સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/હરિનાં લોચનિયાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એક દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં! પચરંગી ઓચ્છવ ઊછળ...")
 
(No difference)

Latest revision as of 06:18, 27 May 2021

એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!
પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા:
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા!
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી:
શત શગ કંચન આરતી હરિવર-સંમુખ નર્તન્તી.
દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના રડવડતા,
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતા,
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!
લગ્નવેદિ પાવક પ્રજળ્યો’તો, વિપ્ર વેદ ઉચ્ચરતા,
સાજનમહાજન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા!
જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું,
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું!
‘બ્રાહ્મણવચને સૂરજસાખે’ કોમળ કળી ત્યાં આણી:
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી!
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!
ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા:
વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ-લાલચે ધાયાં!
થેલી, ખડિયા, ઝોળી, તિજોરી : સૌ ભરચક્ક ભરાણાં:
કાળી મજૂરીના કરતલને બે ટંક પૂગ્યા ન દાણા!
ધીંગા ઢગલા ધાન્ય તણા સો સુસ્તો માંહીં તણાણા:
રંક ખેડુનાં રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં!
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!
હૂંફાળાં રાજવીભવનોથી મમત-અઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદ્દીઓએ દીધા જુદ્ધ-દદામાં!
જલથલનભ સૌ ઘોર અગનની ઝાળ મહીં ઝડપાયાં:
માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઈ હડકાયા!
નવસર્જનના સ્વપ્નસંગી ઉપર ઉછરંગે ઊભરાણાં:
લખલખ નિર્મળ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા!
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!
ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં,
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં!
વસંત વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધાય ભુલાણા:
જીવનમોદ તણા લઘુતમમાં પ્રગતિપદ છેદાણા!
હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં:
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં:
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં!
[‘આલબેલ’ પુસ્તક : ૧૯૩૫]