ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/જયંત હિંમતલાલ પાઠક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 05:43, 9 June 2024


જયંત હિંમતલાલ પાઠક

[૨૦-૧૦-૧૯૨૦]

કવિ શ્રી જયન્ત પાઠકનો જન્મ તેમના વતન રાજગઢ (પંચમહાલ)માં, ઈ.૧૯૨૦ના ઑકટોબરની ૨૦ મી તારીખે થયો હતો. જ્ઞાતિએ તેઓ શ્રીગૌડ બ્રાહ્મણ છે. પિતાનું નામ હિંમતલાલ પાઠક અને માતાનું ઇચ્છાબા. એમનાં લગ્ન ઈ. ૧૯૪૫માં ધનલક્ષ્મીબહેન સાથે થયાં હતાં. રાજગઢની પ્રાથમિક શાળામાં ચાર ધોરણ સુધી પ્રાથમિક કેળવણી લઈને તેઓ પંચમહાલ જિલ્લાના કાલોલની એમ. જી. એસ. હાઈસ્કૂલમાં દાખલ થયા, અને ત્યાં માધ્યમિક શિક્ષણ (૧૯૩૦-૩૮): લીધું. વડોદરા કૉલેજમાંથી ઈ.સ. ૧૯૪૫માં બીજા વર્ગમાં, મુંબઈ યુનિવર્સિટીની એમ. એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ૧૯૬૦માં, એમ. ટી. બી. કૉલેજ સૂરતમાંથી ગુજરાત યુનિવર્સિટીની પીએચ. ડી.ની પદવી મેળવી. સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં તેઓ ઘણાં વર્ષોથી ગુજરાતી વિષયનું અધ્યાપન કરે છે. હાલ ત્યાંના ચૂનીલાલ ગાંધી વિદ્યાભવનના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવે છે. તેઓ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિતા વાંચતા અને એમાંથી લખવાનું મન થતાં કાવ્યલેખન તરફ વળ્યા. આરંભમાં ત્રીશીના કવિઓની કવિતાએ તેમ જ શ્રી રમણ પાઠક, શ્રી 'ઉશનસ્' જેવા સ્વજનો ને મિત્રોની લેખનપ્રવૃત્તિએ અને પાછળથી સર્વશ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, બચુભાઈ રાવત, વિજયરાય વૈદ્ય અને ઉમાશંકર જોશી આદિનાં પ્રોત્સાહ અને પ્રેરણાએ એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શેક્સપિયર અને ટાગોર એ બે વિશ્વકવિઓએ એમને કલાદૃષ્ટિ આપીને, તો ગુરુ પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ જીવનના સંદર્ભમાં કલાઓને જોવા મૂલવવાની દૃષ્ટિ આપીને એમના જીવન પર પ્રબળ અસર કરી છે. સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ રસ લે છે. લેખનપ્રવૃત્તિ દ્વારા જીવનદર્શન, કલાપ્રવૃત્તિ દ્વારા સૌન્દર્ય અને આનંદનો અનુભવ એ એમની સર્જનપ્રવૃત્તિનો ઉદ્દેશ છે. માનવહૃદય, સંસ્કૃતિ અને પ્રકૃતિનું, સૌન્દર્યના પરિવેશમાં શેક્સપિયર, કાલિદાસ અને ટાગોર દ્વારા દર્શન મળતું હોવાથી એ એમના પ્રિય લેખકો છે. કલા અને જીવન એકસાથે જેમાં માણવા-જાણવાનાં મળે તેવી કૃતિઓ એમને પ્રિય છે. કાવ્ય, સાહિત્યને સર્વોચ્ચ પ્રકાર હોવાથી અને આપણી સંવિત્ને સીધો સ્પર્શી સૌન્દર્યના અનુભવ દ્વારા તેને વિકસિત ને ઉન્નત કરતો હોવાથી, એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. પંચમહાલના ડુંગરાળ અને વનશ્રીથી સમૃદ્ધ પ્રદેશના સંસ્કાર બાળપણથી જ એમના ચિત્ત પર પડ્યા છે. પ્રકૃતિમાંથી સંસ્કૃતિમાં આવતાં જીવનમાં એમને વિવિધ અનુભવો પણ થયા છે. પરિણામે પ્રકૃતિ અને માનવહૃદય-એમના મનગમતા લેખનવિષયો છે. કવિશ્રી પાઠકનો પ્રથમ કાવ્યસંગ્રહ 'મર્મર' ઈ. ૧૯૫૪માં પ્રગટ થયો અને ૧૯૫૭માં એની બીજી આવૃત્તિ થઈ. એ પછી એમના સંકેત' અને 'વિસ્મય' એ કાવ્યસંગ્રહો પણ પ્રકાશિત થયા છે. આરંભથી જ શ્રી પાઠકે એમની ચારુ ગીતરચતાઓથી સારું ધ્યાન ખેંચ્યું હતું. પ્રકૃતિલીલાને નિરૂપતાં ઋતુકાવ્યો અને રેવાદૃશ્યો, ગૃહપ્રેમના વિવિધ ભાવો ગાતાં અને પ્રણયાનુભવથી વિવિધ સ્થિતિઓ આલેખતાં એમનાં પ્રણયકાવ્યો, દેશદર્શનને, સમકાલીન ઘટનાઓને અને પ્રાર્થનાભાવને વ્યક્ત કરતી તેમ જ અરવિંદાદિને અંજલિ આપતાં ચિંતનમાં સરતી એમની કાવ્યકૃતિઓ અને થોડાંક મુક્તકો-શ્રી પાઠકનો કવિ તરીકેનો અચ્છો પરિચય આપે છે. એમની કાવ્યકૃતિઓમાં રૂપનો આગ્રહ છે તો પ્રયોગોનું કૌશલ પણ છે. લયસભર ગીતરચનાઓ અને સુઘડ છંદોવિધાનવાળાં કાવ્યો આપનાર શ્રી પાઠક નવતર પેઢીના 'નાજુક કવિતા ફોરમ' ફેરાવતા અગ્રણી કવિ છે. કવિને વર્ષની ઉત્તમ કવિતા માટે ૧૯૫૭નો કુમારચન્દ્રક' અને એ. જ વર્ષે 'મર્મર'ને સરકારી પારિતોષિક પ્રાપ્ત થયેલાં. અવારનવાર સ્વાધ્યાયના સુફળ જેવા વિવેચનલેખો લખીને અને ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા-તેનાં પરિબળો ને સિદ્ધિની અભ્યાસયુક્ત વિવેચના ‘આધુનિક કવિતાપ્રવાહ' નામના પુસ્તકમાં પ્રગટ કરીને શ્રી પાઠકે એમનામાંના અભ્યાસી વિવેચકનું પણ આપણને દર્શન કરાવ્યું છે. ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ અને રશિયન લેખક શોલોખોવની નવલકથાનો એમણે મિત્રો સાથે અનુવાદ પણ કર્યો છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ષષ્ટિપૂર્તિ ગ્રંથના તેઓ સહસંપાદક છે. ચાર્લ્સ ડિકન્સની નવલકથા 'ટેઇલ ઓફ ટુ સિટીઝ'નો એમણે તૈયાર કરેલો અનુવાદ પ્રગટ થવામાં છે. કાવ્ય અને કાવ્યવિવેચનનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. શ્રી પાઠક ગુજરાતી સાહિત્ય પરિષદ, નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતીના અધ્યાપક સંઘના સક્રિય સભ્ય છે.

કૃતિઓ
૧. મર્મર : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : પ્રગતિ સાહિત્ય મંદિર, સૂરત.
બીજી આવૃત્તિ : પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : પોપ્યુલર બૂક સ્ટોર, સૂરત.
૨. સંકેત : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૦,
પ્રકાશક : ચેતન પ્રકાશનગૃહ, વડોદરા.
૩. ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ (રમણ પાઠક સાથે) : અનુવાદ, ટૂંકી વાર્તા; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : ચેતન પ્રકાશનગૃહ, વડોદરા.
૪. ધીરે વહે છે દોન (રમણ પાઠક અને સુરેશ જોશી સાથે) : અનુવાદ ('કવાએટ ક્લોઝ ધ દોન'નો અનુવાદ), નવલકથા; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : ચેતન પ્રકાશનગૃહ, વડોદરા.
૫. ઉપાયન (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ષષ્ટિપૂર્તિ ગ્રંથ): સંપાદન (શ્રી વિષ્ણુપ્રસાદનાં પ્રકાશનોમાંથી પસંદગી કરેલ સંપાદન ગ્રંથ), વિવેચન; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ષષ્ટિપૂર્તિ સમિતિ, સૂરત.
૬. આધુનિક કવિતા પ્રવાહ : મૌલિક, વિવેચન: પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સૂરત.
૭. વિસ્મય : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : હરિહર પુસ્તકાલય, સૂરત.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘મર્મર' પ્રવેશક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી; 'અભિરુચિ' (ઉમાશંકર); 'મનીષા’, માર્ચ, ૧૯૫૫; ગુ. સા. સભાની કાર્યવહી ૧૯૫૭.
૨. ‘વિસ્મય'-' સંદેશ' તા. ૧૦-૭-૬૪.
૩. ‘આધુનિક કવિતા પ્રવાહ’–'બુદ્ધિપ્રકાશ', ૧૯૬૪.

સરનામું : ૫૮૭, ધાતીગર મહોલ્લો, નાનપુરા, સૂરત.