હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:54, 3 June 2024


કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે


કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે
એ બોલે તો એની સાથે આખ્ખી ક્યારી બોલે

હમણાં આંખો ઝીલે ઝીલે હમણાં રૂંવેરૂંવું
હમણાં સરવર હમણાં એ ઝરમરની બાની બોલે

એનું બોલ્યું સઘળું માની લેવાને મન તત્પર
વૈશાખી બપ્પોરે બિલકુલ એ વરસાદી બોલે

એક વેળા એ બોલે તો બસ બીજું શું સાંભળવું
બસ એવું રગરગમાં ધબકે તો એ અબ્બી બોલે

જોકે એની ભાષા ફોરમ એની બોલી રંગો
મારી સાથે બોલે ત્યારે એ ગુજરાતી બોલે