ગાતાં ઝરણાં/ઉત્તર નથી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:55, 14 February 2024


ઉત્તર નથી


શક્ય મુજ દર્શન કિનારા પર નથી,
હું ફક્ત તોફાન છું, સાગર નથી.
પ્રેમ-બિન્દુ છું ભલે સાગર નથી,
માનવી છું, કોઈ પયગમ્બર નથી.

ખેલનારા ! જિન્દગીથી ખૂબ ખેલ,
હું ફરીને આવું એ અવસર નથી.

આંખ–વાટે તેઓ દિલમાં આવશે,
મેં અકારણ ધોએલાં ઉંબર નથી.

હાસ્ય મોઢા પર ને પાલવ તાર તાર,
પુષ્પ, શું તારું હૃદય પથ્થર નથી!

અસ્ત મુજ વેરી જશે નવલાં કિરણ,
હું ક્ષિતિજે ડૂબતો દિનકર નથી.

સ્તબ્ધ કાં મુજ સાદ સુણતા થઈ ગયા?
પ્રશ્ન છું પોતે, કોઈ ઉત્તર નથી.

પ્રકૃતિનું મૂળ મેં શોધ્યું ‘ગની’,
દિલ નીરસ છે તો કશું સુંદર નથી.

૧-૭-૧૯૫૦