નવલકથાપરિચયકોશ/મારી પરણેતર: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:07, 22 December 2023
‘મારી પરણેતર’ : જોસેફ મેકવાન
જોસેફ મેકવાનનો જન્મ ૯ ઑક્ટોમ્બર ૧૯૩૫ના રોજ આણંદના ત્રણોલ ગામમાં થયો હતો. જોસેફ મેકવાનનું મૂળ નામ જશવંતલાલ ડાહ્યાભાઈ મકવાણા હતું. મેકવાનના પરિવારની ગરીબીના કારણે તેમનું ઘડતર થયું છે. તેમણે કુલ ૧૪ નવલકથા,૧૨ રેખાચિત્રો, ૭ વાર્તાસંગ્રહો, ૩ નિબંધ સંગ્રહો,૨ અહેવાલ ગ્રંથો, ૪ સંપાદનો અને ૨ વિવેચન સંગ્રહો જેવાં સ્વરૂપોમાં પોતાનું સાહિત્યિક પ્રદાન કર્યું છે. મેકવાને ભારત સરકારની સાહિત્ય અકાદમીનું પારિતોષિક, ગુજરાત સરકારની સાહિત્ય અકાદમીનાં અનેક પરિતોષિકો, દર્શક એવૉર્ડ, ક. મા. મુનશી એવૉર્ડ, ધનજી કાનજી પરિતોષિક, કાકા સાહેબ કાલેલકર એવૉર્ડ, ડૉ. જીવરાજ મહેતા એવૉર્ડ, ડૉ. આંબેડકર એવૉર્ડ, સંસ્કાર એવૉર્ડ, મેઘરત્ન એવૉર્ડ અને એવા અનેક એવૉર્ડ-પુરસ્કાર મળ્યા છે. આ નવલકથા તેમના મિત્ર ઇગ્નાસ એસ. મેકવાનને અર્પણ કરવામાં આવી છે. આ કૃતિનું પ્રકાશન ૧૯૮૮ હતું. મેકવાને દલિત સમાજની મહિલાઓ પર થતા અન્યાયને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. સમાજ દ્વારા કેવા અત્યાચારો દલિત મહિલા પર ગુજારવામાં આવે છે તેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. નવલકથામાં ગૌરી પતિને છોડી દે છે પણ મનની કલ્પના મુજબનો પુરુષ પામી શકતી નથી અને ગૌરી આત્મહત્યા કરી જીવન ત્યજી દે છે. ‘મારી પરણેતર’ નવલકથામાં સામાજિક માળખાના કારણે દલિત મહિલાઓએ ભોગવવી પડતી વેદનાઓ કથારૂપે પ્રગટ કરી છે. ‘મારી પરણેતર’માં અનેક પાત્રો જેવાં કે ખાનો, બાવજી, મગન, જસ્યો, સુમિ, જયસિંગ રાઠોડ, મણિયો અને સૌથી મહત્ત્વનું પાત્ર એટલે ગૌરી. સમગ્ર નવલકથામાં ગૌરીનું પાત્ર અદમ્ય ઘટનાઓનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાનો અંત કરુણ દર્શાવવામાં આવ્યો છે. જે વાસ્તવિક રૂપમાં અનેક દલિત મહિલાની સામાજિક વ્યથાને રજૂ કરે છે. આજે પણ અનેક યુવાન દલિત મહિલા સામાજિક બંધનના તાણાવાણાના કારણે મોતને ભેટી લે છે. ‘મારી પરણેતર’ની લેખનપદ્ધતિ આત્મગતરીતિ (Objective Perspective) છે એટલે કે પ્રથમ પુરુષ કથન પદ્ધતિ દ્વારા આલેખન કર્યું છે (પાનાં. ૧૧). કથાપ્રવાહમાં એકસાથે અનેક સામાજિક દૂષણોને પણ નવલકથા દ્વારા બહાર લાવવામાં આવ્યાં છે. દલિત મહિલાને પોતાના સમાજના રૂઢિ-રિવાજોનું બંધન અને બીજીબાજુ બિન-દલિત દ્વારા થતો અત્યાચાર અને શોષણ સામે કઈ રીતે દલિત મહિલાઓ પડકારે છે તેનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. પરંપરાગત ભારતીય સમાજમાં પ્રવર્તતી સામાજિક સમસ્યાઓ જેવી કે આભડછેટ, મંદિર પ્રવેશ, વેઠપ્રથા અને દલિત મહિલાઓનું શોષણ વગેરેની રજૂઆત પ્રસંગ સ્વરૂપે કરવામાં આવી છે. નવલકથાના એક પ્રસંગમાં આઝાદી પહેલાની ઘટનાની વાત કરવામાં આવી છે. દલિતો આજીવિકા માટે બિન-દલિતો પર નિર્ભર હોવાના કારણે રોજબરોજ શોષણ અને અત્યાચારનો ભોગ બને છે. આવી દયનીય પરિસ્થિતિ હોવા છતાં દલિતો સંઘર્ષ કરવા તૈયાર ન હતા. પરતું મિશનરી માસ્ટર દ્વારા હંમેશાં દલિત અને વંચિત સમુદાયને આત્મ-સન્માન સાથે કેવી રીતે જીવવું તેના જીવંત પાઠો શીખવાડયા. દલિતોને માનવીય મૂલ્યો સાથે જીવતા કર્યા. નવલકથામાં બિન-દલિતના અત્યાચારો સામે દલિતોનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. જેમાં ખ્રિસ્તી મિશનરીની સહાયથી બિન-દલિત લોકો સામે સખત લડત આપી જીત મેળવી હતી. વર્ષોના શોષણ અને અત્યાચારમાંથી મુક્ત થયા હતા. પરતું દલિતોની મુક્તિ બિન-દલિતોને કેવી રીતે પસંદ હોય. બિન-દલિતો દ્વારા ગામના મુખીને કહ્યું “અત્યારે મિશનોનું ચલણ છે પણ આઝાદી આવતાં જ એ બધું આથમી જવાનું. પછી તો ચેક ઉપરથી મંડીને નીચણ હુધી “આપનો જ લોકો” રાજ કરવાના. ત્યારે આમને ઊભા ને ઊભા ધિકાઇ મેલીશુ તોય આપનો વારછોય વાંકો નહીં થવાનો!” (પૃ. ૧૧૬). આઝાદી બાદ દલિતોને મજબૂરીમાં આજીવિકા મેળવવામાં બિન-દલિતોના ખેતરમાં કામ કરવા જવું પડે છે ત્યાં દલિત મહિલાના થતા શોષણના બનાવો વિશે નવલકથામાં દર્શાવવામાં આવ્યા છે. દેખાવડી દલિત મહિલા તમાકુના ખેતરમાં કામ કરવા જાય છે ત્યાં ખેતરના માલિકની નજર બગડે છે ને શારીરિક શોષણ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દલિત યુવાન દ્વારા માલિકને માર મારીને પોતાની પત્નીને શોષણખોરના ચૂંગાલમાંથી છોડાવવાનો બનાવ સામે આવે છે (પૃ. ૧૨૪-૨૫). તો બીજી તરફ દલિતોની અંદરના જ્ઞાતિપંચના પ્રભુત્વ સામે મહિલાના સંઘર્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. નવલકથામાં જ્ઞાતિપંચનું સામાજિક બાબતોના નિરાકરણની અન્યાયી વ્યવસ્થા સામે ગૌરી સંઘર્ષમાં ઊતરે છે. એક પ્રસંગમાં જ્ઞાતિપંચ ભરાયું હોય છે ત્યારે વગર બોલાવ્યે ગૌરી પંચની બેઠકમાં આવી પહોંચે છે. જ્ઞાતિપંચ સામે ઉગ્ર શબ્દોમાં બોલતા કહે છે કે “મારા બાપાના ખાહડાનાં તળિયા ઘહઈ જ્યાં ન માર ગાયની મેર કહાઈવાડે જવું પડ્યું તાર તમે બધાય ચ્યાં જ્યા’તા?... છેતરમાં ખાતરનો પૂંજો પાડવા પે’લા લોક ઉકૈડાનંય પૂજ છે! તમારે મન અસ્ત્રી માણહની એટલીય આમન્યા ન’?” (પૃ. ૮૫). દલિત સ્ત્રીને મરજી વિરુદ્ધ સાસરીમાં મોકલી દેવામાં આવે છે ત્યારે જ્ઞાતિપંચ ક્યાં ગયો હતો. શું દલિત સ્ત્રીને એક માણસ તરીકે પણ ગણવામાં આવતી નથી. આ સિવાય પણ જ્ઞાતિપંચની આમન્યા ખાતર અનેક દલિત મહિલાને આત્મહત્યા અને જેઠવટું કરવું પડે છે. જ્ઞાતિપંચ દ્વારા કુંટુંબને જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે (પૃ. ૮૭). જ્ઞાતિપંચના સભ્યો સમાજની છોકરીઓના નિર્ણયો કરતાં પહેલાં પોતાની છોકરીને આવી પરિસ્થિતિમાં મુકાય ત્યારે જ્ઞાતિપંચ શું કરે તે બાબતે પંચે વિચારીને સમાજની છોકરીઓના નિર્ણયો લેવા જોઈએ (પૃ. ૯૦). આ બધા મુદ્દાઓ સાથે ગૌરી જ્ઞાતિપંચનો ઉગ્ર વિરોધ પોતાના સન્માન અને અધિકાર મેળવવા કરે છે. જ્ઞાતિપંચના સભ્યો ગૌરીના પ્રશ્નોરૂપી વાતો સાંભળીને કશું પણ બોલી શકવાની ક્ષમતા કરી ન શક્યા અને બધા જ્ઞાતિપંચના સભ્યો શાંત થઈ ગયા. અન્ય પ્રસંગમાં દલિત મહિલાને તેના પતિ દ્વારા ઢોરમાર મારવામાં આવે છે પરતું પોલીસની ઉપસ્થિતિ થવાના કારણે દલિત મહિલાનો બચાવ થાય છે. નવલકથામાં આજીવિકા મેળવવા દલિતો વેઠપ્રથા કરતા હોય છે. એક પ્રસંગમાં મુખી દ્વારા કરાવવામાં આવતી વેઠપ્રથાની સાથે નેતરની સોટીના સોળ મારવામાં આવે છે. આવી વેદનાઓ દલિતો કેવી રીતે સહન કરે? સોટીના સોળના જવાબમાં ખાનાએ મનોમન યોજના ઘડી ને કુહાડા તૈયાર કરીને ખેતરમાં ગયો ત્યાં કુહાડી અવળી ફેરવીને મુખીને દસ્તો માર્યો. દસ્તાના પ્રહારે મુખીના કાનમાં તમરાં આવી ગયા અને મુખીના મુખમાંથી બૂમબરાડા નીકળી ગયા (પૃ. ૧૦૨). દલિત જાણે જનમોજનમના શોષણનો વેર વાળતો હોય એવી અનુભૂતિ ખાનાને થઈ. સમગ્ર પ્રસંગમાં બિન-દલિતોના શોષણ સામે દલિતસમાજ વેર વાળતો હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. ગૌરીનું લગ્નજીવન પરગાણામાં શક્ય ન લાગતું હોવાથી ગૌરીને મહાદેવ પૂજવાની વાત કરવામાં આવી. પરતું મંદિરના બાપજીએ દલિત મહિલા પ્રત્યેના આભડછેટના કારણે મહાદેવ પૂજવાની ના પાડી દીધી ત્યારે ગૌરી નિર્ભય રીતે મંદિરના પૂજારી બાપજીને મંદિર બાબતે સવાલો કરે છે. તેણે પ્રશ્ન કરતાં કહ્યું કે ‘આવી આભડછેટ રાખવાની વાત ભગવાને ક’ઈ છે બાપજી?’ પ્રતિઉત્તર આપતા બાપજીએ કહ્યું ‘સો બાતોની એક બાત બેટી! ભગવાને કહે કે શાસ્ત્ર કહે, પણ તમારા લોકોથી આવું થાય નહીં. અબ ચાલી જા..’ (પૃ. ૧૩૧). પરંપરાગત માન્યતાના કારણે દલિત પુરુષો મંદિરના પૂજારીને સવાલો કરતા નથી પણ ગૌરી સાદગીથી મંદિરમાં પ્રવર્તતા આભડછેટ સામે પ્રશ્નો પૂછે છે. ખ્રિસ્તી પાદરી જયસિંગ રાઠોડે દલિત સમાજને સ્વમાનભેર જીવવા માટે ચેતના પેદા કરી ત્યારબાદ ગૌરીના મનમાં પાદરી માસ્ટર માટે અનેક ગણું સન્માન વધી ગયેલું. એક પ્રસંગમાં પાણીની હેલ જયસિંગ રાઠોડ માસ્ટરે ઉતારી (પૃ. ૧૪૨). ત્યારથી ગૌરીના અંતરાત્મામાં પાદરી માસ્ટર ઊતરી ગયા અને પોતાનો જીવનસાથી માની લીધો. પરંતુ માસ્ટર પર-પરગણા હોવાથી લગ્ન કરવા એ નિમ્ન મનાતું હતું. બીજી બાજુ મેથોડિસ્ટ પાદરી અને ગૌરીએ ગામ છોડી લગ્ન કરવાની યોજના બનાવી પરતું આબરૂદાર બાપ અને બે ભાઈના સામાજિક બંધનના વિશે વિચારીને પાદરી સાથે લગ્ન કરવા ભાગી ગઈ નહીં પણ ગૌરીએ આત્મહત્યા કરી. આખરે ગૌરીની જયસિંગ રાઠોડ પાદરી સાથેના લગ્નની કલ્પના અધૂરી રહી. છેલ્લે નાયક જસ્યાએ ગૌરીના મૃતદેહ પર કફનરૂપે ચૂંદડી/પાનેતર ઓઢાડી ને નવલકથાનો કરુણ અંત આવે છે. જસ્યાને ગૌરીના શબ્દો યાદ આવે છે “જૈશ જૈશ, નંઇ ચ્યમ જવ, જૈશ જ નં”. નવલકથા ‘મારી પરણેતર’નું અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, સ્પેનિશ અને હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. દૂરદર્શન અમદાવાદ દ્વારા ૧૩ એપિસોડમાં નવલકથા દર્શાવવામાં આવી છે.
સંદર્ભસૂચિ : મેકવાન, જ. (૨૦૨૦). મારી પરણેતર. અમદાવાદ : ડિવાઇન પબ્લિકેશન.
ડૉ. રાજેશ લકુમ
સેન્ટ ઝેવિયર્સ નોન-ફોર્મલ એજ્યુકેશન સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ કેમ્પસ,
નવરંગપુરા, અમદાવાદ
સંશોધક, સંપાદક અને વિવેચક
મો. ૮૬૯૦૪૯૯૫૮૮
Email: rajesh.cug@gmail.com