નવલકથાપરિચયકોશ/ઊર્ધ્વમૂલ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 15:41, 21 December 2023
‘ઊર્ધ્વમૂલ’ : ભગવતીકુમાર શર્મા
લેખક પરિચય : ભગવતીકુમાર શર્મા જન્મ : ૩૧-૫-૧૯૩૪ – મૃત્યુ : ૫-૯-૨૦૧૮ વ્યવસાયે પત્રકાર રહેલા ભગવતીકુમાર શર્માનો અભ્યાસ એમ.એ. સુધીનો હતો. વારસાગત નબળી આંખોને કારણે ન ભણવાની તબીબી સલાહને અવગણીને સતત લેખન વાચન સાથે જ સંકળાયેલા રહ્યા. ઈ. ૨૦૦૯થી ઈ. ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ હતા. એમણે ૧૩ નવલકથા, ૧૧ વાર્તાસંગ્રહ, ૮ કાવ્યસંગ્રહ, ૯ નિબંધસંગ્રહ, ૩ વિવેચનસંગ્રહ, ૪ હાસ્ય-વ્યંગનાં પુસ્તકો, ૧ પ્રવાસકથા, ૩ અનુવાદ, પ રૂપાંતરિત નાટકો, ૨ તંત્રીલેખ સંગ્રહ તથા આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ પ્રકાશિત કર્યા છે. અસંખ્ય પારિતોષિકો, પુરસ્કારો, તથા સન્માન મેળવનારા ભગવતીકુમાર શર્માને ઈ. ૧૯૮૭માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ‘અસૂર્યલોક’ માટે મળ્યો હતો. અધિકરણ માટે પસંદ કરેલી નવલકથા : ઊર્ધ્વમૂલ પ્રથમ આવૃત્તિ : ૧૯૮૧ ચોથી આવૃત્તિ : ૨૦૧૨ પ્રકાશક : આદર્શ પ્રકાશન, અમદાવાદ આ નવલકથા માલતીબહેન લાગેને અર્પણ કરાઈ છે. લેખકના નિવેદન ઉપરાંત આ ચોથી આવૃત્તિમાં રઘુવીર ચૌધરી તથા ઋજુતા ગાંધીના અભ્યાસલેખ પ્રકાશિત થયા છે. જેને વિશે ભગવતીકુમાર શર્મા પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં એમ લખે છે કે ‘...નવલકથાએ મારી પાસેથી ઘણું કામ લીધું છે. મારી જે કંઈક આછી પાતળી સર્જકતા છે તેનો તેણે કસ કાઢ્યો છે.’ એ ‘ઊર્ધ્વમૂલ’ ગુજરાતી સાહિત્યની દીર્ઘ નવલકથાઓની પરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઈ. ૧૯૮૧માં એ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ એ પહેલાં ‘ગુજરાતમિત્ર’માં હપ્તાવાર પ્રગટ થતી હતી. જોકે ઈ. ૧૯૭૩-૭૪ની આસપાસ એ લખાવાની શરૂ થઈ હતી. પછી સાત વર્ષ અધૂરી જ પડી રહી. અને ફરી ’૮૧માં સર્જકે હાથ પર લીધી. તેઓ કહે છે તેમ એક વાર નહીં, વારંવાર લખી. શબ્દે શબ્દ પર ધ્યાન આપ્યું. પરિણામે આ ‘સોંસરા વાર્તારસ વિનાની અને મુખ્યત્વે કથાનાયિકાના ચૈતસિક સંચલનો પર વિહરતી દીર્ઘ નવલકથા’ તૈયાર થઈ છે. રઘુવીર ચૌધરી નોંધે છે તેમ, ‘આ નવલકથાની ખાસિયત એ છે કે એ વાચન દરમિયાન ખેંચ ઊભી કરતી નથી પણ સમાપન પછી સામેથી ખસતી નથી, એની ધારણા રહે છે.’ આખી નવલકથા ત્રણ ખંડમાં વિભાજિત છે, અશ્વ, સર્પ અને અશ્વત્થ. નાયિકા ક્ષમાના જીવનના ત્રણ કાળખંડ આ ત્રણ વિભાગમાં આલેખાયા છે. સાથે સાથે કામવૃત્તિ, વાસના અને મૂળહીનતાની પ્રકૃતિને પણ આ ત્રણ શીર્ષક સૂચવે છે. અશ્વ અને સાપ જે વૃત્તિનું પ્રતીક છે, એ શરીર સાથે જોડાયેલી છે. પરંતુ શરીરની બહાર, શરીરથી પર, જે તત્ત્વ છે, જેનાં મૂળ માનવ અસ્તિત્વમાં રોપાયાં નથી, એ ભાવ અને ઊખડી ગયા હોવાનો, મૂળ વિનાના હોવાનો અનુભવ કરતો મનુષ્ય, એની સંવેદના અશ્વત્થના પ્રતીક દ્વારા લેખકે ઉપસાવ્યાં છે. કવિતા અને તત્ત્વજ્ઞાનના સંદર્ભોથી આ નવલકથા આધુનિકતા સાથે જોડાયેલી રહે છે. તો મંદિરો અને વન જગતની સૃષ્ટિ આ નવલકથાને પારંપરિક સમાજરચના સાથે જોડી રાખે છે. ઈ. ૧૯૮૧માં, ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના મધ્યાહ્નેે પ્રગટ થયેલી ‘ઊર્ધ્વમૂલ’ આધુનિક ગાળાની નીપજ હોવા છતાં ઘટના બાહુલ્ય ધરાવે છે, એ નોંધવું જોઈએ. નવલકથામાં કેન્દ્રસ્થાને છે નાયિકા ક્ષમા. ક્રોધી, કામી, સ્વકેન્દ્રી પિતા અને અતિ સંવેદનશીલ તથા ઋજુ પ્રકૃતિની માતા માયાનું સંતાન એટલે ક્ષમા. બાળપણથી ક્ષમાએ માને સતત ડરતી અને મૂંગી જ જોઈ છે. પિતાનો તામસી સ્વભાવ ક્ષમાને પણ અંતર્મુખી બનાવે છે. પણ જ્યારે પિતાની ગેરહાજરીમાં સાગર અંકલ માને મળવા આવે, ત્યારે મા ખીલી ઊઠે, એ પણ ક્ષમા જાણે છે. પિતા મા પર બળાત્કાર કરે એ ઘટનાની પણ ક્ષમા સાક્ષી છે અને પોતાનો ક્રોધ અબોલ ઘોડા પર ઉતારતા હોય એવું પિતાનું રૂપ પણ એણે જોયું છે. પિતાના જુલમથી અકાળે મૃત્યુ પામેલી માનું સ્થાન પિતાએ વિદુલાથી ભરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જ શાળામાં પોતાનાથી સિનિયર એવા બાદલના સ્નેહનો આછો અનુભવ ક્ષમાને થયો. મુરઝાયેલી ક્ષમા જરાક જ ખીલતી હતી, ત્યાં જ વિદુલાનું નાસી જવું, હતાશ પિતાનું ઘોડા પર ક્રોધ ઉતારવા જતાં એની લાત ખાઈને મરણ પામવું તથા પિતાની બદલી થતાં બાદલનું શહેર છોડવું, આ ઘટનાઓ એકસાથે બની, જેણે ક્ષમાને હતાશા અને વિષાદની ગર્તામાં ધકેલી દીધી. નવલકથાના બીજા ખંડ ‘સર્પ’માં ક્ષમા મનની સારવાર કરતા ડૉ. કુણાલના સંપર્કમાં આવી. આગળ ભણવાનું પણ શરૂ થયું. કુણાલની પત્ની નિયતિ સાથે પણ ક્ષમાની મૈત્રી થઈ. જિંંદગીમાં નવા રંગ ભરાવાના શરૂ થયા. ડૉ. કુણાલ સાથે આદિવાસી વિસ્તારમાં કેમ્પમાં ગયેલી ક્ષમા એક ક્ષણે પોતાનું સર્વસ્વ કુણાલને આપવા તૈયાર થઈ ગઈ, ત્યારે કુણાલના એક વિધાનથી એ પાછી વળી ગઈ, ‘તું-ક્ષમા, તું મારા બાળકની મા બનશે, મારા પોતાના બાળકની?’ જેમ ક્ષમાના મનમાં પોતે કોનું સંતાન, પિતાનું કે સાગર અંકલનું એ સંશય સતાવતો હતો તેમ કુણાલ પણ પોતાના મૂળ વિશે સાશંક હતો. કદાચ પુરુષમાં ન હતા એવા પિતા, મા અને દાદાજી વિશે ચાલતી ગુસપુસ, ભૂરીયો અને એની પત્ની, પોતાની મોંકળા કોની સાથે મળે એવો સંશય, આ બધાને પરિણામે કુણાલ સતત નિજની ઓળખ માટે તરફડતો રહ્યો છે અને કરુણતા એ છે કે નિયતિ માતા બનવાની ક્ષમતા ધરાવતી નથી. સંજોગોએ બે મૂળહીન વ્યક્તિઓ ક્ષમા અને કુણાલને એક બિંદુ પર એકત્રિત તો કર્યા, પણ ક્ષમા ત્યાંથી પણ પાછી ફરી. જેમ બાદલ સાથે એ જોડાઈ શકી ન હતી, તેમ કુણાલ સાથેનો સંબંધ પણ અધૂરો જ રહ્યો. ત્રીજા ખંડ ‘અશ્વત્થ’માં ક્ષમા પોતાના પીએચ.ડી.ના સંશોધનકાર્ય દરમ્યાન પ્રોફેસર નિહારના સંપર્કમાં આવે છે. નિહાર પણ મૂળ વિનાનું પાત્ર છે. બે-ત્રણ માસના બાળક તરીકે દ્વારિકાના મંદિરમાં મળી આવેલા બાળકને મંદિરની આસપાસ વસતા બ્રાહ્મણ પરિવારનો આશ્રય મળ્યો. તેજસ્વી હોવાને કારણે અધ્યયન કરી અધ્યાપક બન્યો. પણ શરીર પર કુષ્ઠરોગનો ઘા થયો છે. ક્ષમાના સ્નેહને શરૂઆતમાં નકારતો નિહાર સોમનાથના સાગરતટે પૂર્ણતાથી સ્વીકારે છે. પરંતુ ક્ષમાની જે ધન્યતાની ક્ષણ હતી, એ જ એને માટે વિષાદની ક્ષણ બની રહે છે. નિહાર સોમનાથના સાગરજળમાં પોતાના દેહનું વિસર્જન કરી દે છે. ક્ષમા ફરી એકલી જ રહી જાય છે. આખી નવલકથા ફ્લેશબેક ટેક્નિકમાં રચાઈ છે. નિહારના ગયા પછી વર્ષો બાદ ક્ષમાના જીવનમાં પ્રવેશેલા ગૌતમ સાથે રચાતા સંવાદોમાં જીવનનાં રહસ્યો ઊઘડતાં જાય છે, અને મનમાં ભૂતકાળ જિવાતો જાય છે. અચરજ એ વાતનું છે કે જેમને ચાહ્યા એ ત્રણે પુરુષો બાદલ, કુણાલ તથા નિહાર ક્ષમાને છોડીને જતા રહ્યા છે. જ્યારે ગૌતમ સાથે એવો કોઈ આત્મીય નાતો નથી, એકસમાન પીડા ધરાવતાં બે સમદુઃખિયાઓ પોતાની પીડાના સંબંધથી મિત્રો બન્યા છે. કાવ્યો અને જીવનના તત્ત્વજ્ઞાનની ચર્ચા કરતાં રહે છે, સાંજના સૂનકારને એકમેકના સાન્નિધ્યથી ભરવા મથે છે. અશ્વ, સર્પ અને અશ્વત્થનાં પ્રતીકથી જીવનનાં ભૌતિક અને ચૈતસિક પાસાઓને લેખક ઉજાગર કરે છે. અશ્વ અને સર્પ ખંડની તુલનામાં અશ્વત્થમાં ગીતા દર્શન, સોમનાથ અને દ્વારિકાનાં દેવાલયોનું વાતાવરણ વગેરેના આલેખનથી વાચકને સાત્ત્વિકતાનો ભાવ અનુભવાય છે. ક્ષમાનું પાત્ર ગુજરાતી કથાસાહિત્યની નારીઓમાં નોખું તરી આવે છે. સતત સ્નેહને ઝંખતી આ સ્ત્રી એકલતાનો બોજો ઊંચકીને જ જીવી છે. જ્યારે ટૂંકુ જીવન જીવી ગયેલી માયા, કુણાલ, નિહાર, ગૌતમ વગેરેને જીવનમાં ક્યાંક ને ક્યાંક સભર ક્ષણો મળી છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે ભગવતીકુમાર શર્માને સમગ્ર સમાજની છબિ આલેખવામાં રસ નથી, પરંતુ એકાદ પાત્રને વિકસાવતા જઈને એની આસપાસના જગતને રચી આપવું વધારે ગમે છે. અને ઊર્ધ્વમૂલમાં ક્ષમાને નિમિત્તે એવું જગત રચવામાં તેઓ સફળ રહ્યા છે.
મીનલ દવે
નિવૃત્ત પ્રાધ્યાપક, શ્રી જયેન્દ્રપુરી આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, ભરૂચ
વાર્તાકાર, અનુવાદક, વિવેચક
મો. ૯૮૨૪૧૫૩૫૨૨
Email: minaldave૧૧૧@gmail.com