Big Magic: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<center> <span style="color:#ff0000"> {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center <span style="color:#ff0000"> {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:Big Magic book cover.jpg |title = Big Magic: Creative Living...")
(No difference)

Revision as of 01:48, 18 March 2024

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Big Magic book cover.jpg


Big Magic: Creative Living Beyond Fear

Elizabeth Gilbert

બિગ મેજિક:

ડરની પેલે પાર, રચનાત્મક જીવન જીવવાની કળા
એલિઝાબેથ ગિલ્બર્ટ


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: રાજ ગોસ્વામી


લેખક પરિચય:

પુસ્તક વિશે:

આપણે સૌ આપણી અંદરની સર્જનાત્મકતાને છુટ્ટો દોર આપવા ઈચ્છતા હોઈએ છીએ, પણ નિષ્ફળતાનો એક ડર આપણને રોકી રાખે છે. આ પુસ્તક, બિગ મેજિક, આપણી સર્જનાત્મકતાને કેવી રીતે ખીલવા દેવી તેનું માર્ગદર્શન આપવા માટે લખાયું છે. તેને છ પ્રકરણોમાં વહેંચવામાં આવ્યું છે; સાહસ, સંમોહન, મરજી, દ્રઢતા, વિશ્વાસ અને દિવ્યતા. પ્રત્યેક પ્રકરણમાં એવી પ્રેરણાત્મક વાર્તાઓ છે જે આપણને સર્જનાત્મકતા, જિજ્ઞાસા, પ્રેમ, વિસ્મય અને સાહસ નામના જાદુનો પરિચય કરાવે છે. લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ કહે છે કે કોઈને "સર્જનાત્મક વ્યક્તિ" કહેવું હાસ્યાસ્પદ અને નિરર્થક છે. તે માને છે કે મનુષ્ય તરીકે સર્જનાત્મકતા આપણા પાયામાં છે; આપણી પાસે તેનો અહેસાસ અને જિજ્ઞાસા છે. આપણા સૌમાં સર્જનાત્મકતાની અલૌકિક વૃતિ છે. જોકે, તે સરળતાથી ભુલાઈ પણ જાય છે. આપણને ડર વળગી જાય છે અને આપણે આપણી સર્જનાત્મક જાતથી ભટકી જઈએ છીએ. એવું થાય ત્યારે, આપણે કંઈક જાદુઈ ચીજથી, જીવંત હોવાના અહેસાસથી, પ્રવાહિત રહેવામાંથી અને જીવન દ્વારા મંત્રમુગ્ધ થવાની તક ગુમાવી દઈએ છીએ. આપણે અહીં જાણવાની કોશિશ કરીએ કે સર્જનાત્મકતાની એ જાદૂઈ દુનિયા કેવી છે, તેમાં વિચારોની પોતાની તાકાત શું છે અને કેવી રીતે જિજ્ઞાસા, વિનોદ અને પ્રેમથી એ સર્જનાત્મક પ્રક્રિયા કરી શકાય.

તમે સર્જનાત્મકતાનું આઈસ સ્કેટિંગ કરવા તૈયાર છો?

આપણે સર્જનાત્મકતાનો જાદૂ જોઈએ તે પહેલાં, આપણા ડરને દૂર કરીએ તે પહેલાં, એ સમજીએ કે સર્જનાત્મકતા છે શું. સર્જનાત્મક ક્રિયા કેવી હોય છે તે સમજાવવા માટે, ગિલ્બર્ટ તેની મિત્ર સુસાનની વાર્તા સાથે પ્રથમ પ્રકરણની શરૂઆત કરે છે. સુસાનના ચાલીસમાં જન્મદિવસની સવાર, બેચેનીની લાગણી સાથે પડે છે. તેને થયું કે તે એક હળવી, વધુ આનંદકારક અને "સર્જનાત્મક" ભાવના ઝંખે છે. તેને યાદ આવ્યું કે છેલ્લી વખત દાયકાઓ પહેલાં તેણે આવી લાગણીઓ અનુભવી હતી ત્યારે તે ફિગર સ્કેટર હતી. એટલે તેને હજુ પણ સ્કેટિંગ એટલું જ પસંદ છે કે નહીં તે જોવા માટે તે સ્કેટિંગ શૂઝ ખરીદે છે અને ત્રણ દિવસ સુધી એક કોચ પાસેથી તાલીમ લે છે. તેણે ન તો તેનું ઘર વેચી દીધું, ન તો નોકરી છોડી દીધી, ન તો ઓલેમ્પિક જીતવાની હોય એટલી તનતોડ મહેનત કરી કે ન તો તેની વાર્તા કોઈ ચેમ્પિયનશિપ મેડલ જીત્યા પછી પૂરી થઈ. ગિલ્બર્ટ એમ કહેવા માંગતી હતી કે વાર્તા એવી રીતે પૂરી થવી પણ ના જોઈએ કારણ કે સુસાન હજુ પણ ફિગર સ્કેટિંગ કરે છે. સુસાન માટે, સ્કેટિંગ તેના જીવનમાં સુંદરતા અને ઉત્કૃષ્ટતા શોધવાનો શ્રેષ્ઠ માર્ગ છે, નહીં કે મેડલ જીતવાની સ્પર્ધા. અહીં સંદેશ એ છે કે જે પણ ચીજ આપણને જીવનનું મૂલ્ય, આનંદ અને બાળક જેવા વિસ્મયની કદર કરતાં શીખવાડે તે સર્જનાત્મક છે. આવા વિસ્મયમાં ડૂબવા માટે આપણે સર્જનાત્મકતાના જાદૂને ફરી જગાવવો જોઈએ.

સર્જનાત્મકતા જાદૂઈ શક્તિ હોય તો?

ધારો કે, સર્જનાત્મકતા માનવ નિર્મિત ન હોય તો શું? ગિલ્બર્ટ પોતાનું જીવન સર્જનાત્મકતાને સમર્પિત કરે છે, અને તે પ્રક્રિયામાં, તેને એ ખબર પડે છે કે સર્જનશક્તિ કેવી કામ કરે છે અને તે કેવી રીતે કરી શકાય. તે અમુક માન્યતાઓ બાંધે છે. તે પૂરા વિશ્વાસથી માને છે કે સર્જનાત્મકતા એક જાદુઈ પ્રક્રિયા છે. આપણો ગ્રહ પર માત્ર પ્રાણીઓ, છોડ, બેક્ટેરિયા અથવા વાયરસનો જ વસવાટ નથી, તેની પર વિચારો પણ વસે છે. વસવાટ કરે છે. ગિલ્બર્ટ આપણને એવું વિચારવા પ્રેરે છે કે વિચારોનું સ્વતંત્ર જીવન સ્વરૂપ હોય છે અને તેમનામાં એક જ આવેગ હોય છે; વ્યક્ત થવું. આપણા પ્રયાસોથી જ વિચારોને આકાશમાંથી વાસ્તવિક દુનિયામાં લાવી શકાય છે. વિચારો આપણને શોધે છે, આપણને પ્રેરણા આપે છે અને તેમને જીવંત કરવા માટે કહે છે. જ્યારે વિચારો આપણા મનના દરવાજે ટકોરો મારે છે ત્યારે, તે આપણને પ્રેરણાના સાર્વલૌકિક શારીરિક અને ભાવનાત્મક સંકેતો મોકલે છે; આપણા હાથમાંથી ધ્રુજારી છૂટી જાય છે, આપણી ગરદનના વાળ ઊભા થઈ જાય છે અને પેટમાં ફડફડાટ થાય છે. આપણે તેમાં રસ જાળવી રાખીએ તે માટે વિચારો આપણા માટે સંયોગો ઊભા કરે છે. વિચારો આપણને રાત્રે જાગતા રાખે છે, રોજિંદી દિનચર્યાથી આપણને વિચલિત કરે છે, અને જ્યાં સુધી આપણું સંપૂર્ણ ધ્યાન ન ખેંચાય ત્યાં સુધી તે આપણને છોડતા નથી. પછી એક નીરવ ક્ષણે, એક વિચાર આપણને પૂછશે કે આપણને તેની સાથે કામ કરવામાં રસ છે કે નહીં. આપણને રસ નહીં હોય તો, વિચાર આગળ વધી જશે. વિચારોની પોતાની તાકાત હોય છે તેનો વિશ્વાસ આપવા માટે, ગિલ્બર્ટ એક વિચારની વાર્તા કહે છે, જે તેનામાંથી કૂદીને તેની લેખિકા મિત્ર એન પૅચેટ પાસે ગયો હતો. મિત્રના પતિના બ્રાઝિલિયન વંશવેલાથી પ્રેરાઈને, ગિલ્બર્ટને એમેઝોનના જંગલમાં આકાર લેતી એક નવલકથા લખવાનો વિચાર આવ્યો હતો. આ વિચારથી તે પ્રેરિત અને ઉત્સાહિત હોવા છતાં, તેણે તેને લખવા માટે નિષ્ઠા ન બતાવી અને બીજાં કામોમાં વ્યસ્ત રહી. બહુ લાંબા સમય સુધી તેણે એ વિચારને અનાથ છોડી દીધો, અને સમય જતાં તેણે તે વિચારને મૂર્તિમંત કરવાની પ્રેરણા પણ ગુમાવી દીધી. તે સમયની આસપાસ ગિલ્બર્ટેને લેખિકા એન પૅચેટ સાથે મિત્રતા થઈ હતી. સંયોગથી, પૅચેટે એમેઝોન આધારિત એક પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું. આ કથા ગિલ્બર્ની કલ્પના જેવી જ હતી. બંને લેખિકાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને, આજ સુધી, નિશ્ચિતપણે માને છે કે આ વિચાર ગિલ્બર્ટમાંથી પૅચેટમાં ગયો હતો, જે તેને પુસ્તક સ્વરૂપે અવતારવા માટે તૈયાર હતી. અહીં સમજવાનું એ છે કે આપણને આશંકા હોય તે છતાં, જાતને સર્જનાત્મકતામાં પરોવા માટે પ્રેરિત કરવી જોઈએ.

સર્જનાત્મકતા એ સાહસિકોનો માર્ગ છે.

શું કોઈ એવી સર્જનાત્મકતા છે જે તમે કરવા માંગો છો, પરંતુ ડર લાગતો હોય? કદાચ આપણને એવો ડર હોય છે કે લોકો આપણા સર્જનાત્મક પ્રયાસો વિશે શું કહેશે. અથવા આપણે આપણી જાતને કહીએ છીએ કે જો આપણી સર્જનાત્મક પ્રવૃત્તિઓ પરંપરાગત ધોરણો પ્રમાણે અર્થપૂર્ણ, અસરકારક અથવા અપવાદરૂપ ન હોય, તો પછી શા માટે સર્જન કરવું જોઈએ? અથવા આપણે માનીએ છીએ કે સર્જનાત્મકતા એ એક દુર્લભ ભેટ છે જેને લઈને ઘણી અમુક "કલાત્મક" લોકો જ જન્મે છે. વાર, ભયનો અવાજ સર્જનાત્મકતાના વ્યક્ત થવાના આહ્વાનને ડૂબાડી દે છે. આપણા ડરને દૂર કરવો જોઈએ એ કરવા કરતાં કહેવું સરળ છે. હકીકતમાં, તે અશક્ય છે. જો આપણું લક્ષ્ય જો નિર્ભીક જીવન જીવવાનું હોય તો, તેના પર પુન:વિચાર કરવો જોઈએ. આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે ડર જરૂરી છે. ઉત્ક્રાંતિએ આપણી અંદર ડર નાખીને સારું કામ કર્યું છે. ગિલ્બર્ટ કહે છે કે તેના વિના આપણે 'એક ટૂંકું, સનકી, મૂર્ખ જીવન જીવતા હોત.' જીવતા રહેવા માટે આપણને ડરની જરૂર છે, પરંતુ મુશ્કેલી એ છે કે ડર આપણને જીવંત હોવાના અહેસાસથી પણ વંચિત રાખે છે. જ્યારે સર્જનાત્મક અભિવ્યક્તિના ક્ષેત્રમાં ડર અગ્ર સ્થાન લે છે ત્યારે, આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. સર્જનાત્મક જીવનમાં, આપણી જુસ્સો આપણા ડર સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. આપણે ઉત્તેજક કામો કરવાં હોય, રસપ્રદ ચીજો બનાવવી હોય અને આપણા સર્જનાત્મક ખજાનાને બહાર લાવવો હોય તો, આપણે આપણા ડર સાથે યાત્રા કરવાનું શીખી લેવું જોઈએ. તે કેવી રીતે થાય? સર્જનાત્મક માર્ગ પર ચાલતાં પહેલાં, ગિલ્બર્ટની જેમ, ડર સાથે સંવાદ કરવો જોઈએ. ગિલ્બર્ટ તેના ડરને કહે છે, “હે ડર, હું અને સર્જનાત્મકતા બંને એક પ્રવાસ પર જવાના છીએ. મને ખબર છે કે હંમેશની માફક તું પણ ચાલતી ગાડીમાં ચઢી જવાનો છું, પણ એક વાત સમજજે: આ પ્રવાસમાં માત્ર સર્જનાત્મકતા અને હું જ નિર્ણયો કરવાના છીએ...’ એટલે, ડર ચુપચાપ પાછળ બેસી જશે, આપણને સંગાથ આપશે અને આપણને શેમાં ઊંડો રસ છે તે યાદ કરાવતો રહેશે. એ સિવાય તેનું કશું કામ નહીં રહે. ડ્રાઈવિંગ સીટ પર બેસીને આપણને આત્મસંદેહની ખાઈમાં લઈ જવાનો એને હક નથી.

ગિલ્બર્ટ ચાર રીતે ડરને નિયંત્રણમાં રાખવાનું સમજાવે છે:

જાતને એટલી સ્વતંત્ર કરી દો કે તેને કોઈ સંદેહ ના રહે

જયારે સર્જનાત્મક કામ કરવાની વાત આવે છે ત્યારે, તમે જાતને એવું પૂછ્યું છે ખરું કે આવું કરવાની મારી હેસિયત શું છે? સર્જનાત્મક કામો કરવાની આપણામાં તાકાત છે તેવો આત્મ વિશ્વાસ રાખવાને બદલે, આપણે ઘણીવાર કશું ખોટું કરતાં હોઈએ તેમ જાત પાસે સર્જન કરવાની પરમિશન માંગીએ છીએ. કદાચ આપણને એવો ડર હોય છે કે આપણે તેમાં મૌલિક સાબિત નહીં થઈએ. આપણને એવી ચિંતા સતાવે છે કે મારા વિચારો સાધારણ છે અને સર્જન માટે અયોગ્ય છે. એક મહત્વાકાંક્ષી લેખિકાએ એકવાર ગિલ્બર્ટને કહ્યું હતું કે તેની પાસે એક પુસ્તકનો વિચાર હતો, પરંતુ તેને ડર હતો કે અગાઉ કોઈક આવું લખી ગયું છે. જેના જવાબમાં ગિલ્બર્ટે કહ્યું હતું: 'હા, એવું પુસ્તક થઈ ગયું છે. મોટાભાગનાં કામો પહેલાં થઈ ગયાં હોય છે, પણ એ યાદ રાખજે કે એ તેં નથી કર્યું.’ ગિલ્બર્ટ સલાહ આપે છે કે સર્જન મૌલિક હોવા કરતાં પ્રામાણિક વધુ હોવું જોઈએ. આપણી સર્જનાત્મક પ્રવૃત્તિ મહત્વની છે તેના માટે અન્ય લોકોની પુષ્ટીની જરૂર નથી. ન તો આપણો એવો દાવો હોવો જોઈએ કે મારું સર્જન દુનિયાને બદલી નાખશે. લોકને મદદ મળે તેવી ઇચ્છા હોવી બરાબર છે, પણ તે એક માત્ર સર્જનાત્મક હેતુ ન હોવો જોઈએ. ગિલ્બર્ટે એકવાર પોતાને મદદ મળે તે માટે એક પુસ્તક લખ્યું હતું. તે ભાવનાત્મક મૂંઝવણમાંથી પસાર થઈ રહી હતી અને તેનો પ્રાથમિક હેતુ જાતને સમજવાનો હતો. એ પ્રક્રિયામાં, તેણે એક વાર્તા લખી હતી જે ઘણા લોકો માટે સહાયક સાબિત થઈ હતી. આ પુસ્તકનું નામ હતું 'ઈટ પ્રે લવ.’ પુસ્તકને અણધારી સફળતા મળી હતી, પણ તે તેણે લોકોને મદદ કરવા માટે નહોતું લખ્યું. વાસ્તવમાં, તેને એ વિષય વિશે વિચાર કરવાનો અને લખવાનો આનંદ આવ્યો હતો અને તે ઉપયોગી લાગ્યો હતો. મજાની વાત એ છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ ચીજ કરવાથી, ક્યારેક બીજા લોકોને મદદ મળે છે. ધર્મશાસ્ત્રી પોલ તિલ્લિચનું વિધાન છે કે, ‘એવો કોઈ પ્રેમ નથી જે બીજા માટે મદદરૂપ ન બને.’ અંતે, આપણે એવો વિશ્વાસ કેળવવો જરૂરી છે કે આપણે સર્જન કરવા માટે સક્ષમ છીએ. વિચારવામાં અજુગતું લાગશે, પણ કોઈક ખોજ કરવા માટે આપણામાં અધિકારની ભાવના હોવી જ જોઈએ. કવિ ડેવિડ વ્હાઈટ આ પ્રકારના અધિકારને "સંબંદ્ધતાનું ઘમંડ" કહે છે. સંબંદ્ધતાનું ઘમંડ અહંકાર કે સ્વ-કેન્દ્રિત ભાવ નથી. તેનાથી વિપરીત છે. તે એક અલૌકિક બળ છે જે આપણને આપણામાંથી બહાર કાઢીને જીવન સાથે જોડે છે. એટલે, જાતને સંદેહથી મુક્ત કરો. પાયાની વાત એટલી જ છે કે જે પણ તમને જીવંતતાનો અહેસાસ કરાવે તે કામ જરૂર કરો. તેનાથી તમે સર્જનાત્મક પ્રક્રિયામાં એક પ્રકારની હળવાશ લાવશો.

અંદરના જાદૂગરને છુટ્ટો મુકો

તમે પેલું વિધાન સાંભળ્યું છે કે “તમારી સંગત તમારા જેવા લોકો સાથે જ હોય છે?” સર્જનાત્મક પ્રક્રિયાના અમુક તબક્કે, આપણે સૌએ એ નક્કી કરવું પડે છે આપણે આપણી કેવી સંગત ઇચ્છીએ છીએ. તમારા કયા હિસ્સાને તમે પોષવા, કેળવવા અને તમારા અસ્તિત્વમાં લાવવા માંગો છો? શું તમે શહીદ બનવા માંગો છો કે જાદૂગર? અને બંને વચ્ચે શું તફાવત છે? શહીદમાં તામસિક, ગંભીર અને કઠોર ઊર્જા હોય છે, જયારે જાદૂગરમાં હળવી, ચાલાક અને અવિરત આકાર બદલતી ઊર્જા હોય છે. શહીદ માનતો હોય છે કે જીવન પીડા છે, જયારે જાદૂગર માનતો હોય છે કે જીવન રસપ્રદ છે. વધુમાં, એક શહીદ એવું માને છે કે તમામ સત્ય યાતના દ્વારા વ્યક્ત થાય છે, જયારે એક જાદૂગર કહે છેઃ 'હું અહીં દુઃખ ભોગવવા આવ્યો નથી.' ગિલ્બર્ટ માને છે કે સર્જનાત્મકતાનો જન્મ જાદૂગરની ઊર્જામાંથી થાય છે. આવા જ એક જાદૂગર લેખક બ્રેન બ્રાઉન છે. બ્રાઉન એક એવા શૈક્ષણિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે જે "શહાદત"થી રંગાયેલું છે. શૈક્ષણિક જગતમાં લોકો વર્ષો સુધી એવું કામ કરવા માટે શ્રમ કરે છે અને પીડાય છે, જે ફક્ત મુઠ્ઠીભર લોકો જ ક્યારેય વાંચવાના છે. જ્યારે બ્રાઉને તેની કામ કરવાની આદતો પર ધ્યાન આપ્યું, ત્યારે તેને સમજાયું કે તે તેની અંદરની તામસિક અને ભારયુક્ત માનસિકતા સાથે લખી રહી હતી. તેને સમજાયું કે લેખન કાર્ય સામાન્ય રીતે તેના માટે મુશ્કેલ હતું, પરંતુ વાર્તા કહેવાનું નહોતું. બ્રાઉન એક સરસ વાર્તાકાર છે અને જાહેરમાં બોલવાનું ગમે છે, તેથી તેણે એ પ્રક્રિયાનો એક રસ્તો શોધી કાઢ્યો. તે એક નવા પ્રકારનું પુસ્તક લખવા માંગતી હતી. તેણે કામ શરૂ કરતાં પહેલાં, બે વિશ્વાસુ સાથીદારોને સામે બેસાડ્યા, તેના પુસ્તકના વિષય વિશે વાર્તાઓ કહી અને તેની વિગતવાર નોંધો ટપકાવી. દરેક વાર્તા કહ્યા પછી તે દોડીને બીજા રૂમમાં જતી રહેતી અને તેણે જે કહ્યું હતું તે બરાબર લખી લેતી. તેણે એ લખાણના આધારે પુસ્તક લખવાનું શરૂ કર્યું. તેનું લખાણ વધુ ઝડપી અને વધુ સારું થયું. આ રીતે તેણે લેખન ક્રિયાને ઉત્કૃષ્ટ બનાવવાની કળ શોધી કાઢી હતી. તેને તેમાં મજા આવતી હતી. ગિલ્બર્ટ કહે છે કે, એક જાદૂગર આવી રીતે જ કામ કરતો હોય છે. જો કે, આપણી સર્જનાત્મકતા સાથે જોડાવું એ હસવા-રમવાની વાત નથી, તેમાં આપણે સમર્પિત રહેવું પડે. એટલે, તમે તમારી આગને સળગતી રાખો અને સર્જનાત્મકતાને તમારી પ્રેરક શક્તિ બનાવો.

સર્જનાત્મકતાના પ્રેમમાં પડો

ગિલ્બર્ટ સર્જનાત્મક વિચારોના જાદુમાં માને છે, પણ તે અબૂધ નથી. સફળતાની આશા સાથે અથાગ પરિશ્રમ કરવો અને ઉચિત સંપર્કો હોય તે સફળતાની ગેરંટી નથી. સર્જનાત્મક જીવન અન્ય વધુ દુન્યવી પ્રવૃત્તિઓ કરતાં અલગ બાબત છે. સામાન્ય રીતે, જીવનમાં, જો આપણે કોઈ કામમાં સારા હોઈએ અને પૂરતી મહેનત કરીએ, તો આપણને સફળતાનું ફળ મળે છે, પરંતુ સર્જનાત્મક પ્રયાસોથી આપણે સફળ થઈ શકીએ કે ન પણ થઈ શકીએ. તેની કોઈ ગેરંટી નથી. તો પછી, શા માટે અમુક લોકો અવરોધો વચ્ચે, મુસીબતો વચ્ચે અને આર્થિક રીતે ફાયદો ન હોય છતાં સર્જનાત્મક પ્રક્રિયામાં ટકી રહે છે? તેનો જવાબમાં એક શબ્દ છે: પ્રેમ. લેખકો જે. કે. રોલિંગ અને ટોની મોરિસન સાહિત્યિક દંતકથાઓ બન્યા તે પહેલાં, તેમની બીજી મોટી વ્યવહારિક જવાબદારીઓ વચ્ચે, તેમના લેખન પ્રત્યેના પ્રેમમાં સમર્પિત હતાં. તેઓ લખવા માટે રોજ સમય કાઢી લેતા હતા. તેમના પર લખવાનું બંધન નહોતું કે ન તો કોઈ સરપાવની અપેક્ષા હતી. લખવું એ તેમનો પ્રેમ હતો. તે લેખકો પ્રેમમાં પડેલા હતા. એટલે, લેખન ક્રિયાને એક જૂના અને ઠંડા થઈ ગયેલા લગ્નને બદલે, એક તાજા અને જોશવાળા પ્રેમ સંબંધ તરીકે લેવી જોઈએ. રોજની પંદર મિનિટ તો પંદર મિનિટ, પણ તમારે કશુંક સર્જનાત્મક કરવું જોઈએ. તેને બોજારૂપ ગણવાને બદલે બીજી દુનિયાનો કલ્પનાવિહાર ગણવો જોઈએ. તમે લખવા બેસો અને એક અક્ષર પણ ન પડતો હોય તો ઊભા થાવ અને સ્નાન કરો, સરસ કપડાં પહેરો, અત્તર છાંટો અને તમારી સર્જન શક્તિને લલચાવો. ગિલ્બર્ટ આવી જ રીતે લખે છે. વિશ્વાસ રાખો કે સર્જનાત્મકતા તમને પ્રેમ કરે છે. ગિલ્બર્ટની મિત્ર, ડૉ. રોબિન વોલ કિમેરર એક વનસ્પતિશાસ્ત્રી છે જે પર્યાવરણ વિજ્ઞાન અને વનસંવર્ધન શીખવે છે. તે તેના વિદ્યાર્થીઓને, વિશ્વને બચાવવાની ચળવળમાં જોડાવા માટે મદદ કરે તે પહેલાં બે પ્રશ્નો પૂછે છે. પહેલો પ્રશ્ન છેઃ ‘શું તમે પ્રકૃતિને પ્રેમ કરો છો?’ બધા તેનનો હાથ ઉપર કરે છે. બીજો પ્રશ્ન છે: 'શું તમે માનો છો કે પ્રકૃતિ તમને બદલામાં પ્રેમ કરે છે?' રૂમમાં દરેક હાથ નીચે જાય છે. રોબિન માને છે કે, આધુનિક સમયમાં, આપણે આવી રીતે વાતચીત કરવાની સમજ ગુમાવી દીધી છે. આપણે પૃથ્વી સાથે સંવાદ કરવાની અને તેને સાંભળવાની જાગૃતિ ગુમાવી દીધી છે. સંબંધની આવી ભાવનાના અભાવમાં, આપણે કશુંક મૂળભૂત ગુમાવી રહ્યા છીએ: આપણે જીવનનું સહ-નિર્માણ કરવાની આપણી ક્ષમતા ગુમાવી રહ્યા છીએ. રોબિન કહે છે તેમ, ‘પૃથ્વી અને લોકો વચ્ચેના પ્રેમનું આદાનપ્રદાન બંનેમાં સર્જનાત્મકતાને જાગૃત કરે છે.’ પૃથ્વી આપણા પ્રત્યે ઉદાસીન નથી પરંતુ આપણી પાસે સર્જનની ભેટ ઇચ્છે છે જેથી તે પણ વળતામાં ભેટ આપી શકે. જીવન અને સર્જનાત્મકતાનો આ પારસ્પરિક સ્વભાવ છે. રોબિનના વિદ્યાર્થીઓ વિશ્વને તંદુરસ્ત કરે તે પહેલાં, તેમણે સૌ પ્રથમ વિશ્વમાં તેમની ઉપસ્થિતિની કલ્પનાને સાજી કરવાની જરૂર છે. આપણે એવું વિચારીએ છીએ કે સર્જનાત્મક પ્રક્રિયા એ પીડાની પ્રક્રિયા છે. ઓસ્કાર વાઈલ્ડે એક વખત સર્જનાત્મક પ્રક્રિયાને 'એક લાંબી સુંદર આત્મહત્યા' ગણાવી હતી. તે વાઈલ્ડની પ્રસંશક હોવા છતાં, ગિલ્બર્ટને આવી વેદનામાં સુંદરતા જોવાનું અઘરું લાગતું હતું. સર્જનાત્મક પ્રક્રિયા નિરાશા અને અંધકારથી ભરેલા યુદ્ધક્ષેત્ર જેવી શા માટે હોવી જોઈએ? કદાચ સર્જનાત્મક પ્રવૃત્તિઓ આપણને દુઃખ પહોંચાડવા માટે નથી. વિચારો વ્યક્ત થવા માટે આપણને શોધી રહ્યા હોય તો પછી સર્જનાત્મકતા આપણને કેમ પ્રેમ ન કરે? અને જે ચીજ આપણને ઇરાદાપૂર્વક શોધી રહી હોય, તે આપણને હાની કેમ પહોંચાડે, ખાસ કરીને જયારે આપણે તેને જીવંત કરવાનું માધ્યમ હોઈએ? વિચારો માત્ર આપણું ધ્યાન અને સમર્પણ જ ઇચ્છતા હોય છે.

નિષ્કર્ષ...

ગિલ્બર્ટ આપણને સર્જનાત્મકતાને એક જાદુઈ પ્રકાશ તરીકે જોવા માટે પ્રેરે છે અને તે સર્જનાત્મક પ્રક્રિયાને હળવાશની ભાવના પ્રદાન કરે છે. આપણે સર્જનાત્મક પ્રયાસોમાં પોતાને અને અન્ય લોકોને સધિયારો આપી શકીએ છીએ અને એ સ્વીકારી શકીએ છીએ કે અહીં દરેક માટે પૂરતો અવસર છે. આપણે પરંપરાગત સફળતાથી વિપરીત, સર્જનાત્મક પ્રક્રિયા પ્રત્યેના સમર્પણ દ્વારા આપણું મૂલ્ય માપી શકીએ છીએ, અને આપણે આપણી સર્જનાત્મક શહાદતની માનસિકતાને વધુ જાદુઈ માનસિકતામાં તબદીલ કરી શકીએ છીએ. ધારો કે, આપણે આપણી સર્જનાત્મક પ્રેરણાઓના ગુલામ કે માલિક ન હોઈએ, પરંતુ તેની સાથે ભાગીદારીમાં હોઈએ તો શું? ગિલ્બર્ટ પોતે જ સ્વીકારે છે કે આ થોડું ભ્રમણા લાગે તેવું છે, પરંતુ તેના બચાવમાં તે કહે છે કે, 'જો તમે ભ્રમણામાં જ જીવવાના હો (જે આપણે બધા અમુક અંશે કરીએ જ છીએ), તો પછી એવી ભ્રમણા કેમ ના પસંદ કરવી જે ઉપયોગી હોય?’ તે કહે છે કે અમુક કામો સાકાર થવા માટે જ હોય છે અને તે તમારા મારફતે જ સાકાર થવા સર્જાયેલાં હોય છે. એટલે, પરિણામ જે આવવું હોય તે આવે, આપણો ઉદ્દેશ્ય સર્જનાત્મકતા માટે હિંમત અને ઉગ્ર વિશ્વાસ વિકસાવવાનો અને એવી માન્યતા કેળવવાનો હોવો જોઈએ કે આપણે સૌ સર્જન કરવા માટે સક્ષમ છીએ. ટૂંકમાં, સર્જનાત્મકતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે અને તમારે જાતને એક પ્રશ્ન પૂછવાનો છે કે કે તમારી અંદર રહેલા સર્જનાત્મક ખજાનાને જીવંત કરવા માટે તમે હિંમત કેળવી શકો તેમ છો?