ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘શાહમૃગો’ - મનોજ ખંડેરિયા.: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:08, 12 March 2024

૪. ‘શાહમૃગો’ □ મનોજ ખંડેરિયા



શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોને ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શ્હેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ઘુઘરિયાળી વ્હૅલ
વ્હૅલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી
વાતો કરતી.

વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને ક્‌હેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો.
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી — દીવો મૂકી — કરી નાગલા — કર જોડીને
ઘર માંગ્યું’તું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.

શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃદ્ધની બધી બોખલી વાત વાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો દોરો ફૂટ્યો એવા જુવાન ખુશ ખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશ ખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સરાવે શાહમૃગોનાં પટપટ પીંછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ન ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડી ને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડી ને શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઉંબર દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપનાં પાગલ સહુ રે દોડ્યાં.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠાં.

ક્યાંક ભડકતા ભાગ્યાં હફરફ… હફરફ…
આખા પંખે ધૂળ ઉડાડી હફરફ… હફરફ…
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરફ… હફરફ…
ધૂળથી આખું આભ ઢાંકતા જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંક ઊતરી જાય
ક્યાંય… …

શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
નગર નગર અટવાય
ભીંત ભીંત અટવાય
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં?

શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે? ક્યાં છે?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યાં?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃદ્ધ બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલાં શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

('અચાનક')