નવલકથાપરિચયકોશ/જનમટીપ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 15:52, 15 December 2023
‘જનમટીપ’ : ઈશ્વર પેટલીકર
નવલકથાનું નામ : જનમટીપ નવલકથાકારનું નામઃ ઈશ્વર પેટલીકર, ઈશ્વર મોતીભાઈ પટેલ ‘નારાયણ’ નવલકથાકારનો ટૂંકો પરિચય જન્મતારીખ : ૯.૫.૧૯૧૬ – અવસાન : ૨.૧૧.૧૯૮૩ વતન : પેટલી (તા. પેટલાદ, જિ. આણંદ), આણંદ શહેરમાં ‘ઈશ્વર પેટલીકર માર્ગ’ નામાભિધાન અભ્યાસ : મેટ્રિક બાદ વડોદરાની પુરુષ અધ્યાપન શાળામાં શિક્ષક તરીકેની ‘ઉત્તમ પદ’ સાથે તાલીમ વ્યવસાય : અનુગાંધી યુગના સાહિત્યસર્જક અને ચિંતક, શિક્ષક, ‘પાટીદાર’, ‘આર્યપ્રકાશક’ અને સામાજિક પ્રશ્નોને વાચા આપતા ‘સંસાર’ સામયિકના તંત્રી, વિશ્લેષક પત્રકાર સાહિત્યિક પ્રદાન : ૨૨ નવલકથા, ૨૧ કૌટુંબિક-સાંસારિક સમાજજીવનનાં પુસ્તક, ૧૦ નવલિકાસંગ્રહ; નવલિકા ‘લોહીની સગાઈ’ પરથી ૧૯૮૦માં અરુણ ભટ્ટે એ જ નામે ફિલ્મ બનાવી; ‘લોકનાદ’, ‘નિરીક્ષક’, ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’, ‘સ્ત્રી’, ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’માં લેખો. ઇનામો : રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૬૧, નવલકથાનું પ્રથમ પ્રકાશનવર્ષ/મહિનો : ૧૯૪૪ કુલ આવૃત્તિ : ૨ (૨૯ પુનઃમુદ્રણો) પૃષ્ઠ : ૨૦૦ પ્રકાશક : લોકપ્રકાશન લિમિટેડ, નવભારત સાહિત્ય મંદિર પ્રસ્તાવના : ઝવેરચંદ મેઘાણી અર્પણ : જેમને હાથે આ નવલકથાનો શુદ્ધિસંસ્કાર થયો છે, તે શ્રી ચુનીલાલ વ. શાહને અર્પણ ફિલ્મ : ૧૯૭૩માં ફિરોઝ એ સરકાર દ્વારા આ નવલકથા પરથી એ જ નામે ફિલ્મ બની હતી. નવલકથાનો પ્રકાર : સામાજિક અનુવાદ : ના કથાનક : ગામના એક માતેલા સાંઢને હિંમત અને યુક્તિ વડે વશ કરીને ગામના મરદોનાં પાણી ઉતારનારી ચંદા સાથે ડરનો માર્યો કોઈ યુવાન લગ્ન કરવા રાજી ન હોવાને કારણે માતાપિતાએ ગોઠવેલાં એક રોગિયલ છોકરા સાથેના વેવિશાળને નકારીને ચંદા, પોલીસની સામે થઈ જનાર બાહોશ યુવક ભીમા સાથે પ્રણય સંબંધે બંધાય છે. ‘પોતે સાંઢની વાત યાદ નહીં કરે, પરંતુ ભીમાએ ચંદાનું અપમાન થાય તો જાનના જોખમે બદલો લેવો’ એવી શરત મંજૂર રાખીને ભીમો તેની સાથે લગ્ન કરે છે. સાડીનો કછોટો મારીને નદીએથી પાણી ભરીને આવતી ચંદાના પ્રસવેદભર્યા કમખાના ટેભા ચંદાના ઢાળ ચડવાથી શ્વાસ ફુલાવાને કારણે તૂટી જતાં, ડોકિયું કરી જતાં પોતાનાં ઘાટીલા કોમળ અંગોથી અજાણ ચંદા સાડીના છેડાથી મોં ઢાંકવાનો પ્રયાસ કરતાં, ગામનો માથાભારે યુવાન પૂંજો, “ઢાંકવાનું તો ઢાંક્યું નથી, હવે મોં ઢાંકીને શું કામ છે?” કહીને પોતે માથાભારે ચંદાની છેડતી કર્યાનો આત્મસંતોષ લઈને નાસી જાય છે. શાળામાં ઇન્સ્પેક્ટર આવ્યા હોવાથી, નણંદ-દિયરને શાળાએથી આવવામાં મોડું થતાં ભાત લઈને ખેતરે પહોંચવામાં ચંદાને મોડું થતાં, આગલી રાતે જ ઉત્કટ પ્રણયલીલા કરનાર, ભૂખ્યો, કુતર્કે ચડેલો ભીમો શંકા-કુશંકાએ ચંદાના વાંસામાં બે ઘાતકી ફટકા મારીને પોતાનો ગુસ્સો ઉતારે છે; મન મનાવીને ચંદા, વાતમાંથી વાત કાઢીને પૂંજાએ કરેલી છેડતીની વાત સાસુ-સસરાને કહેવાને બહાને ભીમાને “તારાથી બીજું થવાનુંય શું?” સંભળાવીને ભીમાના ફટકાનો બદલો વાળી દે છે. તત્કાલ બદલો લેવાનું માંડી વાળવાના ભીમાના વલણે નારાજ ચંદા પિયર ચાલી જાય છે. શાહુકારને ઘેર આવેલા ધાડપાડુઓનો સામનો કરતાં જખ્મી બનેલા ભીમાની ચાકરી કરવા ચંદા શહેરના દવાખાને પહોંચીને, દાક્તરી સારવારને પણ સ્તબ્ધ કરી દે તેવી પ્રણય-સારવાર કરીને પતિને સાજો કરીને, પોતાના પિયરવાસે નારાજ સાસુ-સસરાના રોષને ઓગાળી દે છે, પરંતુ ભીમો સાજો થતાં જ પિયરવાટ પકડી લે છે; ભીમા અને તેનો પિતા દેવા દ્વારા પૂંજાને મારી નખાતાં, અપમાનનો બદલો પૂરો થયો સમજીને, બાપદીકરાને જનમટીપની સજા થતાં તરત જ સાસરે પહોંચીને પોતાના નણંદ, દિયર, સાસુ અને ખેતરોનો હવાલો એવી રીતે સંભાળી લે છે, કે ગામલોકો મોંમાં આંગળાં નાખી જાય છે. અન્ય માહિતી : – પુસ્તકાકારે પ્રગટ થાય તે પહેલાં ‘પ્રજાબંધુ’ (ગુજરાત સમાચાર)માં પ્રકાશિત થયેલી – શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના ભાષાશુદ્ધિ અને અંગશુદ્ધિ, અને બીજી આવૃત્તિમાં શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા દૃષ્ટાંતરૂપ પ્રવેશકનો લાભ મળ્યો છે. લેખનપદ્ધતિ – ગ્રામીણસમાજનું લાક્ષણિકતાઓ સાથે નિરૂપણ, – જીવનનો અનુભવ ધરાવતાં વૈવિધ્યભર્યા પાત્રો, – પાત્રોનું ઊંડું મનોવિશ્લેષણ, – લોકબોલી, કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉચિત ઉપયોગ – પોતાની અનુભવેલી, પગ તળે ખૂંદેલી લોકદુનિયાનું આગવું કલાદર્શન સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા – લાક્ષણિકતાઓ સાથે ગ્રામીણસમાજનું નિરૂપણ, વાર્તાને અનેકરંગી વળ સાથે રસપ્રદ રીતે રજૂ કરે છે. – પોલીસનો ચાબખો પકડી લેનાર જુવાનિયા ભીમાના ચંદાના હૃદયમાં વસી જવાનો પ્રસંગ પ્રતીતિકર બની રહે છે. – તત્કાલ બદલો લેવાની ચંદાની જીદ લેખકે તેના કરવા ધારેલા પાત્રીકરણને અત્યંત અનુરૂપ રીતે આલેખાઈ છે. – બાપની જુવાનીનો જુસ્સો અને જોમ, અણિયાણી આંખો, ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાનથી ફૂલેલું નાક, અકડાઈમાં ઊંચી રહેલી ડોક, કાપડાની કસથી તસતસતું બાંધેલું જોબન, ફલંગો ભરી ચાલતાં છટાક છટાક થતો ઘાઘરો, રાતા રંગની ઓઢણીમાં શોભતો ઘઉંવર્ણો દેહ, વગેરે જેવા વિશેષણયુક્ત વર્ણને લેખકે કરેલું ચંદાનું છટાદાર પાત્રીકરણ નવલકથાના અંત સુધી જળવાઈ રહે છે. સાંઢને વશ કરતી, રોગિયલ ભાવિ પતિને છોડીને જાણે સ્વયંવરે બાહોશ ભીમાને વરવું, પૂંજા દ્વારા થયેલી છેડતીએ બદલાની જીદે પિયર ચાલ્યા જવાનું, અને ઘાયલ ભીમાની સેવા કરીને તે સાજા થઈ ગયા પછી ફરીથી પિયરવાટ પકડતી ચંદાનું પાત્રીકરણ પણ લેખકે ધાર્યા મુજબનું થયું છે. પરંતુ, પૂંજા દ્વારા પોતાની છેડતીને કોઈ જ પ્રતિક્રિયા વગર, ચૂપચાપ ગળી જવાની વાત, અને પાછળથી પતિની હાજરીમાં સાસુસસરા સાથે આ છેડતીની વાત આડકતરી રીતે કરીને પતિને નીચો પાડવાનું ચંદાનું વલણ, લગ્નની આકરી શરત છતાં, નવલકથાની શરૂઆતમાં કરવામાં આવેલા તેના મગરૂર પાત્રીકરણને નબળું પાડી દે છે. દવાખાનામાં દાખલ થયેલ ભીમાને સાજો કરવા ચાકરી અર્થે દોડી આવીને દાક્તરી સારવારને પણ સ્તબ્ધ કરી દે તેવી પ્રણય-સારવાર, અને સાજા થયા પછી તરત જ પિયરવાટનું ચંદાનું વલણ ગળે નથી ઊતરતું. એક જ પાત્રના મનોવલણોમાં માત્ર એક જ વર્ષના ગાળામાં બનતી ઘટનાઓના સંદર્ભે આટલા બધા અને આટલા ઝડપી ફેરફારો જલદી ગળે ઊતરતા નથી. – ગામના યુવાનોને શરમાવે તેવી, માતેલા સાંઢને નાથવાની ઘટના કંઈક વધુ પડતી અતિશયોક્તિભરી, અને પાછળથી બનનારી ઘટનાઓને ધ્યાનમાં રાખીને લખાયેલી, પરંતુ સ્ત્રીસહજ નબળાઈઓને કારણે ચંદામાં કંઈક અંશે કૃતક લાગે છે. – અન્ય સાથે વિવેશાળે બંધાયેલી યુવતીને સવેલી લઈ આવનાર, આગલી જ રાતે પ્રણયરત ભીમો માત્ર ભૂખના માર્યા ડાંગ વડે ચંદા પર ઘાતકી ઘા કરે, પત્નીના અપમાનનો બદલો લેવા ખૂન કરતો આગળી રાતે પ્રણયરત પતિ, તેના ડહાપણભર્યા પાત્રીકરણ સામે પ્રશ્નાર્થ ઊભા કરે છે. – “...ઊભો ને ઊભો ચૂસી ખાધા વગર મેલું, તો મારો બાપ ભં...” જેવા, અન્ય કોમને નીચી દેખાડવા, સામાન્ય રીતે ઉચ્ચ વર્ણ દ્વારા વપરાતા શબ્દો સામાજિક સ્તરે નીચું સ્થાન ધરાવતી પાટણવાડિયા કોમના ભીમાના પાત્રના મોંએ અઘટિત લાગે છે. – ‘સ્ત્રી’ને માટે જ્યાં ‘અસ્ત્રી’ જેવો તળપદો શબ્દ વપરાતો હોય, તે ગામડાંનાં પાત્રોનાં સંવાદો કે મનોમંથનોમાં ‘ક્વિક માર્ચ’, ‘નાલાયકી’ ‘સંબંધ’, ‘આહાર’, ‘રેશન’, ‘કુપન’, જેવા શબ્દો અસહજ લાગે છે. – શાળામાં ઇન્સ્પેક્શનને કારણે બાળકોને પાછાં આવવામાં મોડું થતાં, ગામ આખાની સ્ત્રીઓ ભાત લઈને ખેતરે સમયસર પહોંચી જાય, અને માત્ર ચંદા જ મોડી પડે, એ વાત આગળની ઘટનાના સમર્થનમાં ઊભી કરેલી કૃતક લાગે છે. – પતિને તુંકારે બોલાવતી, ગામડાની પાટણવાડિયા કોમની ખુમારી ધરાવતી કોઈ સ્ત્રી, ખેતરે પહોંચવામાં મોડું થતાં બરડામાં પતિ દ્વારા ડાંગના બે ફટકા પડે તો પણ જાણે ‘કંઈ જ બન્યું ન હોય તેમ’ ભાત ખોલીને બધાં સાથે ભોજન કરવા બેસી જાય, એ ચંદાના પાત્રીકરણને, અને તેમના પ્રેમભર્યા સંસાર સામે પ્રશ્નો ઊભા કરે છે. વિવેચનલેખોમાંથી એક લેખમાંથી અવતરણ “...પણ કલાકારનું નિશાન એ ફોજદાર, ન્યાયકર્તા, જેલર કે સમાજસુધારકના ધ્યેયથી છેક જ અનોખું છે. એ ધ્યેય માણસના બહિરંગનું પડ ભેદીને તેના અંતરંગમાં ઊતરી તેની માનવતાનું હાર્દ પકડવાનું છે. ‘જનમટીપ’માં એ માનવતા ઝિલાઈ છે.”
અશ્વિન ચંદારાણા
નિવૃત્ત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, રિલાયન્સ
ગુકવિ, અનુવાદક, વાર્તાકાર, સંપાદક, પ્રકાશક
(સાયુજ્ય પ્રકાશન), વડોદરા
વિમો. ૯૬૦૧૨૫૭૫૪૩
Email: chandaranas@gmail.com