– અને ભૌમિતિકા/અંધારાના ધણ વચ્ચે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:11, 16 February 2024


અંધારાના ધણ વચ્ચે

ટોળાઈને ઊડી આવતા
પશ્ચિમી આકાશનો છેલ્લો કલરવ
ગામ તરફ ફંટાય...
કાંધ ઉપર તોળાઈ રહેલ દિવસ ભરનો થાક
ગાલ્લું થઈ અળગો થઈ જશે આંગણમાં.
વાદળોના ઢગ જેવી ટેકરીઓના ઢોળાવ પરથી
સોનેરી કિરણોનું ધણ લઈ
હું નીચે ઊતરું ધીમે... ધીમે...
સામે મોંઢામાં અંગૂઠો નાખી એકલા
ઘર તરફ ચાલ્યા આવતા
ખેડૂત-બાળ જેવો અંધકાર દૂર દૂરથી
રમતો રમતો ચાલ્યો આવે
વાડના થોર સાથે અડપલાં લેતી દેવચકલીનાં પીંછા રંગે,
થડ ઉપર ચડતી કીડી-મંકોડી જેમ
વૃક્ષોને પાંદડે પાંદડે ફરી વળી ચરી વળે લીલો રંગ...
વળાંક લેતી કેડીઓ કનેથી
ઝૂંટવી લે નમણા વળાંક...
ને ખેતરના કૂવામાં કોસ થઈને લટકી રહે
સુઘરીના માળાની જેમ રાતભર.
આવળના પીળા ફૂલમાં પોતાનાં શમણાં સંતાડી
અંધારાની ધૂળ ઊડાડી ચાલ્યો ગયેલો સૂરજ
હવે ઘુવડ થઈને ફરવા નીકળશે... વગડે, વને
કે કદાચ મારા પગરવથી... ઝાંખરાંમાં ક્યાંક શ્વાસ લેતું
ભૂખરી ઝાંયવાળું મૌન
લાંબા કાન લઈને છટકી જશે
ને મૂકી જશે શેષ મારી આસપાસનું રિક્ત એકાંત,
હું, ચીલે ચીલે ધૂળ થઈ પડેલાં પગલાંમાં
વગડાની ઝાંખી લિપિ ઉકેલતો
હવે અંધારાના ધણ વચ્ચે
ચાલ્યો જાઉં છું
મારા ગામ તરફ...

૧-૮-૧૯૬૯