ભારતીયકથાવિશ્વ−૪/નારદમહાપુરાણ/રુક્માંગદ આખ્યાન: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 04:09, 22 January 2024
રુક્માંગદ આખ્યાન
પ્રાચીન કાળમાં રુક્માંગદ નામે એક ચક્રવર્તી રાજા થઈ ગયો. વિષ્ણુભક્ત એવો આ રાજા એકાદશી વ્રતનું પાલન કરતો હતો અને કરાવતો હતો. એકાદશીના દિવસે હાથી પર નગારું મૂકીને તે ઢંઢેરો પીટાવતો હતો — આજે એકાદશી છે. આઠ વર્ષથી મોટા અને પંચાશી વર્ષથી નાની ઉમરવાળી કોઈ પણ વ્યક્તિ ભોજન કરશે તો તેનો દંડ કરવામાં આવશે અને તેને નગર બહાર કાઢી મૂકવામાં આવશે. મારા કોઈ સ્વજનો, મિત્ર પણ એકાદશીના દિવસે ભોજન કરશે તો તેને આકરો દંડ આપવો પડશે.
રાજાએ આવી ઘોષણા કરાવી એટલે બધા માણસો એકાદશીવ્રત કરીને વિષ્ણુલોકમાં જવા લાગ્યા. આથી યમરાજની પરિસ્થિતિ કફોડી બની, બધા જ જો વિષ્ણુલોકમાં જતા હોય તો પછી યમલોકનો અર્થ કયો? યમલોકનો માર્ગ સૂનો પડી ગયો. નરક સૂનો પડી ગયાં. નારદ મુનિએ ધર્મરાજની પાસે જઈને તેમનાં ખબરઅંતર પૂછ્યાં, એટલે ધર્મરાજે નારદને રુક્માંગદ રાજાની બધી વાત કરી. આ રાજા બધાને એકાદશીવ્રત કરવાની ફરજ પાડી રહ્યો છે, એટલે મારી દશા સાવ દીન થઈ ગઈ છે. હું જાણે આંધળો-બહેરો બની ગયો છું. હવે મારે લોકપાલ પદ જોઈતું નથી.
આમ કહી યમરાજ નારદ અને ચિત્રગુપ્તની સાથે બ્રહ્મા પાસે ગયા. ત્યાં તેમને જોઈને બધાને આશ્ચર્ય થયું. ‘શું યમરાજ પાસે કોઈ કામધંધો નથી, ચિત્રગુપ્ત પણ અહીં છે, તેમના ચોપડામાંથી બધું લખાણ ભૂંસી નાખવામાં આવ્યું છે.’ યમરાજે બ્રહ્માને પગે પડીને પોતાની દીન, લાચાર અવસ્થાનું વર્ણન કર્યું. તેમને આશ્વસ્ત કરીને બધી વિગતો પૂછી. એટલે યમરાજે કહ્યું, ‘ભગવાન, મારી પ્રતિષ્ઠાનો ભંગ થયો છે. હું તમારી આજ્ઞાથી બધી સેવા કરતો હતો. લોકોને તેમના પાપપુણ્યને આધારે તેમનો ન્યાય ચૂકવતો હતો. પણ રુક્માંગદે મારો તિરસ્કાર કર્યો છે. તે રાજાના ભયથી પૃથ્વીવાસીઓ સર્વ પાપનો નાશ કરનારી એકાદશીના દિવસે ભોજન કરતા નથી. એટલે એ બધા વિષ્ણુલોકમાં જતા રહે છે, એટલું જ નહીં પોતાની સાથે પિતૃઓને, તેમનાય પિતૃઓને લઈને જાય છે. પૃથ્વી ઉપર પાપી માણસો રહ્યા જ નથી, યમલોકનો માર્ગ જ નાશ પામ્યો છે. આ રાજા જો જીવશે તો શું થશે? મારો આ દંડ લઈ લો, આ ચોપડો લઈ લો. તેની માતાને ધન્ય છે. પણ હવે મારું જીવન સંભવિત નથી.’
પરંતુ બ્રહ્મા વિષ્ણુ ભગવાનની ઉપરવટ જઈને કશું કરવા તત્પર થયા નહીં ત્યારે યમરાજે કહ્યું, ‘જ્યાં સુધી રુક્માંગદ રાજ કરે છે ત્યાં સુધી મારું ચિત્ત શાંત થવાનું નથી. તમે કોઈક રીતે તેના એકાદશીવ્રતનો ભંગ કરાવો.’ યમરાજની વાત સાંભળીને બ્રહ્માએ થોડો સમય વિચાર કર્યો અને બધાને મોહ પમાડનારી એક નારી સર્જી. સંસારની બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી અલંકારમંડિત થઈને બ્રહ્મા સામે ઊભી રહી. તેને જોઇને બ્રહ્માએ પોતાની આંખો મીંચી દીધી. પોતાનાં સ્વજનો કામપીડિત થઈને એ સુંદરીને જોતા હતા એટલે તે બધાને તેમણે ઉપદેશ આપ્યો. સ્ત્રીની કાયાની ભારે નિંદા કરી.
તે સ્ત્રીએ બ્રહ્માને પ્રણામ કરીને પોતાના રૂપની ભારે પ્રશંસા કરી. ‘તમે કોઈના મનને ક્ષુબ્ધ કરવા મારું સર્જન કર્યું છે. તો તમે એનું નામ મને કહો. પૃથ્વી પર મને જોઈને પર્વત પણ પીગળી જાય તો સામાન્ય જીવોનું શું?’
એટલે બ્રહ્માએ તેને કહ્યું, ‘રુક્માંગદ નામે એક રાજા છે. તેની પત્ની સંધ્યાવલી રૂપે તમારા જેવી જ છે. તેનો પુત્ર ધર્માંગદ ભારે પ્રતાપી છે. હજુ સુધી તેણે સ્ત્રીસંગ કર્યો નથી. તેને ત્રણસો માતાઓ છે, રુક્માંગદના જીવનમાં ધર્મની જ બોલબાલા છે, તમે તેની પાસે જઈને મોહ પમાડો. તે રાજા જ્યારે તમારાથી મોહ પામે ત્યારે તમારે કહેવાનું — હું તમારી સાથે લગ્ન કરવા ઇચ્છું છું. પણ તમારે મને એક વચન આપવું પડશે. જ્યારે એ રાજા તમારી વાત સ્વીકારે ત્યારે તમારે જમણા હાથમાં વચન લેવું. થોડા દિવસના ભોગવિલાસ પછી એ વચનની યાદ અપાવવી. જ્યારે રાજા એ વચન પાળવા તૈયાર થાય ત્યારે કહેવું — તમારે એકાદશીનો ઉપવાસ કરવો નહીં, હે રાજા, તમે ઉપવાસી હોઈ હું ત્રણ રાતથી તમારો વિરહ ભોગવી રહી છું, હવે હું એ વિરહ વેઠી શકતી નથી. જો તમારી આ વાત ન માને તો કહેવું — જો તમે એકાદશીના દિવસે ઉપવાસ છોડી શકતા ન હો તો તમારે તલવાર વડે તમારા પુત્ર ધર્માંગદનું મસ્તક કાપી નખાવો. જો તમે આમ નહીં કરો તો નિશ્ચિત નરકે જશો.
તમારી વાત સાંભળીને તે પુત્રહત્યા નહીં કરે અને એકાદશીના દિવસે ભોજન કરશે. એટલે બધા માણસો પહેલાંની જેમ યમરાજ પાસે જતા થશે અને જો રાજા પુત્રહત્યા કરશે તો તે ભગવાનના ધામને પામશે.’
તે સ્ત્રીએ બ્રહ્માને પોતાનું નામકરણ કરવા કહ્યું. એટલે બ્રહ્માએ તેનું નામ પાડયું મોહિની.
બ્રહ્માને પ્રણામ કરી મોહિની સમુદ્રમંથનથી વિખ્યાત બનેલા મંદરાચલ પર્વત પર જઇ પહોંચી. તે પોતાના તેજથી મંદરાચલના તેજની વૃદ્ધિ કરી રહી હતી. રાજાને મળવાની ઇચ્છાથી તે એક શિલા પર બેઠી. ત્યાં એક શિવલિંગ હતું, તેની પાસે જ મોહિનીએ ઉત્તમ સંગીતનો આરંભ કર્યો. તેના સંગીતથી બધી જીવસૃષ્ટિ મોહ પામી. ભગવાન શંકર પણ તેનાથી મોહ પામીને મોહિની પાસે ગયા.
રુક્માંગદે પૃથ્વીના પાલનની જવાબદારી પુત્ર ધર્માંગદને સોંપી પોતે હવે મૃગયા માટે જવાની ઇચ્છા કરી, આ નિમિત્તે પ્રકૃતિની શોભા જોવા મળશે એમ કહ્યું. ધર્માંગદે રાજ્યની ધુરા સંભાળવાની તૈયારી બતાવી. પ્રજાજનોને બોલાવીને બધી વાત કરી. એકાદશી વ્રત ચાલુ રાખવા કહ્યું, અને પિતાની જેમ જ તે બધાં કાર્ય કરવા લાગ્યો. પુત્રથી પ્રસન્ન થઈને રુક્માંગદે પોતાની પત્ની સંધ્યાવલીને વનવિહારની ઇચ્છા બતાવી. રાજાએ પણ નિર્દોષ પશુઓની હત્યા નહીં કરવાની અને પ્રજાને પીડનારા હિંસક પશુઓની જ હત્યા કરવાની વાત કરી.
અને આમ તે રાજા વનમાં જઈ પહોંચ્યા અને ફરતાં ફરતાં વામદેવ ઋષિના આશ્રમમાં જઈ પહોંચ્યા. ઋષિએ રાજાની ભારે પ્રશંસા કરી. પણ રાજાએ નમ્રભાવે બ્રાહ્મણોની શ્રેષ્ઠતા સ્વીકારી. રાજાએ પોતાની પત્ની સંધ્યાવલીની તથા પુત્ર ધર્માંગદની ભારે પ્રશંસા કરીને આ સદ્રભાગ્ય શા કારણે પ્રાપ્ત થયું તે વિશે ઋષિને પૂ્છ્યું. પુત્રે યુદ્ધમાં અનેક વિજય મેળવ્યા. કેટલીય રાજકન્યાઓ લાવીને મને સમર્પિત કરી, મારી પણ ભારે સેવાચાકરી કરે છે તો આ મારા કયા પુણ્યનું ફળ છે? એટલે ઋષિએ રાજાના પૂર્વજન્મની વાત કહી સંભળાવી, એ જન્મે જે પુણ્યકાર્ય કર્યું તેના પરિણામે આ જન્મમાં આ બધી સિદ્ધિ તમને વરી છે.’
મુનિની વાત સાંભળીને રાજાએ ઘોડા પર બેસીને યાત્રા શરૂ કરી. માર્ગમાં અનેક પર્વત, વન, નદી, સરોવર વટાવીને તે મંદરાચલ પર્વત પર પહોંચ્યો. ત્યાં સંગીતના ધ્વનિથી મોહ પામીને ઘોડા પરથી ઊતરી આગળ ચાલી નીકળ્યો. ત્યાં પર્વત પર તપ્ત સુવર્ણવર્ણી એક નારી જોઈ. રૂપે તે ગિરિરાજપુત્રી જેવી લાગતી હતી. ત્યાં ઊભા રહીને રાજા તેને જોતો જ રહ્યો અને ત્યાં જ બેસી પડ્યો. મોહિનીએ વીણાવાદન થંભાવીને રાજા પાસે જઈને કહ્યું, ‘રાજન ઊઠો, હું તમારા તાબે છું. જો મારી સાથે ક્રીડાની ઇચ્છા હોય તો ધર્મયુક્ત દાન આપો.’
મોહિનીની વાત સંભળીને રાજાએ કહ્યું, ‘મેં પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી અનેક સ્ત્રીઓને જોઈ છે પણ આવું રૂપ મેં ક્યાંય જોયું નથી. તમારી જે કોઈ ઇચ્છા હશે તે પૂરી કરીશ. તમને આખેઆખી પૃથ્વી આપીશ, મારી જાત પણ અર્પી દઈશ.’
‘રાજાજી, મારે પૃથ્વી નથી જોઈતી. હું જે સમયે જે કહું તેનું પાલન કરતા રહો. આ શરતે હું તમારી સાથે રહીશ.’
‘તમારી વાત મને માન્ય છે.’
‘તમે તમારો જમણો હાથ મને આપો. એટલે મને ખાત્રી થાય. મને વિશ્વાસ છે કે તમે ભવિષ્યમાં ક્યારેય અસત્ય નહી બોલો.’
પ્રસન્ન થઈને રાજાએ કહ્યું,‘મેં ક્યારેય હસીમજાકમાં પણ અસત્ય વાત કરી નથી. મેં આ જમણો હાથ તમને આપ્યો. તમારી વાત જો ન માનું તો અત્યાર સુધી કરેલું બધું પુણ્ય તમારું થઈ જાય. તમે મારી સાથે લગ્ન કરો. ઇક્ષ્વાકુ કુળનો હું રુક્માંગદ રાજા છું, મારો પુત્ર ધર્માંગદ છે.’
આ સાંભળી મોહિનીએ કહ્યું, ‘હું બ્રહ્માની પુત્રી છું. તમારી કીર્તિ સાંભળીને હું આ પર્વત પર આવી છું. તમારું જ ધ્યાન ધરીને હું તપ કરી રહી હતી. શંકરના સંગીત વડે પૂજા કરી રહી હતી. પશુપતિ તપનું ફળ તરત આપે છે. આપણે બંને એકબીજાને ચાહીએ છીએ.’ એમ કહી તેણે રાજાનો હાથ ઝાલી લીધો. ‘મારા વિશે કશી શંકા આણતા નહીં, હું કુમારી છું અને નિષ્પાપ છું. તમે વિધિપૂર્વક મારી સાથે લગ્ન કરો.’ એટલે એ પર્વત પર રાજાએ મોહિની સાથે લગ્ન કર્યું, ‘આ પર્વત પર જે સુખ છે તે સ્વર્ગ પ્રાપ્ત કરીએ તો પણ ન મળે. બોલો, અહીં રહેવું છે કે રાજમહેલમાં?’
‘રાજાજી, તમારી ઇચ્છા એ મારી ઇચ્છા. પતિની નિકટતા જ સ્વર્ણિમ મેરુ છે. પિતાને ત્યાં આસક્ત રહેનારી સ્ત્રી નરકે જાય છે.’
એ સાંભળી રાજાએ કહ્યું, ‘મારી સઘળી પત્નીઓમાં તમે પટરાણી. હવે આપણે રાજધાની તરફ જઈએ.’
અને એમ તે બંને રાજધાની જવા નીકળ્યાં.
શિખર પરથી ઊતરીને રાજા પોતાના ઘોડા પાસે આવ્યો. તે પોતાના પગથી ધરતી ખોદી રહ્યો હતો, એટલામાં ત્યાંથી એક ગરોળી નીકળી, ઘોડાના પગના આઘાતે તે ઘવાઈ હતી. રાજાને તેના પર દયા આવી એટલે તેને ઉપાડીને કૂણાં ઘાસની વચ્ચે મૂકી દીધી. મોહિનીને પાણી લાવવા કહ્યું. રાજાએ પાણી બેભાન ગરોળી પર છાંટ્યું એટલે તે ભાનમાં આવી. ધીરે ધીરે તેણે માનવબોલીમાં રાજાને પોતાના પૂર્વજન્મની કથા કહી.
હું એક બ્રાહ્મણપત્ની હતી. રૂપયૌવને સમૃદ્ધ છતાં મારા પતિને હું વહાલી ન હતી. તે મને કડવાં વેણ કહી, મારો તિરસ્કાર કરતા. એટલે મેં પતિને વશ કરવા માટે મારા જેવી સ્ત્રીઓને પૂછ્યું. તેમણે મને એક વેરાગણ પાસે મોકલી. એટલે હું તે સ્ત્રી પાસે ગઈ, તેણે મને કોઈ ચૂર્ણ આપ્યું, દોરો આપ્યો. મેં મારા પતિને દૂધમાં એ ચૂર્ણ ઓગાળીને પાયું અને તેના ગળે દોરો બાંધ્યો. પણ તે દિવસથી મારા પતિને ક્ષય લાગુ પડ્યો. તેમના ગુપ્ત અંગમાં ચાંદી પડી. એટલે મારા પતિએ દુઃખી થઈને મને વફાદાર રહેવાનું વચન આપ્યું. એટલે હું ફરી પેલી સ્ત્રી પાસે ગઈ, તેણે મને બીજું ઔષધ આપ્યું, પછી મારા પતિ મારા વશમાં આવી ગયા.
થોડા સમયે મારું મૃત્યુ થયું, મને નરક મળ્યું. પછી યમરાજે મને ગરોળીનો અવતાર આપ્યો. પતિને વશ કરવા નીકળેલી સ્ત્રી આમ નરકે જ જાય છે. હવે હું તમારા શરણે આવી છું. તમે વિજયા દ્વાદશીના વ્રતનું ફળ આપી મારો ઉદ્ધાર કરો. નહીંતર હું ફરી તિરસ્કારપાત્ર જન્મ જ લઈશ.’
મોહિનીએ રાજાને કર્મફળનો મહિમા સમજાવી તે સ્ત્રીની ઉપેક્ષા કરી રાજધાની જવા કહ્યું, પણ રાજાએ ના પાડી. પરોપકારીઓનાં દૃષ્ટાંત આપ્યાં. હરિશ્ચંદ્ર કેવી રીતે ચાંડાળને ત્યાં ગયા તેની વાત કરી. દધીચિએ પોતાનું દેહદાન કર્યું હતું તેની, શિબિની વાત કરી. જીમૂતવાહને એક સર્પ ખાતર પોતાનું બલિદાન આપ્યું હતું તેનું દૃષ્ટાંત આપ્યું. એ જ રીતે હું મારું પુણ્ય આપીને આ ગરોળીનો ઉદ્ધાર કરીશ.’ અને રાજાએ પોતાનું પુણ્ય ગરોળીને આપી દીધું. એટલે તરત જ ગરોળી દિવ્ય શરીર અને આભૂષણો ધારણ કરી વૈષ્ણવ ધામમાં ગઈ.
પછી રાજા અને મોહિની અશ્વ પર સવાર થઈને પોતાના નગરમાં આવ્યાં. ધર્માંગદ પિતાના આગમનના સમાચાર સાંભળી તેમનું સ્વાગત કરવા નીકળ્યો. બંનેએ એકબીજાનાં ખબરઅંતર પૂછ્યાં. રાજાએ પુત્રને રાજકાજ વિશે પૂછયું, પ્રજાનાં સુખશાંતિ વિશે પૂછ્યું. ધર્માંગદે પણ પોતે નિષ્ઠાપૂર્વક રાજવહીવટ ચલાવતો હતો તેની વાત કરી, સાથે આવેલી મોહિનીના સૌંદર્યની પ્રશંસા કરી. રુક્માંગદે મોહિની કેવી રીતે મળી તેની વાત કરી. પુત્રે મોહિનીને પ્રણામ કર્યાં. ધર્માંગદ માતા મોહિનીને પિતાના કહેવાથી પોતાના આવાસમાં લઈ ગયો. ત્યાં મોહિનીની આસનાવાસના કરી, તે યુવાન હતો તો પણ મોહિની પ્રત્યે કોઈ વિકાર તેનામાં પ્રગટ્યો નહીં. પોતે મેળવેલાં કુંડળ મોહિનીને પહેરાવ્યાં. બીજા પણ આભૂષણો પહેરાવ્યાં. એક કાળે હિરણ્યકશિપુની પત્નીએ પોતાના પતિની સાથે અગ્નિપ્રવેશ કરતી વેળાએ માથાના ચૂડામણિ સમુદ્રમાં ફેંકી દીધા હતા. સમય જતાં ધર્માંગદના પરાક્રમથી આનંદ પામીને સમુદ્રે તે ચૂડામણિ તેને ભેટ આપ્યા હતા. પુત્રે પોતાની માતા સંધ્યાવલીને મોહિનીનો સત્કાર કરવા કહ્યું અને એક દૃષ્ટાંતકથા કહી.
પ્રાચીન કાળે કોઈ દુષ્ટ સ્વભાવનો શૂદ્ર પોતાને ઘેર વેશ્યાને લાવ્યો હતો. પોતાની પ્રસન્નવદના પત્ની કરતાં તે વેશ્યાને વિશેષ ચાહતો હતો. તેની સ્ત્રી તે બંનેની સેવા કરતી હતી. એક વેળા તેના પતિએ કુપથ્ય ભોજન કર્યું, પરિણામે તેને ભગદંર રોગ લાગુ પડ્યો. વેશ્યા તો તેના ઘરનું ધન લઈને જતી રહી. પતિએ પશ્ચાત્તાપ કરીને પોતાની રક્ષા કરવા કહ્યું, તે સ્ત્રી પિયરથી ધન લઈ આવીને સેવા કરવા લાગી. દિવસો પછી તેના પતિને ત્રિદોષ થઈ ગયો. આમ છતાં તે સ્ત્રી જરાય અચકાયા વિના સેવા કરતી રહી, દવા પાતી રહી, છેવટે તેના પતિનું મૃત્યુ થયું. તે સ્ત્રી પણ પતિની પાછળ સતી થઈ. આમ કહી માતાને સમજાવી.
‘તો મનમાં આ આણી મોહિનીની સેવા કરો.’ સંધ્યાવલીએ પણ પુત્રની સૂચનાનો સ્વીકાર કર્યોં. મોહિનીને ઉત્તમ ભોજન પીરસ્યું. પછી મોહિનીએ રાજાને મળવાની તીવ્ર ઇચ્છા દાખવી. રાજાએ ત્યાં આવીને મોહિનીને પલંગ પર સૂતેલી જોઈ. પછી મોહિનીએ સંધ્યાવલીની ખૂબ જ પ્રશંસા કરી. ધર્માંગદે પોતાની અપરમાતાઓને મોહિની અને રાજાને સુખસંતોષ આપવા જણાવ્યું. માતાઓએ તેમ કરવાનું વચન આપ્યું. એટલે ધર્માંગદે માતાઓને અનેક ભેટસોગાદ આપી. પુત્રે પિતાને પણ ઘણી ભેટ આપી. સાથે સાથે પૃથ્વીની રક્ષાની જવાબદારી ઉપાડી. તેનું રાજ્ય બધી રીતે ઉત્તમ હતું. આમ કરતાં કરતાં આઠ વરસ વીત્યાં. વિદ્યાધરોને પરાજિત કરી તેમની પાસેથી ઘણું બધું ઐશ્વર્ય આપનારા મણિ મેળવ્યા. બીજાં પણ અનેક દેશ જીતીને સંપત્તિ આણી, હજારો કુમારીઓ મેળવી, રાજાએ એ સઘળી કુમારિકાઓ લગ્ન માટે પુત્રને આપી. પછી રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો. મારા રાજ્યમાં સ્ત્રીઓ સુરક્ષિત રહે. સૌભાગ્યવતીઓએ વાળ કપાવવા નહીં, વિધવાએ વાળ રાખવા નહીં. શાસ્ત્રજ્ઞાનવિહોણા લોકોએ આ રાજ્યમાં રહેવું નહીં. ગળીનું ઉત્પાદન કરનારે, ગળીથી વસ્ત્ર રંગનારે અહીં રહેવું નહીં. દારૂનો ધંધો કરનાર, માંસભક્ષણ કરનાર, વિના કારણે સ્ત્રીને કાઢી મૂકનારને રાજ્યમાં કોઈ સ્થાન નથી. વિષ્ણુ સિવાય બીજા કોઈ દેવની પૂજા કરવી નહીં.
રાજાએ મોહિનીને કાર્તિક માસનો મહિમા જણાવ્યો. રાજાએ એ મહિમા વિસ્તારથી વર્ણવ્યો. એટલે મોહિનીએ કહ્યું, ‘રાજાઓએ શા માટે વ્રત કરવાં? એ બધું તો બ્રાહ્મણોએ કરવાનું. તમે ઉપવાસ ન કરો, પત્ની પાસે કરાવો.’
રુક્માંગદે તેની વાત માનીને સંધ્યાવલીને બોલાવીને વ્રત કરવા જણાવ્યું. આ પછી રુક્માંગદે એકાદશી નિમિત્તનો ઢંઢેરો સાંભળીને મોહિનીને કહ્યું, ‘આ એકાદશી તો મારે જ કરવાની છે. મારી સાથે તમે પણ આ વ્રત કરો.’
મોહિનીએ આ સાંભળીને મંદરાચલ પર્વત પર રાજાએ આપેલા વચનની યાદ અપાવી અને વરદાન માગ્યું, ‘એકાદશીને દિવસે ઉપવાસ કરવાને બદલે તમે ભોજન કરો. જો તમે મને આપેલું વચન નહીં પાળો તો નરકે જશો.’
રાજાએ તેની વાતનો અસ્વીકાર કર્યો, ‘મારા વ્રતનો ભંગ હવે આ ઉમરે ન કરાવો.’ મોહિનીએ વિવિધ દૃષ્ટાંતો આપ્યાં અને કહ્યું, ‘જો તમે ભોજન નહીં કરો તો તમારા જેવા અસત્યવાદીનો હું સ્પર્શ પણ નહીં કરું. મારી બીજી કોઈ ઇચ્છા નથી.’ પણ રુક્માંગદ રાજા પોતાના ઉપવાસ પર અટલ રહ્યા. મોહિનીએ બ્રાહ્મણોને બોલાવી આ વિશે પૂછયું તો બ્રાહ્મણોએ મોહિનીની વાતમાં સૂર પુરાવ્યો. પણ રાજાએ બ્રાહ્મણોને પણ એકાદશીના વ્રતનો મહિમા સમજાવ્યો અને જણાવ્યું કે દેવો, ગંધર્વો, વિષ્ણુ, શિવ, બ્રહ્મા પણ આવીને મને ભોજન કરવા સમજાવશે તો પણ હું એ વાત માણવાનો નથી. મારા વ્રતનો ભંગ કરું તો મારી માતાએ મને આપેલો જન્મ વ્યર્થ જશે.’
મોહિની આ સાંભળી ક્રોધે ભરાઈ અને બોલી, ‘તમે વચનભંગ કરશો તો હું ચાલી જઈશ. હવે આપણે પતિપત્ની નથી.’એમ કહી તે વિલાપ કરવા લાગી. ધર્માંગદ એ વિલાપ સાંભળી મોહિની પાસે આવ્યો અને ત્યારે મોહિનીએ પેલા વચનની વાત કહી સંભળાવી, ધર્માંગદે પોતાના પિતાના સત્યપાલનની વાત કરીને મોહિનીને પાછી આણી અને રાજાને સમજાવ્યા. પણ રાજાએ એકાદશીવ્રતના ભંગની વાત ન જ સ્વીકારી. રાજાએ વિષપાન, અગ્નિપ્રવેશની વાત સ્વીકારી, મોહિની જતી રહે. તેના શરીરના ટુકડેટુકડા થઈ જાય તો પણ હું વ્રતભંગ નહીં જ કરું.
એટલે પછી ધર્માંગદે સંધ્યાવલીને બોલાવીને બધી વાત કરી. તેમણે પણ મોહિનીને સમજાવી. એટલે મોહિનીએ બીજો વિકલ્પ આપ્યો.
‘એ વિકલ્પ પણ રાજા માટે ભારે યાતનાદાયક છે. હું કલંકિત થઈશ, મારો ધર્મ ભ્રષ્ટ થશે.’
સંધ્યાવલીએ ધીરજપૂર્વક કહ્યું, ‘મને જરાય દુઃખ નહીં થાય, ભલે મારા શરીરનો અંત આવે, મારા પુત્રનું મૃત્યુ થાય, સમગ્ર રાજ્યનો નાશ થાય, તો પણ હું ધીરજ રાખીશ.’ એમ કહી કોઈ કાચંડીની કથા કહી સંભળાવી.
નાનપણમાં હું રમત રમતી હતી ત્યારે લાકડાં ફાડતા મારા પિતા પાસે ગઈ, ત્યાંથી એક કાચંડી નીકળી. કોઈ કાગડો તેને મારી નાખવા આવ્યો. એટલે મેં તેને ઢેફું મારીને ઉડાડી મૂક્યો, પણ કાચંડી ઘવાઈ, મેં તેની કાળજી લીધી. તેણે સ્વસ્થ થઈને પોતાની કથા કહી:
‘હું એક ઋષિકન્યા હતી. મારાં લગ્ન થયાં. થોડા સમયે મારાં સાસુસસરા મૃત્યુુ પામ્યાં. મારા પતિ રાજદરબારમાં જઈને વેશ્યાઓના સંપર્કમાં આવ્યા. એ સ્ત્રીઓ સાથેના સહવાસને કારણે તે નિર્ધન થઈ ગયા. મારી પાસે અલંકારો માગ્યા, પણ મેં આપ્યા નહીં અને હું પિયર ચાલી ગઈ. પછી મારા પતિએ ઘરબાર વેચીને બધું ધન વેશ્યાઓને આપી દીધું. પછી જ્યારે સાવ કંગાલ થઈ ગયા ત્યારે તેઓ સમુદ્રયાત્રાએ નીકળ્યા. રસ્તે ભયંકર ઝંઝાવાત આવ્યો અને બધા ડૂબી ગયા. સદ્ભાગ્યે મારા પતિના હાથમાં એક મોટું પાટિયું આવ્યું. અને તેઓ કોઈ પર્વત પર જઇ પહોંચ્યા. ત્યાં ફળ ખાધાં અને સૂઈ ગયા. થોડી વારે ત્યાં એક રાક્ષસ આવ્યો. તેણે કાશીરાજની પુત્રીનું અપહરણ કર્યું હતું. તે રાક્ષસે ગુફામાં રાજકુમારીને સૂવડાવી. તેનું રુદન સાંભળીને રાક્ષસપત્ની આવી પહોંચી અને તેણે રાક્ષસને ઠપકો આપ્યો. રાક્ષસે તેને સમજાવી કે આ કન્યા તારા ભોજન માટે છે, બીજો એક બ્રાહ્મણ મારે માટે છે.’
પણ રાજકુમારીએ રાક્ષસનો ભંડો ફોડી દીધો. આ રાક્ષસ મારી સાથે લગ્ન કરવા માગે છે. રાક્ષસપત્નીએ ખૂબ વિચાર કરીને રાક્ષસને કહ્યું, ચાલ, હું તારા ભોજન માટે એ બ્રાહ્મણને લઈ આવું છું. સુંદર બ્રાહ્મણને જોઈ સોળ વરસની સુંદરી બની ગઈ અને તે બોલી, ‘મારા પતિએ મને ત્યજી છે એટલે હું તારી સાથે લગ્ન કરવા માગું છું.’ બ્રાહ્મણને રાક્ષસીએ ઘણું સમજાવ્યો. મારા પતિ ઇન્દ્રના ઘરમાંથી એક શક્તિ ચોરી લાવ્યા છે, તે કોઈને માર્યા વિના ઇન્દ્ર પાસે પાછી જતી નથી. હું એ શક્તિ તને લાવી આપીશ. જો તું આ રાક્ષસને મારી નહીં નાખે તો તે આપણને બંનેને ખાઈ જશે.’
તે બાહ્મણ રાક્ષસીના કહેવામાં આવી ગયો અને શક્તિ માગી. એટલે તે શક્તિ મારા પતિ પાસે આવી ગઈ. રાક્ષસ રાજકન્યા પાસે જવા લાગ્યો ત્યારે તે રાજકન્યા બોલી, ‘હું કુમારિકા છું, મને સ્પર્શવામાં પાપ લાગશે. એટલે પહેલાં મારી સાથે લગ્ન કર. પેલા બ્રાહ્મણને બોલાવી લાવ અને તેના વડે તું આ લગ્ન કરાવ.’
એટલે તે રાક્ષસ બ્રાહ્મણને લાવવા બહાર નીકળ્યો, તે વેળા થતાં અપશુકનો તેણે ગણકાર્યા નહીં. રાક્ષસીએ તેનું અપમાન કર્યું એટલે તે તેને ખાવા ધસી ગયો. એટલે રાક્ષસીએ પેલી શક્તિ રાક્ષસ ઉપર ફેંકવા બ્રાહ્મણને કહ્યું અને બ્રાહ્મણે તે શક્તિ ફેંકી રાક્ષસને મારી નાખ્યો. પછી બ્રાહ્મણ સાથે તે રાક્ષસીએ વિલાસ કર્યો અને પેલી રાજકન્યાને વારાણસી પહોંચાડવા કહ્યું, રાક્ષસીએ ધર્મોપદેશ આપી બ્રાહ્મણને સમજાવ્યો અને પછી પોતે હાથણી થઈ, બંનેને પોતાના પર બેસાડ્યા અને કાશી તરફ જવા નીકળી.
કાશી જઈને રાજકન્યાએ પોતાના સમાચાર પિતાને કહેવડાવ્યા. રાજકુમારીએ પોતાની વીતકકથા પિતાને કહી સંભળાવી. પછી રાક્ષસીએ રાજકુમારી સાથે બ્રાહ્મણનું લગ્ન કરાવ્યું અને તે બ્રાહ્મણ પોતાના વતનમાં જઈ પહોંચ્યો. ઘણી બધી અવઢવ વચ્ચે હું મારા પતિ પાસે ગઈ.
મારા પતિએ મારો આદરસત્કાર કર્યો — અને આનંદમાં ને આનંદમાં મારું મૃત્યુ થયું અને આ જન્મે હું કાચંડી થઈ.’
તેના મોક્ષ માટે સંધ્યાવલીએ પોતાનું પુણ્ય અર્પણ કર્યું અને તે કાચંડી વિષ્ણુલોકમાં ગઈ.
આ બધી વાત થઈ એટલે પછી સંધ્યાવલીએ મોહિનીને બીજું કોઈ વરદાન માગવા કહ્યું, એટલે મોહિનીએ કહ્યું, ‘જો રાજા એકાદશીના દિવસે ભોજન કરવા તૈયાર ન હોય તો પોતાના હાથે તલવાર વડે પુત્ર ધર્માંગદનું મસ્તક છેદીને મારા ખોળામાં ધરી દે.’
આ વાત સાંભળીને રાણી કંપી ઊઠી છતાં ધર્માંગદનું મસ્તક કપાવવા તૈયાર થઈ. પ્રહ્લાદપુત્ર વિરોચનની કથા કહી સંભળાવી કહ્યું — ‘ આ મોહિની બસ હવે હઠે ભરાઈ છે. કાં તો એકાદશીએ ભોજન કાં તો ધર્માંગદની હત્યા. હું માતા છું અને છતાં તમને વ્રતપાલન કરવા જ કહું છું. વચનપાલન કરો.’
પણ રુક્માંગદ પુત્રહત્યા માટે તૈયાર થયા નહીં; તેમની દૃષ્ટિએ મોહિની સ્ત્રી નહીં પણ કાલપ્રિયા છે. તેમણે મોહિનીને પણ જણાવી દીધું કે હું એકાદશીએ ભોજન પણ નહી કરું અને પુત્રહત્યા પણ નહીં કરું. મારી જાતને કે મારી પત્નીને કરવતથી વહેરી નાખવા તૈયાર છું . મારા પુત્રને મારી નખાવીને તમને શું મળશે?’
પણ મોહિની અડગ રહી, ‘જો તમને પુત્ર પ્રિય હોય તો એકાદશીએ ભોજન કરો.’
થોડી વારે ધર્માંગદે ત્યાં આવીને એક ધારદાર તલવાર મૂકી અને પિતાને વધ કરવા કહ્યું. રાજાએ મોહિની, ધર્માંંગદ તથા સંધ્યાવલીની વાત સાંભળી. તે જ વેળા ભગવાન વિષ્ણુ અદૃશ્યરૂપે આકાશમાં આવ્યા. મોહિનીએ ફરી ‘કાં તો ભોજન કરો કાં તો પુત્રવધ કરો.’ એમ કહ્યું એટલે ભગવાનને પ્રણામ કરી રાજાએ તલવાર હાથમાં લીધી. ધર્માંગદે માતાપિતાને, ભગવાનને પ્રણામ કરી, તલવારની ધાર નીચે માથું મૂકયું, રાજાએ તલવાર ઉગામી, પૃથ્વી કંપી, આકાશમાં વીજળી ચમકી, વાદળોની ગર્જના થઈ. મોહિની વિચારવા લાગી, ‘વિધાતાએ મને ખોટો જનમ આપ્યો. મારું રૂપ મજાક બની ગયું. રાજાએ એકાદશી ભોજન તો ન જ કર્યું, હવે હું તૃણવત્ બનીશ, નરકે જઈશ.’ રાજાએ તલવાર ઉગામી અને મોહિની ધરતી પર ઢળી પડી.
રાજા પુત્રનું મસ્તક છેદવા જ જતા હતા ત્યાં વિષ્ણુ ભગવાને તેમનો હાથ પકડી લીધો. ‘રાજા, હું તમારા પર પ્રસન્ન છું, પત્ની અને પુત્રને લઈને વિષ્ણુલોક આવો.’ ભગવાનના સ્પર્શે રાજા પત્ની-પુત્ર સાથે વિષ્ણુમાં સમાઈ ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ.
આ જોઈને યમરાજ ફરી બ્રહ્મા પાસે ગયા અને પોતાને કર્તવ્યમાંથી મુક્તિ માટે વિનંતી કરી. હવે મોહિનીનો બધા તિરસ્કાર કરે છે, તે તમારી પાસે આવતી પણ નથી,’ એટલે બ્રહ્મા બધા દેવોને લઈને પૃથ્વી પર આવ્યા. દેવતાઓએ દુઃખી મોહિનીને સાંત્વન આપ્યું, ‘આમાં તમારો કોઈ વાંક નથી, બધો પ્રતાપ રાજાના એકાદશી વ્રતનો છે,’
મોહિનીએ આ સાંભળી કહ્યું, ‘મારા જીવનને ધિક્કાર છે. તમારી મોહિની પતિ અને પુત્રનો નાશ કરનારી નીવડી. તે તમારી પાસેથી વરદાન કેવી રીતે મેળવે?’
ત્યારે રુક્માંગદના પુરોહિત બાર વર્ષે પોતાની સાધનામાંથી નિવૃત્ત થઈને ત્યાં આવ્યા અને તેમણે મોહિનીને ધિક્કારી, ‘આ સ્ત્રીએ પૃથ્વીને રાજા વિનાની બનાવી. તેને નરકમાં રહેવાનો પણ અધિકાર નથી. આ પાપિણી છે, તેને દેવતાઓ વરદાન આપે જ કેવી રીતે?’ પુરોહિતે મોહિનીને શાપી અને તેના પર જળ છાંટ્યું એટલે મોહિની ભસ્મ થઈ ગઈ.
મોહિની મૃત્યુ પછી દેવલોકમાં ગઈ પણ વાયુદેવે તેને સ્વર્ગમાં રહેવા ન દીધી, યમરાજે નરકમાં પણ તેના પર ત્રાસ ગુજાર્યો, નરકના દેવતાઓ પણ મોહિનીની યાતનાઓ દૂર કરવાની વિનંતી લઈને ધર્મરાજ પાસે આવ્યા. ધર્મરાજ તેને નરકમાંથી — યમલોકમાંથી દૂર લઈ ગયા. પાતાલવાસીઓએ પણ તેને કાઢી મૂકી. છેવટે મોહિની બ્રહ્મા પાસે ગઈ, ‘હું જ્યાં જઉં છું ત્યાં બધા મારો તિરસ્કાર કરે છે. મેં તો તમારી આજ્ઞાનું પાલન કર્યું. તમે પેલા શાપ આપનાર બ્રાહ્મણને પ્રસન્ન કરો.’
એટલે બ્રહ્મા મોહિનીને, દેવતાઓને, ઋષિમુનિઓને લઈને તે બ્રાહ્મણ પાસે ગયા, મોહિનીને ક્ષમા કરવા તેમને વિનંતી કરી. બધી વાત વિગતે કરી. છેવટે તે બ્રાહ્મણે કહ્યું, ‘જે સ્થાન પર કોઈ પ્રાણીએ નિવાસ ન કર્યો હોય ત્યાં રહેવું.’
મોહિનીએ બધા પાસે સર્વના પ્રીતિપ્રાપ્ત સ્થાનની યાચના કરી. દેવતાઓએ તેને કહ્યું, ‘તમે યમરાજની તિથિ ગણાતી દશમીના અંત ભાગમાં નિવાસ કરો. તમારા પાપનો નાશ કરવા સર્વ તીર્થોમાં ભ્રમણ કરો.’
મોહિની આ સાંભળી પ્રસન્ન થઈ, અને દશમીના અંત ભાગમાં નિવાસ કર્યો. એ જોઈ યમરાજ પ્રસન્ન થયા. રાજાનાં નગારાં હવે બંધ થઈ ગયાં એ જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો. દેવતાઓના ગયા પછી મોહિનીએ બ્રહ્માને કહ્યું, ‘ક્રોધે ભરાયેલા પુરોહિતે મારું શરીર ભસ્મ કરી નાખ્યું છે. એ મને ફરી સંપડાવી આપો.’
બ્રહ્માએ ફરી એ બ્રાહ્મણને વિનંતી કરી.‘તમે જો કહેતા હો તો હું ફરી નવું શરીર સર્જું.’
બ્રહ્માની વિનંતીને માન આપી બ્રાહ્મણે સંમતિ દર્શાવી. એટલે બ્રહ્માએ મોહિનીના શરીર પરની રાખ પર જળ છાંટ્યું. મોહિનીને પૂર્વવત્ સુંદર શરીર પ્રાપ્ત કર્યું. તેણે બ્રાહ્મણની ચરણવંદના કરી, બ્રાહ્મણે મોહિનીના ઉદ્ધારનો વિચાર કરી તેને તીર્થોત્તમ ગંગાનો મહિમા કહ્યો. સાથે જ ગયા તીર્થનો મહિમા કહ્યો. ઉપરાંત બધાં જ તીર્થોનો મહિમા કહ્યો.
છેવટે મોહિનીએ તીર્થયાત્રા કરી, છેલ્લે તે યમુનાતટ પર બેસી અને યમુનાજળમાં સમાઈ ગઈ, ત્યાંથી પછી તે ક્યારેય બહાર નીકળી નથી.’
(મોહિની કથાનો સંક્ષિપ્ત ભાવાનુવાદ)