નહિ. મેં ફરી જિંજર પાયું અને સાંજે ગરમ ચા પાઈ.
હમેશાં સવારે અને ચા મોકલવા માંડી. ડોશી હમેશાં બપોરે આવી અમારે ત્યાં બેસે ત્યારે તેને કાંઈક સાંત્વન વળે. ઘેર ડોશીને ફાવે જ નહિ. અમે છાની રીતે તેમને જમાડવા લાગ્યાં. દિવસો વીતવા લાગ્યા. દુઃખ કંઈક વિસારે પડવા લાગ્યું.
એક દિવસ ડોશીએ સોડા બનાવવાની ટીકડીઓ શેની બને એ પૂછયું, બાએ તે બનાવી આપવા કહ્યું, પણ ડોશીના મોંમાંથી સ્વાભાવિક રીતે ના જ નીકળી પડી. અમે પણ તેમને ખરાબ લાગે ધારી વધારે આગ્રહ કર્યો નહિ. પણ કલાક પછી ડોશીને ગોળો ચડવાં જેવું થયું અને તેમને જિંજર પાવું પડયું, પીવું પડયું.
મને લાગ્યું કે ડોશીને આટલે વર્ષે ચાની અને જિંજરની ટેવ પડશે, પણ જે ડોશીના હાથથી નાનપણમાં મેં મીઠાઈ ખાધેલી, જેણે મને વારપરબે અનેકવાર ભાગ આપેલો, ઘણાં જ વહાલથી મને ઘેર બોલાવી અનેક પ્રસંગે જમાડેલો, તેમને વિશે આવી કલ્પના કરવી એ એક તરફથી અન્યાય અને બીજી તરફથી મારા માટે બહુ હીન લાગ્યું.
દોઢ બે માસ નીકળી ગયા. ડોશીનો જીવનતંતુ એ દુઃખમાં આગળ ચાલવા લાગ્યો. મારે મુંબઈની પેઢીએ જવાનો સમય થયો. હું માબાપને પગે લાગી ચાલી નીકળ્યો.
૨
વરસ થયે હું પાછો આવ્યો. અમારા ઘરનો નિયમ એવો હતો કે વારાફરતી ભાઈઓએ અને પિતાજીએ મુંબઈની પેઢીમાં રહેવું. બધાં બૈરાંને દેશમાં જ રાખવાં. છોકરાંને બારેક વરસ સુધી ગામડાંમાં જ કેળવવાં. છોકરાંનાં આંક અને શરીર ગામડાંમાં સારાં થાય એમ પિતા કહેતા, અને મુસલમાનો રંગૂનમાં કમાય છે અને વરસે બે વરસે અહીં માસ બે માસ ગાળી જાય છે તેનો દાખલો દેતા. છતાં કહેતા કે, ‘આ નિયમ મારો સવાઈલાલ અંગ્રેજી ભણે છે તે નહિ માને.’ મેં કહેલું કે, ‘ત્યારે ભણાવો છો શા માટે?’ ત્યારે કહેઃ ‘દેશકાળ પ્રમાણે ભણાવવા તો પડે.’ અને એ નિયમ મેં છોડયો પણ ખરો. બી. એ. થઈ ગયા પછી હું અધીરો થઈ ગયો. પત્ની સાથે મુંબઈમાં ફરવાનો, તેને નવી દુનિયા દેખાડવાનો, સંસ્થાઓમાં બીજી સ્ત્રીઓ સાથે હળતીમળતી કરવાનો મને શોખ હતો, તેથી મારી પત્નીને લઈ ગયો હતો. પણ સીમંત આવતાં તેને પિતાજીના વચનને માન આપી દેશમાં મોકલેલી. અત્યારે ત્રણ વરસે પત્ની અને પુત્રને સાથે લઈ મુંબઈ તેડી જવાના ઇરાદાથી હું આવ્યો હતો.
સાંજે ગામ પહોંચ્યો. રાત્રે લઈ જવા સંબંધી સૌ. કમલાને વાત કરી. તેણે કહ્યું : ‘ઝમકુકાકીને સાથે લઈ જવાં એ ઠીક છે. અનુભવી માણસ. માંદે-સાજે કામ આવે, અને છોકરાંની દોરી ખેંચે.’ તેઓ સાથે આવશે કે કેમ તે સંબંધી મેં શંકા બતાવી, પણ કમલાએ કહ્યું કે, ‘હું પૂછીશ તો આવવા હા પાડશે.’
સવારે ચા પી કરીને જમવા વખતને થોડી વાર હતી ત્યારે હું નાહવા બેઠો. ઝમકુકાકી આવેલાં, ઘરમાં ફરતાં હતાં પણ મારું ધ્યાન નહિ, મેં માથે લગાડવાને છાશ માગી. અમારા ગામના પાણીમાં સાબુથી વાળ ચીકણા થઈ જાય છે. ઝમકુકાકીએ ‘લાવું’ કરી પેટી ઉઘાડી. હું જોતો હતો. મને લાગ્યું કે કાકીને કંઈ વાર વધારે થઈ. તેઓ છાશ લઈને આવ્યાં. હું તેમના મોં સામે જ જોઈ રહ્યો. જાણે એ ઝમકુકાકી જ નહિ! તેમના મોં સામું જોતાં મને વહેમ પડયો કે પેટીમાં મોં નીચું ઘાલીને છાશ કાઢતાં તેમણે માખણ ખાધું હશે. અમારા ઘરમાં તાજું માખણ છાશમાં સાચવી રાખવાનો રિવાજ છે. મેં જઈને જોયું તો કોઈએ આંગળીથી લીધેલું લાગ્યું. મેં તપાસ કરવા તરત ‘બા’ કહી બૂમ મારી, પણ મારી બા આવે તે પહેલાં કમલા આવી. માત્ર એની મોટી અર્થવાહક આંખોથી કશું ન કરવા તેણે મને સૂચવ્યું. મને હુકમ કર્યો, અને એ આંખોનો હુકમ હું કદી તોડી શક્યો નથી. થોડી વારે મારી બા આવી. તેણે પૂછયઃં ‘કેમ શું છે?’ મેં કહ્યું : ‘બા, માખણ સરસ છે. જરા ચાખું?’ ‘હં, અ, બાપુ! તું અને તારા બિન્દુ સારુ જ છે. ગમે તેટલું ખાને. ઘણુંય છે.’ હું જૂઠું બોલ્યો. પણ એ આંખોની ખાતર મેં જે કર્યું છે તેને માટે મને કદી પસ્તાવો થયો નથી.
ઝમકુકાકીને જેમ જેમ જોતો ગયો તેમ તેમ મને ઘણો જ વિચાર થવા માંડયો. ઝમકુકાકી બદલાયાં કેમ લાગતાં હતા તે મને સમજાયું. તેમના મુખ પર સખત, કઠોર, ભયંકર, અમંગલ રેખાઓ થઈ હતી. અસલની ઉદારતા, મૃદુતા, સૌજન્ય, સમભાવને બદલે ખાઉધરાપણું અને આપણને સોંસરા શારી નાખે એવી નજર થઈ હતી. માણસનો સ્વભાવ બદલાય તે સાથે તેના ચહેરાની આકૃતિ પણ બદલાય છે એ હું સ્પષ્ટ સમજી શક્યો. દંતકથાઓની ડાકણ જેવું બિહામણું તેમનું મોં થઈ ગયું હતું. એક દીકરાને સંભારતા, તે સિવાય તેમનામાં મેં માનવભાવ જોયો નથી. મૃત્યુ જ જાણે માનવજીવન અને તેમની વચ્ચેની એક કડી હતું.
મેં કમલાને કહ્યું : ‘તેં મને ના પાડી પણ ડોશીએ માખણ ચોરીને ખાધું હતું.’
‘હું જાણતી હતી. તેમણે ખાધુ અને તમે એ જોઈ ગયા તે પણ મેં જોયું.’
‘તેં કેમ જાણ્યું કે હું એટલા સારુ જ બાને બોલાવું છું?’
‘તમે કેમ જાણ્યું કે હું બોલાવવાની ના પાડું છું?’
મેં કહ્યું : ‘ઠીક લે, પણ આવી ખાઉધર ડોશીને તું લઈ જઈને શું કરીશ?’
‘તમને એની દયાયે નથી આવતી?’
મેં કહ્યું : ‘દયા તો આવે. પણ આવું ખાઉધરાપણું શાથી થતું હશે?’
‘ઘડપણમાં કોક કોને થાય.’ કમલાને આમાં કશી નવાઈ લાગતી નહોતી.
‘પણ આટલું?’
‘જુઓ, તમે ભાયડા કેટલીક વાત સમજો નહિ. સૌને ખાવાનું મન થાય. તમને અને મને મળી રહે, આપનાર પીરસનાર હોય એટલે દેખાય નહિ અને જેને ન મળે તેનું દેખાઈ આવે. તમે મહિનામાં કેટલી વાર વારપરબ, મહેમાનસેમાન કે કોઈ બહાને ખાઓ છો તેનો હિસાબ કર્યો છે?’
હું વિચારમાં પડી ગયો. કદાચ સાચું હશે. તે દિવસ તો એ વાત એટલેથી રહી.
દિવસો જતા ગયા પણ મારા મનની ગૂંચ ઊકલી નહિ. છેવટે પિતાજી સાથે વાત કરવાનો દિવસ પાસે આવ્યો. એક વાર કમલા સાથે વાત કરી નાખવાનો મેં નિશ્ચય કર્યો. રાત્રે મેં કહ્યું:
‘કમલા! ડોશીમાં આ ફેરફાર શાથી થયો તે તું જાણતી નથી. જ્યાં સુધી કુટુંબમાં કોઈ પણ હતું ત્યાં સુધી તેને જીવનથી પર, જીવનનું એક ધ્યેય હતું. કુટુંબ નાશ પામતાં, તેમનામાંથી ધ્યેય અને આદર્શ બંને ઊડી ગયાં. હવે તે કેવળ પશુ થતી જાય છે. આટલી ઉમ્મરે બીજો કોઈ આદર્શ તેનામાં આવી શકે નહિ. અને પશુતાની કાંઈ સીમા નથી. એ આપણી સાથે પોસાય જ નહિ; તેનાથી આપણું સુખ પણ નહિ ખમાય.’
કમલાએ ઘણો જ ગંભીર જવાબ આપ્યો : ‘જુઓ, હું સીમંત ઉપર અહીં આવી. બાએ તો કમીનો રાખ્યો નહોતો. પણ મને ભાવા-અભાવા થાય તે હું તેમની પાસે કહી શકતી નહિ. એક દિવસ મને પૂડા ખાવાનું મન થયું. ઝમકુકાકીનો રૂપચંદ એ વખતે માંદો હતો. ઝમકુકાકીએ પૂડા કર્યા, મને કોઈ મિષે ઘરમાં બોલાવી ઘીથી ટપકતા ખવરાવ્યા. એક બટકું પણ ડોશીએ મોંમાં મૂક્યું નથી. વધ્યું એટલું છોકરાને બોલાવી ખવરાવી દીધું. એ ગુણ મારાથી ન ભુલાય. અને જુઓ, ડોશીને સોગ મૂકવા જવાનું ઠેકાણું પણ નથી. બે દિવસ ક્યાંક જઈ આવે તો તેના જીવને શાંતિ મળેઃ હું દૂરથી તેમના પિયરની સગી થાઉં છું. તેમને મુંબઈ લઈ જઈશું. ઠામપાલટાથી ડોશી સારાં થઈ જશે, અને નાનું છોકરું હોય ત્યારે ઘરમાં ડોશી હોય તો સારું.’ તેના શબ્દે શબ્દે દયા ઝરતી હતી. મારાથી ના પડાઈ નહિ. હું વિચારમાં પડી ગયો. મને વિશેષ કુતૂહલ થયું. મેં પૂછયું : ‘પણ તેં ઝમકુકાકીને શી રીતે કહ્યું?’ ‘એ તો એમ થયું કે અમે બધાં બપોરે બેઠાં હતાં. બાએ કહ્યું કે વહુએ બહુ જ સરસ પૂડા કર્યા હતા, પણ એ બિચારીથી જરાયે ખવાયું નહિ. મેં તો ફક્ત બાપુજી જેટલા જ કર્યા હતા. એમણે બહુ જ વખાણીને ખાધા હતા. મારાથી બોલાઈ ગયું કે ના, ના, એ તો તમે અમથાં વખાણો છો. ઝમકુકાકીના જેવા કોઈથી ન થાય, તે દિવસ ખાધા હતા તે મોંમાં સ્વાદ રહી ગયો છે. એ ઝમકુકાકી સમજી ગયાં.’
મને થયું કે સ્ત્રીઓને જે કેટલાક ગહન અનુભવો થાય છે તેનો ખ્યાલ પણ પુરુષને થવો અશક્ય છે.
૩
બિંદુને બ્રૉકોન્યુમોનિયાનો આઠમો દિવસ હતો. ત્રણ દિવસથી મેં પેઢીએ જવું બંધ કર્યું હતું. તાવને લીધે છોકરો તરફડતો હતો. હું જોઈ શકતો હતો કે આટલું નાનું શરીર પણ મૃત્યુ સામે મહાભારત યુદ્ધ મચાવતું હતું. બેભાનમાં પણ એ મારું કહ્યું કરતો એટલો મુંબઈમાં બિન્દુ મને હળી ગયો હતો. બિન્દુ દવા પીવા કે દૂધ લેવા ના પાડે અથવા તેનું ટેમ્પરેચર વધ્યું હોય ત્યારે કમલા મને પથારી પાસે બોલાવી જતી, તે સિવાય બધી સેવા કમલા અને ડોશી જ કરતાં. ડોશી જૂના જમાનાનાં પણ ડૉક્ટરે કહ્યા પ્રમાણે બરાબર માવજત કરતાં હતાં. ફરી વાર જાણે પોતાના દીકરાની માવજત કરવા માંડયાં હોય એમ પોતાનું ખાવાપીવાનું પણ વિસારે નાખી પથારી પાસે બેસી રહેતાં અને ઘરનું કામકાજ કરવાને અને ઊંઘવાને કમલાને વખત આપતાં. ડોશીમાં એટલો બધો બાલકપ્રેમ ક્યાંથી ઓચિંતો આવ્યો તેનો હું વિચાર કરતો હતો એટલામાં કમલા આવી. મને ભય લાગ્યો કે કદાચ બિન્દુને વધારે હશે. પણ કમલા કાંઈક કહેવા આવી હતી તે હું જોઈ શક્યો. કમલા મારી છેક નજીક આવી ને ધીમે સાદે બોલી : ‘તમે જરા ડોશી પાસે જાઓ. અત્યારે ડોશી મારી પાસે ધ્રુસકે ને ધ્રુસકે રોયાં. એમને એમ થાય છે કે એમના હાથ જ અપશુકનિયા છે, એમને લીધે છોકરો માંદો પડયો. દેશમાં ચાલ્યા જવાની વાત કરે છે. તમે એમને સમજાવો.’ હું તરત ઊભો થયો. ડોશી ચોધાર આંસુએ રડતાં હતાં. મેં મારા હાથે તેમનાં આંસુ લૂછયાં. મને સ્પર્શ કરતાં, મને ખવરાવતાં, રમાડતાં તે ઝમકુકાકી પાછાં યાદ આવ્યાં. મેં કહ્યું: ‘કાકી, તમે અમથાં વહેમાઓ છો. ડૉક્ટરે કહ્યું છે કે તેને આ બે દિવસો ભારે છે. શહેરમાં બધે આ રોગના વાયરા છે. બિન્દુને જરા વધારે સખત તાવ છે. ડૉક્ટર તો કહે છે કે સારી માવજત છે માટે જ છોકરો જીવે છે, નહિ તો અત્યાર સુધી બચે નહિ. હવે એકાદ બે દિવસમાં એને વળતાં પાણી થશે. અને તમારા હાથે જ જશ છે. એમાં ગભરાઓ છો શું? તમારે તો ઊલટાં અમે ગભરાતાં હોઈએ તો અમને પણ ધીરજ આપવી જોઈએ.’ મેં પાણી પાયું. એક બાળકની પેઠે મારી વાત માની, પાણી પી, ડોશી પાછાં પથારીએ ગયાં, કમલાને ચા કરવા ઉઠાડી. તે દિવસે અમે બધાંએ પથારી પાસે એક જ કુટુંબના માણસો તરીકે એટલી ચિંતામાં પણ નવા જ સાંત્વનથી ચા પીધી. એકબે દિવસમાં બિન્દુને તાવ ઊતર્યો. થોડા જ દિવસોમાં બિન્દુની માવજત કરતાં પણ તેને ખાતાં સાચવવાનું કામ વધારે આકરું થઈ પડયું.
બિન્દુ માંદો હતો એટલા દિવસ કમલા સેવિકામંડળમાં જઈ શકતી નહોતી. બિન્દુ તદ્દન સાજો થયો. અજવાળિયું ચાલતું હતું એ યોગ જોઈ કમલાએ ચાંદનીમાં ભેગાં થવા મંડળનાં બધાં સભ્યોને આમંત્રણ આપ્યું. સાંજ પડી ત્યારથી અમારા બંગલામાં મુંબઈનો અલબેલો સ્ત્રીસમાજ ઊભરાવા લાગ્યો. જાતજાતનાં વસ્ત્રાો, જાતજાતનાં રંગો, જાતજાતની રીતભાતો અને વાક્છટાથી અમારો ચોક તરવરવા લાગ્યો. અર્ધ દેશી, અર્ધ અંગ્રેજી, અર્ધ સ્વાભાવિક, અર્ધ દેશી, અર્ધ કૃત્રિમ રીતે સ્ત્રીઓએ કમલાને અને બિન્દુને યથાયોગ્ય અભિનંદન આપ્યાં. રમાડયાં, સુખમનવો કર્યો, એક પારસણ બાઈએ બિન્દુના હાથમાં બે રૂપિયા મૂક્યા. કમલાએ આ વખતે બિન્દુ બચ્યાનો જશ ડોશીનો છે એમ કહી માનપુરઃસર ડોશીની ઓળખાણ કરાવી. થોડી વારે ચાંદની નીકળી એટલે સ્ત્રીઓએ રાસ લેવા શરૂ કર્યા. ડોશી દૂર હતી. તેમને કમલા અને બીજી કેટલીક સ્ત્રીઓ આગ્રહ કરીને કૂંડાળાની વચમાં લઈ આવ્યાં. ત્યાં તે બીજી કેટલીક સ્ત્રીઓની સાથે બિન્દુને લઈને બેઠાં. બિન્દુ સાજો થયો ત્યારથી ડોશીને બહુ હળી ગયો હતો.
બધાંએ આગ્રહ કરીને કમલાને ગીત ઉપાડવાનું કહ્યું. કમલાએ ધીમેથી
હરિ વેણ વાય છે રે હો વંનમાં
ગીત ઉપાડયું. કમલા ગામડામાં ઊછરેલી છે એટલે તેના કંઠમાં લોકગીતની શુદ્ધ મીઠી હલક છે. સૌ સ્ત્રીઓથી તેની હલક જુદી પડતી હતી. ડોશી કૂંડાળામાં બિન્દુને રમાડતાં એ જ ગીતા ગાતાં હતાં. પાસે વિજયા બેઠી હતી તે ધ્યાન દઈને સાંભળતી હતી. ગીત પૂરું થયું એટલે વિજયાએ સૌના સાંભળતાં કહ્યું : ‘કમલાબહેન, હું તો ધારતી હતી કે તમે જ સુંદર ગાઓ છો પણ માજીનો કંઠ પણ તમારા જેવો મીઠો છે.’
કમલાએ જવાબ આપ્યો : ‘હાસ્તો, હુંયે શીખેલી એમની પાસેથી તો!’
ડોશીએ કહ્યું : ‘ના, બા, એવું જૂઠું ન બોલીશ, ગામડામાં તો સૌને આવડે. કોણ કોની પાસે શીખે?’
કમલા : ‘માજી, તમે ભૂલી જાઓ પણ હું કેમ ભૂલું. જગન્નાથજીનો ગરબો હું તમારી પાસે શીખી છું. હંમેશ તમારી પાસેથી વેણ લઈ જતી, સાંભરે છે?’
ડોશીએ જવાબ આપ્યોઃ ‘હા, હા, મને સાંભર્યું. તું અને હીરાવહુ સાથે જ શીખતાં ખરું?’ડોશીની સરળતાથી બધી સ્ત્રીઓ હસી પડી, અને બેચારે ડોશી આગળ લાડ કરતાં કહ્યું : ‘માજી, એ ગરબો અમને ગવરાવો.’
ડોશીએ કહ્યુૅં : ‘બાપુ, એ ફરતાં ગવાય એવો નથી. એ તો ઘંટીએ ગાવાનું ગીત છે.’
‘ત્યારે બીજું કાંઈ ગવરાવો.’ બેચાર અવાજો આવ્યા. કમલાએ એક બાઈ તરફ જોઈ બિન્દુ તરફ નિશાની કરી. તેણે બિન્દુને શિખવાડયું એટલે બિન્દુ ડોશી પાસે જઈને બોલ્યોઃ ‘માજી તમે ગાઓ.’ બધાં ફરી હસી પડયાં. વિજયાએ કહ્યું : ‘માજી, બિન્દુને તમે સાજો કર્યો. આજ તો બિન્દુનો મેળાવડો કહેવાય, તેમાં તમારે ગાવું જોઈએ.’ માજી કહેઃ ‘હું ગાઈશ પણ તમારી સાથે ફરીશ નહિ. અને તમારા જેવું ધીમું ગાતાં મને નહિ આવડે. મારા જેટલું ઉતાવળું ગાઓ તો ગવરાવું.’ બધી સ્ત્રીઓએ હા કહી. તરત રાસ ભેગો થયો. ડોશી બિન્દુને તેડીને ઊભાં રહ્યાં અને ઉપાડયું :
સુંદર વેણ વાગી, વેણ વાગી.
હું તો સૂતી નીંદરમાંથી જાગી
રે સુંદર વેણ વાગી, વેણ વાગી.
આટલાં ઘરડાં થયાં છે પણ ડોશીનો અવાજ અને તેનું માધુર્ય એવું ને એવું જ છે. તે એકલાં જ ગવરાવતાં હતાં પણ બે સ્ત્રીઓ સાથે ગાતી હોય એવો એમનો બુલંદ અવાજ હતો. રાસ ખૂબ ચગ્યો. રાસ પૂરો થઈ ફરી વાર સ્ત્રીઓ ભેગી થઈ ત્યારે વિજયાએ કહ્યું : ‘માજી, સરસ ગાઓ છો પણ તમારી સાથે ગાતાં તો થાકી જઈએ.’
ડોશીએ કહ્યું : ‘પણ મારાથી ધીમું ગવાય નહિ તે કેમ કરું! અમારે આટલું ધીમું ગાવાનું હોય તો અમે થાકી જઈએ.’
થોડી વાતચીત ચાલી. અને નવેક વાગ્યે મીઠું મોં કરીને સમાજ વીખરાવા લાગ્યો. જતી વખતે બધી સ્ત્રીઓએ માજીને મંડળમાં આવવાનો આગ્રહ કર્યો.
૪
‘આ ગીટ ગાંધીજીને માતે જ બનાવિયું છ કે?’
પહેરવેશમાં, વાળમાં, મૂછમાં, ચશ્મામાં ક્યાંય પણ જરા પણ ખોડ ન કાઢી શકો એવો ત્રીસપાંત્રીસેક વરસનો એક પારસી ગંભીર થઈને મારી પાસે બેઠો હતો. તેણે આ પ્રશ્ન પૂછયો.
મેં કહ્યું : ‘ના.’
ગાંધીજી છૂટયા તે નિમિત્તે મંડળનો ઉત્સવ હતો અને તેમાં
આજની ઘડી તે રળિયામણી,
મારો વહાલો આવ્યાની વધામણી હો જી રે,
વધામણી હો જી રે.
આજની ઘડી તે રળિયામણી.
એ ગીત ગવાતું હતું.
ગીત ઝમકુકાકી બધાં સાથે ફરતાં ફરતાં ગવરાવતાં હતાં. સમાજ બહુરંગી હતો. અંદર કોઈ પારસી બાનુ અને કોઈ દક્ષિણી બાઈઓ પણ હતી. રાસડો જોતાં મને સમજાયું કે રાસમાં ગુજરાતી સ્ત્રીઓનો પહેરવેશ જેવો શોભતો હતો તેવો દક્ષિણીઓનો શોભતો ન હતો. આપણા પહેરવેશો અને આપણા રીતરિવાજોને કેટલો માર્મિક સંબંધ છે!
આપણા કણબીઓ વગેરે પહેલાં જે ફરતી ચાળવાળી આંગડી પહેરતા તે પણ નૃત્યને માટે જ. કાઠિયાવાડી રાસમંડળીમાં ગોળ ફરતાં એ આંગડી કેટલી સુંદર દેખાય છે!
હું વિચાર કરતો હતો ત્યાં ફરી પ્રશ્ન આવ્યો :
‘ટારે આ ગીત કોન્નું બનાવેલું છે?’
મેં જવાબ આપી દીધો : ‘લોકગીત છે.’
હું વિચારે ચડયો. ગુજરાતનો રાસ આખા હિન્દુસ્તાનમાં પ્રસરશે. દક્ષિણી સ્ત્રીઓ જે ગુજરાતમાં આવે છે તે ગુજરાતી રાસડા ગાય છે. ઉત્તર હિંદ, બંગાળ, દક્ષિણ, સર્વ એકસરખાં તેના ઉપર મુગ્ધ થઈ ગયાં છે.
‘ટારે કોન્ને માટે બનાવિયું છ?’
મને લાગ્યું કે કેટલાક માણસો ગંભીર દેખાય છે તે વિચારને લીધે નહિ, પણ વિચારશૂન્યતાને લીધે. મેં જવાબ આપ્યોઃ ‘કૃષ્ણને માટે.’
‘ટે એવન કહાંઠી આવે હુટા તેને માટે આ બનાવેલું?’
આ પ્રશ્નને ડાહ્યો ગણો કે ગાંડો ગણો. પણ જવાબ આપવો ઘણો જ અઘરો છે. કોઈ હિંદુને આ પ્રશ્ન ઊઠે જ નહિ. મેં જવાબ આપ્યોઃ ‘કોઈ ગોપીને ત્યાં કૃષ્ણ ગયેલા તે પ્રસંગનું છે.’
એ ગૃહસ્થ ફરીથી વિચારમાં પડયા. મને ભય લાગ્યો કે ગોપી કોણ. કૃષ્ણ એને શું થાય, કૃષ્ણ શા માટે ગયા કે એવા કોઈ પ્રશ્નો આવશે તો મારા શા હાલ થશે! એ ગૃહસ્થે ફરી મારા સામું જોયું પણ આ વખતે પ્રશ્ન નહોતો, સૂચના હતી.
‘ટે તમે લોકો ગાંઢીજીને કહીને એક ગુજરાતી ક્લાસિકલ ડિક્ષનેરી કાંય નહિ કરાવટા?’
ગાંધીજી જે કામો કરે છે, તેમાંના એકને માટે પણ તેઓ લાયક નથી એવી જેમ એક બાજુ માન્યતા છે, તે દુનિયાનાં જેટલાં કામો છે તે બધાં તેમણે જ કરવાં જોઈએ એવી એક બીજી બાજુની માન્યતા છે. મેં ધીરે રહીને પતાવ્યું : ‘હા, બનાવવી જોઈએ.’ મેં ધાર્યું કે પ્રશ્નથી ઊલટું રૂપ સૂચનાનું છે એટલે હવે કાંઈ નવો વાર્તાલાપ નહિ થાય. ત્યાં તેમણે ઝમકુકાકી તરફ જોઈ ફરી પૂછયું:
‘ટે પેલાં ગવરાવે છે ટે ડોશી મૅનેજર છે કે?’
મેં કહ્યું : ‘એ આ મંડળનાં અધ્યક્ષ છે. અને એમને સારું ગવરાવતાં આવડે છે એટલે ગવરાવે છે.’
અને આજે ઝમકુકાકી અધ્યક્ષ તરીકે શોભતાં હતાં! હું નાનો હતો ત્યારે, નાતજાતમાં કોઈ મોટે અવસરે માણસોની વ્યવસ્થા કરતાં, કામ કરાવતાં, હુકમો આપતાં, ભભકાભેર ફરતાં તે જેવાં દેખાતાં, તેવાં જ આજે પણ દેખાતાં હતાં. ફેર માત્ર એટલો કે ગામમાં મેં તેમને રેશમી લૂગડાંમાં જોયેલાં અને અહીં સાદી સફેદ ખાદીમાં જોયાં. પણ એ ખાદીમાં પણ તેમનો પ્રભાવ અછતો રહેતો નહોતો. હું ઝમકુકાકીના જ વિચારે ચડયો. પ્રથમ તો, બિન્દુ કમલા સાથે મંડળમાં જવા હઠ કરે તે માટે તેઓ મંડવમાં જવા લાગ્યાં. ત્યાં તેમને બીજી સ્ત્રીઓ સાથે ઓળખાણ થઈ — ખાસ કરીને તો તેમને સારું ગવરાવતાં આવડે છે માટે. તેમાંથી તેમને મંડળના કામનો શોખ લાગ્યો. બચ્ચાંની માવજત તો એમના જેવી કોઈક જ કરી શકતું. અને પંડોપંડ છડાં એટલે ખુશીથી બધે જઈ પણ શકે.
અને થોડા સમયમાં બધી સ્ત્રીસંસ્થામાં તે કેવાં પ્રસિદ્ધ થઈ ગયાં! તેમાં એક કારણ ગીતોનું, તેવું બીજું કાંતવાનું પણ ખરું. ગાંધીજી અસહકારની શરૂઆતમાં આવ્યા. તેમણે સ્ત્રીઓની ગંજાવર સભામાં બધાંને કાંતવાનું કહ્યું. બધી સ્ત્રીઓએ તે વખતે તો આવેશમાં આવી કાંતવા ઇચ્છા બતાવી અને કાંતવાનું શીખવનાર કોઈ માણસ માગ્યો. મહાત્માજીએ કહ્યું કે મારી સાથે વીણાબહેન છે એમણે જ મને પણ કાંતતાં શીખવ્યું છે. તમારામાંથી પાંચ જણને કાંતતાં શીખવે અને એ પછી તે પાંચે જણે જુદા જુદા સમાજમાં વહેંચાઈ બધાંને કાંતતાં શીખવે. પ્રથમ તો બધા સમાજોમાં કાંતવાની હરીફાઈ ચાલી, તેમાં ઝમકુકાકીને લીધે સેવિકામંડળ સૌથી આગળ પડયું. પછી ઉત્સાહ મંદ થઈ ગયો. પણ ઝમકુકાકીને માટે થયેલું માન પછીથી ઓછું થયું નહિ. આજે પણ દરેક જગ્યાએ મહાત્માજીની છબીને પહેરાવવાના હારનું સૂતર સેવિકામંડળમાંથી બધા લઈ જાય. અને ઝમકુકાકીનો સ્વભાવ પણ એવો નિરહંકારી કે બધાંને એ ગમી ગયાં.
હું વિચાર કરતો હતો અને સાથે સાથે ગીતો, ભાષણો, બધા તરફ ધ્યાન રાખતો હતો. એટલામાં પેલા પારસી ગૃહસ્થને ફરી પ્રશ્નપ્રેરણા થઈ આવી.
‘ટે પેલાં ઊભાં છે ટેવન કોન છે?’
મેં કહ્યું : ‘કન્યાશાળાનાં સંગીત-શિક્ષિકા વિજયાબાઈ.’
હું ફરી વિચારે ચડયો. થોડાં વરસોમાં ઝમકુકાકીમાં કેવો ફેરફાર થઈ ગયો! જાણે નવો જ જન્મ!
‘અને પેલાં બીજાં ટેવનની પાસે બ્લાઉઝ પહેરીને ઊભાં છ ટેવન કોન બેન છે?’
પ્રશ્ન આગળ ન ચાલે માટે મેં કહ્યું : ‘હું નથી જાણતો.’
ગીતો, ભાષણો, હવે પૂરાં થયાં હતાં અને ઔપચારિક કામ શરૂ થતાં હતાં. પણ હું તો મારું અધૂરું રહેલું વિચારસૂત્ર આગળ ચલાવવા માંડયો.
ઝમકુકાકી અને બીજી અનેક સ્ત્રીઓ આવાં કામમાં જોડાઈ તેમાં આત્મમહિમા એ મૂળ કારણ નહિ હોય? પણ આત્મમહિમા શેમાં નથી હોતો? ઝમકુકાકી નાતજાતમાં ફરતાં ત્યારે તેમનામાં જેવો ઉત્સાહ હતો તેવો અહીં પણ છે; માત્ર ભાવના ફરી ગઈ.
આપણે ભાવનાની વાત કરીએ છીએ, પણ એ પણ જિજીવિષાનું એક રૂપ નહિ હોય? કોઈ માણસ જેમ જીવવા ખાતર દોરડાને વળગી રહે, તેમ આ જીવવાની ઇચ્છાથી માણસ ભાવનાને વળગી રહે છે એમ ન હોય? ના, ના. ભાવના એ કોઈ બાહ્ય વસ્તુ નથી; જીવનમાં અવ્યક્ત રહેલી કોઈ ચીજ છે. તેને વળગવું, એટલે તેની ખાતર જીવવું, એનો જ અર્થ આત્મસાધના – આત્મામાં અસિદ્ધ રહેલી વસ્તુને સિદ્ધ કરવી તે.
ત્યારે શું આમ કાંતવાથી કે બીજું ગમે તે કામ કરવાથી દેશભાવના સિદ્ધ થઈ જતી હશે?
ત્યારે મારી પેઠે કશું કર્યા વગર માત્ર વિચારો કર્યા કરવાથી અને વેપાર કરવાથી ભાવના સિદ્ધ થઈ જતી હશે?
કોઈ પણ ભાવના સિદ્ધ કરવા માટે તે ભાવનાના અંગનું કંઈક પણ કામ કરવું જોઈએ. પછી તે ભાવના ભલે ગમે તેવી ઉન્નત હોય અને આપણે કરી શકતાં હોઈએ તે કામ ભલે ગમે તેટલું દીન અને સ્થૂલ હોય. કોઈ ભાવના માટે આપણે કરી શકતાં હોઈએ તેમાંનું કશું ન કરીએ તો ભાવના હોય તોપણ જીવનના પોષણ વિના સુકાઈને ખરી પડે.
‘ટારે ડોશીની આય બાજુ ઊભાં છે ટેવન કોન?’
મેં કહ્યું : ‘પેલા આસમાની સાડી પહેરેલાં છે તે? તેમનું નામ ભદ્રાબાઈ.’
‘અરે નહિ રે, કહું છ પેલાં ખાદી પહેરેલાં બહુ જ ટેસ્ટવળાં,1 ગ્રેસફુલ2 સાદાં છે ટેવન?’
‘એ તો સભાના સેક્રેટરી છે.’
‘એવનનું નામ શું?’
‘કમલા.’
‘એવનના ધનીનું સું નામ? હું ટમે લોકોની સોસાયટીમાં3 ભલવા માગું છ ટેથી કરીને કહું છ.’
‘સવાઈલાલ ઊજમશી, ધારશી વેલજીની પેઢીવાળા.’
‘આ આભારપ્રડરસનમાં નામ આવિયું ટે? ટેવન અહીં આવિયા છ?’
‘હા.’
‘મને જરા ઇન્ટ્રોડયૂસ કરી આપશો’1
‘એ તો હું પોતે.’
મારા પાડોશી મને અનંત પ્રશ્નો પૂછી શકે એવા લાગતા હતા. પણ પોતાની મેળે જ તેઓ અંતિમ બિંદુએ આવી ગયા. હવે તેમણે મારી સામું જોવું પણ બંધ કર્યું.
પણ મારા વિચારની દિશા કમલા તરફ ગઈ.
ઝમકુકાકીને નવી ભાવના તરફ વાળનાર તો કમલા જ. તે પોતે તે નહોતી જાણતી. નવું જીવન પ્રગટ કરવાને બુદ્ધિની જરૂર નથી હોત. પણ પ્રેમની જરૂર હોય છે. બાળકથી માંડીને ઘરડાં સુધી સર્વને પ્રેમની જરૂર હોય છે.
ઝમકુકાકી જેવાં ઘણાંય બિચારાં પ્રેમને અભાવે વૃથા જીવન ગાળતાં હશે.
‘બાપુજી!’
હું ચમકીને જાગ્યો. સભાજનો ચાલવા માંડયાં હતાં. કમલા, ઝમકુકાકી અને બિન્દુ – જીવનની ત્રણ મૂર્તિઓ મારી સમક્ષ ઊભી હતી.