ગાતાં ઝરણાં/ભિખારણનું ગીત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:15, 13 February 2024


ભિખારણનું ગીત



ભિખારણ ગીત મઝાનું ગાય,
         આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
                             ભિખારણ ગીત મઝાનું ગાય.

‘મારા પરભૂ મને મંગાવી આપજે સોના-રૂપાનાં બેડલાં,
સાથે સૈયર હું તો પાણીએ જાઉં, ઊડે આભે સાળુના છેડલા,’
એના કરમાંહે છે માત્ર,
ભાંગ્યું–તૂટ્યું ભિક્ષાપાત્ર,
એને અંતર બળતી લા’ય;
ઊંડી આંખોમાં દેખાય.
                   એને કંઠે રમતું ગાણું, એને હૈયે દમતી હાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.

‘મારા ૫રભૂ મને મંગાવી આપજે અતલસ અંબરનાં ચીર,
પે’રી–ઓઢીને મારે ના’વા જવું છે ગંગા-જમનાને તીર’,
એના કમખે સો સો લીરા,
માથે ઊડતા ઓઢણ–ચીરા,
એની લળતી ઢળતી કાય;
કેમે ઢાંકી ના ઢંકાય.
                     ગાતી ઊંચે ઊંચે સાદે ત્યારે ઘાંટો બેસી જાય,
        ભિખારણ ગીત મઝાનું ગાય.

‘શરદ પૂનમનો ચાંદો ૫રભૂ મારે અંબોડે ગૂંથી તું આપ,
મારે કપાળે ઓલી લાલલાલ આડશ ઉષાની થાપી તું આપ’,
એના શિર પર અવળી આડી,
જાણે ઊગી જંગલ–ઝાડી,
વાયુ ફાગણનો વિંઝાય;
માથું ધૂળ વડે ઢંકાય,
                એના વાળે વાળે જુઓ બબ્બે હાથે ખણતી જાય,
  ભિખારણ ગીત મઝાનું ગાય.

‘સોળેશણગારસજી આવું પરંભુ મને જોવાને ધરતી પર આવજે,
મુજમાં સમાયેલ તારા સ્વરૂપને નવલખ તારાએ વધાવજે;
એનો ભક્તિ-ભીનો સાદ,
દેતો મીરાં કેરી યાદ,
એની શ્રધ્ધા, એનું ગીત,
એને ૫રભૂ, એની પ્રીત,
એની અણસમજી ઇચ્છાઓ જાણે હૈયું કોરી ખાય,
આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
                    ભિખારણ ગીત મઝાનું ગાય.

૧૫-૧૧-૧૯૫ર