ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નિરંજન નરહરિ ભગત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 11:01, 9 June 2024

નિરંજન નરહરિ ભગત

[૧૮-૫-૧૯૨૬]

ગાંધીયુગની કવિતા પછી વિશિષ્ટ કવિતા-વળાંકનાં દર્શન કરાવનાર 'છંદોલય'ના કવિ શ્રી નિરંજન ભગતનો જન્મ ઈ.૧૯૨૬ ના ૧૮મી મેએ અમદાવાદમાં થયો હતો. પિતાનું નામ નરહરિ હરિલાલ ભગત અને માતાનું નામ મેનાબહેન. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાળુપુર શાળા નં. ૧માં, અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાયટરી (દીવાન બલ્લુભાઈ) અને નવચેતન હાઈસ્કૂલમાં લીધેલું. ત્યારબાદ ઈ. ૧૯૪૪-૪૬ દરમ્યાન અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ફર્સ્ટ ઇવર અને ઈન્ટરનું શિક્ષણ લઈ તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને ત્યાંથી ૧૯૪૮માં બી. એ. થયા. વળી પાછા અમદાવાદ આવી, એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કરી, ૧૯૫૦માં એમ. એ. ની પદવી મેળવી. મુખ્ય વિષય અંગ્રેજી. એલ. ડી. કૉલેજમાં જ અંગ્રેજીના અધ્યાપક તરીકેની કારકિર્દી શરૂ કરી, અને હાલ તેઓ સર એલ. એ. શાહ કૉલેજમાં અંગ્રેજીના મુખ્ય અધ્યાપક તરીકે કાર્ય કરે છે. અધ્યાપન એ એમનો મુખ્ય વ્યવસાય છે અને એમની લેખનપ્રવૃત્તિને એ અનુકૂળ પણ છે. ઈ. ૧૯૪૩માં રવીન્દ્રનાથનાં કાવ્યોની પ્રેરણાથી એમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયો, નવચેતન હાઈસ્કૂલના ગુજરાતીના શિક્ષક શ્રી અમૃતલાલ પંડ્યાએ એમની આ પ્રવૃત્તિમાં સદ્ભાવપૂર્વક રસ લીધો, અને એમને પ્રોત્સાહિત કર્યા. ‘પૂર્વાલાપ' અને 'ભણકાર' એ બે કાવ્યસંગ્રહોએ એમને પ્રભાવિત કર્યા છે. કાવ્ય, કદાચ લયને કારણે, એમનો મનગમતો લેખનપ્રકાર છે. એમના સાહિત્યસર્જનમાં પ્રેરકબળ મૈત્રી છે. આ કવિજીવે હમેશાં મૈત્રીભાવને જ ઝંખ્યો છે. એમના કાવ્યસર્જન માટે એમને 'કુમાર ચન્દ્રક' અને 'છંદોલય'ને કેન્દ્રમાં રાખીને એમની કવિતાસિદ્ધિ માટે ‘નર્મદ ચન્દ્રક' (૧૯૬૧) એનાયત કરીને ગુજરાતે એમની કવિતાનું સ્વાગત કર્યું છે. એમને પ્રથમ કાવ્યસંગ્રહ 'છંદોલય', શીર્ષકમાં નાગરી અને કૃતિમાં પરિષ્કૃત ગુજરાતી લિપિ સાથે પ્રગટ થયો ત્યારે, આ ઊર્મિસંપન્ન કવિનાં લયમધુર કાવ્યોએ-છપાઈ અને સત્ત્વ બંને રીતે-કાવ્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. એ પછી ગીતસંગ્રહ 'કિન્નરી' પ્રગટ થયો અને વિશિષ્ટ રૂપના એમના લલિત લયની ફાવટનો પરિચય થયો. ત્યારબાદ 'અલ્પવિરામ' અને ‘૩૩ કાવ્યો' નામે એમના નાનકડા બે કાવ્યસંગ્રહો પણ પ્રગટ થયા છે. ૧૯૫૭માં 'છંદોલય' 'કિન્નરી' અને 'અલ્પવિરામ'માંથી ચૂંટેલાં ૧૯૫૬ સુધીનાં કાવ્યોનો એમનો પ્રતિનિધિ સંગ્રહ 'છંદોલય' પ્રગટ થયો છે. શ્રી ભગત નવતર પેઢીના એક અગ્રણી કવિ છે. શ્રી ટાગોરની કવિતાની અસર તો આરંભકાળનાં એમનાં કાવ્યો પર છે જ, ઉપરાંત પશ્ચિમના સાહિત્યના આ કવિ પ્રખર અભ્યાસી હોઈ, રિલ્કે, બૉદલેર અને એલિયેટ જેવા કવિઓની કવિતાનો પ્રભાવ પણ એમના પર છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'છંદોલય' જ એમની આગવી વિશેષતાઓનાં દર્શન કરાવતો હતો. પ્રહલાદ, રાજેન્દ્ર અને નિરંજનમાં લય તરફનો વિશેષ ઝોક અને શુદ્ધ કવિતા તરફની યાત્રા આપણે નિહાળીએ છીએ. શ્રી નિરંજન, શ્રી ઉશનસે કહ્યું છે તેમ, 'સુન્દરમ્-ઉમાશંકર પછીનો આપણી વિકસમાન ચેતનાનો આલેખ આંકતી નૂતન કવિતાનો મહત્ત્વનો પ્રતિનિધિરૂપ ‘સંગ્રહ' આ૫ણને 'છંદોલય'ની બૃહત્ આવૃત્તિમાં આપે છે. એમાં સજાગ સભાન સર્જકના સર્જનનો આપણને અનુભવ થાય છે. એક સૌન્દર્યરસિયા કવિની સ્વસ્થ, મસ્ત અને વાસ્તવદર્શી પ્રકૃતિનો રસાનુભવ એમનાં કાવ્યો આ૫ણને કરાવી રહે છે. છંદ, પ્રાસ અને લયની સાધના એમાં વરતાય છે. છંદનો લય કાવ્યનું અંતસ્તત્ત્વ બની રહે છે. શ્રી ઉમાશંકરે સાચું જ કહ્યું છે કે ‘છંદોલય એ આ કવિના લોહીનો લય છે.’ શ્રી નિરંજને કેટલાંક મનોરમ, પ્રતીકાત્મક સૉનેટો, ચારુતાપૂર્ણ ગીતો, ચોટવાળાં મુક્તકો અને સુદીર્ઘ ચિન્તનાત્મક કાવ્યો આપ્યાં છે. મુંબઈના વસવાટે કવિ પાસે 'પ્રવાલદ્વીપ' નામે માયાવી મુંબઈ નગરી વિશેનાં કાવ્યોનો સીમાચિહ્નરૂપ કાવ્યગુચ્છ સંપડાવ્યો છે. એમાં નગરસંસ્કૃતિની 'કુરૂપ' અને 'વિરાટ' વ્યથાનું-નગરજીવનનું-કારુણ્ય વર્ણવાયું છે. ‘પાત્રો', 'ગાયત્રી', 'ફાઉન્ટનના બસ સ્ટોપ પર' જેવાં કાવ્યો એની પ્રતીતિ કરાવશે. એમણે પ્રેમનું મંગલ ગાન ગાયું છે, વિફલ પ્રણયની ભાવ-ઊર્મિઓ નિરૂપી છે. યૌવનસુલભ મધુર વિષાદ આલેખ્યો છે, પ્રકૃતિનો છાક વર્ણવ્યો છે. સ્વાતંત્ર્યાદને જાગતું સ્પંદનો ઝીલ્યાં છે અને નગરની આધુનિક અરણ્યસંસ્કૃતિનું પણ દર્શન કરાવ્યું છે. છંદોબદ્ધ કાવ્યો, માત્રાજાતિના છંદવાળા કાવ્યો અને ગીતો – એ ત્રણેમાં, વિશેષ કરીને ગીતોમાં, એમને સારી સફળતા મળી છે. શિખરિણી, પૃથ્વી અને અનુષ્ટુપ ત્રણે પર નિરંજનની આગવી મુદ્રા જોઈ શકાય છે. અભ્યસ્ત ઝૂલણાના પ્રયોગોમાં કવિને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રાસની આ કવિએ વધુ પડતી ચીવટ લીધી છે, તો કેટલાંક તાજગીપૂર્ણ પ્રતીકો પણ એમણે આપ્યાં છે. શ્રી નિરંજન, કવિ ઉપરાંત અભ્યાસી વિવેચક તરીકે પણ સુખ્યાત છે. 'સંસ્કૃતિ' સામયિકમાં પ્રગટ થયેલા એમના ‘સ્પેનિશ કવિતા', 'આધુનિક અમેરિકન કવિતા’, ‘રોબર્ટ ફ્રોસ્ટ', 'મિલ્ટન', 'તરુ દત્તની કવિતા’, 'સરોજિની નાયડુની કવિતા' જેવા અનેક અભ્યાસલેખો ઉપરાંત “ગાંધીજીનું મૃત્યુ અને ગુજરાતી કવિતા', 'સાગર અને શશી', 'કુકાકવાણી' જેવા કેટલાક ગુજરાતી સાહિત્યવિષયક સ્વાધ્યાયો આની પ્રતીતિ કરાવે છે. અધ્યયન અને અધ્યાપનમાં જ રત રહેતા આ કવિ-અભ્યાસીની સર્જનપ્રવૃત્તિ હમણાં હમણાં મંદ પડેલી લાગે છે, અને એમની દૃષ્ટિ -અધ્યાત્મ તરફ વળી હોય એવું જણાય છે.

કૃતિઓ
૧. છંદોલય : મૌલિક, કવિતા; પ્ર. સાલ ૧૯૪૯.
પ્રકાશક : ઈન્દ્રધનુ બુક હાઉસ, અમદાવાદ.
૨. કિન્નરી : મૌલિક, કવિતા; પ્ર. સાલ ૧૯૫૦.
પ્રકાશક : પોતે.
૩. અલ્પવિરામ : મૌલિક, કવિતા; પ્ર. સાલ ૧૯૫૪,
પ્રકાશક : કવિલોક, મુંબઈ.
૪. છંદોલય (સંવર્ધિત આવૃત્તિ) : મૌલિક, કવિતા: પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : વોરા એન્ડ કંપની, મુંબઈ.
૫. ૩૩ કાવ્યો : મૌલિક, કવિતા; પ્ર. સાલ ૧૯૫૭,
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી:
(૧) ‘છંદોલય' માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૪૯-૫૦.
(૨) 'રૂપ અને રસ' ('ઉશનસ્')
(3) ‘કવિલોક'-૧૦ (અનંતરાય રાવળ)
(૪) શ્રી ફાર્બસ ગુજરાતી ત્રૈમાસિક પુ. ૨૮, અં. ૧.
(૫) 'અભિરુચિ' (ઉમાશંકર જોશી)
(૬) 'સંસ્કૃતિ' (માર્ચ, ૧૯૬૩)
(૭) 'આસ્વાદ’ (સુરેશ જોશી)

સરનામું : ટાઉનહૉલ પાછળ, એલિસબ્રિજ, અમદાવાદ-૬.