ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/કાગડો, ઉંદર, મૃગ અને કાચબો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:14, 16 January 2024


કાગડો, ઉંદર, મૃગ અને કાચબો

દક્ષિણ જનપદમાં મહિલારોપ્ય નામે નગર છે. તેનાથી થોડેક દૂર અનેક પ્રકારનાં પક્ષીઓ જેનાં ફળોનો ઉપભોગ કરતાં હતાં એવું, કીડાઓ વડે જેનાં કોટર છવાયેલાં હતાં એવું તથા જેની છાયામાં વટેમાર્ગુઓ વિશ્રાંતિ લેતા હતા એવું મોટી છાયાવાળું વડનું ઝાડ હતું. અથવા એ યોગ્ય છે કે

જેની છાયામાં પશુઓ નિદ્રા કરે છે, જેનાં પાંદડાં પર ચોપાસ પક્ષીઓનાં ટોળાં બેસે છે, જેનાં કોટરો કીડાઓથી છવાયેલાં છે, જેની ડાળીઓ ઉપર વાંદરા આશ્રય લે છે, તથા જેનાં પુષ્પોનો રસ ભમરાઓ વિશ્વાસથી પીએ છે એવું, પોતાનાં સર્વ અંગો વડે ઘણા જીવોના સમૂહને સુખ આપનારું ઉત્તમ વૃક્ષ સત્પુરુષો વડે પ્રશંસા કરવા યોગ્ય છે; બીજું (નિરુપયોગી) ઝાડ તો પૃથ્વી ઉપર ભારરૂપ છે.

ત્યાં લઘુપતનક નામે કાગડો રહેતો હતો. તે એક વાર ચારો ચરવા માટે નગર તરફ જતો હતો ત્યાં જુુએ છે તો જેણે હાથમાં જાળ લીધેલી છે એવો, કાળા શરીરવાળો, ફાટેલા ચરણવાળો, ઊભા વાળવાળો અને યમદૂત જેવી આકૃતિવાળો એક પુરુષ સામેથી આવતો હતો. હવે, તેને જોઈને તે વિચાર કરવા લાગ્યો કે ‘આ દુરાત્મા અત્યારે મારા આશ્રયસ્થાન એવા વડના ઝાડ તરફ આવે છે, માટે આજે એ વડ ઉપર રહેનારાં પક્ષીઓનો વિનાશ થશે કે શું એ હું જાણતો નથી.’ એ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરીને, તે જ ક્ષણે પાછો વળીને એ વટવૃક્ષ ઉપર જઈને તે સર્વ પક્ષીઓને તેણે કહ્યું, ‘અરે! પેલો દુરાત્મા પારધી હાથમાં જાળ અને ચોખા લઈને આવે છે. માટે તમારે તેનો કોઈ રીતે વિશ્વાસ કરવો નહિ. એ જાળ પાથરીને ચોખા વેરશે. તે ચોખાને તમારે સર્વેએ હળાહળ વિષ જેવા ગણવા.’ તે આ પ્રમાણે કહેતો હતો ત્યાં તો એ પારધી વટવૃક્ષની નીચે આવીને જાળ પાથરીને સિન્દુવારનાં પુષ્પ જેવા સફેદ ચોખા વેરીને થોડેક દૂર જઈને છાનોમાનો ઊભો રહ્યો. હવે, ત્યાં જે પક્ષીઓ રહેતાં હતાં તે પણ લઘુપતનકના વાક્યરૂપી આગળાથી અટકીને તે ચોખાને હળાહળના અંકુર સમાન ગણીને છાનાંમાનાં બેસી રહ્યાં.

એ સમયે ચિત્રગ્રીવ નામે કપોતનો રાજા એ હજાર પરિવારની સાથે ચારો ચરવા માટે પરિભ્રમણ કરતો હતો, તેણે એ ચોખાના દાણા દૂરથી જોયા ત્યાં લઘુપતનકે તેને અટકાવ્યો, છતાં જીભની લોલુપતાથી તે ખાવા માટે એ જાળ ઉપર આવ્યો, એટલે પરિવાર સહિત બંધાઈ ગયો, અથવા ખરું કહ્યું છે કે

પાણીમાં રહેતાં અજ્ઞાની માછલાંની જેમ જિહ્વારસમાં આસક્ત થયેલાં અજ્ઞાનીઓનો અણધાર્યો નાશ થાય છે. અથવા તો એમાં એનો દોષ નથી કારણ કે

પરસ્ત્રીનું હરણ કરવામાં રહેલો દોષ રાવણે કેમ જાણ્યો નહિ? સુવર્ણના મૃગની અસંભવિતતા રામના પણ જાણવામાં કેમ આવી નહિ? યુધિષ્ઠિરે પાસાની રમત વડે એકાએક અનર્થ કેમ વહોરી લીધો? નજદીકમાં આવેલી વિપત્તિ વડે જેમનાં મન મૂઢ થયેલાં હોય છે તેમની બુદ્ધિ ઘણું કરીને ક્ષીણ થાય છે.

તેમ જ

યમના પાશમાં બંધાયેલા અને દૈવે જેમનું મન રૂંધી લીધું હોય છે એવા મહાપુરુષોની બુદ્ધિઓ પણ આડે માર્ગે ચાલનારી બને છે.

એ સમયે પારધી તે કપોતોને બંધાયેલાં જાણીને હર્ષિત મનવાળો થઈ લાકડી ઊંચી કરીને તેમનો વધ કરવા માટે દોડ્યો. ચિત્રગ્રીવ પણ પરિવાર સહિત પોતાને બંધાયેલો જાણીને તથા પારધીને આવતો જોઈને તે કપોતોને કહેવા લાગ્યો, ‘અહો! તમારે ડરવું નહિ. કહ્કહ્યું છે કે

સર્વ દુઃખોમાં પણ જેની બુદ્ધિ ક્ષીણ થતી નથી તે મનુષ્ય એ બુદ્ધિના પ્રભાવથી નિ:સંશય એ દુઃખોનો પાર પામે છે.

માટે આપણે સર્વે પાશ અને જાળ સહિત રમતમાત્રમાં ઊડીને તેની નજર બહાર જઈ મુક્તિ મેળવીએ; એમ નહિ કરતાં ભયથી વ્યાકુળ ચિત્તવાળા બની ઉતાવળે ઊડી નહિ જાઓ તો મૃત્યુ પામશો.

કહ્યું છે કે

તંતુઓ બારીક હોય તો પણ સદા લાંબા, વિપુલ અને સરખા હોય તો પોતાના બહુત્વને કારણે ઘણા બળને સદા સહન કરી શકે છે; એ ઉપમા સત્પુરુષોને પણ લાગુ પડે છે.’

તેમણે આ પ્રમાણે કર્યું, એટલે જાળને લઈને આકાશમાં ઊડતાં એ કપોતોની પાછળ પારધી ભૂમિ ઉપર રહેલો હોવા છતાં દોડ્યો. પછી ઊંચું મુખ કરીને તે શ્લોક બોલ્યો,

‘આ પક્ષીઓ એકસંપ થઈ જાળ લઈ જાય છે, પણ જ્યારે તેઓ પરસ્પર વિવાદ કરશે ત્યારે અવશ્ય નીચે પડશે એમાં સંશય નથી.’

લઘુપતનક પણ ચારો ચરવાની ક્રિયા છોડીને ‘હવે શું થશે?’ એ પ્રકારના કુતૂહલથી તેની પાછળ પાછળ જવા લાગ્યો. પછી એ કપોતોને દૃષ્ટિમર્યાદાની બહાર ગયેલાં જાણીને તે પારધી નિરાશ થઈને આ શ્લોક બોલતો પાછો વળ્યો.

‘જે ન થવાનું હોય તે થતું નથી અને જે થવાનું હોય તે વિના યત્ને પણ થાય છે; જેની ભવિતવ્યતા ન હોય તે વસ્તુ હાથમાં આવેલી હોય તો પણ નાશ પામે છે.

તેમ જ

નસીબ જ્યારે અવળું હોય ત્યારે કોઈ રીતે ધનનો લાભ થાય તો તે શંખનિધિની જેમ બીજા ધનને પણ પોતાની સાથે લઈને ચાલ્યો જાય છે.

એટલે મારે માટે હવે પક્ષીઓનાં માંસનો લાભ તો એક બાજુ રહ્યો, પણ કુટુંબની આજીવિકાના સાધનરૂપ એવી મારી જાળ પણ ગઈ.’

ચિત્રગ્રીવ પણ પારધીને દૃષ્ટિમર્યાદાની બહાર ગયેલો જાણીને કપોતોને કહેવા લાગ્યો, ‘અરે! એ દુરાત્મા પારધી પાછો વળ્યો છે, માટે તમે સર્વે સ્વસ્થ થઈ ને મહિલારોપ્યના ઈશાન ખૂણામાં ચાલો. ત્યાં મારો મિત્ર હિરણ્યક નામે ઉંદર રહે છે, તે સર્વેના પાશ કાપી નાખશે. કહ્યું છે કે

સર્વે મર્ત્ય પ્રાણીઓ ઉપર જ્યારે સંકટ આવી પડે છે ત્યારે મિત્ર સિવાય બીજો કોઈ કેવળ વાણીથી પણ સહાય કરતો નથી.

એ પ્રમાણે ચિત્રગ્રીવે તે કપોતોને સૂચના કરી, એટલે તેઓ મહિલારોપ્ય નગરના ઇશાન ખૂણામાં આવેલા હિરણ્યકના બિલદુર્ગ (દરરૂપી દુર્ગ) પાસે આવી પહોંચ્યાં. હિરણ્યક પણ હજાર મુખવાળા એ બિલદુર્ગમાં નિર્ભયપણે સુખપૂર્વક રહેતો હતો, અથવા આ ખરું કહ્યું છે કે

દાઢ વિનાના સાપને, મદ વિનાના હાથીને તેમ જ દુર્ગ વિનાના રાજાને સર્વ વશ કરી શકે છે.

તેમ જ

યુદ્ધમાં રાજાઓનું જે કાર્ય હજાર હાથીથી અથવા લાખ ઘોડાથી સિદ્ધ થતું નથી તે એક દુર્ગથી સિદ્ધ થાય છે. કિલ્લામાં રહેલો એક ધનુર્ધારી (બહાર રહેલા) સો સામે ટક્કર ઝીલી શકે છે; આથી નીતિશાસ્ત્રવિદ્ મનુષ્યો દુર્ગની પ્રશંસા કરે છે.

પછી બિલ પાસે આવીને ચિત્રગ્રીવ બોલ્યો, ‘હે મિત્ર હિરણ્યક! સત્વર આવ. હું મોટા દુઃખમાં છું.’ તે સાંભળીને હિરણ્યક પણ બિલદુર્ગની અંદર જ રહીને બોલ્યો, ‘અરે! તું કોણ છે? અને કેમ આવ્યો છે? તારે શું કામ છે? તારી દુઃખી અવસ્થા કેવી છે તે કહે.’ એ સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો,

‘અરે! હું ચિત્રગ્રીવ નામે કપોતરાજ તારો મિત્ર છું, માટે તું સત્વર આવ. તારું મોટું કામ છે.’ એ સાંભળીને રોમાંચિત શરીરવાળો, હર્ષિત આત્માવાળો તથા સ્થિર થયેલા મનવાળો તે હિરણ્યક ત્વરાપૂર્વક બહાર નીકળ્યો. અથવા આ ખરું કહ્યું છે કે

સ્નેહસંપન્ન અને લોચનને આનંદ આપનારા મિત્રો મહાત્મા મોટા મનવાળા ગૃહસ્થોને ઘેર નિત્ય આવે છે.

તેમ જ

જેને ઘેર નિત્ય અતિથિઓ આવે છે તેને ચિત્તમાં જે સુખ થાય છે તે સુખ સ્વર્ગમાં પણ મળતું નથી.

પછી પરિજન સહિત ચિત્રગ્રીવને બંધાયેલો જોઈને હિરણ્યકે વિવાદપૂર્વક આ પ્રમાણે કહ્કહ્યું, ‘અરે! આ શું?’

ચિત્રગ્રીવે કહ્યું, ‘અરે! તું જાણે છે છતાં શું પૂછે છે? કારણ, કહ્યું છે કે

જે કારણથી, જેને લીધે, જેવી રીતે, જ્યારે, જે, જેટલું અને જ્યાં જે મનુષ્યનું પોતાનું શુભાશુભ કર્મ હોય છે તે કારણથી, તેને લીધે, તેવી રીતે, ત્યારે, તે તેટલું, અને ત્યાં તે મનુષ્યને કાળે કરીને પ્રાપ્ત થાય છે.

તો મેં આ દુઃખ જીભની લોલુપતાથી પ્રાપ્ત કર્યું છે. માટે તું અમને પાશમાંથી મુક્ત કર; એમાં વિલંબ કરીશ નહિ.’ તે સાંભળીને હિરણ્યક બોલ્યો,

‘જે પક્ષી દોઢસો યોજન દૂરથી માંસ જાુએ છે તે પણ પાસે જ રહેલું બંધન દૈવયોગે જોઈ શક્તું નથી.

તેમ જ

સૂર્ય અને ચંદ્રને ગ્રહથી થતી પીડા; હાથી, સર્પ અને પક્ષીઓનું બંધન તથા બુદ્ધિશાળી પુરુષોની દરિદ્રતા જોઈને મને વિચાર થાય છે કે ‘અહો! દૈવ જ બળવાન છે.’

તેમ જ

આકાશમાં એકાન્તે વિહાર કરનારાં પક્ષીઓ પણ આપત્તિ પ્રાપ્ત કરે છે, નિપુણ જનો અગાધ જળમાં રહેલાં મત્સ્યોને સમુદ્રમાંથી બાંધે છે; આ જગતમાં દુષ્કૃત્ય કયું છે અને સુકૃત્ય ક્યું છે? સારું સ્થાન મેળવવામાં પણ ક્યો ગુણ છે? કાળ પોતાનો હાથ પ્રસારી દૂરથી પણ સર્વેને પકડી લે છે.’

એ પ્રમાણે કહીને ચિત્રગ્રીવનો પાશ છેદવાને તૈયાર થયેલા હિરણ્યકને ચિત્રગ્રીવે કહ્કહ્યું, ‘ભદ્ર! એમ ન કરીશ. પહેલાં મારા સેવકોનો પાશ કાપ; પછી મારો પણ કાપજે.’ એ સાંભળીને કોપાયમાન થયેલો હિરણ્યક્ બોલ્યો, ‘અરે! તેં યોગ્ય ન કહ્યું, કારણ કે સેવકો સ્વામીની પછી જ હોય છે.’

ચિત્રગ્રીવે ક્હ્યું, ‘ભદ્ર! એમ ન બોલ. આ બિચારા મારા આશ્રયે રહેલા છે. વળી પોતાનું કુટુંબ છોડીને આવેલા છે. તો પછી તેમનું આટલું સન્માન પણ હું કેમ ન કરું? કહ્યું છે કે

જે રાજા સેવકોનું અધિક સન્માન કરે છે તેને દરિદ્રાવસ્થામાં જોઈને પણ સેવકો તેનો કદી ત્યાગ કરતા નથી.

તેમ જ

વિશ્વાસ એ સંપત્તિનું મૂળ છે કે જેથી કરીને હાથી યૂથનો અધિપતિ થાય છે; સિંહ પશુઓનો અધિપતિ હોવા છતાં પશુઓ તેની સેવા કરતાં નથી.

વળી મારો પાશ કાપતાં કદાચ તારા દાંત પડી જાય અથવા દુરાત્મા પારધી આવી પહોંચે તો (મારા સેવકો છૂટી શકે નહિ, અને) ખરેખર હું નરકમાં જ પડું. કહ્યું છે કે

સદાચારી સેવકો દુઃખ ભોગવતા હોય અને જે સ્વામી સુખ ભોગવે તે નરકમાં જાય છે તથા આ લોકમાં અને પરલોકમાં દુઃખ પામે છે.’

એ સાંભળીને હર્ષ પામેલો હિરણ્યક બોલ્યો, ‘અરે ભાઈ! હું રાજધર્મ જાણું છું. પણ મેં તારી પરીક્ષા કરી. માટે પહેલાં હું સર્વ પક્ષીઓના પાશ કાપી નાખીશ. તું પણ એ રીતે ઘણાં કપોતોના પરિવારવાળો થઈશ. કહ્યું છે કે

જે રાજા સેવકો ઉપર સદા દયાભાવ રાખે છે અને તેમને દ્રવ્યાદિની ભેટ આપે છે તે ત્રૈલોક્યનું પણ રક્ષણ કરવાને સમર્થ થાય છે.’

એમ કહીને સર્વના પાશ કાપી નાખીને હિરણ્યકે ચિત્રગ્રીવને કહ્યું, ‘મિત્ર! હવે તું તારા નિવાસસ્થાને જા. ફરી વાર આપત્તિ આવી પડતાં તારે અહીં આવવું.’ એ પ્રમાણે એ કપોતોને વિદાય આપીને પુન: તે પોતાના દુર્ગમાં પ્રવેશ્યો. પરિવાર સહિત ચિત્રગ્રીવ પણ પોતાના નિવાસસ્થાને ગયો.