ચાંદરણાં/પ્રેમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:44, 22 April 2024


3. પ્રેમ


 

  • આરંભે તો પ્રેમ મૂંગી સુગંધ હોય છે.
  • કશું જ કરી ન શકાય ત્યારે પ્રેમ તો કરી જ શકાય છે.
  • પ્રેમ એવો પ્રકાશ છે, જેમાં માત્ર બે જ જણ દેખાય છે.
  • પ્રેમ ખૂબ ભીંજવે ત્યારે લગ્નની છત્રી શોધાય છે.
  • પ્રેમનો શબ્દો મળતા નથી, લગ્નને ડિક્શનરીઓ મળી જાય છે.
  • વડીલો ‘જંપો’! કહે તેવો અજંપો તે પ્રેમ!
  • પ્રેમનું મૌન છેવટે વરઘોડાના ઘોંઘાટમાં પરિણમે છે.
  • પ્રેમ એ ઈશ્વર છે પણ દેવી વિના એકલો છે.
  • પ્રેમ આંધળો નથી હોતો, બંધ આંખે જોતી દિવ્ય દૃષ્ટિ હોય છે.
  • પ્રેમનું શિક્ષણ પ્રતીક્ષાની ધીરજના પાઠથી શરૂ થાય છે.
  • પ્રેમ એ બંધ કળીમાં ગુપ્ત રહેલી અંગતતા છે.
  • પ્રેમને ખોવાયેલા વિશ્વાસરૂપે જોઈ શકાતો નથી.
  • પ્રેમ એ જીવનભર પાળવાનો વહેમ પણ હોય.
  • પ્રેમપત્ર રફ ડ્રાફ્ટ હોય છે, કંકોતરી પાક્કો દસ્તાવેજ...
  • પ્રેમ દૃઢ હોય છે પણ કઠોર નથી હોતો.
  • પ્રેમ સમાધિ નથી, એકલીનતા છે.
  • પ્રેમમાં ઘડિયાળ બંધ પડે છે અને સમય ચાલે છે.
  • પ્રેમમાં નહીં, કેલેન્ડરમાં ફરી ફરી ફાગણ આવે છે.
  • પ્રેમ એવી સુવાસ છે, જે ત્રીજી વ્યક્તિ માટે નિર્ગંધ હોય છે.
  • પ્રેમ દસ્તાવેજી હોઈ શકે પણ ડ્રાફ્ટ ઘડનારો પ્રેમપત્ર ન લખી શકે.
  • ગણિતથી દૂર રહ્યા વિના પ્રેમની નજીક પહોંચી શકાતું નથી.
  • ઈશ્વર કરતાં પ્રેમીને વધારે ઉદાર થવું પડે...
  • પ્રેમ એ સહિયારી અંગતતા છે.
  • બ્યૂગલ ફૂંકનાર પ્રેમની બંસરી ન બજાવી શકે.
  • પ્રેમ અશિષ્ટ નથી, તેમ શિષ્ટાચાર પણ નથી!
  • પ્રેમ દિશા નથી, દિશાવિહોણું આકાશ છે.
  • વહેમ જ પાળવો હોય તો પ્રેમ જેવો વહેમ પાળો.
  • પ્રેમ એ આરતી ઉતાર્યા વિના વહેંચાતો પ્રસાદ છે.
  • પ્રેમમાં સબ ભૂમિ ગોપાલકી નહીં, અડધી ભૂમિ રાધાની!
  • અજંપ પ્રેમ ગૂંગળાય છે, પણ પરપોટો નથી બનતો!
  • પ્રેમ ઇન્દ્રધનુષ છે, પણ ઇન્દ્રધનુ જેવો અલ્પાયુ ન હોય!
  • સહિયારું સાહસ પ્રેમ પણ હોઈ શકે છે.
  • પ્રેમ પાવરધો નહીં, દરેક મિલને શિખાઉ હોય છે.
  • પ્રેમ અને ઈશ્વર કાંઠે રહીનેય પારગામી થાય છે.
  • વિગ્રહરેખા ભૂંસીને બે શબ્દનો સમાસ બનાવે તે પ્રેમ!
  • સઘન થયે જતો પ્રેમ ઓછાબોલો થતો જાય છે.
  • પ્રેમનું કોઈ લિખિત કે વાચિક બંધારણ હોતું નથી.
  • પ્રેમ એ પ્રગટ થયેલી સુગંધ છે અને પ્રગટ થયેલી સુગંધને કેદ કરી શકાતી નથી.
  • પ્રેમ એ એકમાર્ગી રસ્તો છે.
  • પડઘો ન પડે તો પ્રેમ મૂંગો થઈ જાય અને પડઘો પડે તો પ્રેમ પહેલા શરમાય.
  • બહુ ઓછી જીભ ઉપર પ્રેમ શબ્દ ફર્યો છે બાકી તો જીભો જ એ શબ્દ પર ફરી વળી છે.
  • પ્રેમને રોકાણ માને છે એ તેનું વ્યાજ પણ માગે છે.
  • પ્રેમમાં પડે છે તે બીજાને પણ પાડે છે.
  • ડિક્શનરીના શબ્દો પ્રેમમાં નવા નવા અર્થો પામે છે.
  • પ્રેમ દેવતાઈ હોય તોયે માણસના સ્વરૂપે જ હોય.
  • પ્રેમ થોભે છે, મૂંઝાય છે : ધરતી સરજું કે આકાશ?
  • પ્રેમ કહે છે કે અવકાશની ટોચે શિખર હોય છે.
  • શ્રમસાધ્ય પ્રેમ, પાત્રોને ‘મજૂર’ બનાવી દે છે.
  • પ્રેમ એ અનુભૂતિ છે, કોઈ દૈવી અનુષ્ઠાન, ક્રિયાકાંડ નથી.
  • પોતામાં ન હોવાની સ્થિતિ પ્રેમ માટે અવકાશ રચે છે.
  • પ્રેમ એવું કેસર છે, જે કાશ્મીરની બહાર પણ ઊગે છે.
  • પ્રેમ અને પ્રકાશને કહેવું પડતું નથી કે અમે શું છીએ.
  • પ્રેમ એ કોઈ રાગ નહીં, મૂંગો લય હોય છે.
  • પ્રેમ એ વમળને પાણી પર રચેલો સાથિયો બનાવી શકે છે.
  • ઔપચારિકતા પ્રેમને પણ કર્મકાંડી બનાવી દે છે.
  • સોની વીંટી ઘડી રહે ત્યાં સુધી પ્રેમ થોભતો નથી.
  • પરણવું એ પ્રેમ પછીનું સાદું ગણિત છે.
  • પ્રેમ એ જળમાં વિસ્તરીને પોતે જ મટી જતું વર્તુળ છે.
  • પ્રેમ એવો દેશ છે જ્યાં ચાંદલિયો આથમતો નથી.
  • પ્રેમનું સૌંદર્ય અરીસાના માપનું હોતું નથી.
  • કાંટા ખેરવી નાંખ્યા વિના પ્રેમ ‘કેવડિયો’ થઈ શકે નહીં.
  • પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે!
  • પ્રેમ પોતે જ વાસંતી સૌંદર્ય અને મહેક હોય છે.
  • પ્રેમ હોય છે ત્યાંથી જ વિસ્તરે છે, આવ-જા કરતો નથી!
  • પ્રેમ એવો મહેમાન છે, જે ઘરમાલિક થઈ જાય છે!
  • પ્રેમ હોય છે પ્રાકૃતિક, પણ તેણે સાંસ્કૃતિક થવું પડે છે.
  • પાત્રો બદલાય છે ત્યારે પ્રેમ નાટક થઈ જાય છે.
  • હીંચકો અને પ્રેમ, બે જ દિશામાં આવ-જા કરે છે.
  • પ્રેમનું સ્મિત બીજરેખા પાસે હોય છે, પૂર્ણ ચંદ્ર પાસે નહીં.
  • પ્રેમમાં પડેલો સૂર્યવંશી, ચંદ્રવંશી થઈ જાય છે!
  • પ્રેમમાં ગણિત આવે છે ત્યારે પ્રેમી મહેતાજી થઈ જાય છે.
  • પ્રેમ એવો સોનામહોર સિક્કો છે, જેની મહોર મુદ્રા બદલી શકાતી નથી.
  • વસંતને બારમાસી થવાનું મન થયું ને પ્રેમ થયો!
  • પ્રેમ જાદુ નથી, એક ફૂલને ગુલદસ્તો બનાવી દેતી કળા છે.
  • પ્રેમ, એ અન્યને પામી પોતાને પામવાની કળા છે.
  • ‘પ્રેમ’, ભૂંસવા માટે પાટી પર લખાતો શબ્દ નથી.
  • પ્રેમ સિસોટી રૂપે જન્મે છે અને શરણાઈમાં પરિણમે છે.
  • પ્રેમમાં આકૃતિ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે.
  • પ્રેમ એ ઊંઘમાં નહીં, યૌવનની જાગ્રતિમાં આવેલું સ્વપ્ન છે.
  • પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે!
  • પ્રેમ એ આકાશનાં પ્રતિબિંબને આત્મસાત્ કરવા અરીસો બનતું શાંત સરોવર છે.
  • વીજળીની ચપળ ગતિ અને પહાડની અચળતાનો સંગમ તે પ્રેમ!
  • પ્રેમની માટી એક જ કૂંડામાં મોગરા અને જૂઈ ઉછેરે છે.
  • પ્રેમપત્ર પાછો ફરે તોયે સરનામું બદલતો નથી.
  • પ્રેમ એટલે એકોક્તિનું સંવાદ અને સંવાદનું એકોક્તિ થવું.
  • નજીકના પ્રેમમાં દૂરનું વાત્સલ્ય હોય છે.
  • પ્રેમ અને પુષ્પ અલંકાર છે, અસ્તિત્વ પણ છે.
  • પ્રેમ એવી કોયલ છે, જે એક જ માણસ સાંભળે એવું ટહુકે છે.
  • પ્રેમ એ અરણ્યનું ઉદ્યાનમાં રૂપાંતર કરવાની જીવનકળા છે.
  • આંસુ અંગત હોય છે, પ્રેમ તેને સહિયારાં બનાવે છે.
  • પ્રેમ એ કોઈએ ફૂલ ફેંક્યાનો નાજુક સુવાસિત આઘાત હોય છે.
  • પ્રેમના સ્વર્ગમાં એક જ અપ્સરા હોય છે!
  • પ્રેમ છલકાતો રહીને પોતાને અધૂરો અનુભવ્યા કરે છે.
  • અખંડ પ્રેમમાં પણ એક શયનખંડ હોય છે!
  • પ્રેમ શબ્દ ડિક્શનરીમાં પણ એનો અર્થ હૃદયમાં હોય છે.
  • પ્રેમ એ પરણેલાં લોકો માટે ‘ઘરેલુ’ મામલો હોય છે!
  • પ્રેમમાં કોઈ આકાશે જાય છે, કોઈ આકાશને નીચે આણે છે.
  • પ્રેમ ઇતિહાસ બને ત્યારે વર્તમાન હાજરીપત્રક બની જાય છે.
  • પ્રેમ એક ઉષ્મા છે, તે દઝાડતો અગ્નિ પણ બની શકે છે.
  • પ્રેમની ભાષા હોય છે! વ્યાકરણ નહીં, પ્રેમની ભૂમિ હોય છે, ભૂમિતિ નહીં.
  • પ્રેમનો સંયમ ને સાધના સાધુબ્રાન્ડ નથી હોતા!
  • પ્રેમ એ પોતીકી ગલી છે, નૅશનલ હાઇવે નથી.
  • પ્રેમમાં મગજ બંધ પડે છે અને હૃદય ચાલે છે.
  • અન્ડરગ્રાઉન્ડ પ્રેમ છેવટે મંચ પર આવી જાય છે.
  • પ્રેમ એ બે શ્લોકથી બનતું મહાકાવ્ય છે.
  • પ્રેમ બીજામાં રહેલા પોતાને માંગ્યા કરે છે.
  • પ્રેમ પુરુષજાતિનો શબ્દ હોવાથી તે અર્ધસત્ય છે!
  • પ્રેમ અષાઢી મેઘની જેમ ઘેરાય છે ત્યારે અનરાધાર વરસે પણ છે!
  • પ્રેમની ઉર્જા બિછાનાને પણ ઉષ્માથી ભરી દે છે.
  • પ્રેમ ઋષિ નથી એટલે સોમરસ પીધા વિના જ મસ્ત રહે છે!
  • પ્રેમ વનવાસે જાય ત્યાં પણ ઝાંખરાં દૂર કરી પુષ્પક્યારી રચે છે.
  • પ્રેમ પ્રદક્ષિણા કર્યા પછી ચાલતાં શીખે છે.
  • પ્રેમને કાળી ચૌદશ નહીં, ચૌદશિયા નડે!
  • કોઈ પ્રેમનું મંદિર બાંધતું નથી, કેમ કે મંદિર ‘સાર્વજનિક’ હોય છે.
  • પ્રેમ એટલે સાથીની શોધમાં આગળ જતી એકલની પગદંડી!
  • પ્રેમ આખું ગીત ગાતો નથી, માત્ર ધ્રુવપંક્તિ દોહરાવ્યા કરે છે, હું તને ચાહું છું!
  • પ્રેમમાં મૂંગું રહેતું હૃદય ધબકારાની ભાષામાં બોલે છે.
  • આંખો આવકાર આપતી હોય ત્યાં જીભ શું કામ ‘વેલકમ’ બોલે!
  • પ્રેમના આકાશમાં માત્ર એક જ દિશા દેખાય છે.
  • પ્રેમ વિસ્તરતા પહેલાં કેટકેટલો સંકોચ અનુભવે છે!
  • પ્રેમની પ્રતિક્રિયા પણ પ્રેમ જ હોય છે.
  • પ્રેમપત્ર પર થયેલી સહી અવાચ્ય હોય તો યે વંચાય છે!
  • પ્રેમ સુસંગત હોવાથી અંગત હોય છે.
  • ઝરણું અને પ્રેમ, પોતે જ પોતાનો માર્ગ કરી લે છે.
  • ધોળા દિવસે તારા? ના, ના, તારામૈત્રક !
  • પ્રેમમાં સાત તાળી પણ સપ્તપદી થઈ જાય છે.
  • પ્રેમમાં મુઠ્ઠી વાળે છે તે આંગળીના ટેરવાના સ્પર્શનો રોમાંચ પણ ગુમાવે છે.
  • પ્રેમના પ્રયોગો લૅબોરેટરીની બહાર જ થાય છે.
  • પ્રેમનો પુલ બાંધવાનું કામ ઇજનેર નહીં, પ્રેમપત્ર પહોંચાડતો કિશોર કરે છે.
  • એક નામ ન હોય તો ભરેલી ડાયરી પણ કોરી લાગે.
  • રમણીથી વિસ્તરીને ‘રમણીય’ થઈ જાય તે પ્રેમ!
  • યૌવનકાળે ઉઘડતો વિસ્મયલોક તે પ્રેમ!
  • પ્રેમવિહોણું જીવન એ ઋતુઓ વગરના આકાશ જેવું છે.
  • પ્રેમ મરતો નથી, એટલે ‘ઇતિહાસ’ પણ બનતો નથી.
  • આ જગત વહેમથી બિહામણું અને પ્રેમથી સોહામણું બને છે.
  • પ્રેમ દુર્વાસા નથી, છતાં પણ એ ઍપૉઇન્ટમૅન્ટ લીધા વિના જ આવે છે!
  • એ પ્રેમ જ છે, જે બે ખેતરો વચ્ચેની વાડને તોડી પાડે છે.
  • પ્રેમની લિપિમાં પૂર્ણવિરામનું ચિહ્ન જ નથી હોતું!
  • પ્રેમમાં તો લીલા વાંસની ફાંસ વાગે છે.
  • પ્રેમ, આચ્છાદનો દૂર કરી મૂળ માણસને પ્રગટ કરે છે.
  • પ્રેમ ત્રિશંકુ થયા વિના પોતાનું સ્વતંત્ર સ્વર્ગ રચે છે.
  • પ્રેમ, ઝાકળ પાછળથી આકૃતિને સ્પષ્ટ જોવા મથતું આતુર વિસ્મય છે.
  • પ્રેમ પહાડ છે, એટલે પાસે જ જોઈ શકાતી ખીણ પણ છે.
  • પ્રેમ અતિશયોક્તિ છે : કાવ્યના અતિશયોક્તિ અલંકાર જેવી.
  • પ્રેમ આશય નથી એટલે છુપાતો નથી.
  • પ્રેમ ખેલ નથી પણ સૌથી વધારે ખેલદિલી પ્રેમમાં જ હોય છે!
  • માણસ પ્રેમમાં નહીં, પ્રેમ વગરના લગ્નમાં પસ્તાય છે.
  • પ્રેમ, કંકોતરી પહેલાંનું નોતરું!
  • પ્રેમ માહિતીથી ચાલવા માંડે છે અને દામ્પત્યના જ્ઞાન પાસે થોભે છે.
  • પોતાના પ્રેમની અફવા નીરસ થાય તે પહેલાં શાણો પ્રેમી પરણી જાય છે.
  • આકૃતિ સ્થિર હોય પણ પડછાયા લાંબા-ટૂંકા થાય તે પ્રેમ!
  • પ્રેમ આકાશ હોય તો એના પર ઊડનારના પડછાયા પડતા નથી!
  • પ્રેમનો ચાંદો ઊગે છે, ત્યાં જ્ઞાનનો સૂર્ય પણ ઊગવો જોઈએ!
  • પ્રેમનાં આંસુમાંયે ક્ષાર હોય છે, છતાં તે મીઠાં લાગે છે.
  • પ્રેમનાં આંસુ સૂકાયા પછી પણ ભીનાં રહે છે.
  • પ્રેમમાં કશું જ ‘લઘુતમ સાધારણ’ નથી હોતું.
  • પ્રેમ સારો અનુભવ છે, ભલે તે આપણે બીજાને કે બીજાએ આપણને કરાવ્યો હોય!
  • પ્રેમ વારસો નહીં, જાતકમાઈ હોય છે!
  • પ્રેમને ઉછેરી શકાતો નથી, તે જ તમને ઉછેરે છે!
  • પ્રેમમાં એકબીજાનું અનુકરણ જ ‘મૌલિક’ બની જાય છે!
  • કાનમાં આંગળાં ખોસી બાંગ પોકારનારો જો, પ્રેમમાં પડે તો કાનસૂરિયા કરતો થઈ જાય!
  • લગ્ન વ્યવસ્થા છે પણ પ્રેમ એ વ્યવસ્થા નથી.
  • પ્રેમ એક રવરવતો લય છે.
  • પ્રેમનો છંદ શોધો તો ગઝલ મળે!
  • પ્રેમમાં દિલાસો હોય, ખુલાસો નહીં!
  • પ્રેમ અને આગ : ઉન્નત થાય છે ત્યારે ઉન્મત પણ થાય છે.
  • પ્રેમીઓની ચાર આંખ માટે દૃશ્ય એક જ હોય છે!
  • પ્રેમને જાણે તે પોતાનામાં પ્રવાસ કરતો થઈ જાય!
  • પ્રેમ એ અરીસામાં નહીં, આંખોમાં પડતું પ્રતિબિંબ છે.
  • પ્રેમનું ગુરુત્વાકર્ષણ પ્રેમીઓને ધરતી પર આણીને આકાશે લઈ જાય છે!
  • પ્રેમના પાઠ ભણવામાં માસ્તરની ગેરહાજરી અનિવાર્ય.
  • પ્રેમવિહોણું જીવન એ ઋતુઓ વગરના આકાશ જેવું છે.
  • પ્રેમ, દર્ભાસને બેસવા કરતાં પાથરેલા રૂમાલ પર બેસવાનું પસંદ કરે છે.
  • ઋષિ ચાખડીએ ચઢી આવે છે, પ્રેમ અડવાણા પગે દોડી જાય છે.
  • વૈકલ્પિક પ્રેમ : તું નહીં ઓર સહી.
  • અકબરના દરબારમાં ભલે આઠ રત્નો હોય, પ્રેમના દરબારમાં બે જ રત્ન હોય છે.
  • શાણા માણસો પ્રેમ કરતા નથી, કારણ કે મૂર્ખાઈ વગર પ્રેમ થઈ શકતો નથી.
  • સાગર અને પ્રેમને સપાટી નથી હોતી, હિલોળા હોય છે.
  • પ્રેમ વહેંચાઈને એક થાય છે.
  • પ્રેમ સમયના ભાગલા પાડતો નથી. ‘આ મારો, આ તારો’ કહેતો નથી.
  • પ્રેમ અન્યમાં પ્રવેશી તેની સાથે પોતામાં પાછા ફરવાનું પ્રયાણ છે.
  • પ્રેમ એ ‘ગઝલ’ છે, પણ કેટલાક એને ‘કવ્વાલીનો મુકાબલો’ બનાવી દે છે.
  • એકાંતને જીભ નથી હોતી એટલે તે પ્રેમનું સાક્ષી બને છે!
  • પ્રેમ માટે તો પદરવ જ કૉલબેલ બની જાય છે.
  • પ્રેમ કોઈ માટે આરોહણ તો કોઈ માટે ગંગા જેવું અવતરણ!
  • વીંટીઓનો સ્ટોક કરનાર ઝવેરીને બીજાઓના પ્રેમમાં વિશ્વાસ હોય છે.
  • માણસ યુગો યુગોથી પ્રેમમાર્ગ પર ચાલે છે છતાં તે સેકન્ડહેન્ડ થતો નથી.
  • પ્રેમ એ પરણેલાઓનો ઉજ્જવળ, સોનેરી ભૂતકાળ હોય છે.
  • પ્રેમમાં વક્તા વારાફરતી બોલે છે, પરણ્યા પછી એક સાથે!
  • પ્રેમ લહેરખી છે, અને ઝંઝાવાત પણ!
  • પ્રેમ એ કોઈ રાગ નહીં, મૂંગો લય હોય છે.
  • પ્રેમમાં અનિદ્રા એ રોગ ગણાતો નથી.
  • પ્રેમ માત્ર પ્રેમથી જ લીલો રહે છે!
  • પ્રેમ અને હિમાલય, કદી પોતાની ઊંચાઈ માપતા નથી.
  • પ્રેમમાં માણસ પોતાને ખોઈને પોતાને પામે છે.
  • પ્રેમને અનુભૂતિ થવા માટે અરવ થવું પડે છે.
  • પ્રેમ આળસુને પણ ઉદ્યમી બનાવે છે!
  • પ્રેમ? હા, એ વિરહમાં ખરેખર હોય છે...
  • પ્રેમની ભૂમિ આંખની પાંપણથીયે ખેડાય!
  • ખાનગીમાં એકરાર અને જાહેરમાં ઇનકાર પ્રેમીઓ જ કરે.
  • પ્રેમીને રાતે પણ, દીવા વગર પણ અજવાળું દેખાય!
  • અજાણ્યાં સ્થાનો જ પ્રેમીઓમાં જાણીતાં હોય છે.
  • પ્રેમ એવી આશા છે, જેના પર જીવી જવાય છે.
  • પ્રેમ આંખ બંધ કરે છે અને આંખ ખોલે પણ છે!
  • પ્રેમમાં નિષ્ફળ થયા પછી સાધુ થવા માટે દીક્ષા લેવી પડતી નથી!
  • સભ્ય માણસ પ્રેમમાં પડ્યા વિના પાગલ થઈ શકતો નથી.
  • નિરક્ષર પણ અઢી અક્ષર તો ભણે જ છે.
  • પ્રેમ છૂટાપણું આપીને બાંધી રાખે છે.
  • પ્રેમ અને વરસાદી વહેણ પોતે જ પોતાનો માર્ગ કરી લ્યે છે...
  • પ્રેમ એક મધુર અજંપો છે.
  • પ્રેમ કરતાં દામ્પત્ય વધારે સહિષ્ણુ હોય છે.