ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સંશોધન-વિવેચનસંદર્ભે કેશવલાલ હ. ધ્રુવ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:02, 7 March 2024
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિવેચન-સંશોધનમાં અને પછી હસ્તપ્રતો પરથી કૃતિઓના સંપાદનમાં તો કે. હ. ધ્રુવ ૨૦મી સદીના આરંભે પ્રવૃત્ત થયા હતા. એ પૂર્વે, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં તેઓ સંસ્કૃત સાહિત્યની ઉત્તમ કાવ્ય-નાટ્યકૃતિઓના અનુવાદક અને સંશોધક અભ્યાસી તરીકે; સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ અને જૂની ગુજરાતીના જ્ઞાનને ઐતિહાસિક ભાષાવિજ્ઞાનમાં પ્રયોજનાર – અને બોલાતી ગુજરાતીનો વર્ણનાત્મક અભ્યાસ પણ આપનાર – વિદ્વાન તરીકે તેમજ ઋગ્વેદકાલીન છંદોરચનાઓ સુધી જઈને એમના સમય સુધીની ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ આપનાર પિંગળશાસ્ત્રી તરીકે – એમ ત્રિવિધ ભૂમિકાએ પ્રવૃત્ત હતા. એમનું મોટાભાગનું પ્રદાન એ ક્ષેત્રોમાં રહેલું છે. એમની કારકિર્દીનો આરંભ જ ભાષા-અધ્યયન અને સંસ્કૃત કૃતિઓના અનુવાદથી થયો હતો. ઈ. ૧૮૮૫ આસપાસ, એમની પચીસેકની વયે, ‘વિયેના ઓરિએન્ટલ જર્નલ’માં એમનો એક લેખ પ્રકાશિત થયેલો – ‘ધ ડેઈટ ઑફ વિશાખદત્ત.’ એ પછી ૧૮૮૮માં એમણે ‘ગુજરાત શાળાપત્ર’માં એક સુદીર્ઘ નિબંધ પ્રગટ કરેલો – ‘મુગ્ધાવબોધ ઔક્તિક’. એમાં એમણે ભાષાશાસ્ત્રીય-વ્યાકરણીય અધ્યયન રજૂ કરેલું. ઈ. ૧૮૮૯માં વિખ્યાત ‘મુદ્રારાક્ષસ’નો ‘મેળની મુદ્રિકા’ નામેે ગુજરાતી અનુવાદ અને એનો અભ્યાસ પ્રગટ કર્યો – ને પછીનાં વર્ષોમાં એનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો. કાવ્યકૃતિઓ ‘અમરુશતક’ અને ‘ગીતગોવિંદ’ ઉપરાંત ભાસ અને કાલિદાસની નાટ્યકૃતિઓ સમેત એમણે દસથી વધુ સંસ્કૃત કૃતિઓના અનુવાદ આપ્યા. ‘ગીતગોવિંદ’ આદિમાં સમશ્લોકી અનુવાદ આપવા ઉપરાંત ‘મેઘદૂત’ના કેટલાક અંશોના મધ્યકાલીન આખ્યાનના દેશી ઢાળોમાં અનુવાદ આપવાના સુભગ પ્રયોગો પણ એમણે કર્યા હતા.૧ ‘ગીતગોવિંદ’ના એમના અનુવાદ વિશે મણિલાલ દ્વિવેદી જેવા વિદ્વાને કહેલું કે, ‘આવું રસિક અને યથાર્થ ભાષાન્તર અન્ય કોઈ વિદ્વાનથી ન થઈ શકત.’૨ સંસ્કૃત કૃતિઓના આ અનુવાદોમાં એમની સન્નદ્ધ ભાષાસજ્જતાની સાથે જ એમની ઘુંટાયેલી રસિકતા પણ પ્રગટ થતી રહી હતી. એમની સ્વલ્પ કાવ્યરચનાઓનો અને એમની કાયમી કવિતાવૃત્તિનો પરિચય કરાવતાં ઉમાશંકર જોશીએ કહેલું કે ‘એમનું બધું જ કવિત્વ જાણે કે એમણે સંસ્કૃતની સેવામાં જ નિવેદિત કરી દીધું ન હોય!’૩ એમાં ઉમેરવું જોઈએ કે એમનું પાંડિત્ય પણ એમણે સંસ્કૃતની સેવામાં નિવેદિત કરી દીધું હતું. સંસ્કૃતના અનુવાદો આગળની લાંબી અભ્યાસભરી પ્રસ્તાવનાઓમાં, ઝીણી સંદર્ભનોંધો અને ટિપ્પણોમાં એની પ્રતીતિ થાય છે. કેશવલાલ ધ્રુવે મધ્યકાલીન સાહિત્યના સંશોધનમાં જે – અને જે રીતે – કામ કર્યું છે એની સાથે સરખાવવાની કેટલીક તુલનાસામગ્રી લેખે સંસ્કૃતના એમના આ અધ્યયન-સંશોધનની બેત્રણ મહત્ત્વની વિગતો અહીં જોઈ લઈએ : ‘ગીતગોવિંદ’ની એમની અનુવાદ-પુસ્તિકામાં ત્રીસેક પાનાં તો એમના અભ્યાસલેખમાં રોકાયેલાં છે. એમાં, જયદેવના વતન કેંદુલીના રાજા સેન વિશે એમણે સૂઝ-શ્રમપૂર્વક ઘણી પ્રમાણિત ઐતિહાસિક વિગતો ચર્ચી છે. આ સંશોધન-ચિકિત્સા પાછળનું એમનું મુખ્ય પ્રયોજન તો જયદેવનો સમય નિશ્ચિત કરવાનું ને એમ એકાધિક જયદેવોથી ‘ગીતગોવિંદ’કાર જયદેવને જુદો તારવી આપવાનું રહ્યું છે. રાજકીય-સાંસ્કૃતિક ઇતિહાસના એમના અભ્યાસ ઉપરાંત છંદ અને ભાષાની એમની જાણકારીને પણ એમણે આ પૃથક્કરણમાં કામે લગાડી છે. એમની એવી જ વિવિધક્ષેત્રીય સંશોધન-સજ્જતાને એમણે એકાધિક કાલિદાસોને જુદા તારવવામાં કામે લગાડી છે. પહેલે તબક્કે એમણે ‘રઘુવંશ’ના કાલિદાસથી ‘મેઘદૂત’ના કાલિદાસને જુદા પાડ્યા છે. એમની દૃષ્ટિ ને પદ્ધતિ જુઓ : ‘મેઘદૂતની અસાધારણ ચમત્કૃતિથી અંજાયેલા આપણે બીજો કાલિદાસ સ્વીકારી શકતા નથી પણ કલ્પનાની ભોંય પર શા માટે ભીંત ચણવી? ઊંડા ઊતરી પાયાની મજબૂતાઈ સાધી આગળ વધીએ તે જ ઠીક. માટે જડી આવે તે દાર્શનિક પુરાવાને માર્ગે વળીએ.’૪ આ અંગેની એમની તાર્કિક ભૂમિકા કંઈક આ પ્રકારની રહી છે : ‘રઘુવંશ’નો કર્તા કાલિદાસ ઈસવીસનના આરંભનો કવિ છે; એ કાવ્યમાં ટૂંકા છંદો અને સરળ, સમાસભાર વિનાની ભાષા પ્રયોજાયાં છે જ્યારે ‘મેઘદૂત’નો કર્તા કાલિદાસ ઈ. ના ચોથા દાયકાનો, ગુપ્ત રાજાના દરબારનો અને સમાસઘન ભાષાવાળા ‘શિશુપાલવધ’ના કવિ માઘના સમય નજીકનો કવિ છે. ‘મેઘદૂત’માં દીર્ઘ સમાસો છે, મંદાક્રાન્તા જેવા લાંબા છંદનું આખું ચરણ સમાસરૂપ હોય એવી રચના પણ એમાં છે. આ ઉપરાંતનાં કેટલાંક કારણો પણ એમણે બતાવ્યાં છે. આ બધામાં ક્યાંક, અલબત્ત, વિવાદસ્થાનો પણ છે પરંતુ છંદ-ભાષા-ઇતિહાસના જ્ઞાનનું એમનું સામર્થ્ય એમાં ઘણું કાર્યરત થયેલું જણાય છે. □ અભ્યાસીનું આ સામર્થ્ય, ભાષાછંદાદિની સજ્જતા અને ઝીણી દૃષ્ટિ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એમના સંશોધન-સંપાદનમાં કેવા રૂપે પ્રયોજાયાં છે તે હવે જોઈએ. ‘બુદ્ધિપ્રકાશ’માં ૧૯૦૫-૦૬ દરમિયાન પ્રકાશિત થયેલો ને પછી એમના ‘સાહિત્ય અને વિવેચન’ના બીજા ખંડમાં ગ્રંથસ્થ થયેલો ૬૦-૬૫ પાનાંનો એમનો જાણીતો લેખ ‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવો’ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંનો એમનો પહેલો અભ્યાસ-પ્રવેશ છે. પણ કહેવું જોઈએ કે એ ખૂબ કમનસીબ પ્રવેશ-ઘટના છે. ત્યાં સુધીમાં (૧૯૦૫ સુધીમાં) સંસ્કૃત સાહિત્ય, ભાષાશાસ્ત્ર ને પિંગળના વિષયોમાં ખૂબ પ્રતિષ્ઠિત થયેલા આ રસિક પંડિત અને ઉત્તમ સંશોધકે પોતાની એ પ્રતિષ્ઠાને આવી હોડમાં કેમ મૂકી હશે એનું આજે તો નર્યું આશ્ચર્ય જ થાય છે. આ આખોય વિસ્તૃત, બલકે વિસ્તારેલો, લેખ અને એ ઉપરાંત (પ્રેમાનંદના ગણાવેલા) ‘માર્કંડેયપુરાણનું કર્તૃત્વ’ એ વ્યાખ્યાનલેખ (૧૯૧૪)૫ તેમજ ‘રત્નદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન’ના એમના સંપાદન (૧૯૨૭)ની એમની પ્રસ્તાવનામાંનો, એ ‘માર્કંડેયપુરાણ’ની તરફદારીમાં રોકાયેલો, મોટો ભાગ – એ ત્રણે લખાણો કે. હ. ધ્રુવના પાંડિત્યને એક સંશોધકની સત્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી સતત દૂર કરતાં રહ્યાં છે. પ્રેમાનંદનાં કેટલાંક આખ્યાનોનું અને બધાં નાટકોનું તેમ જ પ્રેમાનંદસુત વલ્લભ ને એની કૃતિઓનું તરકટ તો એ વખતે જ ખુલ્લું પડેલું ને હવે, પ્રસન્ન વકીલના શોધપ્રબંધ ‘કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ’ (૧૯૫૦)ના પ્રકાશન પછી તો, એ આખી ઘટના કોઈ ચર્ચા માટે, કે પુનઃચર્ચા માટે પણ, અપ્રસ્તુત છે. વળી, આ ઘટનામાં સંકળાયેલા, ઓછી કે નહીંવત્ સર્જક-વિવેચકશક્તિ ને સમજ ધરાવતા છોટાલાલ ન. ભટ્ટ આદિ જેવા પણ હવે ભુલાઈ ગયા છે. પરંતુ કે. હ. ધ્રુવે સંશોધનનાં તથ્યોની તર્કકઠોર ચકાસણી કરતી એમની જે સજ્જતાનો સમર્થ વિનિયોગ સંસ્કૃતના સર્જકો અને કૃતિઓની ચર્ચા અંગે કર્યો એ જ સજ્જતા પ્રેમાનંદ અંગેના આ તરકટના બચાવમાં નર્યા તર્કછળને અને અભિનિવેશને હવાલે ગઈ અને સ્વતઃવિરોધી નિષ્કર્ષોની વિડંબનામાં પરિણમી – એ તો એમના પ્રદાનને ન્યૂન કરનારી એક નાની પણ અકાટ્ય ઇતિહાસ-ઘટના તરીકે વજ્રલેપ થઈ ગઈ, એ દુઃખદ છે. ઉપર દર્શાવેલાં ત્રણે લખાણોની વિગતે ચર્ચા કરવી એ પણ અહીં જરૂરી નથી. પરંતુ એમાંની કેટલીક બાબતોના ટૂંકા નિર્દેશો કરી લઉં જેથી, પૂર્વનિર્ણિત અભિગ્રહો સંશોધનના માર્ગને કેવો ધૂંધળો ને ખોટી દિશામાં દોરી જનારો કરી શકે, એનું દૃષ્ટાંત મળી રહે. ૧. કે. હ. ધ્રુવને ૧૭મી-૧૮મી સદી, પ્રેમાનંદ અને એના શિષ્યમંડળનું પ્રદાન બાદ કરીએ તો સૂકી લાગે છે, કેમકે, તેઓ કહે છે કે, ‘નાકર, વિષ્ણુદાસ, મનોહર આદિનાં થોથાંની સત્તરમા શતકમાં ખોટ નથી. પણ કાવ્યનો આત્મા જે રસ, તેની એમાં ખોટ છે.’૬ એ રસ એમને પ્રેમાનંદનાં નિર્વિવાદપણે સિદ્ધ આખ્યાનોમાં અપૂરતો લાગ્યો હશે એટલે તરકટી કૃતિઓના ઉમેરા સમેત તેઓ ગુજરાતી સર્જકતાની ઉત્તમતાનો આદર્શ બહુ અભિનિવેશથી ચીંધે છે! એમના ઉદ્ગારો જુઓ : ‘વિચારો કે પ્રેમાનંદ, વલ્લભ, રત્નેશ્વર વગેરેએ અક્ષર પાડ્યો ન હોત તો સત્તરમા શતકથી માંડીને ઓગણીસમા શતકની સમાપ્તિપર્યંત કયા ઊંચા આદર્શો આપણે બતાવત? એકે નહીં, એકે નહીં.’૭ ૨. ભાષા, શૈલી, છંદ, આદિનું સામર્થ્ય બતાવવા એમણે ઉદ્ધરણો, મોટાભાગનાં, પ્રેમાનંદસુત વલ્લભમાંથી આપ્યાં છે. જેને તેઓ ઘણી વાર ‘કુળદીપક વલ્લભ’ અને ‘મહારથી વલ્લભ’ કહે છે અને જે વલ્લભને એમણે ‘સામળને માર્મિક વાગ્પ્રહારોથી હેઠો’ પાડનાર કહ્યો છે એની, એમણે ઉદ્ધૃત કરેલી આ પંક્તિઓ તો દલપતશૈલીના ચબરાકી પદ્યથી પણ આગળ જતી નથી. એકાદ નમૂનો જોઈએ :
કવીશ્વર આવ્યા એક તેમણે કવિત કર્યું;
શુભ્ર અભ્ર આ તે, હશે અંબાડી કે વીજળી?
અને જે એના ‘માર્મિક વાગ્પ્રહારો’ ગણાવાયા છે તેમાં ઘણા અભદ્ર, અરુચિકર શબ્દપ્રયોગો છે! આ છંદ, આ શૈલી, આ ભાષા કે હ. ધ્રુવ જેવા વિચક્ષણ વિદ્વાનના ધ્યાનબહાર રહ્યાં હોય એમ માની શકાય? અને વળી, પ્રેમાનંદને વળતા પ્રહાર તરીકે શામળે જે પંક્તિઓ યોજી કહેવાઈ છે – ‘સાદી ભાષા, સાદી કડી...’ વગેરે – તે તો એમને તરત પ્રક્ષિપ્ત લાગે છે ! તેઓ કહે છે કે, ‘સાદી કડી...’ વગેરે વાળો ‘આ વધારો બહુ જ શક પડતો છે[...] શામળના, પ્રસિદ્ધિમાં આવેલા કોઈપણ પુસ્તકમાં આવી ઉઘાડી નિર્ભર્ત્સ્ના મળી આવતી નથી.’૮ ૩. પ્રેમાનંદનાં ખ્યાત આખ્યાનોની સરળ પ્રાસાદિકતાની સામે આવતી એનાં શંકાસ્પદ કાવ્યો-નાટકોની ક્લિષ્ટ-કૃત્રિમ ભાષા તરફ નરસિંહરાવ આદિ વિદ્વાનોએ આંગળી ચીંધી ત્યારે કે. હ. ધ્રુવે દલીલ કરી કે, પેલાં આખ્યાનો સામાન્ય જનસમુદાય માટે હતાં અને આ ‘નાટક અને કાવ્યની શૈલી તો ભારતી વૃત્તિના રસિયા પંડિતજનને સંતોષવા[...] પ્રેમાનંદે ખાસ કઠિણ અને પ્રૌઢ કરી છે. કહેવાનું હારદ એ છે કે એ કૃત્રિમ છે.’૯ સરળતા અને સામાસિકતાના જે માપદંડથી કે. હ. ધ્રુવે ‘રઘુવંશ’ના કર્તા અને ‘મેઘદૂત’ના કર્તા કાલિદાસને જુદા કવિઓ ગણાવ્યા; એ જ માપદંડથી આ વિદ્વાન અહીં સાચા-જૂઠા બે પ્રેમાનંદોને એક ઠેરવે છે! એટલે એમને, કાલિદાસ-ચર્ચામાં અગાઉ ટાંક્યા છે એ એમના જ શબ્દો યાદ કરાવી શકાય : ‘કલ્પનાની ભોંય પર શા માટે ભીંત ચણવી?’ ૪. એમને પોતાને પ્રેમાનંદની ‘દ્રૌપદીસ્વયંવર’ વગેરે કેટલીક કૃતિઓ શંકાસ્પદ લાગી છે ત્યાં કસોટી તરીકે તેઓ – ‘શૈલીની ભિન્નતા અને કથાભાગના તફાવત ઉપરાંત એમાં દેશીઓ પણ પ્રેમાનંદની નથી.’૧૦ એવા તર્કોને આગળ ધરે છે. આ તર્ક વિશ્વસનીય છે, પણ એ અગાઉના તર્કછળને જ વધારે સ્પષ્ટ કરી દેખાડે છે! ૫. બચાવના આત્યંતિક અભિનિવેશે એમને પોતાનાં પૂર્વ-વિવેચનો-સંશોધનોનું, પોતાની ઊંચી કળારુચિનું પણ જાણે કે વિસ્મરણ કરાવ્યું છે : પ્રેમાનંદનાં નાટકો વિશેનો એમનો આ અભિપ્રાય જુઓ : ‘[એનાં] નાટકો ગુજરાતીમાં અત્યારસુધીમાં [છેક ૧૯૦૫ સુધીમાં] રચાયેલાં બીજાં બધાં નાટકોથી ચડિયાતાં છે અને સંસ્કૃતમાં કાલિદાસ અને ભવભૂતિની કૃતિઓ બાજુ પર રાખીએ તો બીજાં જે નાટકો રહ્યાં તેનાથી એ ઊતરે એવાં કહી શકાય નહીં.’૧૧ વિદ્વાન તરીકેની એમની ઊંચી પ્રતિષ્ઠાને લીધે, તેમના સમકાલીન વિવેચકો-સંશોધકોએ એમના આ દૂષણ-કૃત્ય (મૅનીપ્યૂલેશન) પ્રત્યે કૂણું વલણ દાખવેલું અને કેશવલાલ ધ્રુવે પ્રેમાનંદ આદિની તરકટી રચનાઓને ‘ભોળે ભાવે ખરેખર ૧૭મા-૧૮માં શતકની રચનાઓ માનીને[...] પોતાની રીત મુજબ એમાં સુધારા કરી આપ્યા’૧૨ એવો શંકાલાભ આપેલો ને એ રીતે આ કમનસીબ ઘટનાને ઘણુંખરું ઢાંકેલી રાખેલી. o મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કેટલીક કૃતિઓનાં સંપાદનો, એમની થોડીક વિલક્ષણતાઓથી ક્યાંક ખરડાયેલાં હોવા છતાં, એકંદરે તો એમને યશ અપાવનારી સંપાદક-સંશોધક-શક્તિઓવાળાં છે. ભાલણકૃત ‘કાદંબરી’ (પૂર્વ ભાગ ૧૯૧૬; ઉત્તર ભાગ, મરણોત્તર, ૧૯૫૪), રત્નદાસકૃત ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (૧૯૨૭), ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’ (૧૯૨૭), અને અખાકૃત ‘અનુભવબિંદુ’ (૧૯૩૨) – એમની વિવિધક્ષેત્રીય સંશોધનદૃષ્ટિનો, ને વિવેચકશક્તિનો પણ, લાભ પામેલાં છે. ભાલણની ‘કાદંબરી’ની એકમાત્ર હસ્તપ્રત સુલભ હતી. (આજે પણ એની બીજી પ્રત સુલભ નથી.) લહિયાની, જોડણી આદિની નાની મોટી ભૂલો સુધારી લેવા ઉપરાંત એમણે પ્રાચીન ભાષારૂપ, રાગો-ઢાળો, ક્યાંક મૂળ બાણની ‘કાદંબરી’ તેમ જ પૌરાણિક આદિ ઘટના-સંજ્ઞા-સંદર્ભોની પોતાની જાણકારીને આધારે કેટલાક સુધારા કર્યા છે ને એને મુખ્ય મુદ્રિત પાઠમાં સામેલ કરી લઈને, મૂળ પ્રતનાં રૂપોને પાદટીપમાં પાઠાંતર રૂપે મૂક્યાં છે. કૃતિપાઠને અંતે સુદીર્ઘ ટિપ્પણ-સમજૂતી (દરેક ભાગમાં દોઢસો-પોણા બસો પાનાંની) મૂકી છે; દેશીઓનું બંધારણ પણ નિર્દેશતી ‘દેશીની સૂચિ’, પોતે ઉમેરેલા ‘મુખ્ય કલ્પિત પાઠ’ની સૂચિ, ‘વ્યુત્પત્તિ’ની સૂચિ, વિલક્ષણ લાગેલા ‘કેટલાક અસાધારણ શબ્દ’ની સુચિ ને છેલ્લે ‘શુદ્ધિ સૂચિ’ પણ મૂક્યાં છે! એમની મહદંશે તર્કાશ્રિત રહેલી અનુમાન-કલ્પનાશક્તિનો, સંશોધનનાં શિસ્ત અને ઝીણવટભરી ચોકસાઈનો એના પરથી ખ્યાલ આવશે. રત્નદાસકૃત ‘હરિશ્ચંદ્રાખ્યાન’ના સંપાદનની પ્રસ્તાવનામાં ‘માર્કંડેયપુરાણ’ના પ્રેમાનંદ-કર્તૃત્વની તરફદારીમાં એમણે કેટલુંક ખોટું ચણતર કર્યું છે પણ એટલો ચર્ચાભાગ બાદ કરતાં આ સંપાદન શાસ્ત્રીય બન્યું છે. આ સંપાદન પણ સુલભ એક-હસ્તપ્રત-આધારિત છે.૧૩ એમાં કૃતિપાઠ અંગેના કેટલાક સંશોધન-નિર્ણય નોંધપાત્ર છે : (ક) દૂષિત-પાઠ-સુધારમાં એમણે એક સ્થળે ‘પંપાસર’નું ‘પદ્મસર’ કર્યું છે. (કડવું ૨, કડી ૫) કારણ કે કૃતિમાં પંપાસર અયોધ્યા પાસે બતાવ્યું છે પણ પંપાસર ખરેખર તો દક્ષિણમાં દંડકારણ્યમાં હતું.૧૪ (ખ) કડવું ૧૧, કડી ૧૧માં ‘ગાંધર્વવિવાહ’ શબ્દ (હસ્તપ્રતમાં) હતો ત્યાં તેમણે ‘બ્રાહ્મવિવાહ’ શબ્દ મૂક્યો છે કેમકે ‘બ્રાહ્મણોનાં બાળકો બ્રાહ્મવિવાહથી પરણે છે. ગાંધર્વવિવાહથી નહીં.’૧૫ (ગ) એક મહત્ત્વના પાઠસુધાર માટે એમણે નાકરના ‘હરિશ્ચંદ્રાખ્યાન’ સાથે તુલના કરીને એક વિગતને ફેરવી લીધી છે. (આવા સુધારાને તેઓ ‘પાઠનો સમુદ્ધાર’ કહે છે.૧૬) હસ્તપ્રતમાં ૨૬મા કડવાની ૩૮મી કડી આમ હતી : ‘ખડ્ગ લીધું ક્ષત્રી રાયે; નાંખ્યું વનિતા શીશ.’ સંદર્ભ આવો છે : હરિશ્ચંદ્ર શિરચ્છેદ માટે ખડ્ગ ઉઠાવે છે પણ વિષ્ણુ આવીને એનો હાથ ઝાલી લે છે. હવે, કે. હ. ધ્રુવ કહે છે કે, ‘પ્રહાર કરી ચૂક્યા (‘નાંખ્યું વનિતા શીશ’) પછી વિષ્ણુ ભગવાને આવીને હરિશ્ચંદ્રનો હાથ ઝાલવો એ નિરર્થક છે.’૧૭ એટલે એમણે ‘નાંખ્યું’ને બદલે ‘નામ્યું’ (= વનિતાએ પ્રહાર ઝીલવા શીશ નમાવ્યું.) કરી દીધું છે. નાકરમાંથી એમને સમર્થન મળે છે : ‘ખડ્ગ લીધું હાથમાં; તવ શીઘ્રે નામ્યું શીશ’ (નાકરનું ‘હરિશ્ચંદ્રાખ્યાન’ કડવું ૨૯, કડી ૧૩). અનુમાનોને કે. હ. ધ્રુવે આમ નિર્ણાયક થવા દીધાં છે પરંતુ, અગાઉ પણ કહ્યું એમ, એમાંનાં મોટા ભાગનાં અનુમાનો તર્કાશ્રિત રહ્યાં છે. ‘પંદરમા શતકમાં પ્રાચીન ગુર્જર કાવ્ય’ એ સમીક્ષિત સંપાદન નહીં પણ સંકલિત સંપાદન છે. એનું પ્રયોજન એમણે સ્પષ્ટપણે બતાવ્યું છે : ‘તેમાં મેં ન્હાનાં સળંગ કાવ્યો લીધાં છે. ‘કાદંબરી’ અને ‘કાન્હડેપ્રબંધ’ જેવાં લાંબાં કાવ્યો વાંચવા જેટલી ધીરજ કે ફુરસદ ન હોય તેવા રસિક જન માટે અને પ્રાચીન ભાષાનો પરિચય નવો કેળવવો હોય એવા ખંતીલા અભ્યાસક માટે આ સંગ્રહ છે.’૧૮ અને વળી એની એક સંશોધનલક્ષી ઉપયોગિતા પણ એમણે બતાવી છે : ‘છંદ, દેશી અને ગીતના વપરાટનો ઇતિહાસ ઉકેલવામાં પણ [આ સંગ્રહ] મદદગાર થશે.’૧૯ આમાં સમાવિષ્ટ પાંચે કૃતિઓની એક કે વધારે હસ્તપ્રતો એમને મળી છે.૨૦ પણ પાઠનોંધ તો માત્ર ‘રણમલ્લ છંદ’માં જ એમણે આપી છે. એથી, એકાધિક હસ્તપ્રતોવાળાં કાવ્યોનું પાઠસંપાદન એમણે કઈ રીતે કર્યું હશે એ જાણી શકાતું નથી. ‘રણમલ્લ છંદ’ની પૃષ્ઠાંતનોંધોમાં એમણે શબ્દરૂપ આદિની લહિયાની ભૂલો સુધારવા ઉપરાંત છંદાદિ-નિર્દેશના દોષ પણ સુધાર્યા છે. પ્રસ્તાવનામાં, ‘રણમલ્લ છંદ’નો રચનાસમય નક્કી કરવા માટે એમણે તે સમયના ઇતિહાસમાંથી ઘણા સંલગ્ન પુરાવા રજૂ કર્યા છે. આ પ્રાચીન ગુર્જર કાવ્યોના સંગ્રહની પ્રસ્તાવના આમ તો પચાસેક પાનાં જેટલી વિસ્તૃત છે પણ એમાં, પ્રતો અંગેની સ્થિતિ-પ્રાપ્તિની વિગતો અને ઇતિહાસ, કર્તાઓ વિશેની ટૂંકી પરિચય-વિગતો, ‘પ્રબોધ ચિંતામણિ’નું વિગતવાર વિષયવસ્તુ (આ એક જ કૃતિનું કેમ?) – એવી માહિતી જ વધુ આપી છે. સંશોધનલક્ષી કે વિવેચનાત્મક ચર્ચા ખૂબ જ ટૂંકી છે. ‘સમાલોચના’ એવાં ઉપશીર્ષકો હેઠળ પણ એમણે ઘણી ટૂંકી ચર્ચા કરી છે. જોકે એમાં કેટલાંક માર્મિક નિરીક્ષણો અવશ્ય છે. ખરેખર તો એમણે આમાંની એકે એક કૃતિનું – તેમજ ‘કાન્હડદે પ્રબંધ’નું – સમીક્ષિત વાચના સંપડાવતું સંશોધિત સંપાદન કરવા જેવું હતું. મધ્યકાલીન કૃતિઓનાં આ બધાં સંપાદનોમાંથી એમની કેટલીક વિશિષ્ટ અને વિલક્ષણ સંશોધનદૃષ્ટિ અને સંશોધનપદ્ધતિ તારવી શકાય એમ છે : ૧. હસ્તપ્રતો પરથી મુદ્રિત પાઠ તૈયાર કરવામાં તેઓ એમના પૂર્વસંપાદકો કરતાં થોડાક આગળ જાય છે. એમણે લખ્યું છે કે મુદ્રણની રૂઢ રીતિમાં કડીના પહેલા અને ત્રીજા ચરણને અંતે અલ્પવિરામ, બીજા ચરણને અંતે (પંક્ત્યંતે) અર્ધવિરામ અને ચોથા ચરણને (કડીને) અંતે પૂર્ણવિરામ – એથી આગળ ન જવાયેલું. ભાવ-અર્થ-અનુસારી બીજાં વિરામચિહ્નો, ને અવતરણચિહ્નો, એ પૂર્વે ન મુકાતાં તે એમણે મૂક્યાં છે.૨૧ ૨. સંદર્ભથી, તર્કથી, રચનારીતિ અને કાવ્યસૌષ્ઠવની સંગતિના અનુમાનથી, વ્યુત્પત્તિ કે વ્યાકરણ-શુદ્ધિના સંદર્ભથી – એમ અનેક રીતે એમણે મૂળના પાઠ બદલ્યા/સુધાર્યા છે, એ ફેરફારો મુદ્રણ-પાઠમાં કરી લીધા છે, ને હસ્તપ્રત-પાઠ પાદટીપમાં મૂક્યા છે. પરંતુ આ ફેરફાર-નિર્દેશો એમણે, આજની પ્રચલિત પદ્ધતિ મુજબ, મુદ્રણ-પાઠમાં તે તે શબ્દ કે શબ્દગુચ્છ પછી પાદટીપઅંક મૂકીને (ને પાદટીપમાં તે અંક સામે મૂળ પાઠ/પાઠાન્તર મૂકીને) કર્યા નથી. પાદટીપમાં પંક્તિક્રમનો નિર્દેશ કરીને એની સામે પાઠાન્તર નોંધ્યાં છે. એમણે ફેરવેલો પાઠ આપણે પંક્તિમાંથી શોધી લેવાનો! આ બધુંં જોતાં લાગે છે કે, આપણે ત્યાં થયેલાં પ્રાચીન કૃતિઓનાં પાઠસંપાદનોની પદ્ધતિનો ઇતિહાસ પણ લખાવો જોઈતો હતો. એ લખાયો હોત/હજુ પણ જો લખાય તો, ક્રમશઃ પાઠસંપાદન પદ્ધતિ કેવી બદલાતી-વિકસતી ગઈ એનો રસપ્રદ અને સંશોધન-ઉપયોગી ઇતિહાસ મળી શક્યો હોત/મળી શકે. ૩. એમનાં પાઠસંશોધનો આપણા કેટલાક વિદ્વાનોને મનસ્વી ને જોખમી લાગ્યાં છે. આ પાઠસંશોધનોમાં સાહસના અંશો તો, અલબત્ત છે જ. પણ એમના કલ્પેલા પાઠ એમની બહુદેશીય સજ્જતામાંથી પસાર થયેલા હતા ને એ કારણે, કેટલાક કિસ્સાઓમાં તો, પાછળથી હસ્તપ્રત મળી આવી તેમાંં, એમણે કરેલા સુધારા યથાર્થ પણ દેખાયા છે. કે. કા. શાસ્ત્રીએ, ભાલણની ‘કાદંબરી’ના પૂર્વ ભાગનું સંપાદન ભારતીય વિદ્યાભવન માટે કર્યું (૧૯૫૩) ત્યારે એમણે લખેલું કે, કે. હ. ધ્રુવે મૂળની ભાષા આદિ સાથે લીધેલી છૂટને કારણે એમના સંપાદન (૧૯૧૬)ની અધિકૃતતા જોખમાયેલી – એટલે આ સંપાદન કરવાનું થયું છે.૨૨ ૧૯૫૪માં જ્યારે કે. હ. ધ્રુવના પુત્ર વિલોચન ધ્રુવે ‘કાદંબરી’ના ઉત્તર ભાગનું પ્રકાશન કર્યું (એનું સંપાદન તો કે. હ. ધ્રુવે કરી રાખેલું હતું. પ્રકાશન બાકી હતું.૨૩ –) એમાં, કે. હ. ધ્રુવે કરેલા ફેરફારોનો બચાવ કરતાં એમણે કહેલું કે, ‘ઘણીખરી ભૂલો લહિયાની ઉતાવળ, અજ્ઞાન અથવા સરતચૂકથી થયેલી હોય છે એને સુધારી લેવામાં ન આવે તો કર્તાને અન્યાય થાય અને કૃતિનું અસલ રૂપ અનધિકારી લહિયાની ભૂલ કે દોઢડહાપણને લીધે વિકૃત થાય’૨૪ એમાં તથ્ય છે ખરું; પણ કહેવું જોઈએ કે, એ જ રીતે ક્યારેક, સંપાદકના ફેરફારો પણ ભૂલ કે દોઢડહાપણને કારણે આવતી વિકૃતિરૂપ બની શકે. જો કે, સંપાદકે જ્યાં સુધી મૂળ પાઠનું (પાદટીપમાં કે અન્યત્ર) રક્ષણ કર્યું હોય ત્યાં સુધી ભવિષ્યના સંશોધકનો માર્ગ ખુલ્લો ને ચોખ્ખો રહે જ છે. હસ્તપ્રતોની પડછે, લિખિત પાઠ પૂર્વે, મૂળે તો એક શ્રુતિપાઠ હોય છે – એક આખી મુખપાઠ પરંપરા અને ગાન પરંપરા હતી જ. લહિયાએ પૂર્વ-લિખિત પ્રતને આધારે કે શ્રુતિપાઠના એના સ્મૃતિ-સંસ્કારોને આધારે કૃતિપાઠ અવતાર્યો હોય. એમાં સમજદોષ, સ્મૃતિદોષ, શ્રવણદોષ, વાણીને લિપિરૂપ આપતાં થતાં સહજ સ્ખલનો અને સરતચૂકો પ્રવેશતાં રહ્યાં હોય. એથી છંદ-લય-દેશી રાગ-ઢાળ, પઠનપરંપરા, ભાષારૂપ – એ સર્વની જાણકારી પણ સંપાદકે ખપે લગાડવી પડવાની. હસ્તપ્રતમાં તે સમયની, તે કવિની, ભાષાને એક નિશ્ચિત મુદ્રા મળી ગઈ હોય એનું – એ દસ્તાવેજનું – મૂલ્ય ઓછું નથી તો છંદલયાદિ સંસ્કારોનું મૂલ્ય પણ ઓછું નથી. પૂરા વિવેકથી, એકાગ્રતા અને ચોકસાઈથી એનેય ખપે લગાડવાનું એક સંશોધન-સાહસ કે. હ. ધ્રુવે કરેલું. એટલે, પૂરી તકેદારી સાથે પણ, કેશવલાલ ધ્રુવનાં પાઠાંતરોને, એમનાં તર્ક-કલ્પિત સંમાર્જનોને, હવે આ દૃષ્ટિકોણથી પણ ફરી જોવા-ચકાસવાનાં થશે. એમના સાહસને એક રૂઢ દોષ ગણીને ખસી ગયે નહીં ચાલે. સંશોધક-સંપાદક-અનુવાદક તરીકેની કે. હ. ધ્રુવની એક લાક્ષણિકતા ખાસ નોંધવી જોઈએ : તેઓ દરેક તબક્કે – પ્રૂફવાચન વખતે, મુદ્રિત ગ્રંથનું શુદ્ધિપત્રક મૂકતી વખતે, નવી આવૃત્તિ કે પુનર્મુદ્રણ વખતે – હંમેશાં કંઈ ને કંઈ ફેરફાર-ઉમેરા કરતા રહેતા. એટલે કે એમનું સંશોધનકાર્ય નિરંતર ચાલતું રહેતું. ‘ગીતગોવિંદ’ની છઠ્ઠી આવૃત્તિના નિવેદનમાં એમણે લખ્યું છે કે, ‘એની [આ] વાચના પ્રસાદસંગતિ અને ઔચિત્યની દૃષ્ટિએ એટલું રૂપાંતર બતાવે છે કે તેને કોઈ નવું જ પ્રકાશન કહે તો ના ન કહેવાય.’૨૫ એટલે કોઈ પુસ્તકની પહેલી આવૃત્તિ હાથ લાગે ત્યારે આપણે વિશેષ પ્રસન્ન થઈએ એ અનુભવ કેશવલાલ ધ્રુવનાં પુસ્તકોની બાબતમાં જરા જુદો પણ થઈ રહે! ‘પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય’ની પહેલી આવૃત્તિ કરતાં એની પાછળની આવૃત્તિઓ, વિશેષ ઉમેરણોને લીધે વધુ ઉપયોગી પુરવાર થાય એમ છે. □ કેશવલાલ ધ્રુવ તથ્યોમાં ઊંડે ઊતરનાર સંશોધક જરૂર હતા પણ તેઓ શુષ્ક પંડિત ન હતા. એ જેટલા સંશોધક હતા એટલા જ મર્મજ્ઞ સાહિત્યવિવેચક પણ હતા. એટલે એમનાં વિવેચનાત્મક નિરીક્ષણોમાંથી કેટલાંક અહીં જોવાં રસપ્રદ થશે : l ‘ગીતગોવિંદ’કાર જયદેવ ઉપરાંત બીજા પાંચ જયદેવ(અને એમની કૃતિઓ) એમણે જુદાં તારવ્યા છે. પરંતુ એ કવિઓમાં, કાવ્યત્વની રીતે વિવેચક કે. હ. ધ્રુવને રસ ન પડ્યો હોવાથી એમની વિશેષ કોઈ ચર્ચામાં તેઓ પડ્યા નથી, કેવળ નિર્દેશ કર્યો કે, ‘એ સૌ ઝાઝા જાણીતા નથી તેમના વિશે ખાસ ચર્ચા કરી નથી.’૨૬ l મધ્યકાળની કેટલીક ઉત્તમ કૃતિઓ વિશેના એમના વિવેચન-અભિપ્રાયો ઘણા મર્મદર્શી ને એથી આજે પણ અવતરણક્ષમ રહ્યા છે. જેમકે (૧) ‘વસંતવિલાસ’નો હૃદયરાગ, એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કાંઈ મનોહર છે.’૨૭ (૨) ‘રણમલ્લ છંદ’નો કાવ્ય લેખે મહિમા કરતાં એમણે જે લખેલું એ ધ્યાનથી જોવા જેવું છે. કહે છે, ‘(ઇડરના) ગઢ પરની બેઠક તો રણમલ્લનું જ સ્મરણ આપશે; પણ શ્રીધરનો આ પવાડો તો રાણાને અને કવિને ઉભયને ચિરંજીવ રાખશે.’૨૮ (૩) ‘અનુભવબિંદુ’ વિશે, ‘પ્રાકૃત ઉપનિષદ જોવાની ઇચ્છા હોય તેણે ‘અનુભવબિંદુ’ વાંચવું. એ અર્થગંભીર રમણીય ખંડકાવ્ય છે.’૨૯ – એ જાણીતો, અવતરણક્ષમ અભિપ્રાય તો એમણે આપ્યો જ છે, પણ એમની રૂપકાત્મક શૈલીમાં એક બીજું વિધાન એમણે કર્યું છે એ પણ રસપ્રદ છે : ‘અખો છંદોવિદ્યાની સપાટ મોકળી સડકનો રાહદારી નથી પણ પગદંડે પડેલી સાંકડી અને ખડબચડી કેડીનો વટેમાર્ગુ છે.’૩૦ આવા વિલક્ષણ-વિચક્ષણ સંશોધક, કલ્પનાશીલ છતાં મૂળ-ગામી અનુવાદક અને રસજ્ઞ વિવેચક કેશવલાલ હર્ષદરાય ધ્રુવનું પ્રદાન સાહિત્યમાં બહુ વ્યાપક અને બૃહત્ પ્રકારનું છે. એમની એ લાક્ષણિકતાનો પરિચય, એમણે પોતાને વિશે યોજેલી કાવ્યપંક્તિઓમાં ઉત્તમ રીતે ઝિલાયો છે. ગુજરાત કૉલેજમાંના સન્માન-સમારંભ વખતે એમણે કહેલું :
શુદ્ધ શુદ્ધતર શુદ્ધતમે
બુદ્ધિ લુબ્ધ મમ મુગ્ધ ભમે!
રમ્ય રમ્યતર રમ્યતમે
કલ્પના રમતિયાળ રમે!૩૧
એમના જ આ શબ્દોથી એમના કાર્ય અને પ્રદાનને અંજલિ આપીને વિરમું છું.
સંદર્ભનોંધ : ૧. આ ઉપરાંત ‘મેઘદૂત’, ‘ઉત્તરરામચરિત’, ‘મૃચ્છકટિક’, આદિ કૃતિઓના કેટલાક અંશોના એમણે પ્રયોગલક્ષી અનુવાદ આપેલા છે. જુઓ : સાહિત્ય અને વિવેચન ભાગ-૧. ૨. જુઓ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ગ્રંથ-૩, બીજી સંવર્ધિત આવૃત્તિ[૨૦૦૫], પૃ.૩૬૨ ઉપર યોગેન્દ્ર વ્યાસ દ્વારા ઉદ્ધૃત. ૩. ‘પ્રતિશબ્દ’, ૧૯૬૭, પૃ. ૧૦૫. ૪. આ ચર્ચા એમણે ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ એ પિંગળવિષયક ગ્રંથમાં કરી છે. જુઓ, પૃ. ૨૬૧. વળી આગળ તેઓ કહે છે, ‘ભાસ, કાલિદાસ અને અશ્વઘોષના પૌર્વાપર્યના પ્રશ્નમાં ને ‘રઘુવંશ’ તથા ‘મેઘદૂત’ના ભિન્નકર્તૃત્વની ચર્ચામાં હું ઊતર્યો છું તે પદ્યરચનાની ઉત્ક્રાંતિની ખરી રેખા દોરવામાં તેની આવશ્યકતા જોઈને જ.’ પ્રસ્તાવના, પૃ. ૭. ૫. જુઓ સાહિત્ય અને વિવેચન ભાગ-૨, ૧૯૪૧. ૬. ‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, સાહિત્ય અને વિવેચન ભાગ-૨’, પૃ. ૧૮૦. ૭. એ જ, પૃ. ૧૮૦; ૮. એ જ, પૃ. ૧૯૪; ૯. એ જ, પૃ. ૨૧૮. ૧૦. એ જ, પૃ. ૨૧; ૧૧. એ જ, પૃ. ૨૧૦. ૧૨. જુઓઃ અનંતરાય રાવળ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-મધ્યકાળ ૧૯૯૯ની આવૃત્તિ, પૃ. ૧૫૦. ૧૩. એની બીજી પ્રત અંબાલાલ બુ. જાનીને મળ્યાનું એમણે નોંધ્યું છે. પણ એનો ઉપયોગ એમણે કરેલો નથી. એ પ્રત એમણે જોઈ પણ નહીં હોય કેમકે તેઓ કહે છે, ‘એ પ્રત, કહે છે, ત્રુટિત છે.’ ‘હરિશ્ચંદ્રાખ્યાન’, પ્રસ્તાવના, પૃ. ૫. ૧૪. એ જ, પ્રસ્તાવના, પૃ. ૭ ૧૫. એ જ, પૃ. ૭; ૧૬. એ જ, પૃ. ૮; ૧૭. એ જ, પૃ. ૮. ૧૮. ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’,૧૯૨૭, પ્રસ્તાવના; ૧૯. એ જ, પ્રસ્તાવના ૨૦. ‘રણમલ્લ છંદ’ અને ‘સીતાહરણ’ની એક-એક પ્રત તથા ‘વસંતવિલાસ’, ‘ઉષાહરણ’ અને ‘પ્રબોધ ચિંતામણી’ દરેકની ત્રણ-ત્રણ પ્રતો એમને મળેલી. જુઓ, પ્રસ્તાવના. ૨૧. જુઓ ‘હરિશ્ચંદ્રાખ્યાન’ પ્રસ્તાવના. ૨૨. આ સંપાદનમાં, અંગ્રેજીમાં લખાયેલા Introduction માંના શબ્દો આ મુજબ છે : ‘...and as the authenticity of its text is adversely affected on account of the liberation taken with language, I tried to prepare a new edition, presenting the original most faithfully.’ p. viii. પરંતુ કે. કા. શાસ્ત્રીએ અહીં જે પાઠ સ્વીકાર્યો છે એ કેટલીક જગાએ તો કે. હ. ધ્રુવે કરેલા પાઠફેરને પણ અનુસરે છે – કેવળ મૂળને નહીં! એની કોઈ સ્પષ્ટતા કે કેશવલાલ ધ્રુવે ભાષા સાથે જે છૂટછાટો લીધાનું એમણે કહ્યુું છે એવી કોઈ છૂટછાટ વિશે – કાલ્પનિક પાઠો વિશે – કશી ટિપ્પણ કે. કા. શાસ્ત્રીએ મૂકી નથી. બે પાનાંના Introduction પછી, પાઠાંતરોની પાદનોંધોવાળી text સિવાય કોઈ જ ટિપ્પણ-સમજૂતી-ચર્ચા આ આવૃત્તિમાં નથી. એટલે હવે, મૂળ હસ્તપ્રત અને આ બે વિદ્વાનોની મુદ્રિત પ્રતો સામે રાખીને કોઈકે ત્રીજું સમીક્ષિત સંપાદન આપવું પડશે! ૨૩. ‘કાદંબરી’ના પૂર્વ ભાગ (૧૯૧૬)ની બીજી આવૃત્તિ ૧૯૩૫માં થઈ ત્યાં સુધી ઉત્તર ભાગ કરી ન શકાયાનો એમને રંજ હતો. એ આ બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં આ રીતે વ્યક્ત થયો છે : ‘કહેવું તો ઘણુંએ છે, પણ કહેવું કયે મુખે? દાયકાઓ થયાં અમુદ્રિત ઉત્તર ભાગ મ્હોં બંધ કરી દે છે.’ એટલે ઉત્તર ભાગ એમણે આ પછી, એમના અવસાન (૧૯૩૮) પૂર્વે તૈયાર કર્યો હશે જે છેક ૧૯૫૪માં, વિલોચન ધ્રુવ પ્રકાશિત કરે છે. ૨૪. જુઓ ‘બે બોલ’, ભાલણકૃત કાદંબરી, ઉત્તર ભાગ, ૧૯૫૪. ૨૫. જુઓ ‘ગીતગોવિંદ’, ૬ઠ્ઠી આવૃત્તિ, નિવેદન, પૃ. ૧૨. ૨૬. એ જ, પૃ. ૨૨. ૨૭. પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, પ્રવેશક, પૃ. ૧૫. ૨૮. એ જ, પૃ. ૯. ૨૯. ‘અનુભવબિંદુ’, પ્રસ્તાવના, પૃ. ૨. ૩૦. એ જ, પૃ. ૩. ૩૧. સાહિત્ય અને વિવેચન, ભાગ-૨ (૧૯૪૧), પૃ. ૩૨૫.
● ગુજરાતી સાહિત્ય પરિષદે ‘મધ્યકાલીન સાહિત્યના સંશોધકો-સંપાદકો’ વિશે યોજેલા પરિસંવાદમાં તા. ૪ ઓગસ્ટ, ૨૦૦૭ના દિવસે કરેલું વક્તવ્ય – થોડા સંમાર્જન સાથે. ● ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, પુસ્તક : ૭૨, ૨૦૦૭