સિગ્નેચર પોયમ્સ/કન્યાવિદાય – અનિલ જોશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:36, 21 April 2024

કન્યાવિદાય

અનિલ જોશી


સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળાપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો...

પૈૈંડું સીંચતો રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે.
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો...

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભી રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.