ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/વરુ અને સિંહને છેતરનારો શિયાળ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:04, 16 January 2024
કોઈ એક વનપ્રદેશમાં વજ્રદંષ્ટ્ર નામે સિંહ રહેતો હતો. ચતુરક નામે શિયાળ અને ક્રવ્યમુખ નામે વરુ એ બે સદાકાળ તેની પાછળ પાછળ ફરતા રહેતા હતા. જેનો પ્રસવકાળ નજીક આવ્યો હતો એવી તથા પ્રસવવેદનાને કારણે પોતાના યૂથથી છૂટી પડી ગયેલી એક ઊંટડી એક દિવસ કોઈ વનપ્રદેશમાં તે સિંહના જોવામાં આવી. તેનો વધ કરીને સિંહ તેનું ઉદર ફાડતો હતો ત્યાં તેમાંથી જીવતું એવું નાનું ઊંટનું બચ્ચું નીકળ્યું. પરિવાર સહિત સિંહ તે ઊંટડીના માંસથી પરમ તૃપ્તિ પામ્યો. પછી સ્નેહથી તે ઊંટના બચ્ચાને પોતાને ઘેર લઈ જઈને કહેવા લાગ્યો, ‘ભદ્ર, તને મૃત્યુથી, મારાથી અથવા બીજા કોઈથી ભય નથી. માટે તું ઇચ્છા અનુસાર આ વનમાં ભ્રમણ કર. શંકુ જેવા તારા કાન છે, માટે તારું શંકુકર્ણ એવું નામ થશે.’ આ પ્રમાણે નક્કી કર્યા પછી એક સ્થાને વિહાર કરતા તથા પરસ્પર અનેક પ્રકારનું ગોષ્ઠીસુખ અનુભવતા તે ચારે પશુઓ રહેતાં હતાં. યુવાવસ્થામાં આવેલો શંકુકર્ણ પણ તે સિંહથી એક ક્ષણવાર પણ અલગ થતો નહોતો.
હવે, એક વાર કોઈ જંગલી મત્ત હાથી સાથે વજ્રદંષ્ટ્રને યુદ્ધ થયું, હાથીએ પોતાના મદના બળથી તથા દાંતના પ્રહારોથી વજ્રદંષ્ટ્રને એવા જર્જરિત શરીરવાળો બનાવી દીધો કે તે ચાલી પણ શકતો નહોતો. એટલે ભૂખથી ક્ષીણ થયેલો તે સિંહ તેમને (શિયાળ, વરુ, અને ઊંટને) કહેવા લાગ્યો, ‘અરે! તમે કોઈ પ્રાણીને શોધી લાવો, જેથી આવી અવસ્થામાં રહેલો હોવા છતાં હું તેનો વધ કરીને મારી તથા તમારી ભૂખ દૂર કરું.’ તે સાંભળીને તેઓ ત્રણે વનમાં સંધ્યાકાળ સુધી ભમ્યા, પણ કોઈ પ્રાણી જડ્કહ્યું નહિ. આથી ચતુરક વિચાર કરવા લાગ્યો, ‘જો શંકુકર્ણનો વધ કરવામાં આવે તો કેટલાક દિવસ સુધી અમને સર્વને તૃપ્તિ થાય; પરંતુ મિત્રતાને કારણે તથા પોતાના આશ્રિત હોવાને કારણે સ્વામી એનો નાશ નહિ કરે. અથવા બુદ્ધિપ્રભાવથી સ્વામીને સમજાવીને એવું કરીશ, જેથી તેઓ તેનો નાશ કરે. કહ્યું છે કે
આ લોકમાં બુદ્ધિમાનોની બુદ્ધિથી જેનો નાશ ન કરી શકાય એવું, જ્યાં જઈ ન શકાય એવું તથા જે કરી ન શકાય એવું કંઈ નથી; માટે બુદ્ધિનો ઉપયોગ કરવો.’
એમ વિચાર કરીને તે શંકુકર્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો, ‘હે શંકુકર્ણ! સ્વામી પથ્ય આહાર વિના ક્ષુધાથી પીડાય છે. (તેઓ મરણ પામશે તો) સ્વામીના અભાવે આપણો પણ નક્કી વિનાશ થશે. માટે મહારાજને માટે હું તને કંઈક વાક્ય કહું છું તે સાંભળ.’ શંકુકર્ણ બોલ્યો, ‘અરે! જલ્દી નિવેદન કર, જેથી કોઈ પ્રકારની શંકા કર્યા સિવાય તારું વચન ઝટ દઈને કરું. વળી સ્વામીનું હિત કરવાથી મને સો સત્કૃત્ય કર્યાનું ફળ મળશે.’ એટલે ચતુરક બોલ્યો, ‘હે ભદ્ર! તું તારું શરીર બમણા લાભને માટે અર્પણ કર, જેથી (આવતા જન્મમાં) તને બમણું શરીર મળે અને સ્વામીના પ્રાણ ટકી રહે.’ તે સાંભળીને શંકુકર્ણે કહ્યું, ‘ભદ્ર! જો એ પ્રમાણે હોય તો, એ માટે મારું પ્રયોજન છે એમ કહે. સ્વામીની આવશ્યકતા પૂરી કર. વળી આ બાબતમાં ધર્મ સાક્ષી છે.’ એ પ્રમાણે વિચાર કરી તેઓ સર્વે સિંહની પાસે ગયા. પછી ચતુરક બોલ્યો, ‘દેવ! કોઈ પ્રાણી મળ્યું નથી, ભગવાન સૂર્ય પણ અસ્ત પામ્યા છે. માટે આપ જો બમણું શરીર આપો તો આ શંકુકર્ણ એ બમણી શરીરવૃદ્ધિના બદલામાં ધર્મંની સાક્ષીએ પોતાનું શરીર આપે છે.’ સિંહ બોલ્યો, ‘અરે! જો એમ હોય તો ઘણું સારું. આ વ્યવહારમાં ધર્મને સાક્ષી કરો.’ પછી સિંહ આ વચન બોલ્યો કે તરત જ વરુ અને શિયાળે જેની બન્ને કૂખ ચીરી નાખી છે એવો શંકુકર્ણ મરણ પામ્યો.
પછી વજ્રદંષ્ટ્રે ચતુરકને કહ્યું, ‘હે ચતુરક! હું નદી ઉપર સ્નાન અને દેવપૂજા કરી આવું ત્યાં સુધી તું અહીં સાવધાનીપૂર્વક રહેજે.’ એમ કહીને તે નદીએ ગયો. તે ગયો એટલે ચતુરક વિચાર કરવા લાગ્યો, ‘આ ઊંટ મારા એકલાનું ભક્ષણ કેવી રીતે બને?’ એમ વિચારીને તેણે ક્રવ્યમુખને કહ્યું, ‘હે ક્રવ્યમુખ! તું ભૂખાળવો છે. માટે આપણા સ્વામી આવે નહિ ત્યાં સુધી તું આ ઊંટના માંસનું ભક્ષણ કર. હું સ્વામી સમક્ષ તારી નિર્દોષતા પ્રતિપાદન કરીશ.’ આ સાંભળીને ક્રવ્યમુખે થોડુંક માંસ ચાખ્યું ત્યાં તો ચતુરકે કહ્યું, ‘હે ક્રવ્યમુખ! સ્વામી આવે છે, માટે આ ઊંટનો ત્યાગ કરી દૂર જા, જેથી તેનું ભક્ષણ કરવું કે ન કરવું એવો વિકલ્પ તેઓ ન કરે.’ તેણે એમ કર્યા પછી સિંહ આવ્યો તો તેણે ખાલી હૃદયવાળો ઊંટ જોયો. એટલે ભૃકુટિ ચડાવીને તે કઠોરતાપૂર્વક બોલ્યો, ‘અહો! આ ઊંટને કોણે ઉચ્છિષ્ટ કર્યો છે તે મને કહે, જેથી તેનો પણ હું નાશ કરું.’ તેણે એમ કહ્યું, એટલે ક્રવ્યમુખે ચતુરકના મુખ સામે જોયું (અને તે બોલ્યો), ‘તું કંઈક કહે, જેથી મને શાન્તિ થાય.’ આથી ચતુરક હસીને કહેવા લાગ્યો, ‘અરે! મારો અનાદર કરીને માંસનું ભક્ષણ કર્યા પછી હવે તું મારું મુખ જુએ છે! તો તારા એ અવિનયરૂપી વૃક્ષનું ફળ ચાખ.’ એ સાંભળીને પોતાના જીવનનો નાશ થવાના ભયથી ક્રવ્યમુખ દૂરના પ્રદેશમાં નાસી ગયો.
એ સમયે તે માર્ગે થઈને ભારથી થાકેલો ઊંટનો એક સાર્થકાફલો આવ્યો. તેમાં સૌથી આગળ ચાલતા ઊંટના ગળે મોટો ઘંટ બાંધેલો હતો. દૂરથી એ ઘંટનો શબ્દ સાંભળીને સિંહ શિયાળને કહેવા લાગ્યો, ‘ભદ્ર! તપાસ કર, પહેલાં નહિ સાંભળવામાં આવેલો એવો આ ભયંકર શબ્દ શેનો સંભળાય છે?’ તે સાંભળીને ચતુરક વનપ્રદેશમાં થોડેક દૂર જઈને, સત્વર પાછો આવીને કહેવા લાગ્યો, ‘સ્વામી! આપ નાસી શકો તેમ હો તો નાસી જાઓ, નાસી જાઓ!’ સિંહ બોલ્યો, ‘ભદ્ર! આટલો બધો વ્યાકુળ કેમ દેખાય છે? એ શું છે તે કહે.’ ચતુરકે કહ્યું, ‘સ્વામી! ધર્મરાજ આપના ઉપર કોપાયમાન થયા છે, અને આ સિંહે મારા એક ઊંટને અકાળે મારી નાખ્યો છે; માટે તેની પાસેથી હું સહગણાં ઊંટ લઈશ.’ એ પ્રમાણે નિશ્ચય કરીને, ઊંટોનુંએક મોટું યૂથ સાથે લઈને, સૌથી આગળ ચાલતા ઊંટના ગળામાં ઘંટ બાંધીને, તથા મરણ પામેલા ઊંટના સંબંધી એવા તેના પિતા, પિતામહોને સાથે રાખીને તેઓ વેર વાળવા માટે આવ્યા છે.’ સિંહ પણ તે સાંભળીને ચારે તરફ દૂરથી જ નજર કરીને તથા મરણ પામેલા ઊંટનો ત્યાગ કરીને પ્રાણ જવાના ભયથી નાસી ગયો. ચતુરકે પણ ધીરે ધીરે ઊંટનું માંસ ભક્ષણ કર્યું.