નીરખ ને/દેવાલયો પ૨નાં રતિશિલ્પોનો વસ્તુલક્ષી અભ્યાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:21, 10 February 2024

{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|

કન્દેરિયા મહાદેવની આ દક્ષિણ જંઘા પર આવી તો કેટલી અપ્સરાઓ-સુરસુન્દરીઓ, નાયિકાઓનું વિશ્વ છે!... શું આ શિલ્પીઓ કોઈ ને કોઈ નારી નજર સામે રાખીને તેને આકૃત કરવા મથ્યા હશે? કદાચ ના. અહીં હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃત સાહિત્ય માટે જે એક નિરીક્ષણ કર્યું છે, તે સાચું લાગે છે. સંસ્કૃત કવિતામાં વિશેષીભૂત નહીં, આદર્શીકૃત વર્ણન છે. એટલે કે નાયિકાને સુંદર આલેખવાની હોય, તો એ સુંદર રૂપનો એક આદર્શ હોય. કવિ એ આદર્શને ખ્યાલમાં રાખીને નાયિકા કે નાયકનું ચિત્રણ કરે, અને શિલ્પી પણ સૌંદર્યના આદર્શને ખ્યાલમાં રાખીને નાયિકા કે નાયકનું રૂપ કંડારે. મનુષ્ય હોય કે દેવતા – પણ પેલા પૂર્ણત્વના આદર્શને અનુલક્ષીને આલેખન કે આકૃતિ રચાય... શંકરાચાર્ય ‘સૌંદર્યલહરી’માં દેવીનું સ્તોત્ર લખતા હોય, કાલિદાસ ‘કુમારસંભવ’માં કિશોરી પાર્વતીની વયસંધિવેળાનું કે પછી યક્ષપ્રિયાનું કે શકુંતલાનું રૂપચિત્રણ કરતા હોય, સૌંદર્યનો સ્વીકૃત આદર્શ જ કવિ તાકતા હોય છે. ખજુરાહોનાં શિલ્પ પણ આવી સુંદરની સૃષ્ટિ છે, પણ પછી એ શિલ્પીઓએ જે વિભિન્ન અંગવિક્ષેપોથી ભાવસૃષ્ટિ પ્રકટાવી છે, તે તેમની આગવી છે. એ વિશેષે પ્રકટ થાય છે ખજુરાહોનાં મિથુન શિલ્પોમાં. કંદેરિયાની આ દક્ષિણ જંઘા પર જે સૌથી વધારે ધ્યાન ખેંચી રહે છે, તે તો આ મિથુન શિલ્પો. યાત્રીઓની નજર એ ઢૂંઢતી હોય છે. ના, નજરને ઢૂંઢવું પડતું નથી – એ જ સામેથી નજરોમાં ઊભરાય છે. એક દેખાય, બીજું દેખાય, ત્રીજું દેખાય અને પછી તો જાણે એ જ મિથુન શિલ્પ દેખાયા કરે, અહીં આ દક્ષિણ જંઘા પર નહીં. મંદિરની આસપાસ, અંદર, સર્વત્ર – આ જ મંદિરમાં નહીં, સર્વ મંદિરમાં જાણે, કામદેવતાનું વિશ્વરૂપ દર્શન! શિલ્પીઓની સૌંદર્યચેતના કામચેતનારૂપે હજાર હજાર રૂપે મૂર્ત થઈ છે – આ ધર્માયતન પર. એક માત્ર રિરંસાનો ભાવ છે. કદાચ એવું હોય કે આ રિરંસામાંથી જ મુમુક્ષા જાગે, જાગે તો, કેમ કે કામ પછી ધર્મ. ભોળાભાઈ પટેલ



દેવાલયો પરનાં રતિશિલ્પોનો વસ્તુલક્ષી અભ્યાસ

ખજુરાહોને સૌંદર્યનું નૈવૈદ્ય ધરીને શ્રી ભોળાભાઈ પટેલે કૌતુકરાગી નજરે જે નિહાળ્યું એની સૌન્દર્યાનુભૂતિ લગભગ એ મધ્યકાલીન શિલ્પીઓની નિખાલસતાથી એમણે આપણને એમના ‘ખજુરાહો’ પરના પ્રવાસનિબંધમાં કરાવી. નિરંજનભાઈએ સાચું જ કહ્યું છે કે ભોળાભાઈની પરિપક્વ રસિકતા અને તીવ્ર-સૂક્ષ્મ સંવેદનાનાં દર્શન થાય છે. એક બીજા જ સ્તર પર એક ભારતીય ગુજરાતી નારીને મધ્યકાલીન ભારતનાં દેવાલયો પરનાં રતિશિલ્પો આહ્વાનરૂપ લાગ્યાં : ઉપનિષદો અને ગીતાનો તપ અને સંન્યાસનો બોધ, હિન્દુ સંસ્કૃતિનું આધ્યાત્મિક, પારલૌકિક ધ્યેય, નૈતિકતા ઉપરનો ભાર અને ઈ.સ. ૯૦૦થી ૧૪૦૦ સુધીમાં માત્ર પ્રખ્યાત ખજુરાહો, કોનારક, ભુવનેશ્વરના મંદિરો ઉપર જ નહીં, પણ ભારતભરનાં મંદિરો ઉપરનાં શૃંગારિક પ્રતિમાઓનાં આલેખનો – આ વિરોધાભાસ ડૉ. દેવાંગના દેસાઈએ એમના મહાનિબંધ ‘Erotic Sculpture of India’માં પડકારરૂપ ઝીલી લીધો. એ મહાનિબંધ લેખિકાએ ગ્રંથરૂપે તૈયાર કર્યો અને ૧૯૭૫માં ટાટા મેક્ગ્રો – હિલે પ્રકટ કર્યો. પ્રથમ તો લેખિકાએ ખજુરાહો પૂરતું જ અધ્યયન કરવા ધાર્યું હતું, પણ પછી એ વખતની પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિનો એની સમગ્રતામાં ખ્યાલ આવે એ માટે સારાયે ભારતનાં – ખાસ કરીને મધ્યભારત, ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર અને માઈસોરનાં – મહત્ત્વનાં દેવાલયો આવરી લેવાયાં. તેમની વૈજ્ઞાનિક દૃષ્ટિ, વસ્તુલક્ષિતા અને લગભગ શુષ્ક કહી શકાય એવી મનની શિસ્ત અને વિષય પરત્વેની અપૂર્વ નિખાલસતાથી ડૉ. દેસાઈએ આપણને એક મહત્ત્વનો અનોખો સંદર્ભગ્રંથ પૂરો પાડ્યો છે. લેખિકાએ જાતે જ બધાં સ્થળોની મુલાકાત લઈ લગભગ બધી જ પ્રાપ્ય સામગ્રીનો અભ્યાસ કર્યો છે. ગ્રંથમાં પહેલાં વર્ણનાત્મક અભિગમ લઈ પછી આલોચના અને પૃથક્કરણ આપ્યાં છે. આ અત્યંત સુઘડ ગ્રંથમાં ૧૫૫ પ્લેટ અને ૨૬ રેખાંકનો છે. અધ્યયનનો સમયગાળો છે મધ્યકાલીન – ઈ.સ. ૫૦૦થી ૧૪૦૦ સુધીનો. પણ ખજુરાહો અને કોનારક અને બીજાં અસંખ્ય મધ્યકાલીન મંદિરો ઉપરની શૃંગારિક, લૈંગિક પ્રતિમાઓ – erotic motifs – એકાએક તો દેખા દેતી નથી. એમનો પણ ઇતિહાસ અને પરંપરા છે અને એનાં મૂળિયાં છેક પ્રાચીન સમયમાં શોધી શકાય. સૌ પહેલાં સામાન્ય fertility images (ફર્ટિલિટી પ્રતિમાઓ) બનાવવામાં આવતી. એ કાળની અન્ય સંસ્કૃતિઓમાં પણ એ પ્રચલિત હતી. ઈ.સ. પૂર્વે ૨જી સદીમાં ચંદ્રકેતુગઢમાં ટેરાકોટા મિથુનો અને Orgies તથા કામસૂત્ર અને કામશાસ્ત્રીય ગ્રંથોને અનુરૂપ ભંગીઓ દેખા દેવા માંડી. એ સમયમાં જાતીયતા એક મંગળશક્તિ ગણાતી અને એટલે અનેક પ્રકારની ધાર્મિક અભિવ્યક્તિમાં એનો સમાવેશ થતો. અશ્લીલ પ્રદર્શનો પણ અનિષ્ટ તત્ત્વો દૂર રાખે છે એમ મનાતું. ઈ.સ. ૫૦૦થી ૯૦૦ દરમ્યાન વાણિજ્ય અને નાગરી વિલાસિતા સાથે જે ફર્ટાઈલ (ફળદ્રુપતા માટેના) મૈથુનો હતાં એમણે magicને બદલે ઇન્દ્રિયજન્ય – sensuous – અને દુન્યવી રૂપ ધારણ કર્યું. આ સમયની શૃંગારિક આકૃતિઓ રૂઢિગત, નાની અને સાધારણ રીતે ખૂણાઓમાં સ્થાન પામતી. પણ ઈ.સ. ૯૦૦થી લેખિકા લખે છે તેમ, ‘The reticent expression of sex in the previous period bursts into an ostentatious display in the period following A. D. ૯૦૦. Erotic motifs are boldly exhibited on the exteriors and interiors of religious buildings. The orgiastic theme portrayed without much restraint. Temple-building in this period was continuous and prolific. It was mainly the royal class and feudal chiefs who commissioned the temples and their tastes and outlook were reflected in temple art.’ આ સમયગાળામાં ફર્ટિલિટી અને મેજીકનાં તત્ત્વોએ ફરીથી જોર પકડ્યું. શ્રીમતી દેસાઈ હવે આ સાંસ્કૃતિક ઘટના પાછળનાં કારણોમાં ઊતરે છે. આરંભમાં જ લેખિકા ભાવનાશીલ દૃષ્ટિબિંદુને જાકારો આપે છે. આ વિચારસરણી અનુસાર દેવાયતનો પરનાં રતિશિલ્પો પરમ આનંદના પ્રતીકરૂપ છે; આત્મ અને બ્રહ્મ, પુરુષ અને પ્રકૃતિના અદ્વૈતનું પ્રતિનિધિત્વ ધરાવે છે. પણ આ અભિગમ સ્વીકારીએ તો Orgies, પશુમૈથુનો – beastiality અને જાતીયતાનું નિરૂપણ કરતાં અસંખ્ય શિલ્પો સમજાવી શકાતાં નથી. વળી એક બીજું ભાવનાશીલ અર્થઘટન રતિશિલ્પોને ત્રીજા પુરુષાર્થ કામના પ્રગટીકરણરૂપે જુએ છે અને અન્ય બે પુરુષાર્થ ધર્મ અને અર્થનાં આલેખનો સાથે બેસાડવાનો યત્ન કરે છે એ પણ હકીકતવિરોધી છે, કારણ કે એવી કોઈ યોજના મંદિરો ઉપર જોવામાં આવતી નથી. બીજા એક મંતવ્ય અનુસાર મોક્ષપ્રાપ્તિ માટે પહેલાં જાતીય વાસનાઓને જીતી લેવી જોઈએ એટલે રતિશિલ્પો દેવાયતોના બાહ્ય ભાગમાં રાખવામાં આવ્યાં છે. પણ હકીકતમાં આ શૃંગારિક શિલ્પો બહારની જેમ જ અંદર, ગર્ભગૃહની દીવાલો ઉપર પણ નિરૂપાયેલાં છે. કેટલાક એવું પણ કારણ રજૂ કરતા હોય છે કે દેવાયતનો પરનાં શૃંગારિક શિલ્પો જાતીય શિક્ષણ માટે છે. આવા વજૂદ વગરના મંતવ્ય ઉપર ભાગ્યે જ કોઈ સ્પષ્ટીકરણની જરૂર હોય. હવે લેખિકાનો મત જોઈએ : ‘The apparent contradiction of temple art with Hindu cultural goals is resolved when we see that along with the lofty ideals of austerity, detachment and renunciation Hinduism also retains beliefs and practices connected with fertility and vegetation cults. Sexual depiction in religious art derives its inspiration not from the philosophical symbolism of highly evolved thought systems, but from those religious beliefs and practices which reveal the primal connection betwen sex and religion.’ આનું અનુસંધાન દેવદાસીની સંસ્થામાં અને મહોત્સવો અને વિધિઓમાં જોઈ શકાય. મધ્યકાલીન હિન્દુ સમાજની પરિસ્થિતિ પણ એને અનુરૂપ હતી. હિન્દુ સમાજ પ્યુરિટન નહોતો. હિન્દુ સંસ્કૃતિમાં ભોગને મહત્ત્વનું સ્થાન હતું અને sex was openly cultivated as an art. વાત્સ્યાયનનું ‘સૂત્ર’ અતિ લોકપ્રિય હતું. કવિઓ અને નાટકકારો પાસે પણ એમની કૃતિઓમાં કામશાસ્ત્રીય જ્ઞાનની અપેક્ષા રાખવામાં આવતી. શૃંગારિક શિલ્પોના નિરૂપણ ઉપર બીજી મહત્ત્વની અસર તંત્રવાદની હતી. પાંચમી સદીમાં એ ધાર્મિક સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો અને એનો પાયો શૃંગારિક યોગિક આચરણો પર રચાયો હતો. પણ એ ગૂઢ સંપ્રદાય હતો એટલે એની આડકતરી અસર જ દેવાલયો પરના લૈંગિક નિરૂપણમાં જોઈ શકાય. બીજો મહત્ત્વનો પ્રશ્ન – મધ્યયુગમાં એક પછી એક અસંખ્ય વિશાળ અને વિશાળ દેવાયતનો બાંધતા જ જવાની પ્રવૃત્તિ પાછળ કયાં કારણો કામ કરતાં હતાં? ડૉ. દેસાઈના મતે સમગ્ર પ્રવૃત્તિ મધ્યયુગીન સામાજિક અને આર્થિક પશ્ચાદ્ભૂમાં જોવી ઘટે. મધ્યકાલીન સામંતશાહી સામાજિક અર્થવ્યવસ્થામાં રાજાઓ, મહાસામંતો, સામંતો અને લશ્કરી અધિકારીઓ પુષ્કળ ધન અને જમીન ધરાવતા થયા હતા. વેપાર-કારીગરીમાં આ ધનને રોકવાનો એમને વિચાર સુધ્ધાં આવતો નહીં. દેવાલયો બાંધી પુણ્ય મેળવવાની એમની અભિલાષા અને કીર્તિ અને નામના માટેની મહેચ્છાઓએ એક તીવ્ર સ્પર્ધાનું રૂપ ધારણ કર્યું અને ઉન્નત અને વિશાળ દેવાયતનો વધુ ને વધુ શિલ્પોથી અલંકૃત બંધાવાં લાગ્યાં. દેવાલયોને પણ રાજાઓ પાસેથી સારા પ્રમાણમાં જમીન દાનરૂપે મળી અને વખત જતાં આ દેવાલયો ખૂબ જ શક્તિશાળી બની ગયાં અને એમની આસપાસ એક ઇન્દ્રિયજન્ય વાતાવરણ રચાઈ ગયું. ડૉ. દેવાંગના દેસાઈએ ભાવનાશીલ દૃષ્ટિકોણ અને મનોવિશ્લેષણાત્મક અભિગમ ન સ્વીકારતાં કે અપૂરતો ગણતાં ઈ.સ. ૯૦૦થી ૧૪૦૦ના સમયગાળામાં જ્યારે દેવાલય પરની રતિશિલ્પકળા ચરમસીમાએ પહોંચી હતી એ સારી ઘટનાને સામાજિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી એ એમનું મહત્ત્વનું અને ચિરસ્થાયી પ્રદાન છે.

[નવેમ્બર, ૧૯૭૯