– અને ભૌમિતિકા/–ના દરદીનું એકકથન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:37, 16 February 2024


–ના દરદીનું એક કથન

મારા શ્વાસાને હું ગજથી માપી શકું નહીં.
શ્વાસનળીની વેંતને હવાની ફૂટપટ્ટીથી માપ્યા કરી છે;
પરિણામ : વેંતની વેંત..., માત્ર હવાની રફતાર;
ખખડતા શ્વાસોની લાકડીથી ખોડંગાતા ચાલ્યા કરવાનું.
...ન્ને... આ!
લો,.. હુક્કાના એક ઘૂંટમાં ધુમાડાના ઈંડા સાથે
ગળફાની જેમ ગળક દઈને જીવસમેત ઊતરી પડું છું ફેફસામાં.
એક નજરે જોેઈ લઉં છું તો
રક્તપિત્તિયું, નગ્ન, પાનખરી વૃક્ષનું બે-ફાંટાળું અંગ
ખોડાઈને ઊભું છે.
(એને કદાચ ગુલમહોરનું નામ આપી શકું.)
ને ધુમાડો એની ડાળેડાળ, ટીશે ટીશ, નસે નસ
ફરી વળે ન વળે ત્યાં તો–
ખાંસીની પાંખો ફફડાવતોકને
રફેદફે પીંછાંવાળાં લડાયક કૂકડાના ઝનૂનમાં પાછો.
શ્વાસનળીમાં દોટ મૂકે છે, રૂંવેરૂંવામાં હું ખળભળી ઊઠું છું;
ને મારા ગળાના આવ-જાવ કરતા મણકામાં ભરાઈ
ફરીથી સ્થિર થવા પ્રયત્ન કરું છું.
મુઠ્ઠીક હવા જેવડો જીવ લઈને આમ
કૈં કેટલીય વાર હું મારા ફેફસાંની સફરે ઉપડી ગયો
હોઈશ આજ સુધી.
હવે એ ગુલમહોરી વૃક્ષ
મારો—નિકટનો—મિત્ર બની ગયું છે.
એક દિવસ હું એના થડમાં
પાળેલા શ્વાનની જેમ ગેલ કરતાં કરતાં અચાનક જ
ડોક ઢાળીતે શાન્ત થઈ જઈશ
એક દિવસ–
૫-૭-૧૯૭૨