દલપત પઢિયારની કવિતા/આમ ગણો તો કશું નહીં!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:43, 1 March 2024

આમ ગણો તો કશું નહીં!

આમ ગણો તો કશું નહીં ને આમ ગણો તો ઘણું,
પડદાઓનું નગર વસ્યું આ, ક્યાં છે પોતાપણું?
અસ્થિમજ્જા રંગરૂપ આકા૨ આખરી ઓળખ શું છે?
શૂન્ય પછીનું શૂન્ય થતું શણગાર પાધરો પડાવ શું છે?
ઇંગલા પિંગલા આવન-જાવન સૂરજચંદર ભણું...

કાગળના વિસ્તાર ઉપર કંઈ વગડા જેવું રહીએ
નકશામાં ચીતરેલી નદીએ કેમ કરીને નહીએ?
ઊલી ગયેલી વેળાનાં અહીં ખાલી ખેતર લણું.....

ગોઝારું એવું આવ્યું કે અમને અમે થયાનું ભાસ્યું
લ્હેર્યો લેતું કમળસરોવ૨ વારે ઘડીએ વાસ્યું
મોજાં તૂટતાં તીરે આવી હું રેતબંગલા ચણું.....

નાછૂટકે એક ઘેઘૂર વડલો કાગળ ઉપર દોર્યો,
ઘટાઘોર કલશોર માંડવો મોઘમ મઘમઘ મો’ર્યો,
રથડા ખેડ્યાં રંગછાંયડે રોમ રોમ રણઝણું....