ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/વારતા: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 00:41, 6 April 2024
એક હતી બકરી. નામ એનું અસ્મિતા. તેજતર્રાર સ્વભાવની. વાતેવાતે શિંગડાં ભેરવે. મગદૂર છે કોઈની કે અટકચાળું કરી જાય? બચરવાળ થઈ પછી અસ્મિતા નરમ પડી ગઈ. એ ભલી ને એનું ઘર ભલું. શું પોતાનું નામ, એ પણ ભૂલી ગઈ. એક દિવસ અસ્મિતા ચરવા ગઈ. જતાં જતાં ભટુરિયાંને કહેતી ગઈ, ‘હું સાદ કરું તો જ બારણાં ઉઘાડજો. મારી બોલાશ ઓળખજો.’ તે જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારાં જ જીવતાં રહે છે આ જંગલમાં. અસ્મિતા જતી રહે એની જ રાહ જોતું હતું વરુ. ‘હલ્લો, હાઉ ડુ યુ ડુ!’ કરતુંકને આવ્યું. બોલ્યું :
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં....
ભટુરિયાંએ બારણાં ઉઘાડી નાખ્યાં. વુલ્ફ હસ્યું. એના દાંત દેખાયા, યલો યલો, લોંગ લોંગ.
અસ્મિતા મોડે મોડે પાછી આવી. એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે, બોલીઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં
તમને ખવરાવશે રે એલાં ભટુરિયાં
તમને ધવરાવશે રે એલાં ભટુરિયાં....
પણ હવે કોણ ઉઘાડે બારણાં?