નવલકથાપરિચયકોશ/સરસ્વતીચંદ્ર ભાગ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center>'''<big><big>૯'''<br> '''‘સરસ્વતીચંદ્ર’ ભાગ - ૨ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી'''</big><br> {{gap|14em}}– રાઘવ ભરવાડ</big>'''</center> {{Poem2Open}} <center>ગુણસુંદરીનું કુટુંબજાળ</center> નવલકથાનો બીજો ભાગ ગુણસુંદરીની કાર્યકુશળતા...")
(No difference)

Revision as of 15:52, 14 December 2023


‘સરસ્વતીચંદ્ર’ ભાગ - ૨ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

– રાઘવ ભરવાડ
ગુણસુંદરીનું કુટુંબજાળ

નવલકથાનો બીજો ભાગ ગુણસુંદરીની કાર્યકુશળતા અને સંયુક્ત કુટુંબને સાચવી રાખવાની તેની કુનેહને વ્યક્ત કરે છે. પરંતુ એ પહેલાં બહારવટે નીકળેલા સુરસંગ અને તેના માણસોને હાથે સરસ્વતીચંદ્ર લૂંટાય છે. સુરસંગ દસ-દસ વર્ષથી ધીરપુરનું ગરાસ પાછું મેળવવા પ્રયત્ન કરે છે. હવે તે કોઈ પણ રીતે માતાને મળવા જતી કુમુદને પકડી બુદ્ધિધન તથા વિદ્યાચતુરને દબાણમાં લાવી પોતાનો પ્રશ્ન ઉકેલવા માંગે છે. તો આ બાજુ કુમુદે સરસ્વતીચંદ્રની પાછળ ત્રણ સવારોને મોકલ્યા હોય છે. તેમના આવવાથી બહારવટિયાઓ સરસ્વતીચંદ્રને ઘાસમાં પડતો મૂકીને જતા રહે છે. સરસ્વતીચંદ્ર સુવર્ણપુરથી જે ગાડામાં બેસીને નીકળ્યો હતો, એમાં અર્થદાસ નામનો એક વાણિયો, તેની પત્ની અને એક ડોશી પણ હતી. પરંતુ બહારવટિયાઓની ધમાલમાં એ છૂટાં પડે છે. અર્થદાસ ઘવાયેલા સરસ્વતીચંદ્રને પાણી છાંટી જગાડે છે. પણ સરસ્વતીચંદ્રને બહારવટિયો માની તેનાથી દૂર થવા અનેક નાટકો કરે છે. આખરે પોતાની પાસે એક રૂપિયો પણ નથી અને પત્નીને તથા બધાં ઘરેણાં બહારવટિયા લઈ ગયા, એમ કહી રડવા લાગે છે. એટલે સરસ્વતીચંદ્ર તેનું દુઃખ દૂર કરવા પોતાના હાથમાં રહેલી મણિમુદ્રા તેને આપે છે. પરંતુ ભૂખ, દુઃખ, તાપ, નબળાઈને કારણે તે તરત જ પાછો બેભાન થઈ જાય છે, ને અર્થદાસ ત્યાંથી ભાગી નીકળે છે. બેભાન અવસ્થામાં રહેલો સરસ્વતીચંદ્ર જંગલની ભયાનક અંધારી રાત્રે ક્ષણ પૂરતો જાગે છે. એક મોટો સાપ તેના પરથી પસાર થાય છે, ત્યારે તેને મૃત્યુ સામે દેખાય છે. સાપ ત્યાંથી જતો રહે છે ને ભૂખ-તરસને કારણે તે પાછો બેભાન થઈ જાય છે. થોડી જ વારમાં સાધુઓની ટોળકી ત્યાં આવે છે, ને એ ટોળકીના ગુરુ વિષ્ણુદાસના આદેશથી સાધુઓ સરસ્વતીચંદ્રને સુંદરગિરિ પર્વત પર લઈ જાય છે. તો આ બાજુ મલ્લરાજ તેમના પુત્ર મણિરાજના શિક્ષક તરીકે વિદ્યાચતુરની નિયુક્તિ કરે છે. એ દરમિયાન વિદ્યાચતુરના બધા જ સંબંધીઓ (માતા-પિતા, ભાઈ-બહેન, બહેનના છોકરાઓ) અમુક-તમુક કારણોસર તેના ઘરે રહેવા આવી જાય છે. ગુણસુંદરી પોતે અગવડો વેઠીને પણ બધાંને સગવડ કરી આપે છે. સુવાવડના છેલ્લા દિવસો સુધી તેણે ઘરનું કામ કરવું પડે છે. તેની સુવાવડ વખતે ઘરનો કારભાર વિખેરાઈ જાય છે ત્યારે માનચતુર ડોશીના દેવને પાણી પીવાની ગોળીમાં નાખી દઈ, ગાડી રસ્તા પર લાવે છે. ગુણસુંદરી કુમુદને જન્મ આપે છે, અને થોડા જ સમયમાં ફરીથી બધો કારભાર સંભાળી લે છે. એ દરમિયાન વિધવા જેઠાણી સુંદરગૌરી પર વચેટ જેઠ ગાનચતુર કુદૃષ્ટિ કરે છે, તો એને સુધારે છે. તેથી જેઠાણી ચંડિકા પણ ગુણસુંદરીનો આભાર માને છે. વળી તે બંનેના બાળકપુત્ર હરિપ્રસાદની વહુ મનોહરીને પણ તે હરિપ્રસાદ યુવાન થાય ત્યાં સુધી સાચવે છે. નણંદ દુઃખબાની દીકરી (કુમારી)ને પોતાનું પલ્લુ વેચીને પણ પરણાવવા તૈયાર થાય છે. નણદોઈ સાહસરાયને પણ ધંધે વળગાડે છે. આખરે માનચતુર ગુણસુંદરીને સુખી જોવા, ધીરે ધીરે ઘરમાંથી બધાને દૂર કરે છે, ને પોતે પણ ડોશી તથા સુંદરગૌરીને લઈને મનોહરપુરી જઈને રહે છે. તો આ બાજુ કુમુદ માતાને મળવા નીકળે છે. પ્રમાદધન અને કૃષ્ણકલિકાના ખોટા સંબંધોનો ભાંડો ફૂટી જાય છે તેથી પોતાને સજા ન મળે એટલે પ્રમાદધન કૃષ્ણકલિકા સાથે મળી કુમુદ જતી રહે પછી નવીનચંદ્ર સાથે તેનો આડસંબંધ હતો એમ જાહેર કરવાનું નક્કી કરે છે. એમાં વળી પ્રમાદધનને, કુમુદે સરસ્વતીચંદ્રના પત્રો ફાડીને બાળ્યા હતા તેમાંના ઊડી ગયેલા ચાર-પાંચ ટુકડા મળી આવે છે. પરંતુ વનલીલા કૃષ્ણકલિકા અને પ્રમાદધનની બધી વાત સંતાઈને સાંભળે છે, ને એક ચિઠ્ઠીમાં લખી, માતાને મળવા જતી કુમુદને આપે છે. સુરસંગ કુમુદને કેદ કરવાનો છે એ સમાચાર મળતાં માનચતુર પોતાની ટુકડી લઈ કુમુદને બચાવવા સુવર્ણપુર તરફ જાય છે. સુરસંગ અને માનચતુર ઉભય પક્ષની ટુકડીઓ સામસામે આવી પહોંચે છે. માનચતુર કોઈ પણ રીતે કુમુદને બચાવી લે છે. પરંતુ તેઓ સુભદ્રા નદીને કાંઠે આરામ કરવા ઊભા રહે છે ત્યાં અચાનક કુમુદ પાણીમાં તણાય છે. એની પાછળ સુરસંગનો પુત્ર પ્રતાપ પણ પાણીમાં પડે છે. કુમુદ કેવી રીતે નદીમાં પડી તે વિશે શંકા-કુશંકાઓ થાય છે. પહેલા ભાગમાં બુદ્ધિધનનો કારભાર રજૂ થયો છે તો બીજા ભાગ - ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’માં લેખક કુમુદનાં માતા-પિતા, વિદ્યાચતુર અને ગુણસુંદરી તથા એમના કુટુંબનો વિગતે પરિચય કરાવે છે. બીજા ભાગમાં કથા મનોહરપુરી અને રત્નનગરીમાં પ્રવેશે છે. પહેલા ભાગના અંતે જેમ સરસ્વતીચંદ્ર સુવર્ણપુરની વિદાય લે છે, એમ કુમુદ પણ માતાને મળવા મનોહરપુરી જવા નીકળી હતી. એટલે સ્વાભાવિક રીતે જ બીજા ભાગમાં તેનાં માતા-પિતાની, તેના કુટુંબની કથા રજૂ થાય છે. વળી, સરસ્વતીચંદ્રને શોધવા નીકળેલા તેના મિત્ર ચંદ્રકાન્તની કથા પણ એમાં આવરી લેવાઈ છે. બહારવટિયાઓની ધમાલને કારણે સરસ્વતીચંદ્ર ઘાયલ થાય છે, ને જંગલમાં પડી રહ્યો હોય છે ત્યારે સાધુઓ તેને સુંદરગિરિ પર લઈ જાય છે. કુમુદ પણ નદીમાં તણાય છે. પરંતુ બીજા ભાગમાં મુખ્યત્વે તો સમકાલીન સંયુક્ત કુટુંબપ્રથા કેવી હતી, એના ગુણદોષ કેવા હતા, ને સંયુક્ત કુટુંબ કે વિભક્ત કુટુંબમાં કોની પસંદગી કરવી, વગેરે પ્રશ્નો પર ગોવર્ધનરામે પ્રકાશ પાડ્યો છે.

ડૉ. રાઘવ એચ. ભરવાડ
ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૮૬૬૩૮૩૪૩૩
Emailઃ raghavbharvad૯૩@gmail.com