સિગ્નેચર પોયમ્સ/વધામણી – બળવંતરાય ક. ઠાકોર: Difference between revisions
Jump to navigation
Jump to search
વધામણી
(+1) |
(No difference)
|
Latest revision as of 02:24, 19 April 2024
બ. ક. ઠાકોર
વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,
આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી
દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છૉળ ઠેલે,
ને આવી તો પણ નવ લહૂં ક્યાં ગઈ’તી શિ આવી,
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,
જાણું સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા :
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.
બીજું, વ્હાલા; શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્હેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતૂ એક વ્હેતાં;
ગોરૂં ચૂસે સતત ચુચુષે અંગુઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઉચરો લોચને કૉણ જેવો?