હરીશ મીનાશ્રુની કવિતા/એક મુફલિસની રેવડી જાણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:50, 27 February 2024

એક મુફલિસની રેવડી જાણે

એક મુફલિસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે

તરસને ઘૂંટણે પડી જાણે
એ જ પી જાણે લડખડી જાણે

રિન્દની આ રસમ ઇબાદતની
તેજ સાથે તડાફડી જાણે

મૂક પરથમ પહેલાં મસ્તક તું
એ રીતે કે ન પાઘડી જાણે

આભ ફાડે છે ખુદ રફૂગર થૈ
ચાલ ચાલે છે બેવડી જાણે

કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે

તોછડી છે એની રહેમતની અદા
આપણી કૈં નથી પડી જાણે

એને મઝધાર શું કિનારો શું
પાણી વચ્ચે જે તરફડી જાણે

એના આવ્યાના સહેજ ભણકારે
આ ગલી પડશે સાંકડી જાણે

આ ગઝલ એમની ઇશારત પર
વાત પરખાવે રોકડી જાણે