કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/વ્રજ વેરાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:35, 1 June 2024


૩. વ્રજ વેરાન

જોજનલાંબો સૂનકાર ને વનરાવન વેરાન,
વાદળછાયું મૌન ધરાનું અકળવિકળ અવધાન.
પુષ્પ ખીલ્યાં પણ પર્ણ ઉદાસી ઢળી પડેલાં પડખે,
પોતાના ખરતા પીંછાને પંખી પડતું નીરખે.
ઊડી ગયેલો પરાગ, અમિયલ સપન ક્યાંય ના ફરકે,
એકલતાની પાંપણ પર એ આંસુ બનતું સરકે.
પ્રીતવછોયાં વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે,
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે.
તરસ્યાં તરણાં સૂર વિના, આંતરડી સહુની બળતી,
આવનારની દિશા આખરે ખાલી નભમાં ભળતી.
ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં,
વ્યાકુળ મૂંગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં.
કોક કામળી, કોક બંસરી, કોક અધૂરું ગાન...
બધું ગયું વીસરાઈ, એકલું ટકી ગયું વેરાન.
૧૯૬૫

(તમસા, પૃ. ૧૬)