સંજુ વાળાનાં કાવ્યો/સર્જક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:09, 22 February 2024


કવિ પરિચય

કવિ સંજુ નારણભાઈ વાળા (જન્મ :૧૧ જુલાઈ, ૧૯૬૦, બાઢડા, તા. સાવરકુંડલા) ગુજરાતી કાવ્યધારાનો એક મહત્ત્વનો પડાવ છે. ૧૯૯૦થી શરૂ થયેલી એમની સર્જનયાત્રા આજે પણ સહજપણે વિસ્તરી રહી છે. આ સંપાદન કેટલાંક માઈલસ્ટોન દ્વારા એ યાત્રાવિશેષ તરફ ઇંગિત કરવામાં મદદરૂપ થશે. એમના પાંચ કાવ્યસંગ્રહો અત્યાર સુધીમાં આપણને પ્રાપ્ત થયા છે – ૧.) કંઈક / કશુંક અથવા તો (૩૫ ગીત, ૩૬ ગઝલ), ૧૯૯૦ ૨.) કિલ્લેબંધી (૪ દીર્ઘકાવ્ય, ૩ દોહાગુચ્છ, ૧૭ અછાંદસ કાવ્ય), ૨૦૦૦ ૩.) રાગાધીનમ (૮૬ ગીત કવિતા), ૨૦૦૭ ૪.) કવિતા નામે સંજીવની (૮૮ ગઝલ), ૨૦૧૪ ૫.) અદેહી વીજ (૪૭ ગીત, ૪૯ ગઝલ, ૨૬ અછાંદસ), ૨૦૨૧ પહેલાં સંગ્રહ માટે જયંત પાઠક પુરસ્કાર તેમજ ગઝલસર્જનને અનુલક્ષીને શયદા ઍવોર્ડ એમને પ્રાપ્ત થયેલો. તદુપરાંત ‘રાગાધીનમ’ માટે ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા પુરસ્કાર, ૨૦૧૪માં દર્શક સાહિત્ય સન્માન અને કવિશ્રી રમેશ પારેખ પુરસ્કાર તથા ૨૦૧૫માં કવિશ્રી હરિન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકથી એમને સન્માનિત કરાયા છે કવિ સંજુ વાળાની કલમ ગીત અને ગઝલ એમ બે કાવ્યસ્વરૂપોમાં વિશેષ ચાલી છે, ઠરી છે. એટલે સ્વાભાવિક રીતે જ આ સંપાદનમાં ગીત અને ગઝલનું પ્રમાણ વધારે અને લગભગ એકસરખું છે. ૨૭ ગીતો અને ૨૪ ગઝલો અહીં સમાવિષ્ટ થઈ છે. એ સિવાય એમના કાવ્યોમાંથી ૧ દોહા ગુચ્છ, ૨ અછાંદસ કાવ્યો અને ૧ દીર્ઘકાવ્ય એમ કુલ મળીને ૫૫ કાવ્યોમાં એમની સર્જનયાત્રાનો વિશેષ પામી શકાય એવો પ્રયત્ન થયો છે. પૃષ્ઠમર્યાદાને ધ્યાને લઈને કવિની પ્રતિનિધિ અને ઉત્તમ કૃતિઓ આવરી લેવાનો પ્રયત્ન કરાયો છે. અહીં સંપાદિત કાવ્યોમાં આ કવિની લાક્ષણિકતાઓ, એમની રચનારીતિ વિષયબહુલતા વગેરેનો એક પરિચય થશે અને એ રીતે સંપાદનનો જે મુખ્ય હેતુ છે, કવિની પ્રતિભાનો મહિમા કરવાનો, એ સિદ્ધ થશે. કાવ્યરસિકો, અભ્યાસુઓ સુજ્ઞ ભાવકોને આ સંપાદન દ્વારા કવિની પ્રતિભાનો ચિતાર મળશે અને એવી પ્રતીતિ પણ થશે કે આ કવિને આપણી ભાષા-કવિતાના એક ઊંચા શિખર પર બિરાજે છે. – મિલિન્દ ગઢવી