Who Moved My Cheese?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<center> <span style="color:#ff0000"> {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center <span style="color:#ff0000"> {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:Who Moved My Cheese cover.jpg |title = Who Moved My Cheese?<b...")
(No difference)

Revision as of 00:22, 19 March 2024

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Who Moved My Cheese cover.jpg


Who Moved My Cheese?

Spencer Johnson

હૂ મૂવ્ડ માય ચીઝ?


સ્પેન્સર જ્હોન્સન


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ:


જીવનમાં માત્ર પરિવર્તન જ સ્થાયી છે, તો પછી તેનો ડર શા માટે, તેને ટાળવું શા માટે? આપણને ખબર છે કે પરિવર્તન અનિવાર્ય છે, છતાં તેનો અસરકારક રીતે સામનો કરવાની આપણામાં આવડત નથી. ધારો કે, પરિવર્તનોમાંથી ઉત્તમ રીતે પસાર થવાનો આપણને એક નકશો મળે તો? ‘હૂ મૂવ્ડ માય ચીઝ?’ (Who Moved My Cheese?) નામનું આ પુસ્તક, હળવી શૈલીમાં લખાયેલી એક એવી નીતિકથા છે, જે આપણને જીવનમાં આવનારી અનેક પરિસ્થિતિઓમાં કેવી રીતે પરિવર્તનને અનુકુળ થવું તેની ઊંડી સૂઝ પ્રદાન કરે છે. અહીં આપણે ડો. જ્હોન્સનની વાર્તાનો સારાંશ સમજીએ. આપણામાં હિંમત આવે તે માટે, બદલાવની સ્થિતિમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તેની જટિલતાને સમજાવવાનો આ વાર્તામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. જીવનનો વિકાસ સંકટમાં થાય છે. ક્યારેય જીવનમાં એવી અણધારી ઘટનાઓ ઘટે છે જેની આપણને અપેક્ષા પણ ન હોય. જો કે, એવા ઉતાર-ચઢાવથી ડરવાનું ન હોય. વાસ્તવમાં, તેમાં આપણા માટે જબરદસ્ત આનંદ અને અવસર હોય છે.

આ વાર્તામાં તમારા માટે શું બોધપાઠ છે?

વાર્તા એક ભુલભુલામણી જગ્યામાં આકાર લે છે. સ્નિફ અને સ્કરી નામના બે ઉંદર તેમજ હેમ અને હામ નામના બે વામન માણસો ચીઝ (પનીર) શોધી રહ્યા છે. ચારે જણા એટલા નસીબવાળા છે કે તેમને ‘ચીઝ સ્ટેશન સી’ પર પૂરતું ચીઝ મળી રહે છે. પણ દુનિયાનો નિયમ છે તે પ્રમાણે,બહુ વપરાશથી ત્યાં ચીઝ ખૂટવા લાગે છે. ચારે જણા અચાનક આવી પડેલી નવી સ્થિતિમાં અલગ અલગ રીતે વર્તન કરે છે. સ્નિફ અને સ્કરી સમજી જાય છે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, એટલે તેઓ નવી જગ્યાએ ચીઝ શોધવાનું નક્કી કરે છે. હેમ અને હામ એટલા વ્યવહારુ નથી. તે આ અન્યાયી પરિસ્થિતિથી નારાજ થઈ જાય છે અને ચીઝ ખૂટી જવા બદલ બીજાઓને દોષી માને છે. જોકે, ‘સ્ટેશન સી’માં ચીઝ નથી છતાં, હેમ અને હાવ એવી આશામાં ત્યાં આંટાફેરા મારે છે કે તેમને કોઈક રીતે ચીઝ મળી જશે. અંતે, હાવને ખબર પડે છે કે ચીઝ મળી જાય તેવો કોઈ ચમત્કાર થવાનો નથી. એટલે તે નવી ચીઝની શોધ કરવાનું નક્કી કરે છે. હેમ ઓછો સાહસિક છે એટલે તે સ્ટેશન સીને છોડવાની ના પાડે છે. હાવ અજાણી દિશામાં રવાના થાય છે અને પાછળ તેના મિત્ર માટે એક ચબરખીમાં એક પ્રશ્ન મૂકે છે, “તું જો ડરતો ન હોત તો શું કરત?” હાવ તેની મોટી યાત્રા શરૂ કરે છે અને ધીમે ધીમે તેની અંદર આવતા પરિવર્તનનો અહેસાસ કરે છે. એક નવી વસ્તુની ખોજ વાસ્તવમાં ઘણી ઉત્સાહજનક છે. તેને જે વિચારો આવે છે તેને તે ભુલભુલામણીની દીવાલો પર એવી આશામાં લખે છે કે કદાચ એક દિવસ હેમ તેને વાંચશે. અંતત: હાવ ચીઝની ભરેલું નવું સ્ટેશન શોધી કાઢે છે અને ત્યાં ચીઝની મજા લઈ રહેલા સ્નિફ અને સ્કરીને મળે છે. પુસ્તકનો મુખ્ય સંદેશ દીવાલ પર લખેલા હાવના વિચારો છે, જે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આપણામાંથી ઘણા હેમ જેવા હોય છે, જે પરિવર્તનથી, જોખમ ઉઠાવવાથી અને અજાણી દિશામાં જવાથી પરેશાન થાય છે. એ બાબતમાં હાવના વિચારો શું છે? અને આપણે તેનો દૃષ્ટિકોણ કેવી રીતે આપણા જીવનમાં અપનાવી શકીએ?

તે ચીઝને હટાવતા રહે છે

હાવ વિચાર કરે છે કે ચીઝ અચાનક ગાયબ થઈ ગયું નહોતું. તે ધીમે ધીમે ઓછુ થઈ રહ્યું હતું. આ વાર્તામાં ચીઝ આપણા જીવનમાં જરૂરી તમામ બાબતો માટેનું પ્રતીકરૂપ છે. ચાહે સ્વાસ્થ્ય હોય, વ્યવસાય હોય કે સંબંધો હોય, આપણા જીવનમાં પણ અલગ અલગ ‘ચીઝ’ હોય છે. સમસ્યા એ છે કે આપણે તેનાથી એવા તો ટેવાઈ જઈએ છીએ કે તેના વગરના જીવનની કલ્પના પણ કરી શકતા નથી. એમાં જયારે કોઈ બદલાવ આવે, આપણી ચીઝ છીનવાઈ જાય અથવા તે ખતમ થઈ જાય ત્યારે આપણે સહન નથી કરી શકતા અને દુનિયા અન્યાયી છે તેવી ફરિયાદ કરીએ છીએ. આવી નારાજગી સ્થિતિને વધુ બગાડે છે. આપણે બદલાવને હંમેશાં આપણા લાભમાં જ ઇચ્છતા હોઈએ છીએ. ચીજો જો ન બદલાય તો આપણે આત્મસંતુષ્ઠ થઈ જઈએ છીએ અથવા આપણે બોર થતાં રહીએ છીએ. બૌદ્ધ લોકો આ પીડા માટે ‘બેવડા તીર’નું ઉદાહરણ આપે છે. એ લોકો કહે છે કે જયારે પણ આપણે પીડા અનુભવીએ છીએ ત્યારે, બે તીર આપણી તરફ આવે છે. પહેલું તીર, એ અસલી ખરાબ ઘટનાના સ્વરૂપમાં છે, જે પીડા ઊભી કરે છે. બીજું તીર, એ ઘટના પ્રત્યેની આપણી પ્રતિક્રિયા છે- જે મોટાભાગે નકારાત્મક હોય છે. આ બીજું તીર, આપણી પીડામાં ઉમેરો કરે છે. બદલાવની પીડા એકદમ સામાન્ય બાબત છે, પણ આપણે ધારીએ તો તેની પીડા ઓછી કરી શકીએ છીએ. વાર્તામાં, હાવને સમય જતાં એ સમજ પડે છે કે પરિવર્તન અનિવાર્ય છે. પરિવર્તનનો અને દરેક પરિસ્થિતિના હંગામીપણાનો સ્વીકાર કરવાથી આપણે જૂની પરિસ્થિતિને વળગી રહેવાના અને નવાના વિરોધની પીડામાંથી બચી જઈએ છીએ. ‘દુઃખનું ઓસડ દા’ડા’ કહેવત દરેક સંજોગો માટે એટલી જ સાચી છે. આવી માનસિકતા જ આપણને સારા સમયનો સંતોષ અને ખરાબ સમયમાં તાકાત આપે છે. જીવનની ચીઝ તો નિયમિત રીતે હટતી રહેવાની છે અને એટલે આપણે તેને અનુકૂળ થઈએ તેમાં જ સુખ છે.

ચીઝ જતી રહેશે તેના માટે તૈયાર રહો

હાવનો બીજો બોધપાઠ એ છે કે પરિવર્તન માટે કાયમ તૈયાર રહો. વાર્તામાં બંને ઉંદરો તેમનાં જૂતાં પહેરી રાખે છે અને તેમને ખબર પડે કે ચીઝ ખતમ થવા આવી છે ત્યારે તેઓ નવી ચીઝની ખોજમાં જવા તૈયાર હોય છે. હેમ અને હાવને ચીઝ વગરની પરિસ્થિતિનું અનુમાન નથી, એટલે તેઓ ઝડપથી કદમ ઉપાડી શકતા નથી. પરિણામે તેઓ અસહાય બની જાય છે. અંગ્રેજીમાં સ્નિફનો અર્થ થાય છે, સૂંઘવું અથવા પારખવું અને સ્કરી એટલે કંઈક કરવું. પરિવર્તનને પારખી લેવાથી આપણે એક પગલું આગળ રહી શકીએ છીએ. પિપા મલ્મગ્રેનના પુસ્તક ‘સિગ્નલ’માં, અર્થશાસ્ત્રી તર્ક કરે છે કે આપણે શું થશે તેની ભવિષ્યવાણી ના કરી શકીએ, પરંતુ આપણે તેના માટે સારી રીતે તૈયાર રહી શકીએ છીએ. કહે છે ને કે ‘ચેતતો નર સદા સુખી.’ આપણે એટલા સભાન તો રહેવું જોઈએ કે આપણી આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેના સંકેતો પકડતા રહીએ જેથી આવતીકાલ માટે તૈયાર રહીએ.

ચીઝને સતત સૂંઘતા રહેવું, જેથી એ વાસી થાય તો ખબર પડે

આત્મસંતુષ્ટિ આપણું ધ્યાન ભટકાવી દે છે. સ્નિફ અને સ્કરી હેમ અને હાવ કરતાં વહેલા નવી ચીઝ શોધી શક્યા હતા. તેનું કારણ એ હતું કે ચીઝની અવસ્થા પર તેમની પહેલેથી જ નજર હતી. તેઓ વિચારો કરવામાં કે નારાજગીમાં વ્યસ્ત રહેવાને બદલે, ‘હવે શું કરી શકાય તેમ છે’ની તૈયારીમાં હતા. તમે તમારા જીવનના એવા કોઈ પાસાને ઓળખી શકો જે વાસી થઇ રહ્યું હોય? એવા સંજોગોમાં શું કરવાનું હોય? કદાચ, આ જ સમય છે કે તમે નવી કુશળતા કેળવો અથવા ફોકસને બદલો. કદાચ, કોઈ સંબંધ છે જેમાં કોઈ સુધાર કરવાની જરૂર છે. જે પણ હોય, તમારે તમારી અંતર્દ્રષ્ટિ પર વિશ્વાસ રાખવો જોઈએ અને પરિવર્તનની ઘડીમાં પગલાં ભરવા તૈયાર રહેવું જોઈએ. મુશ્કેલી એ છે કે, હેમની જેમ, આપણે જીવન જેવું હતું તેનાં ગુણગાન ગાઈને પરિવર્તનનો વિરોધ કરીએ છોએ. આપણામાંથી ઘણા લોકો વર્તમાન કે ભવિષ્યનો વિચાર કરવાને બદલે અતીતમાં મગ્ન રહે છે. હાવનો પ્રવાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ, તેને રસ્તામાં ચીઝના ટુકડા મળે છે અને એમાંથી તેને સાહસ કરતાં રહેવાનો ઉત્સાહ આવે છે. તે પાછો જઈને હામને નવી ચીઝ આપે છે પણ ખરો, પણ તે ના પાડે છે. હેમને અજાણ્યાનો સ્વાદ કરતાં અચકાય છે. હેમ સાથે જૂના સ્ટેશને આંટાફેરા મારવા કરતાં હાવને લાગે છે કે ભુલભુલામણીમાં આગળ વધવું જરૂરી છે. અજાણી જગ્યાના ડરથી એની એ જ જગ્યામાં રહેવું એ જીવન જીવવાની હકારાત્મક રીત નથી. નવી જગ્યાએ જવા માટે જૂની જગ્યા છોડવી જ પડે. પુસ્તકના વિધાનને ટાંકીએ તો, “જેટલી ઝડપે જૂની ચીઝને છોડો, એટલી જ ઝડપે નવી ચીઝ મળે.” તેના ડરને દૂર કરવા માટે, હાવ કલ્પના કરે છે કે તે ફ્રેંચ બ્રી નામની તેની ગમતી ફ્રેંચ ચીઝના પહાડ પર બેઠો છે. આવી કલ્પના તેને આગળ જવા માટે પ્રેરે છે. ભવિષ્યની કલ્પના કરવાથી, જૂની ચીઝ ખતમ થઈ ગઈ છે તેના અસંતોષ છતાં, તેનામાં નવી ચીઝની ખોજ કરવાની આશા પેદા થાય છે. સફળ ઉદ્યમીઓ અને રમતવીરો તેમના ડરની પેલે પાર નવી સંભાવનાઓને જોવા માટે આવી રીતે કલ્પનાશક્તિનો ઉપયોગ કરતા હોય છે. તમે શું ગુમાવ્યું છે તેના કરતાં તમે શું મેળવી શકો છો તેના પર ફોકસ કરવાથી તમે તમારી અનિશ્ચિતાઓને દૂર કરી શકો છો. હાવને સમજાય છે કે અજાણ્યાના ડરથી તેણે નવી ચીઝની શોધમાં વિલંબ કરી દીધો. એ જ ડરે હેમને પણ બાંધી રાખ્યો હતો. ડર આપણું રક્ષણ કરે છે પણ ક્યારેક તે આપણેને પાંગળા પણ કરી નાખે છે. એટલા માટે, આપણે આપણી અંતર્દૃષ્ટિને અનુસરવું જોઈએ અને એ સાહસ વૃતિને મોકળાશ આપવી જોઈએ, જે પૂછતી રહેતી હોય છે, “તું ડરતો ન હોત તો શું કરત?” આપણા ડરને ઓળખવો અને એ સમજવું જરૂરી છે કે આપણે આપણી જાતને જે કહીએ છીએ તેનો આપણી વાસ્તવિકતા સાથે મેળ નથી હોતો. ડર આપણને જડ બનાવી દે છે અને નવી સંભાવનાઓને ગળે લગાવવાથી અટકાવે છે. એટલે આપણે અંનત સંભવાનાઓ પર ફોકસ કરવું જોઈએ.

ચીઝની સાથે તમે પણ આગળ વધો.

હાવની પાંચમી સલાહ એ છે કે આપણામાં આગળ વધવાની અને પરિવર્તનને અનુકૂળ થવાની તૈયારી હોવી જોઈએ. આપણે જો બદલાવને ગળે લગાવી શકીએ તો, એની એ જ જૂની અનુકૂળ ચીજો કરીને કંટાળી જવાને બદલે, નવી ચીજો શોધી શકીએ, નવા અનુભવો કરી શકીએ અને નવી સિદ્ધિઓ હાંસલ કરી શકીએ. ઘરેડમાં બંધાઈ જવાનું બહુ સ્વાભાવિક છે, અને એટલા માટે જ બદલાતી દુનિયા સાથે જાતને બદલતા રહેવું લાભદાયી છે.

નવી ચીઝના સ્વાદને અને સાહસને માણો.

તમને નવી ચીજોનો ક્યારેય અનુભવ ન થાય તો કેવું લાગે? બદલાવનો વિરોધ કરવાને બદલે, તેનાથી નારાજ થવાને બદલે, જાતને સવાલ પૂછો; તમે તેનો સ્વીકાર કરો તો શું થાય? જૂની ઘરેડમાંથી બહાર નીકળવાનો અને કશુંક નવું અનુભવવાનો એક અલગ જ આનંદ હોય છે. વાર્તામાં, હાવ અંતત: નવી ચીઝ શોધી લે છે. એ પ્રયાસ તેને કાયમ માટે બદલી નાખે છે. ચીઝનો આનંદ એ બોધપાઠ અને અનુભવો કરતાં વધી જાય છે જેને તે રસ્તામાં શીખે છે. પરિવર્તન તેને બહેતર બનાવે છે અને તે વધુ જિજ્ઞાસુ બની જાય છે. એક સાહસિક કામ પર નીકળીને, હાવ બહારનાં ક્ષેત્રોની ખોજ કરવાનું ચાલુ રાખે છે. તે તેની ખોજ અને યાત્રાને નવાં ચીઝ સ્ટેશનો સુધી લંબાવવા માટે પ્રેરિત કરતા હોય છે. એટલા માટે, આપણે બદલાવ માટે જેટલા વધુ ખૂલીએ, એટલા જ વધુ દુનિયાને આપણા માટે ખોલી શકીએ.

ચીઝને ખસેડતા રહો.

હાવ જયારે પહેલા સિદ્ધાંતનું પુનરાવર્તન કરે છે ત્યારે આપણે આખું વર્તુળ પૂરું કરીએ છીએ. હાવ, એ હકીકતની પુષ્ટિ કરે છે કે પરિવર્તન અનિવાર્ય છે. હૂ મૂવ્ડ માય ચીઝ એ ચાર કાલ્પનિક પાત્રોની પ્રતીકાત્મક વાર્તા છે બે બે ઉંદર અને વામન લોકો, આપણાં ઉંમર, લિંગ, રાષ્ટ્રીયતા અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના, આપણા વ્યક્તિત્વના સરળ અને જટિલ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. ક્યારેક આપણે સ્નિફની જેમ વર્તીએ છીએ, જે બદલાવને ઝડપથી પારખી લે છે અને ક્યારેક સ્કરીની જેમ વર્તીએ છીએ, જે ઝડપથી પગલાં ભરે છે. ક્યારેક આપણે હેમ જેવા હોઈએ છીએ, જે જે પરિવર્તનને નકારે છે અને પ્રતિકાર કરે છે, અથવા હોવ જેવા હોઈએ છીએ, જે સમય જતાં બદલાવ સાથે અનુકૂલન કરવાનું શીખે છે, જેથી કંઈક સારું થાય. જ્યારે તેમનો સામનો બદલાવથી થાય છે ત્યારે બંને ઉંદર વધુ સારો દેખાવ કરે છે કારણ કે તેઓ ચીજોને સરળ રાખે છે. આ બે વામન માણસોનાં જટિલ મન અને માનવીય લાગણીઓ સ્થિતિને જટિલ બનાવે છે. આપણા વ્યક્તિત્વના જે પણ પાસાને આપણે સ્વીકારીએ અને જેની પણ અવગણના કરીએ, આપણા સૌમાં કંઈક સામ્ય છે. આપણા સૌની અંદર જીવનની ભૂલભુલામણીમાંથી રસ્તો શોધવાની અને બદલાતા સમયમાં સફળ થવાની સાર્વત્રિક જરૂરિયાત હોય છે.

ટૂંકમાં કહીએ તો...

આપણે સૌએ આપણી જાતને પૂછવાની જરૂર છે કે આપણી આસપાસની દુનિયાનો સામનો કરતી વખતે આપણી દીવાલો પર શું લખવા જેવું હોય છે? આપણને ખબર છે કે માત્ર પરિવર્તન જ કાયમી છે, એટલે આપણે શીખવાની જરૂર છે કે કેવી રીતે અપેક્ષા રાખવી, અનુકૂલન કરવું અને બદલાવની યાત્રાનો આનંદ માણવો. એકમાત્ર વસ્તુ જે આપણને અજ્ઞાતમાં જતા અટકાવે છે તે છે ડર, તેથી જાતને પૂછતા રહેવું- જો ડર તમને અટકાવતો ન હોત તો તમે શું કરત? ડૉ. જોહ્નસન એ. જે. ક્રોનિને લખ્યું હતું કે, “જીવન સીધો અને સરળ રસ્તો નથી, જેની પર આપણે મુક્તપણે અને અવિરતપણે મુસાફરી કરીએ, પરંતુ તેમાં ભૂલભુલામણીઓ છે અને આપણે તેમાંથી રસ્તો શોધવાનો છે." ક્રોનિન સૂચન કરે છે કે, "આપણે ક્યારેક ભૂલા પડી જઈશું અને મૂંઝવણ અનુભવીશું, પરંતુ જો આપણને શ્રદ્ધા હશે, તો આપણા માટે કાયમ એક દરવાજો ખૂલશે. કદાચ, એ આપણે ધારેલો દરવાજો નહીં હોય, પણ અંતત: તે આપણા માટે શ્રેષ્ઠ સાબિત થાય તેવો હશે.” તો, જ્યારે કોઈ તમારી ચીઝ લઈ લેશે, ત્યારે તમે શું કરશો?