સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 05:06, 25 May 2024

‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે. આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે. એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે. ૦ સંપાદન-ભાત(પૅટર્ન)ની એકવાક્યતા માટે સંપાદિત ઈ-ગ્રંથનું પરિરૂપ આ મુજબ નક્કી કરેલું છે. વ્યાપકપણે એ દરેક સંપાદનને ઘાટ આપશે : ૧. સંપાદકીય નોંધ, ૨. વિવેચકના સર્વ ગ્રંથોનાં નામનિર્દેશોને સમાવતો કર્તા-પરિચય, ૩. વિવેચકનાં કાર્ય-પ્રદાન અંગે સંપાદકનો અભ્યાસલેખ, ૪.મુખ્ય સામગ્રી (ટૅક્સ્ટ). એમાં તે તે વિવેચકનાં વિવેચન-લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ ઉત્તમ ને ખ્યાતનું ચયન. પસંદ કરેલા લેખો સળંગ નહીં, પણ વિભાગવાર રજૂ કરેલા હશે. જેમ કે, (૧)સાહિત્યચર્ચા/તત્ત્વવિચાર/સાહિત્યસ્વરૂપવિચારના લેખો, (૨)ગ્રંથકારોના પ્રદાન વિશેના, ઐતિહાસિક પ્રવાહો(યુગના, સાહિત્યસ્વરૂપ-વિકાસના, વગેરે), (૩) ગ્રંથવિવેચન/ગ્રંથસમીક્ષાના લેખો. આ વ્યાપક વિભાજન છે, વિવેચકના કાર્યમુજબ એમાં, અનિવાર્ય હોય એવાં ઉમેરણ-ફેરફારને અવકાશ રહેશે. દરેક લેખને અંતે એના સ્રોતનો(પ્રકાશનવર્ષ સાથે) નિર્દેશ અવશ્યપણે હશે. ૫. વિવેચકનાં સમીક્ષા-મૂલ્યાંકન અને સર્વાંગી અભ્યાસ (થયો હોય તો, એ) અંગેના સંદર્ભગ્રંથ/લેખોની શાસ્ત્રીય પદ્ધતિની સંદર્ભસૂચિ.

શ્રેણીસંપાદકો આ સંપાદિત ગ્રંથોનું  પરામર્શન કરશે.

– રમણ સોની જયેશ ભોગાયતા : શ્રેણી-સંપાદકો