નવલકથાપરિચયકોશ/રાશવા સૂરજ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 17:13, 22 December 2023
‘રાશવા સૂરજ’ : દલપત ચૌહાણ
દલપત ચૌહાણનો જન્મ ૧૦ એપ્રિલ, ૧૯૪૦ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંડાલી ગામમાં થયો હતો. તેઓએ ૧૯૬૪માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ.નો અભ્યાસ કર્યો અને ૧૯૬૬માં સરકારી સેવામાં કાર્યરત રહીને ૧૯૯૮માં નિવૃત્ત થયા. તેમની પાસેથી ‘મલક’ (૧૯૯૧), ‘ગીધ’ (૧૯૯૯), ‘ભળભાંખળું’ (૨૦૦૪), ‘રાશવા સૂરજ’ (૨૦૧૨), અને ‘બપોર’ (૨૦૨૧) નવલકથાઓ મળી છે. ‘મલક’ નવલકથાઓનો અંગ્રેજી અનુવાદ નીલુફર ભરૂચાએ કર્યો છે, જે કેન્દ્રીય સાહિત્ય અકાદમી-દિલ્હીથી પ્રકાશિત થયો છે. તેમની ‘ગીધ’ નવલકથાનો અંગ્રેજી અનુવાદ હેમાંગ અશ્વિનકુમારે કર્યો છે, જે પેંગ્વીન રેન્ડમહાઉસથી પ્રકાશિત કરવામાં આવી છે. ‘મૂઝારો’, ‘ડર’, ‘ભેલાણ’ અને ‘ચૂંટેલી વાર્તાઓ’ વાર્તાસંગ્રહ, ‘તો પછી’, ‘કયાં છે સૂરજ’ કાવ્યસંગ્રહો, ‘અનાર્યાવર્ત’ નાટક અને ‘હરીફાઈ’ એકાંકીસંગ્રહ, ‘સંભારણાં અને સફર’ નિબંધસંગ્રહ, ‘પદચિહ્ન’, ‘સમર્થન’ વિવેચનસંગ્રહ, ‘તળની બોલી’ કોશ, ‘દલિત સાહિત્યની કેડીએ’ ગુજરાતી દલિત સાહિત્યનો ઇતિહાસ, ઉપરાંત ‘વણબોટી વાર્તાઓ’, ‘દુંદુભિ’ જેવાં અનેક સંપાદનો પણ મળ્યાં છે. ‘રાશવા સૂરજ’ નવલકથા હર્ષ પ્રકાશન, અમદાવાદ દ્વારા એપ્રિલ,૨૦૧૨માં પ્રકાશિત થઈ હતી. તેની એક હજાર પ્રત પ્રકાશિત કરવામાં આવી હતી. આ નવલકથા ઉમાશંકર જોશીને અર્પણ કરવામાં આવી છે. અર્પણમાં લેખકે લખ્યું છે “યાદ છે મને, ગળે મળ્યા’તા, હૃદયના ધબકાર, સાથે ગણ્યા’તા.” ‘રાશવા સૂરજ’ નવલકથાને આધારે હર્ષદ પરમારે ‘રાશવા સૂરજ’ નાટક લખ્યું છે. આ નાટકનું દિગ્દર્શન હરીશ ભીમાણીએ કર્યું છે. ‘રાશવા સૂરજ’ દલિત નવલકથા છે. આ નવલકથા આઝાદી પૂર્વેના બે દાયકાને આલેખે છે. ઉનાળાની શરૂઆત પહેલાંથી આરંભાતી કથા શ્રાવણ મહિનામાં વિરમે છે. દલપત ચૌહાણની ‘ભળભાંખળું’ નવલકથાનો ઉત્તરાર્ધ ‘રાશવા સૂરજ’માં છે. અહીં ‘ભળભાંખળું’ નવલકથાના જ મણિ, વાલો, અંબા, પશા નાથા, ઉગરા ભગત જેવાં પાત્રો સાથે જેઠા બેચર, મૂળો, રઈ, નારસંગ મુખી, નાનજી ભગત જેવાં બીજાં કેટલાંય પાત્રો છે. અહીં કોઈ એક પાત્ર નાયક-નાયિકારૂપે નથી આવતું પણ સમગ્ર સમાજ નાયકરૂપે આવે છે. કથાનો આરંભ દલિત વાલા-અંબાની દીકરી મણિના લગ્નમાં ઢોલ વગાડતાં અને બેડું અપાતાં ગામના રૂઢિચુસ્ત ઠાકોરો વીફરે છે ને જાન પર હુમલો કરે છે – ઘટનાથી થાય છે ને મણિનું આણું વાળવાના પ્રસંગથી કથા પૂરી થાય છે. આ બે ઘટના વચ્ચે નવલકથાકારે આઝાદી પૂર્વેના ઉત્તર ગુજરાતના દલિત સમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિને તંતોતંત ઉજાગર કરી છે. અહીં દલિત પર બિનદલિતોના અત્યાચારો છે, તો સાથોસાથ પશા નાથા, રઈ જેવાં પાત્રોનો બિનદલિતો દ્વારા થતા અન્યાય-અત્યાચાર સામે વિદ્રોહ પણ છે. જેમ કે મલીકપુરે વણકરોને બેડાથી પાણી ભરવાની છૂટ તો આપેલી પણ એક શરત મૂકી કે બેડું માથે નહીં લેવાનું પણ કેડમાં લેવાનું! ગામની આમન્યા પાળવાની! પણ પશા નાથાને આવી શરત મંજૂર નથી. તે વિચારે છે, “હાહરી ખોટી અમાન્યાઓ પાળવાની?” (પૃ.૧ ૦૪) ...સાલ્લું! જો મારા ગામમાં બેડું આવે તો ઉઘાડે છોગ લડી લેવું. કેડે ઘૂણિયો નહીં. હાહરું! મરેલા મરેલા ક્યાં સુધી જીવવું?” (પૃ. ૧૦૫), પશા નાથાના મનમાં થાય કે “આ બેડું તાંબાનું અભડાય નઅ પિત્તળીયું ના અભડાય! ઈંમ ચય્મ કાંઈ?” “...ના ના, લાવવું તો તાંબાનું બેડું જ. મારવો તો મીર.” (પૃ. ૧૦૬) આ ઉપરાંત વણકર મણિની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર શનોજીને મિયોર રઈ ઝૂડી નાખે! મણિને લગ્નમાં બેડું આપવાથી છંછેડાયેલા ઠાકોરો દ્વારા જાન પર ધૂળ-ઢેફાં ફેંકાય છે, દલિતોના પીવાના પાણીના ખાદરામાં છાણ નાખવાનો પ્રયાસ થાય ત્યારે વાસના દલિતો તેનો પીછો કરી ભગાડે ને પોલીસ ફરિયાદ કરે છે! અખાત્રીજે ગામના મહાદેવના મંદિરના ભૂમિપૂજનમાં દલિતોને નિમંત્રણ નથી છતાં પણ વાલો, કચરો, ભગત, પશા નાથા અને બીજા ઘણા દલિતો ત્યાં પહોંચી ગયા છે. વાલો, કચરો અને ભગતે તો ભક્તિપૂર્વક મહાદેવને નમસ્કાર કર્યા, પશા નાથાએ હાથ જોડ્યા ખરા પણ જોડવા ખાતર. તેને નિમંત્રણ વિના આવ્યાનો ક્ષોભ હતો. દલિતો મહાદેવ પાસે કશુંક માગે છે તે જાણી ત્યાં ઊભેલો એક બિનદલિત તેની મજાક કરતા બોલ્યો, “ઢેડ... હું માગઅ! માર જ નઅ!” (૧૮૦) આ મશ્કરીથી પશા નાથાને પગની પાનીથી માથાની ચોટી સુધી ઝાળ લાગી આવતાં પ્રસાદ લીધા વિના જ જતો રહે છે! ને કહે છે, “દિયોર! ગાંમ ચેડી સેહનો એંઠવાડ ઉપર આથે ખોબામઅ નાખસી! હાહરો સેહ એંઠવાડો, ઇંમ ઇંમનો પરભુંય એંઠવાડો. આપણઅ તો પૈંણાયું હળગાયું નઅ હારું કરજો નરસંગ સાયેબ.” (પૃ. ૧૮૨) આમ, માણસનો દ્રોહ કરનાર આ પરંપરા અને એનાં સાંસ્કૃતિક મૂલ્યોનો વિદ્રોહ સહજ લાગે છે. નવલકથાકારે ઠેર ઠેર બિનદલિતો દ્વારા દલિતો પર થતા અન્યાયની સામે ઠાવકાઈથી તેનો દલિતો દ્વારા પ્રતિકાર કરતા કે તેની મજાક કરતા દર્શાવ્યા છે. વરસાદને વરતારો જોવા ટાણે પરબલું માગવા મણો આવતો નથી ત્યારે મુખીનું સ્વમાન ઘવાતાં તે મણાના છાસ-પાણી બંધ કરી, ગામબંધી લાદે છે. થોડા વખત પછી મુખીના જ ઘરે બિલાડી મરી ગઈ ત્યારે મણો તેને ખેંચવાની ના પાડે છે! અને તેને ગામબંધનું ફરમાન યાદ અપાવે છે. આથી મુખી જાતે જ વહેલી સવારે કોઈને ખબર ના પડે તેમ બિલાડીને ખેંચીને બહાર ફેંકી આવે છે! આ બાબતની જાણ મણાને થતાં તે પશાની દોરવણીથી મુખીને ટોણો મારતાં કહે છે, “ભા...મન્યાળી તો મારઅ તોંણવાની નઅ..કોક તાંણી જાય તો મારું ખાતર પડ્યું...રે...એ...” (૧૯૭) મણો રડતાં રડતાં કહે, “મુખીભા, બચાવો! મારું ખાતર પડ્યું રે... મારી હાત પેઢીનું ગરાકવટું તૂટ્યું રે... કુણ અતો એ...સાવકારી ગાંમમઅ ઓરગણો લૂંટાણો રે.. ભર્યા તલાબે ચોર કોરો નાઠો રે...” (૧૯૭) અંતે મણાને મૂંગો રાખવા માટે મુખી તેના પર લાદેલી ગામબંધી ઉઠાવી લે છે ને તેને છાસ-બાજરી આપે છે! આથી મણો મનોમન મલકાય છે. બીજી તરફ નવલકથાકારે વણકર-મિયોર વચ્ચેની છૂઆછૂતને પણ સહજ રીતે ઉઘાડી પાડી છે. આ નવલકથા સંદર્ભે ડૉ. ભરત મહેતાનું નિરીક્ષણ નોંધપાત્ર છે, “રાશવા સૂરજમાં પ્રેમકથાના જાણીતા ડોળિયાથી દલપત ચૌહાણ પણ દૂર રહ્યા છે. વણાટકામની સંસ્કૃતિ અને ઉત્તર ગુજરાતની વિસરાતી જતી બોલીનો અહીં મહોત્સવ મંડાયો છે. બિનદલિતોની જેમ જ દલિતોનો સમાજ પણ ખાંચાખૂંચીવાળો છે. એમાંયે રિવાજોનું દબાણ છે, વારતહેવારે દારૂ પીવાય છે. પશા-મણાની દોસ્તી નિમિત્તે દલિતના વર્ણાશ્રમને પણ લેખકે ઝપટમાં લીધો છે. અહીં નેંભાડો પઈણાવતા પરભુ કુંભાર છે, સાદ પાડતા બાબા રાત છે, સારા સવર્ણ એવા નેનજી ભગત છે. ઠાકરડા છે. સાટા પદ્ધતિથી રીબાતી રઈ જેવી મણિની બહેનપણી છે, ઢોલ-નગારાં પીટ્યા વિના પશા નાથાના દ્વારે આંબેડકરી દર્શન પરોવાયું છે. વિદ્રોહનો એક બારીક તંતુ અહીં છે. દલિતોનું નગર સંક્રમણ કૂતુહલસભર નિરૂપાયું છે. શ્રમિક સમાજના સ્થળાંતરની આ કથા છે. જેઠા બેચરની સિદ્ધપુર જવાની કથા નિમિત્તે દલિતો દ્વારા પહેલી વાર પીવાતી ચા, પહેલી વાર પડાવાતો ફોટો, પહેલીવાર જોવાતું શહેર નિરૂપાયું છે. લોકસમાજની અહીં સાગમટે પ્રસ્તુતિ છે. કેન્દ્રમાં દલિત પાત્ર હોવા છતાં અઢારે વર્ણ અહીં છે. એ અર્થમાં આ નવલકથા ‘ઉપરવાસ કથાત્રયી’ (રઘુવીર ચૌધરી)થી આગળ વધે છે. સામાજિક પિરામીડના શિખરને કથાત્રયી આલેખે છે તો એના પાયાને ‘રાશવા સૂરજ’ આલેખે છે. ગુજરાતનો સામાજિક ઇતિહાસ આવી નવલકથામાં ધરબાયેલો છે એમ કહી શકાય.”(મહેતા ભરત, સમકાલીન ગુજરાતી નવલકથા, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ,૨૦૧૮, પૃ.૧૩) ‘રાશવા સૂરજ’માં અભાવ, અન્યાય, અત્યાચાર, પીડા વચ્ચે પોતીકી ઓળખ ઊભી કરવાની મથામણ, સ્વાભિમાનથી જીવવાની આંતર ખેવના રસપ્રદ રીતે નિરૂપણ પામી છે. ગામડામાં વસતો દલિત શહેરમાં આવે છે ત્યારે તેને કામધંધા અર્થે બિનદલિતને મળવાનું થાય છે, એથી નિકટતા આવે છે, આથી ગામડાની તુલનાએ શહેરમાં ઓછી આભડછેટ પળાતી અનુભવાય છે, તેમની સામાજિક-આર્થિક સ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. એ અર્થમાં આ નવલકથાનું શીર્ષક ‘રાશવા સૂરજ’ સાર્થક ઠરતું લાગે છે. દલપત ચૌહાણે આ નવલકથામાં સમયના વહેણ સાથે વિસરાઈ ગયેલા તળપદા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગને પ્રયોજ્યા છે, જેને કારણે ગુજરાતી ભાષાનો શબ્દકોશ વધુ સમૃદ્ધ બન્યો છે. દા.ત. ‘કંથેરનું જાળું’ (પ્રતિકાર કરે તેવું), ‘પાંદડે પાણી પાઈ’ (ખૂબ હેરાન કરવું), ‘ગામ ગધેડે ચડશે’ (વાત ફેલાવી દેવી) વગેરે રૂઢિપ્રયોગ, ‘ઉઠ્યા એવા અળોતરા’ (ઉતાવળ કરવી), ‘ઓજું ઐડ તો આખલું મૈડ’ (જેવા સાથે તેવા) વગેરે કહેવતો, તો મિયોર (ચમાર), વણકોર (વણાટકામ કરતી જાતિ-વણકર), ઓરગણા( વાલ્મીકિ), કુંભાર, ઘાંચી, તૂરી, પેન્જારા, ભરથરી, મોયલા(મુસ્લિમ કુંભાર), રાવળિયાં, લવારિયાં, વાઘરી, વાદી, સેડુ (ખેડૂત), સેનમા (ઢોલ વગાડતી જાતિ) વગેરે ઉત્તર ગુજરાતની જાતિઓમાં રોજબરોજના વ્યવહારમાં પ્રયોજાતા શબ્દો જે તે સમાજની સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે. અહીં પૈસા વાંસળીમાં રાખવામાં આવે છે, ઘરની દીવાલમાં લાકડા કે લોખંડને બદલે શિંગડાની ખીલી છે. આ સમાજમાં ગાળો બોલવી કે દારૂ પીવાનો છોછ નથી. દલિત પરિવેશ સઘન રીતે આલેખન પામ્યો છે. ટૂંકમાં આ નવલકથા નિમિત્તે ગુજરાતના દલિત સમાજનો સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ સાંપડે છે. સંદર્ભ : ૧. ચૌહાણ દલપત, રાશવા સૂરજ, હર્ષ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૨
કાંતિ માલસતર
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ-૯
વિવેચક, અનુવાદક
મો. ૯૪૨૮૦૩૨૮૦૨
Email: kmalsatar@yahoo.in