ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/બે હંસ અને કાચબો: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:01, 16 January 2024
‘કોઈ એક જળાશયમાં કંબુગ્રીવ નામે કાચબો રહેતો હતો. સંકટ અને વિકટ નામના હંસ જાતિના તેના પરમ સ્નેહવાળા બે મિત્રો હતા. તે હંસો તે સરોવરના કિનારા ઉપર આવીને અનેક દેવર્ષિઓ અને મહર્ષિઓને લગતી વાતો કાચબાની સાથે કરીને સાયંકાળે પોતાના માળામાં પાછા જતા હતા. એ પ્રમાણે સમય જતાં અનાવૃષ્ટિને કારણે એ સરોવર ધીરે ધીરે સુકાઈ ગયું. એટલે કાચબાના દુઃખથી દુઃખી થયેલા તે હંસો કહેવા લાગ્યા, ‘હે મિત્ર! આ સરોવરમાં માત્ર કાદવ જ બાકી રહ્યો છે, તેથી તું કેવી રીતે જીવી શકીશ. એ વિચારથી અમારા હૃદયમાં વ્યાકુળતા થાય છે.’ તે સાંભળીને કંબુગ્રીવ બોલ્યો, ‘અરે! પાણીના અભાવે અમારું જીવન હવે નહિ ટકે, તેમ છતાં કંઈ ઉપાય વિચારો. કહ્યું છે કે
દુઃખના સમયમાં પણ ધૈર્યનો ત્યાગ કરવો નહિ, કારણ કે ધૈર્યના પ્રભાવે કદાચ મનુષ્ય ગતિ પામે છે — જેમ કે સમુદ્રમાં વહાણ ભાંગી જવા છતાં વહાણવટી તરવાની જ ઇચ્છા રાખે છે.
વિશેષમાં મનુએ આ વાક્ય કહ્યું છે કે આપત્તિઓ ઉત્પન્ન થતાં બુદ્ધિમાન મનુષ્ય મિત્રો અને બાંધવોને માટે સદા યત્નપૂર્વક પરિશ્રમ કરે છે,
માટે કોઈ મજબૂત દોરડું અથવા હળવું લાકડું લાવો અને પુષ્કળ પાણીવાળું કોઈ સરોવર શોધી કાઢો. જેથી એ લાકડાનો મધ્યભાગ મારા દાંતથી હું પકડી લઉં, એટલે મારા સહિત તેના બન્ને છેડાઓને ગ્રહણ કરીને તમે તે સરોવરમાં લઈ જજો.’ હંસો બોલ્યા, ‘મિત્ર! અમે એમ કરીશું, પરંતુ તારે મૌનવ્રત પાળવું, નહિ તો એ લાકડા ઉપરથી તું પડી જઈશ.’ એમ વ્યવસ્થા કર્યા પછી, એ રીતે (આકાશમાં) જતાં કંબુગ્રીવે નીચેના ભાગમાં રહેલું કોઈ શહેર જોયું. ત્યાં જે નાગરિકો હતા તેઓ તેને એ પ્રકારે લઈ જવાતો જોઈને વિસ્મયપૂર્વક આમ કહેવા લાગ્યા, ‘અહો! કોઈ ચક્રાકાર વસ્તુ આ પક્ષીઓ લઈ જાય છે. જુઓ!’ એટલે તેમનો કોલાહલ સાંભળીને કંબુગ્રીવ બોલ્યો, ‘અરે! આ શેનો કોલાહલ છે?’ પણ એ પ્રમાણે બોલવાને તે ઇચ્છતો હતો અને પૂરું બોલ્યો પણ નહોતો ત્યાં તો તે નીચે પડ્યો, અને નગરજનોએ તેના ટુકડેટુકડા કરી નાખ્યા.
તેથી હું કહું છું કે આ લોકમાં હિતેચ્છુ મિત્રોનું વચન જે કરતો નથી તે મનુષ્ય, લાકડી ઉપરથી પડી ગયેલા કાચબાની જેમ, નાશ પામે છે.
કહ્યું છે કે
અનાગતવિધાતા અને પ્રત્યુત્પન્નમતિ એ બન્ને સુખ ભોગવે છે. અને યદ્ભવિષ્ય વિનાશ પામે છે.’
ટિટોડો બોલ્યો, ‘એ કેવી રીતે?’ ટિટોડી કહેવા લાગી —