નવલરામ પંડ્યા/કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો : કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 05:36, 25 May 2024

સાહિત્યવિચાર અને ભાષાવિચાર


કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો

(આ વિચારો નિબંધરૂપ નથી અથવા એ લખવાનો ઉદ્દેશ પ્રગટ કરવાનો લેશ માત્ર નથી. પણ ઘણી વખત ઘણાએક વિષય ઉપર અને મુખ્યત્વે કાવ્યશાસ્ત્ર સંબંધી સારા વિચારો સૂઝે છે તેને નોંધી રાખવાને અર્થે અહીંયાં લખી રાખવાનો વિચાર કીધો છે. - ન.)

૧. કવિતા

માયા અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા. તત્ત્વજ્ઞાનીને આ વ્યાખ્યા ઉપરથી કવિતાનો જ સહજ વિચાર આવી શકશે પણ જે લોકો મારા શબ્દનો સંપૂર્ણ અર્થ સમજતા નથી તેને કવિતા વિશે વિશેષ જ્ઞાન થવાનું નથી. એ સિદ્ધાંતનું બરાબર સ્પષ્ટીકરણ તો આ જગોએ થવું એ અશક્ય જ છે તથાપિ કંઈક સમજૂતી નીચે આપી છે. નાના પ્રકારની વનસ્પતિ, પ્રાણીઓ, અને વિચિત્ર પદાર્થો જોઈએ છીએ તે જ માયા અથવા કુદરત નથી – તેઓ માયામાં અથવા માયા વડે રહેલી છે એ વાત ખરી. જે એક વસ્તુ વડે આ સંસાર ચાલ્યો જાય છે, જે એક વસ્તુ જ ખોખરી કર્તાહર્તા છે, અને જે એક વસ્તુના નચાવ્યા આપણે નાચીએ છીએ, તે એક વસ્તુ તે માયા અથવા કુદરત. કુદરતનો મૂળ અર્થ યુક્તિ, કળા, તદબીર એવો ફારસીમાં થાય છે. એ અર્થ હમેશાં નજરમાં રાખવો. સુષ્ટિને આરંભે સૃષ્ટિ ચલાવવાને માટે જે ધોરણ, જે ગોઠવણ, જે યુક્તિ કરી મૂકી છે, અને જે ગોઠવણ પ્રમાણે આ સંસાર ચાલ્યો જાય છે તે ગોઠવણનું નામ તે કુદરત (Scheme of Providence) એવો અર્થ કરીએ તો થાય, અને એ અર્થથી (nature) કરતાં વધારે સ્પષ્ટ જ્ઞાન થાય છે. માયાનો અર્થ એવો જ છે, પરંતુ તેમાં વેદાંત શાસ્ત્રના મતને અનુસરતાં કેટલાંક વિશેષણો(જૂઠી, ઠગનારી)નો એમાં સમાવેશ થયેલો છે, એ વિશેષાર્થ લેવાની કાવ્યશાસ્ત્રમાં કાંઈ જરૂર નથી – કદાપિ વૈરાગાદિક વિષયની કવિતાનો વિચાર કરતી વખત જરૂર પડે તો પડે. ધર્મની ફિલસૂફીના સિદ્ધાંતો સાથે કાવ્યશાસ્ત્ર ઘણો સંબંધ રાખતું નથી, તોપણ કેટલોક તો તેઓનો પાયો સામાન્ય જ છે. સૃષ્ટિ અસંખ્યાત વસ્તુઓથી તરવરી રહેલી છે, અને કાર્યકારણની અનંત સાંકળો અણહદ મેદાનમાં નાના પ્રકારે પથરાયેલી માલમ પડે છે. તોપણ તે સઘળા બનાવોમાં કુદરતના નિયમ અચળ છે – એટલે એકના એક જ છે, એમ માનવું જ જોઈએ. Laws of nature are immutable એ hypothesis – સઘળાં શાસ્ત્રોનો જ પાયો છે એટલે કાવ્યશાસ્ત્ર પણ એ વિના કેમ રચી શકાય? બીજું એ સઘળા બનાવોમાં એકત્ર એક એકને અનુસરતા છે. એ નિયમોમાં જાણે જીવ હોય તે એકેકની સલાહ લઈને એક મતે કામ કરતા હોય એમ માનવું પણ કંઈક જરૂરનું છે. અથવા જરૂરનું નહિ તો પણ એમ માન્યાથી કવિતા એટલે શું એનો વિચાર આપણા મનમાં વધારે સ્પષ્ટ રીતે આવે છે. આપણામાં પુરાણિક કથા એવી ચાલે છે કે એક સમયે સૃષ્ટિ ભગવાનને મહાદેવજીએ કહ્યું કે “મહારાજ જગતમાં તમારી માયા અજિત કહેવાય છે તે તે કેવી હશે; તેનું મને દર્શન કરાવો.” ભગવાને કહ્યું, એના દર્શનથી તમે કંઈ સાર કહાડવાના નથી. માટે વાત જવા દો. તે છતાં જ્યારે ઘણો આગ્રહ કર્યા કીધો ત્યારે પોતાનું મોહની સ્વરૂપ ધારણ કરી તે જોગીરાજને મોહિત કરી નાખીને પોતાની પછાડી વાડીમાં નિર્લજ્જ રીતે દોડાવ્યા અને પછી પોતાનું વિષ્ણુ રૂપ પ્રગટ કરી શરમીંદા પાડી નાખ્યા. એ માયાનું એક ઘણું સામાન્ય રૂપ છે. જે માયા વડે સંસાર અહોર્નિશ ઉદ્યમમાં મચી રહ્યો છે, અને હજારો ઠોકર ખાધા છતાં પણ આશાપે પકડવાને આગળ કહ્યા જ કહે છે, તે માયાને મોહિની સ્વરૂપનું ઉપનામ નહિ આપીએ પછી આ જગતમાં કોને આપવાના હતા? આ ઉપમામાં તો ઉપમેય કરતાં ઉપમાન ઊતરતું છે. કંઈ સ્ત્રી એટલો બધો અને એટલી વાર ટકે એવો મોહ ઉત્પન્ન થાય છે. હું તો માયાની મૂર્તિ સ્ત્રીને માનું છું પણ સ્ત્રીની મૂર્તિ કંઈ માયા નથી. જેણે માયાનું મોહિની સ્વરૂપ પ્રથમ કહ્યું તેની રસિક પંડિતાઈને ધન્ય છે. કયા પશ્ચિમ તરફના કવિએ આવું સુંદર રૂપક પ્રગટ કર્યું છે? પણ માયાનાં તો અનેક રૂપ છે. પાર્વતીની શાંત અને નિર્મળ કાંતિના જેવું પણ માયાનું એક તરફથી દર્શન થાય છે તેમજ બીજી બાજુથી વિકરાળ કાળિકાનું રૂપ પણ આપણી નજરે પડે છે. મંમાયાનું સ્વરૂપ એ બંનેને મળતું અને એ બંનેથી કાંઈક જુદું છે. એ જુદાં જુદાં સ્વરૂપોને કાવ્યશાસ્ત્રમાં રસ કહે છે. મોહિની સ્વરૂપ તે શૃંગાર રસ અથવા કૈશિકી વૃત્ત (the Beautiful), મંમાયા તે (Sublime) અને મહાકાળી તે (Horrible). નવે રસની ઉત્પત્તિ અને વીગત આગળ કોઈ દહાડો લખવામાં આવશે. મનમાં એ સંબંધી વિચાર છે પણ હાલ વિષયમાં તૂટક પડે માટે બંધ રાખું છું. સાધારણ વાંચનારને માયા એટલે શું, અને તેનું સ્વરૂપ એટલે શું એ ઉપલા લખાણથી સમજાશે એમ હું આશા રાખું છું. હવે એ સ્વરૂપનું ચિત્ર તે કવિતા એમ મેં ઉપર કહ્યું છે તે જગો ઉપર ચિત્રનો અર્થ એટલો જ કે તે સ્વરૂપનું બીજાને માન કરાવવાનું સાધન – પછી તે સાધન ગમે તે પ્રકારથી હો. રાગથી ઘણી વાર એવા એકાદા સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને ચિતારાની કલમ પણ એમ કરવાને શક્તિમાન છે, તેમજ દુનિયા જેને કવિ કહે છે તેની વાણીથી પણ એમ થાય છે. માટે ત્રણે કળાથી કવિતા ઉત્પન્ન થાય છે. એ જગા ઉપર રસ શબ્દ વાપર્યો હોત તો સારું થાત. હું જાણું છું કે (Poetry)નો ભાવાર્થ રસથી વધારે સારો સમજાય છે. હવે વિચાર કરતાં ઉપલી વ્યાખ્યામાં ઘણા દોષ માલમ પડે છે. એ રસની વ્યાખ્યા તો છે એમ કહેવાય નહિ. એ વ્યાખ્યામાં કવિતાનો અર્થ (Poem) એમ કહીએ તો જ અર્થ બેસે. હું જાણું છું કે સ્વરૂપ તે જ કવિતા અથવા રસ. “આ પુસ્તકમાં રસ નથી” એટલે કુદરતનું સ્વરૂપ દેખાતું નથી. પણ ત્યારે (Imitation)નો ભાસ જતો રહે છે. એ બાબત ફરી વિચાર કોઈ વખત કરવો જોઈએ. હું ધારું છું કે કુદરતનું સ્વરૂપ કવિતા, સ્વરૂપનું ચિત્ર તે કાવ્ય, અને ચીતરનાર તે કવિ. આ અર્થમાં ચિતારો અને ગવૈયો પણ કવિ. એ માયા કોણ છે, કોની સ્ત્રી અથવા કોની પુત્રી છે, એ બાબતની પડપૂછ કરવાનું કામ કવિનું અથવા કાવ્યશાસ્ત્રીનું નથી. એ તત્ત્વવેત્તાનો વિષય છે. એ સંબંધ જાણ્યાથી જો માયાના સ્વરૂપમાં કંઈ ફેર માલમ પડે તો તે ફેર બતાવવાનું કામ કવિનું છે ખરું. એ ફેર સાથે ચિત્ર પાડ્યું એટલે ઊંચામાં ઊંચું કાવ્ય થઈ ચૂક્યું, અને એ સમયે સૌંદર્યદર્શી (કવિ) અને તત્ત્વ દર્શી એકરૂપ થઈ ગયા.

તા. ૧૫-૪-૬૭