મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વચ્ચેથી: Difference between revisions
Jump to navigation
Jump to search
વચ્ચેથી
(+1) |
(No difference)
|
Latest revision as of 00:03, 5 March 2024
હવાઓને નીકળતી જોઉં છું આ ઘાસ વચ્ચેથી
નીકળતો જાઉં છું આ હુંય મારા શ્વાસ વચ્ચેથી
તમારા હોઠ પરથી નામ મારું એ રીતે વ્હેતું
લહર કો’ ગીત થઈ વહી જાય ઝીણા વાંસ વચ્ચેથી
ક્ષણો પડછાતી જાતી આંખમાં એવી રીતે દોસ્તો
તિમિર લંબાતું જાતું સાંજના ઉજાસ વચ્ચેથી
મનોહર, ક્યાં સુધી મૃગજળને કાંઠે આમ બેસીશું?
ચરણને ચાલવું પડશે છલોછલ પ્યાસ વચ્ચેથી
અહીંથી એક પળમાં કોણ સ્પર્શીને ગયું ચાલી?
અને જોયું તો હું ચાલું છું મારી લાશ વચ્ચેથી