ઇદમ્ સર્વમ્/વર્ષા અને એકાન્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વર્ષા અને એકાન્ત| સુરેશ જોષી}} {{Poem2Open}} બારીમાંથી જોઉં છું : બહ...")
 
(No difference)

Latest revision as of 10:57, 7 July 2021


વર્ષા અને એકાન્ત

સુરેશ જોષી

બારીમાંથી જોઉં છું : બહાર વરસાદની ધારા અને પવનની લહેરના તાણાવાણાની શરબતી મલમલ વણાતી જાય છે, તૃણાંકુરનું કૂણા લીલા રંગનું આસ્તરણ બધે પથરાઈ ગયું છે. વૃક્ષોની ડાળીઓ અને થડ પાણી પચાવીને કાળાં પડી ગયાં છે. પાણીનાં ટીપાં એકસરખું બોલ બોલ કર્યા કરે છે, વીજળીના તાર પર પકડદાવ જામે છે, એક હડસેલો મારીને બીજાને નીચે ગબડાવી મૂકે છે. હવે સભાઓ અને ભાષણો ઓછાં થશે, નેતાઓને જરા જંપ વળશે. હા, ચાતુર્માસમાં હવે તો પરદેશગમન પાપ ગણાતું નથી, એટલે ચાતુર્માસ પરદેશ ગાળી શકાય.

છાપાંઓમાં છબિ સહિત વર્ષાનાં વધામણાં થયાં. એક સાહિત્યને રંગે રંગાયેલા છાપાએ તો લખી પણ નાખ્યું : ‘વર્ષાનું મસ્ત જોબન હેલે ચઢ્યું.’ અલબત્ત, સાથેની છબિ જોતાં એવું કશું લાગતું નથી. ઊડી ગયેલા છાપરામાંથી બહાર ધકેલાઈ ગયેલા સદાના નિરાશ્રિત ગરીબ કુટુમ્બને બતાવ્યું છે ને બીજી છબિ શહેરના લોકોને કાદવવાળાં ને ઊભરાતી ગટરનાં ગંદા પાણી ડહોળતા જતા બતાવ્યા છે. શહેરના જીવને વર્ષાના ઉન્મત્ત યૌવનનો બીજો શો ખ્યાલ આવી શકે?

કાલિદાસના એ આષાઢનો પ્રથમ દિવસ, વપ્રક્રીડામાં મત્ત ગજ જેવો મેઘાશ્લિષ્ટ સાનુમાન પર્વત – ક્યાં ગઈ એ સૃષ્ટિ? મુંબઈની બે લાખની વસતિ ગંધાતી ગટર અને કતલખાનાની પાસે કાટ ખાઈ ગયેલાં પતરાંનાં છાપરાં નીચે વસે છે. સૂસવાતો પવન ને મુંબઈનો મુશળધાર વરસાદ – એની સામે આ વસતિને શું રક્ષણ મળી શકે? આ બધું તો આપણા દેશને કોઠે પડી ગયું છે એટલે જો વર્ષાના ઉન્મત્ત જોબનને ભૂલીને એને યાદ કરાવીએ તો એ લાગણીવેડા ગણાય! બારીના કાચ પર ટીપાં બાઝ્યાં છે, એ અશ્રુઝાંખી આંખ જેવી થઈ ગઈ છે. બહારની પ્રકૃતિનો ઉન્મત્ત લય આપણા લોહીના લયને પણ બદલી નાંખે છે. ઝંઝાવાતમાં જ એકબીજાને મળી શકતી શાખાઓનું મિલન યોજાય છે. વરસ્યે જતા વરસાદની ધારાની અજસ્રતાનો સૂર એક સરખો ભજ્યા કરે છે. વેદની ઋચાનો પાઠ કરતા બ્રાહ્મણોની જેમ દેડકાઓ એકસરખું બોલ્યા કરે છે, નાનાં નાનાં ખાબોચિયાંમાં આકાશ નહાવા ઊતરે છે, એની મટમેલી કાયા એમાં દેખાય છે.

આવા ઘેરાયેલા આકાશમાં વાદળનું પડ પાતળું થાય ત્યારે એની ઓથેથી ચન્દ્ર દેખાય, જાણે શકુન્તલાની આંગળીએથી સરી પડેલી વીંટી, ફટકડીના ટુકડા જેવો ચન્દ્ર એકદમ આપણું ધ્યાન ખેંચતો નથી. પણ રાતે ક્લોરોફોર્મના જ પાસાદાર સ્ફટિકના જેવો લાગતો ચન્દ્ર વર્ષાની ભીનાશ સાથે એનું ઘેન ઉમેરી દે છે. વિરહિણી સિવાય આવી રાતે કોણ જાગે?

વર્ષા અનેક પ્રકારના અવાજ લઈ આવે છે, પણ સાથે સાથે અનોખું એકાન્ત પણ લઈ આવે છે. ધૂંધળી બનેલી ક્ષિતિજને છેડે આપણી દૃષ્ટિ કોને શોધવા દોડે છે? જે સાવ નિકટ છે તેની ને આપણી વચ્ચે પણ જાણે આંસુની બિલોરી દીવાલ ઊભી થઈ જાય છે. ભીરુ હૃદયના તડફડાટ જેવી વીજળી ચમકે છે, પવન વૃક્ષે વૃક્ષે ઝૂલે છે ને પ્રકૃતિના આદિમ સૂર જોડે પ્રાસ મેળવતો જાય છે.

વર્ષાએ રચેલા એકાન્તમાં આપણે કેવા એકાકી બની જઈએ છીએ? પાસે બેસીને જ કોઈ બોલે છે, પણ એના શબ્દો વર્ષાની અવિરત વૃષ્ટિધારાના શબ્દમાં ઢંકાઈ જાય છે. કશાનો સળંગ અન્વય એ ઋતુ રહેવા દેતી નથી. આ ઋતુમાં ગોકળગાય એની લાંબી યાત્રા આરંભે છે. ઇન્દ્રગોપ અલૂણાનું વ્રત કરતી ગૌરીની મેંદીની ભાતવાળી હથેળીમાં રાતા કિનખાબની જેમ શોભી રહે છે. કીટસૃષ્ટિમાં વસતિ વધી જાય છે. પાંખો મળે, ન મળે ત્યાં ખરી પડે છે. બગલા અત્યન્ત કાર્યરત છે. ભેંસની આ પ્રિય ઋતુ છે. મધ્યાહ્ને કોઈ ખંડમાં મહાભારત વંચાઈ રહ્યું છે. વ્યાસ ભગવાનની વાણી વરસતા વરસાદની ધારામાં ભળી જાય છે.