નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર વહેણો: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page નારીસંપદાઃ વિવેચન/-ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર વહેણો to નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર વહેણો) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 52: | Line 52: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નવલરામ | ||
|next = | |next = સર્જનાત્મક સાહિત્ય અને કલામાં પુરાકથાકીય વિષયો | ||
}} | }} |
Latest revision as of 01:19, 12 March 2024
૨
સુસ્મિતા મ્હેડ
ડ્રાયડને કલા માટે જે કહ્યું છે કે, “Art is a dynamic not a static force” એ સાહિત્યને માટે પણ સાચું જ છે. સાહિત્ય એ ચલનશીલ-પરિવર્તનશીલ બળ છે એટલું જ નહીં એ કોઈપણ પ્રજાના બૌધિક જીવનનો અર્ક પણ છે, (‘literature is the comprehensive essence of the intellectual life of a nation.' Frederick Schlegel)
કોઈ પણ પ્રજાનું સાહિત્ય જોઈશું તો તેમાં સામાજિક, ઐતિહાસિક, ભૌગોલિક પરિબળોની અસર દેખાશે; પરંતુ ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એની ઉપર સામાજિક-રાજકીય પરિબળોની ઘેરી અસર છે, એમ લાગ્યા વિના રહેશે નહીં. અરે ગુજરાતી ભાષાસાહિત્યની ઉત્ક્રાન્તિ અને વિકાસ જ રાજકીય પરિબળોને કારણે શકય બન્યાં હતાં. લગભગ હજારેક વર્ષ પહેલાં અહીં મુસલમાન સામ્રાજ્ય ન સ્થાપાયું હોત અને સાહિત્યકારોને રાજ્યાશ્રય છોડી લોકાશ્રય સ્વીકારવો ન પડ્યો હોત તો આપણા સાહિત્યકારોએ નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો કે શામળ બનવાને બદલે આચાર્ય હેમચંદ્ર કે નાટ્યકાર રામચંદ્ર કે ગુણાઢ્ય બનવાનું પસંદ કર્યું હોત. આમ ગુજરાતી સાહિત્યની તો ઉત્પત્તિ અને વિકાસ જ આ પરિબળોને આભારી છે. લગભગ પાંચસો છસો વર્ષ સુધી પરદેશી સંસ્કૃતિ અને ધર્મના આક્રમણ સામે કૂર્મવત્ જીવનસંકેલીને એણે ધર્મની ઢાલ ધરી હિંદુધર્મના આત્માને તથા સંસ્કૃતિને ટકાવી રાખવાનો મરણિયો પ્રયાસ કર્યો. ત્યાં જ પશ્ચિમની પ્રજાનો સંપર્ક શરૂ થયો. પશ્ચિમની હવાએ આપણી જીવનહવેલીનાં સૈકાભીડ્યાં દ્વાર હચમચાવી એમાં પ્રવેશી ખળભળાટ મચાવી મૂક્યો. ખ્રિસ્તી પાદરીઓએ શરૂ કરેલા આધુનિક અંગ્રેજી શિક્ષણથી, પશ્ચિમની જીવનરીતિની જાણકારીથી, નવાં નવાં શરૂ થયેલાં છાપખાનાંઓથી, નવા યંત્રબળોથી આપણી પ્રજા ચકિત બની. આપણાં જીવનમાં કોઈ જબ્બર સુધારાની તેણે જરૂર જોઈ અને ૧૮૫૦થી નર્મદની નેતાગીરી નીચે જીવન અને સાહિત્યે સુધારા તરફ ડગ માંડ્યાં. સુધારાની આ ઝુંબેશ નીચે વિચારપરત્વે સામાજિકક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે પરિવર્તન આવ્યું. સામાજિક રીતરિવાજોમાં સુધારણા કરવાની તમન્ના જાગી, તેવી જ રીતે રૂઢ અને જડ થઈ ગયેલા ધાર્મિક કર્મકાંડની જગાએ થિયોસૉફી, આર્યસમાજ, પ્રાર્થનાસમાજની નવી ધાર્મિક વિચારસરણી પ્રચલિત બનવા લાગી. આ સંઘર્ષના અને તાર્કિક વિચારણા માગી લેતા જીવનમાંથી સાહિત્યના ક્ષેત્ર ગદ્યનો વિકાસ થયો. આજસુધી આપણું સાહિત્ય માત્ર પદ્યાત્મક જ હતું અને તેનો પ્રધાન સૂર ધર્મ હતો તેને બદલે તે વધારે જીવનાભિમુખ બન્યું. વાસ્તવિક જીવનનું નિરૂપણ કરવા વધારે તત્પર બન્યું. છાપવાની સવલતે એને વેગ આપ્યો. અંગ્રેજી ભાષાના શિક્ષણે એની સામે અંગ્રેજી સાહિત્યસ્વરૂપો અને શેક્સપિયર, મિલ્ટન, શેલી, કિટ્સ, બાયરન, વર્ડ્ઝવથ, ટેનીસન જેવાની એક તિલેસ્માતી દુનિયા ખડી કરી.
અંગ્રેજી સંસ્કૃતિના આ પ્રભાવ નીચે આપણા સાહિત્યે જે વલણ પકડ્યું છે તે આજસુધી ચાલુ રહ્યું છે અને તે પશ્ચિમના સાહિત્યના અનુસરણનું. નાટક, નવલકથા, ટૂંકી વાર્તા અને બીજા બધા જ ગદ્યના પ્રકારો પશ્ચિમની અસર નીચે જ ઉદ્ભવ્યા છે, ફૂલ્યાફાલ્યા છે અને પાંગર્યા છે. કવિતા આપણે ત્યાં હતી જ પણ્ ઊર્મિકાવ્યમાં (Lyric) સ્વદેશાભિમાનનાં, માનવપ્રેમનાં અને પ્રકૃતિનાં કાવ્યો પશ્રિમની અસર તળે લખાયાં છે. આવી જ રીતે ખંડકાવ્ય, કરુણપ્રશસ્તિ, સૉનેટ, મહાકાવ્યના પ્રયાસો વગેરે સ્વરૂપો પણ પશ્ચિમના સંપર્કથી જ વિકસ્યા છે. યુનિવર્સિટી શિક્ષણને લીધે આપણા જુવાનો સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યના સીધા સંપર્કમાં આવ્યા. સંસ્કૃત અને ગ્રીક કાવ્યશાસ્ત્રના સિદ્ધાન્તોનો પરિયય થયો. પરિણામે પહેલા જ પદક્રમણમાં ગુજરાતી સાહિત્યમાં ‘વસંતવિજય' અને ‘વસંતોત્સવ' જેવાં કાવ્યો રચાયાં. સંસ્કૃત સાહિત્યની અસર નીચે સમન્વયવૃત્તિ જાગી, ભારતીય સંસ્કૃતિ માટે માન થયું તેમજ ભાષામાં પ્રૌઢિ, માધુર્ય અને પરિપક્વતા આવ્યાં.
ગાંધીજીવનદર્શને ભારતીય પ્રજાને નવું ચૈતન્ય આપ્યું તેની અસરમાંથી ગુજરાતી સાહિત્ય કેમ મુક્ત રહી શકે? માત્ર ભાવનાવિહારમાંથી તે વાસ્તવદર્શી બન્યું. ભાવનાત્મક અપૂર્વતાનું તે ઉત્સાહી બન્યું. સમાજવાદ અને યુવત્સાના દુંદુભિથી તેણે સ્વાતંત્ર્યની સમાનતાની ભાવના જગાડી. આ સ્વાતંત્ર્ય અને સમાનતા તલવારના જોરે નહીં પણ અહિંસાના મંત્રે લાવવાની અપૂર્વ ભાવનાથી એણે રાજસી તત્ત્વોને હઠાવી સાત્વિકતા પર મીટ માંડી. ગ્રામોદ્ધાર, દલિતોદ્ધાર; દરિદ્રનારાયણની ઉપાસના આ સર્વ ભાવનાઓથી આ સદીની ત્રીસીની આસપાસનું આપણું સાહિત્ય ધમધમી ઊઠ્યું. ભાવનાપરત્વે સમગ્ર ભારતીય સાહિત્યે ગાંધીદર્શનને ઝીલ્યું છે. ગુજરાતી સાહિત્યે પણ વિષયોમાં આ ભાવનાઓને સમાવી લીધી છે. સ્વરૂપ પરત્વે જોઈએ તો ગાંધીયુગમાં ટૂંકી વાર્તા અને એકાંકીનો વિકાસ થયો છે. નવલકથા એના આયોજન (Technique)માં ખાસ ફેરફાર દેખાતા નથી, પણ સમાજના ઉપલા થરને બદલે શ્રમજીવીવર્ગને તેમાં વિશેષ સ્થાન મળતું જણાય છે. કવિતામાં સ્વાતંત્ર્યની ભાવનાએ જગાડેલા ઉત્સાહથી એક પ્રકારના આશાવાદ, તરવરાટ અને જોમ જણાય છે. વિચારપ્રધાન કાવ્યો, સૉનેટ અને અગેય કાવ્યોનો એ જમાનો હતો. ગાંધીયુગના કવિને વિશ્વમાનવ બનવાના, અહિંસા દ્વારા વિશ્વશાંતિના સ્થાપક બનવાના, ઘણું ઘણું ભાંગીને નવસર્જન કરવાના કોડ હતા.
આ આશાભર્યાં સાહિત્યકારને હૈયે હામ હતી કે સ્વાતંત્ર્ય આવશે તે માત્ર રાજકીય જ નહીં, સામાજિક, આર્થિક ગુલામી પણ ટળશે. ‘આગગાડી'ના લેખક ચંદ્રવદન મહેતા એમના પાત્રો દ્વારા કહે છે તેમ એ જમાનાની દરેક વ્યક્તિ માનતી કે અંગ્રેજો જશે એટલે આપણાં બધાં જ દુ:ખોનો અંત આવશે. ને ઘણા વખતથી જેની ઝંખના કરી હતી, જેની અભીપ્સા સેવી હતી, જેને માટે જેલજીવનનાં દુઃખો સહ્યાં હતાં તે આઝાદી આવી, પણ સાથે ભાગલા લાવી. એ જ વખતે બીજું વિશ્વયુદ્ધ પણ સંકેલાયું હતું. બીજા વિશ્વયુદ્ધે મોંઘવારીની ભીંસ નીચે પ્રજાજીવન કચડાયું. ભાગલાએ નારીના ગૌરવને હણ્યું, માનવીની માનવતા ભૂલાવીને હિંદુમુસ્લિમ ઝઘડાનો હત્યાકાંડ મચાવ્યો. આ મારમાંથી પ્રજા હજી બેઠી થાય તે પહેલાં જ પંચવર્ષીય યોજનાઓનાં સોનેરી સ્વપ્નોએ વર્તમાન જીવનને કરવેરાના બોજ નીચે કચડ્યું. આશા-નિરાશા વચ્ચે ઝોલાં ખાતો આપણો સાહિત્યકાર સ્વાતંત્ર્યોત્તર રામરાજ્યનાં સ્વપ્નાં સેવતો હતો, ત્યાં એણે અનુભવ્યાં મોંઘવારી, કાળાં બજાર, લાંચરુશ્વત અને લોકશાહીને બદલે દમામશાહી અવ્યવસ્થા ને અરાજકતા. રામરાજ્યનું એનું સ્વપ્નું પત્તાંના મહેલની પેઠે જમીનદોસ્ત થયું. આશા-નિરાશાના સંશયદોલેથી એ વધારે ને વધારે હતાશા તરફ ખેંચાવા લાગ્યો. જીવનનાં શાશ્વત મૂલ્યોમાંથી એની શ્રદ્ધા ડગવા લાગી. નીતિ, સત્ય, શ્રદ્ધા વગેરે એને હવાઈ સત્ત્વો લાગવા માંડ્યાં.
સંવેદનશીલ અને નેકદિલ સાહિત્યકારને આપણો આજનો જમાનો કઠે છે. સર્જક પોતાના આત્માને જે ભૂષણ દૂષણ લાગ્યાં હોય તેને નેકદિલીપૂર્વક પોતાના કલ્પનારસ સાથે ભેળવીને પોતાને સૂઝેલો ઉકેલ જમાને જમાને રજૂ કરતો હોય છે. વર્તમાનકાળે હીરોશીમાનો વિનાશ નિહાળ્યો. જમાને જમાને આવી દુઃખદ ઘટનાઓ બનતી જાય છે. વાલ્મીકિના શોકમાંથી જ શ્લોક ઉદ્ભવ્યો હતો છતાં તે જ કાવ્યમાં આપણને દાંપત્યના અદ્વૈતની પરમ ભાવના પણ સાંપડે છે એ ભૂલવા જેવું નથી.
“છે માનવી જીવનની ઘટમાળ એવી,
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”
એ તો દરેક જમાને સર્જકે અનુભવ્યું છે; પરંતુ વિસંવાદિતામાંથી સંવાદિતા લાવવાની એને ફાવટ હતી. બેકેટનુ એક એવું નાટક છે જેમાં પતિ–પત્ની હોવા છતાં બે સ્ત્રી-પુરુષ વચ્ચે કશો સંવાદ નથી અને બંને પોતપોતાની અલગ વાત કરે છે. આજના સર્જનમાં પણ આ જ પરિસ્થિતિ નજરે ચઢે છે. પૃથ્વીના વિશાળ રંગમંચ પર વસવા છતાં પેલાં પતિ-પત્ની જેવી સહુની હાલત છે. સાહિત્યનાં બધાં જ લલિતક્ષેત્રોમાં નાટક, નવલકથા, ટૂંકી વાર્તા અને કવિતામાં સર્જકના માનસનું આવું પ્રતિબિંબ પડેલું દેખાય છે. આજનો સર્જક દલીલ કરે છે કે આપણને શ્રદ્ધા રાખવાનું કહેવામાં આવે છે. શ્રદ્ધા એ જ આધારશિલા ગણાય છે. પરંતુ એ આધારશિલા હિમશિલા હોય તો ? ગીતામાં શ્રદ્ધાનું સૂચન છે પણ આજનો માનવી અર્જુન નથી, આજનો સર્જક શ્રદ્ધા ખોઈ બેઠો છે; કારણ કે પરંપરાગત મૂલ્યો વિશે એને પ્રશ્ન જાગે છે. સ્વીકૃત મૂલ્યોનો ઢાંચો એને અનુકૂળ જણાતો નથી. સ્વાતંત્ર્ય પછીના સાહિત્યસર્જનમાં વતનના અંગવિચ્છેદની, નિર્વાસિતોના આગમનની અને અનેક સમસ્યાઓથી મતિમૂઢ બનેલા સર્જકના માનસનું પ્રતિબિંબ લગભગ બધી જ ભારતીય ભાષાઓમાં જણાય છે. હમણાં કેરળમાં અખિલ ભારતીય પરિષદના અધ્યક્ષ શ્રી,સચ્ચિદાનંદ વાત્સ્યાયનના પ્રવચનમાં તેમજ એક દાયકા પૂર્વે શ્રીમતી લીલા રાયે કરેલા બંગાળી સાંપ્રત સાહિત્યના અવલોકનમાં આ હકીકતના જ પડઘા પડેલા છે. રાષ્ટ્રજીવનમાં જ્યારે પરચક્રનો અંધકાર વ્યાપી ગયો હતો ત્યારેય રવીન્દ્રવીણામાં ને બંકિમનાં ગીતોમાં સ્વાતંત્ર્યની ઝલક આવી હતી. કાઝી નઝરૂલ ઈસ્લામે
“અય ચલે આય રે ધૂમકેતુ.
ઓંધારે બાંધો અગ્નિસેતુ”
એમ ઈજન આપ્યું ત્યારે કે ‘નિશીથ 'માં ઉમાશંકરે અભીપ્સા પ્રગટ કરી કે,
મારે દેશે શાશ્વત શર્વરી કશી
નિદ્રાઘેરાં લોચનો લોક કેરાં
મૂર્છા છાયાં ભોળુડાં લોકહૈયાં
તે સર્વ ત્વન્નીરવનૃત્ય તાલે
ન જાગશે દ્યોનટ હેં વિરાટ !
તે સ્થિતિ આજે આ દશામાં પરિણમી છે કે
હજાર હસવા કરું, હૃદયમાં ખુશાલી નથી.
મુખો નિરખતો હું, મુક્તિ તણી ક્યાંય લાલી નથી.
૧૯૫૧ની ઑગસ્ટની ૧૫ મીએ આકાશવાણી અમદાવાદ મથક પર એક કવિસંમેલન યોજાયેલું, ત્યારે આ નૈરાશ્યજનક સૂર લગભગ એમાં શામિલ થયેલા. પાંચ પાંચ કવિઓની રચનામાં સંભળાયેલી. સર્જકતા એ સર્જકની આંતરિક ચેતનાનો વિષય છે. એને બાહ્ય ઘટનાઓ સાથે નિસ્બત નથી. પરંતુ ત્રીસીની આસપાસ મરાઠી, બંગાળી, તામિલ એ સર્વ ભાષાઓમાં જે “ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી” નો ભાવ હતો, ને જે સ્વાતંત્ર્યના વૈતાલિકોનું અવતરણ અને સાંસ્કૃતિક નવજાગરણનું સર્જન થયેલું તેને સ્થાને સાહિત્યના કોઈ પણ સ્વરૂપ પરત્વે નજર નાખતાં નૈરાશ્યના સૂર સંભળાય છે. કવિતા પરત્વે વિચાર કરતાં જો ભાવના આવી છે તો એના બાહ્યાંગમાં ભાવપ્રતીકો બદલાઈ ગયાં છે. જૂના જમાનાના પ્રકૃતિનાં પ્રતીકોને બદલે આજના કવિને આસ્ફાલ્ટના મારગે અશ્વડાબલા કુરુક્ષેત્રની ભૂતાવળ સમા લાગે છે. લોહી–પરુ જેવી જુગુપ્સાજનક વસ્તુઓ હવે કવિતાઈ પ્રદેશમાં પ્રવેશી છે ત્યારે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છે તે સાચું લાગે છે કે, “આ ચૈતસિક વાસ્તવવાદ સત્ય અને સૌંદર્યની ગંગોત્રીએ પહોંચવા પ્રયત્ન કરતાં દ્રાવિડી માર્ગે ચઢ્યો છે.”
સૉનેટ હવે ઓછાં લખાતાં થયાં છે. ગઝલનું સ્વરૂપ સુધર્યું છે એમાં ભાષાભક્તિ અને કવિતા પ્રવેશ્યાં છે. દીર્ઘ રચનાનું સ્થાન અતિલઘુ રચનાએ લીધું છે. તે મુક્તક કરતાંયે લઘુ રચના હાઈકુના પ્રચારથી પ્રતીત થાય છે. કવિતાક્ષેત્રની આ પરિસ્થિતિનો ભાગ માત્ર સ્ત્રીસર્જકોને અનુલક્ષીને તો ન જ કાઢી શકાય; પરંતુ સમગ્ર સાહિત્યના વહેણનું પ્રતિબિંબ શ્રી. ગીતા પરીખ, શ્રી. પ્રબોધિની શુકલ, શ્રી. સરૈયા વગેરેની રચનાઓમાં જણાય છે, તો ‘અક્ષત' અને અને ‘અર્ચના’ કાવ્યસંગ્રહનાં કવયિત્રીઓ શ્રી. સુરેશા મજમુદાર અને શ્રી. ચૈતન્યબાળા દિવેટીયા હજી ન્હાનાલાલીય કાવ્યપરંપરાને અનુસરતાં જણાય છે. ટૂંકી વાર્તાના પ્રદેશનો વિચાર કરતાં એમાં ભાવના અને વિષય પરત્વે ઉપર જણાવેલી હકીકતોનો ખ્યાલ આવે છે. પરંતુ એમાં ખાસ ધ્યાન ખેંચે તેવી હકીકત એના આયોજનની છે. ટૂંકી વાર્તા એ માત્ર પ્રસંગ કે ઘટનાથી ધ્વનિત થતી કોઈ ચમત્કૃતિ કે તણખો ન રહેતાં એમાં ઘટનાના વિલિનીકરણ તરફનો ઝોક વધતો જાય છે. છેલ્લા નવોદિત વાર્તાકારોને પ્રતીકથી માનવહૃદયનાં સંવેદનો દર્શાવવાં વધુ પસંદ પડે છે અને કેટલીક વાર તો પ્રસંગ, ઘટના, કે પાત્ર સર્વનો લોપ કરી માત્ર સંવેદનનું આલેખન જ દેખાય છે. ‘રુચિ’માં અને બીજાં સામયિકોમાં પ્રગટ થતી કેટલીક વાર્તાઓ આ હકીકતની પ્રતીતિ કરાવે છે. જો કે ‘અંગુલિનો સ્પર્શ' એ તાજેતરમાં પ્રગટ થયેલો શ્રી. વિનોદિની નીલકંઠનો વાર્તાસંગ્રહ તથા શ્રી. વસુબેન ભટ્ટનો ‘પાંદડે પાંદડે મોતી’ આ નવાં વલણથી અસ્પર્શ્ય રહેલાં જણાય છે. તે બીજી બાજુ શ્રી. ધીરુબહેન પટેલની વાર્તાઓ અને શ્રી. સરોજ પાઠકની વાર્તાઓ નવા કલાસ્વરૂપની વધુ નજીક આવતાં જણાય છે. હમણાં જ શ્રી. સરોજ પાઠકની પ્રગટ થયેલી વાર્તા ‘નિઃશેષ’ નવીનભાવના અને આયોજનનું (technique) સુંદર પ્રતિબિંબ પાડે છે. વાર્તાની નાયિકાના મુગ્ધાવસ્થાના એક પ્રેમીનું સ્વરૂપ એક સાદી સીધી દીવાલ પર ટાંગેલા એક માત્ર ચિત્ર જેવું દાદીમાની પૂજાની ઓરડીમાંના શ્રીનાથજી બાવાની એક વિચિત્ર, બિહામણી, અસુંદર મૂર્તિ જેવું વર્ણવ્યું છે. એક વખતની મુગ્ધ પ્રેમિકા શારદા કેવી વાસ્તવિક જીવનની લેટેસ્ટ ફૅશનની, સુખી પરિવારની શ્રીમતી શ્યામસુંદર સહાની બની ગઈ છે. એનું આ વાર્તા સુંદર આલેખન કરે છે. સ્વાતંત્ર્યોત્તર ટૂંકી વાર્તાએ એના કલાસરૂપમાં નિઃસંશય વિકાસ સાધ્યો છે; પરંતુ જ્યારે ઘટનાનું સંપૂર્ણ વિલિનીકરણ માત્ર કોઈ પાત્રના આત્મસંભાષણમાં જ પરિણમે છે ત્યારે Art is communication alsoની યાદ આપવાનું મન થાય છે. નાટકે તખ્તાલાયકી તરફ વધુ ને વધુ પગરણ માંડવામાં ઠીક ઠીક સ્પર્ધા કરેલી છે. એકાંકી તરફનો તેનો ઝોક એ માત્ર સ્વાતંત્ર્યોત્તર જ લક્ષણ ગણી શકાય તેમ નથી. સમગ્ર ગુજરાતી નાટ્યસાહિત્ય માટે “ઊંચાં અમારાં ઊડવાં, પાંખવિનાનાં અમે પારેવાં” જેવી સ્થિતિ છે. છતાં રચનાનું લાઘવ, સંવાદની ચમત્કૃતિ એ એનું “આંખે ઊડીને બાઝતું" આગવું લક્ષણ ગણાય. માત્ર લેખિકાઓની જ વાત કરીએ તો શ્રી. રંભાબેન ગાંધી, ધીરુબેન પટેલ આ ક્ષેત્રની ગણનાપાત્ર વ્યક્તિઓ છે. શ્રી. ધીરુબહેન પટેલ માત્ર ‘નમણી નાગરવેલ’ જેવાં ઉત્તમ નાટકના જ સર્જક નથી, ટૂંકી વાર્તાઓ અને ‘વડવાનલ’ જેવી સુંદર નવલકથાના પણ તેઓ સર્જક છે. ‘વડવાનલ’ નવલકથામાં તેમણે બાહ્યાંગની નવરચનાનો પ્રયોગ કરેલો છે. છેલ્લા એક બે દાયકાની નવલકથાઓનું આગવું લક્ષણ તે તેની આયોજન કલાની સિદ્ધિનું છે. ઓછાં પાત્રો છતાં ચિંતનનો પ્રસ્તાર, નવીન વિચારસરણી, પાત્રોનું માનસશાસ્ત્રીય આલેખન, ભાષાની સુરેખતા અને સચેાટતા એ અદ્યતન નવલકથાનું આગવું લક્ષણ છે. આ સમયની રચનાકલાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે તેવી નવલકથા તે શ્રી દિગીશ મહેતાની ‘આપણો ઘડીક સંગ' અને શ્રી. રઘુવીર ચૌધરીની ‘અમૃતા’ છે. લગભગ એ જ હરાળમાં બેસે તેવી ધીરુબહેનની ‘વડવાનલ' છે. લગભગ છસો પાનાંના દીર્ઘ વિસ્તારમાં પથરાયલી આ નવલકથાની નાયિકાનું આલેખન માનસશાસ્ત્રીય રીતે થયેલું છે. બાળપણથી જ માતાનો પ્રેમ ન પામેલી નવલકથાની નાયિકા રેખાના મનમાં ઘરમાં આવી રહેલી મામાની અનાથ દીકરી અંજના પ્રત્યે કેવો વેરનો વહૂનિ પ્રજ્જવલી રહે છે અને મનમાં ભારેલો એ વડવાનલ એને અજાણ્યે ખૂન કરવા જેવી પરિસ્થિતિએ કેવી રીતે પહોંચાડે છે એનુ વિગતવાર આલેખન અત્યંત કલાત્મક રીતે થયેલું છે. સારુ માણસ પણ સંયોગોવશાત્ કાયદાની નજરે ગુનો ગણાય તેવું કાર્ય કરવા કેવી રીતે તત્પર થાય છે અને ત્યારે હત્યા પણ વાજબી જણાય એવી સહાનુભૂતિ વાર્તાની નાયિકા રેખા મેળવી જાય છે. નવલથાનું આયોજન અને પાત્રાલેખન નવલક્થાને ઉત્તમ કોટિની બનાવે છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યનાં આ મુખ્ય મુખ્ય સ્વરૂપોનું અવલોકન કરતાં જણાય છે કે એમાં વિષય કે, ભાવના પરત્વે કદાચ નિરાશા અને હતાશાના સૂર સંભળાતા હશે; પરંતુ કલાના બાહ્યસ્વરૂપની દૃષ્ટિએ એમાં વિકાસ અને પરિવર્તનશીલતા એની જીવંતાની પ્રતીતિ કરાવે છે. માત્ર સ્ત્રીસર્જકોને લક્ષમાં રાખતાં પણ એમાં ઇનામને પાત્ર ઠરતી કૃતિઓ પણ પ્રાપ્ત થઈ છે એ ઓછા ગૌરવની હકીકત નથી. કવિતા અને નાટક કરતાં ટૂંકી વાર્તા અને નવલકથામાં એણે સાધેલી પ્રગતિ નોંધપાત્ર છે.
અધિગમ, પૃ.૩૫-૪૪, ૧૯૭૩