હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જીદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:48, 3 June 2024


જીદ


એણે જીદ પકડી હતી

લઈ શકાય એટલા ઊંડા શ્વાસ લઈ લઈને
વાળી શકાય એટલા જોરથી મુઠ્ઠી વાળી વાળીને
હોઠ ભીડીને
દાંત ભીંસીને
એણે જીદ પકડી હતી
કે એને ચાંદ જોઈએ

ન ખરતા તારા ન પૂછડિયા તારા
ન તારલિયો ન તારલિયા
ન નક્ષત્ર ન નક્ષત્રમાળા
ન આકાશ ન આકાશગંગા
એની જીદ તો બસ એક જ
એની જીદ તો બસ એકની એકની એક જ
કે એને ચાંદ જોઈએ

કથ્થાઈ પૂઠું ગોળાકારે કાપીકૂપીને
એની પર રૂપેરી વરક બરોબર અડોઅડ ચડાવી ચોંટાડીને
એમાં ઉપસાવાય એટલી ચાંદરેખ ઉપસાવી ઉપસાવીને
એને ચડાવાય એટલો ચાંદરંગ ચડાવી ચડાવીને
ચકર ચકર બાંધી દીધું એની ઉપર
એલ્યુમિનિયમનું પતરું જોઈતું કારવાનું કાપીકૂપીકાપીને
પરથી નીચેથી હરતેથી ફરતેથી ઘસી ઘસીને
ચળક ચળક ચળકાવી દીધું
એના હાથમાં પકડાવી દીધું
ઝગમગ ઝગમગ ઝગમગતો બલ્બ

દૂધાળો પ્રકાશ રેલાવતો રેલમછેલાવતો બલ્બ
મામાનું ઘર કેટલે બલ્બ બળે એટલે કહી કહીને
લાંબા તારા લટકાવી દીધો એની પાસે
કાળી કથરોટમાં નિર્મળ જળ ભરી ભરીને
ચાંદનું પ્રતિબિમ્બ એમાં ઝીલાવી દીધું
કથરોટને થોડી થોડેરી હલાવી હલમલાવીને
એની આંખ સામે ઝૂલા જેવું ઝૂલાવી દીધું

છારછાયા ખાબોચિયામાં દેખાય એવો એને ચાંદ દેખાય
દેખાય, મટિયાળા વીરડામાં દેખાય એવો
દેખાય, કચરાળા હવાડામાં દેખાય એવો
દેખાય, રજીયાળી વાવડીમાં દેખાય એવો

થતું હોય તો લીંબુ નાળિયેર છો નપાણિયું થાય, થઈ જાય
સડતું હોય તો કૂણું કોપરું છો સડે, સડી જાય
સૂકાતી હોય તો લૂમઝૂમ નારિયેળી છો સૂકાય, સૂકાઈ જાય
સીંદરી વળ છોડે તો એ જીદ છોડે

ચાંદ એના આયખાનો અભરખો
ચાંદ એના જન્મારાનો ઓરતો
ચાંદ એના જીવતરનો કોડ
સોએ સો વાતની વાત, સત્તરવારની સત્તરવાર, એકની એક જ
કે એને ચાંદ જોઈએ

એણે જીદ પકડી છે.