ભારતીયકથાવિશ્વ−૪/નારદમહાપુરાણ/બાહુ રાજાની કથા: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 12:26, 21 January 2024
સૂર્યવંશમાં બાહુ નામે ધર્મપરાયણ રાજા થઈ ગયો. તેણે બધા લોકોને પોતપોતાના વર્ણધર્મની મર્યાદામાં રાખ્યા હતા. તેણે અશ્વમેધ યજ્ઞો કરીને બ્રાહ્મણોને પુષ્કળ દાનદક્ષિણા આપ્યાં હતાં. ચોરડાકુને અંકુશમાં રાખી પ્રજાની યાતનાઓ દૂર કરી હતી. ધરતી ખેડ્યા કર્યા વિના જ ધાન્ય પકવતી હતી. નિયમિત રીતે વરસાદ પડતો હતો. પ્રજા બધી રીતે સુરક્ષિત હતી.
હવે એવું બન્યું કે તે રાજાના મનમાં અહંકાર પ્રગટ્યો. ‘મારા જેવું કોણ છે? મેં બધા શત્રુઓને જીતી લીધા છે. હું વિદ્વાન, તત્ત્વજ્ઞ, નીતિજ્ઞ. આ પૃથ્વી ઉપર મારા સમાન કોણ છે?’આમ રાજાના મનમાં દોષદૃષ્ટિ પ્રવેશી. યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ અને અવિવેક — આમાંનું પ્રત્યેક અનર્થનું મૂળ છે તો પછી જ્યાં આ ચારે ભેગા થાય તો શું પરિણામ આવે?’
હવે રાજા ભારે ઉદ્ધત થઈ ગયો. હૈહય અને તાલજંઘ વંશના રાજાઓ તેના શત્રુ બની ગયા. તે રાજાએ શત્રુઓ સાથે એક મહિના સુધી ભયંકર યુદ્ધ કર્યું અને તે હારી ગયો. તે દુઃખી થઈને પોતાની પત્નીઓ સાથે વનમાં આવ્યો. ત્યાં એક મોટું તળાવ જોઈને તેને સંતોષ થયો. પણ તેના મનમાં ઈર્ષ્યાએ ઘર કર્યું હતું એટલે તે વર્તીને ત્યાનાં વૃક્ષો પરનાં પંખી આમતેમ સંતાઈ જઈ બોલવાં લાગ્યાં કે આજે અહીં એક ભયાનક પુરુષ આવ્યો છે. રાજા બંને પત્ની સાથે તે સરોવરનું પાણી પી એક વૃક્ષની છાયામાં બેઠો. તે સમયે રાજાની નિંદા બહુ થઈ હતી. ક્રોધ જેવો કોઈ શત્રુ નહીં, નિંદા જેવું પાપ નહીં, મોહ જેવું કોઈ વ્યસન નહીં, કામ જેવી કોઈ આગ નહીં, રાગ જેવું કોઈ બંધન નહીં, આસક્તિ જેવું વિષ નહીં.
રાજા માનસિક સંતાપ અને મોટી વયને કારણે દુઃખી થયો અને ઔર્વ મુનિના આશ્રમ પાસે તે મૃત્યુ પામ્યો. તેની નાની ગર્ભવતી પત્નીએ સતી થવાનો નિર્ધાર કર્યો અને એવામાં જ ઔર્વ મુનિ આવી ચઢ્યા, ત્રિકાળદર્શી મુનિએ બધી વાત જાણીને ચિતા પર ચઢવા તૈયાર થયેલી રાણીને કહેવા લાગ્યા, ‘તું પતિવ્રતા છે એ સાચું પણ તું ચિતા પર ચડીશ નહીં. તારા ઉદરમાં શત્રુજિત પુત્ર છે. જેનું બાળક નાનું હોય, જે ગર્ભવતી હોય, જેણે હજુ ઋતુકાળ જોયો પણ ન હોય તેનાથી ચિતા પર ચઢાય નહીં. ગર્ભહત્યાના પાપમાંથી બચી ન શકાય. ’
એટલે રાણીને તેમના વચન પર વિશ્વાસ બેઠો અને તે પતિના પગ પકડી રુદન કરવા લાગી ત્યારે મુનિએ તેને આશ્વાસન આપી કહ્યું, ‘તું રુદન કરીશ નહીં. તું સુખી થઈશ. અત્યારે તો રાજાના અગ્નિસંસ્કાર કરવા પડે.’ અને રાણીને તેમણે ઘણી બધી રીતે સમજાવી.
પતિની ઉત્તરક્રિયા સારી રીતે પતાવી બંને રાણી મુનિના આશ્રમમાં ગઈ અને તેમની સેવા કરવા લાગી. આમ સમય વીતવા લાગ્યો. હવે મોટી રાણીના મનમાં શોક્યની સમૃદ્ધિ જોઈ દુષ્ટ વિચાર આવ્યો અને રાણીને ઝેર આપ્યું. રાણી મુનિની સેવાચાકરી કરતી હતી એટલે તે ઝેરની અસર ન થઈ અને પૂરા માસે પુત્રને જન્મ આપ્યો. મુનિએ ગર સાથે જન્મેલા પુત્રનું નામ સગર રાખ્યું. પછી તો મુનિ તેને શિક્ષણસંસ્કાર આપતા થયા. એક દિવસ તેણે માતાને પોતાના પિતા વિશે પૂછ્યું ત્યારે પુત્રને બધી વાત કરી. આ સાંભળીને સગરને બહુ ક્રોધ ચડ્યો અને શત્રુઓનો વિનાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. ઔર્વ અને વસિષ્ઠ ઋષિની વિદાય લીધી. વસિષ્ઠ પાસેથી ઉત્તમ અસ્ત્રશસ્ત્ર મેળવી તેણે વિરોધીઓનો નાશ કર્યો, કેટલાક નાસી ગયા. બીજા રાજાઓ વસિષ્ઠ ઋષિને શરણે ગયા. તે સાંભળીને સગર ત્યાં આવ્યો. શરણાગતોની રક્ષા કરવા તે ઋષિએ કેટલાક રાજાઓનાં દાઢીમૂછ મુંડાવી નાખ્યાં. સગરે ગુરુને કહ્યું, ‘તમારે આ દુરાચારીઓનો બચાવ કરવાનો ન હોય. તેમણે મારા પિતાનું રાજ્ય હરી લીધું છે, એટલે હું તેમને જવા નહીં દઉં. વેશ્યા લાગણી બતાવે કે સાપ સાધુતા બતાવે તો પણ તેમનો વિશ્વાસ ન કરાય.’
આમ છતાં ગુરુએ સગરને બહુ સમજાવયો ત્યારે તેનો ક્રોધ શાંત પડ્યો. પછી વસિષ્ઠ મુનિએ સગરનો રાજ્યાભિષેક કર્યો. સગરને કેશિની અને સુમતિ નામે બે રાણી હતી. તે રાણીઓએ ઔર્વ મુનિને પ્રસન્ન કરી પુત્રની માગણી કરી હતી એટલે તે મુનિએ કહ્યું હતું, ‘એક રાણીને તો એક જ પુત્ર થશે અને બીજી રાણીને સાઠ હજાર પુત્રો થશે.’ કેશિનીએ એક જ પુત્ર માગ્યો જ્યારે સુમતિએ સાઠ હજાર પુત્ર માગ્યા. કેશિનીનો પુત્ર અસમંજસ દુષ્ટ નીકળ્યો જ્યારે તેનો પુત્ર અંશુમાન ધર્માત્મા નીકળ્યો.
(૮)