ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/યશોધર નર્મદાશંકર મહેતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:07, 10 June 2024

યશોધર નર્મદાશંકર મહેતા

[૨૪-૮-૧૯૦૯]

એમનો જન્મ વતન અમદાવાદમાં ઈ.સ. ૧૯૦૮ના ઑગસ્ટની ૨૪મીએ થયો હતો. એમના પિતા ધર્મ-તત્ત્વજ્ઞાનના સમર્થ અભ્યાસી નર્મદાશંકર દેવશંકર મહેતા અને માતા ભાગીરથીબહેન. ઈ.સ. ૧૯૩૭માં શ્રી યશોધરભાઈએ શ્રી વસુમતીબહેન સાથે લગ્ન કર્યું. જ્ઞાતિએ તેઓ સાઠોદરા નાગર ગૃહસ્થ છે શ્રી યશોધરભાઈ મહેતાએ મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની ડિગ્રી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો લઈને મેળવી છે. તેઓ 'બેરિસ્ટર-એટ-લૉ' ૫ણ છે. વ્યવસાયે તેઓ વકીલ છે અને સાથે સાથે કુટુંબની વેપારી પેઢીની દેખરેખ પણ રાખે છે. શ્રી મહેતા ભારત સરકારે નીમેલા ‘ઑફિશિયલ લિંગ્વેજ લેજિસ્લેટિવ કમિશન'ના સભ્ય છે અને ગુજરાત સરકારે નીમેલા ‘મિનિમમ વેઇજ એડવાઈઝરી બોર્ડ’ના અધ્યક્ષ છે. લેખકના જીવન ઉપર શ્રેયસાધક અધિકારી વર્ગના આદ્ય સંસ્થાપક શ્રીમન્નૃસિંહાચાર્યનાં પુસ્તકોની ગાઢ અસર પડી છે. યુરોપમાં ૧૯૩૩થી ૧૯૪૦નાં વર્ષો દરમ્યાન વસવાટ કર્યાંથી એમને લેખનકાર્ય કરવાની લગની લાગી. એમણે લખેલ ‘રણછોડલાલ' રેડિયો નાટકને ઈ.સ. ૧૯૪૬માં પહેલું ઇનામ મળતા, અકસ્માત્ અને અણધારી સફળતાથી પ્રેરાઈ વધુ લખવાનો આરંભ કર્યો. એ જ નાટકને 'કુમાર ચંદ્રક' પણ મળ્યો. ‘રણછોડલાલ અને બીજાં નાટકો' એ એમની પ્રથમ કૃતિ. એનો વિસ્તૃત ઉપોદ્ઘાત પ્રસિદ્ધ સાહિત્યકાર સ્વ. બ. ક. ઠાકોરે લખેલો. યશોધરભાઈએ ૧૯૪૨-૪૩ આસપાસ લખેલ નવલકથા ‘સરી જતી રેતી'નો પહેલો ભાગ ૧૯૫૦માં પ્રગટ કર્યો ત્યારે સાહિત્યજગતમાં ભારે ઊહાપોહ થયેલ. એ કૃતિની ચાર આવૃત્તિઓ થઈ ચૂકી છે. ત્યાર પછી એમની નવલકથા ‘મહારાત્રિ' સારો આવકાર પામી. પછી તે તેમણે ઐતિહાસિક નવલકથાઓ, સંતો-મહાત્માઓનાં જીવનચરિત્રો, રેડિયો- નાટિકાઓ, પ્રવાસ-પુસ્તકો, પ્રેમકથાઓ, જ્યોતિષ, તત્ત્વજ્ઞાન લખીને ઠીક ઠીક લોકપ્રિયતા મેળવી છે. એમની શૈલીનું સૌંદર્ય મુનશી અને બ. ક. ઠાકોર જેવાની પ્રશંસા પામી શક્યું છે. એમને નવલકથા, પ્રવાસવર્ણનો તથા અગમનિગમના લેખો લખવા વિશેષ પ્રિય છે. એમની પ્રકૃતિને કલ્પનાવિલાસ અને પર્યટન અધિક રુચે છે. યશોધરભાઈના પ્રિય લેખકો છે કાલિદાસ અને શેક્સપિયર કારણ, બંનેની કૃતિઓમાં સત્ય અને સૌન્દર્ય તરવરે છે. ઉપનિષદો એમના પ્રિય ગ્રંથ છે. એ વાંચતાં વાંચતાં તેઓ એમાં લીન બની જાય છે. તેમના અંગ્રેજી લેખો તથા રેડિયો વાર્તાલાપો પણ થોડા સમયમાં પ્રગટ થનાર છે. યશેધરભાઈની પ્રિય પ્રવૃત્તિ છે 'અગમનિગમ મંડળ'. આ સંસ્થાના તેઓ પ્રણેતા છે. આ સંસ્થા આધ્યાત્મિક વિચારમંડળ છે. એમની સાહિત્યસેવા રેડિયો નાટિકાઓ, નવલકથાઓ, પ્રવાસપુસ્તકો, સંતો-વિભૂતિઓનાં રેખાચિત્રો અને તત્ત્વજ્ઞાનની હળવી તેમ જ ગંભીર ચર્ચાના લેખોમાં વિસ્તરી છે. સંવિધાનકળાની દૃષ્ટિએ તેમનું નાટક ‘રણછોડલાલ' આપણા નાટ્યસાહિત્યમાં અનોખી ભાત પાડી જાય છે. આખું નાટક ૧૧ ખંડોમાં વહેંચાયેલું છે. એમાં અમદાવાદના આદિઉદ્યોગપતિ શ્રી રણછોડલાલની જીવનકિતાબનાં કેટલાંક વિશિષ્ટ પૃષ્ઠો કલાત્મક રીતે રજૂ થયાં છે. ૧૧ ખંડોને સળંગસૂત્રતા અર્પતું લેખકનું–'પ્રવક્તા'નું મિતાક્ષરી ઉદ્બોધન સૂત્રધારની ગરજ સારે છે. રણછોડલાલના જીવનની સ્થૂલ હકીકતોની પેલી પાર પહોંચીને લેખકે સર્જકના પ્રતિભાનેત્રની સહાયથી એક અખંડ કલાકૃતિનું પહેલે જ તડાકે નિર્માણ કર્યું છે. લેખકની પાત્રાલેખનશક્તિ તેમ જ સંવાદની ચોટદાર ઉક્તિઓ 'રણછોડલાલ'ને આકર્ષક બનાવે છે. ચરિત્રનાટક તરીકે આ અને અન્ય ચાર નાટિકાઓ એકંદરે સફળ થઈ છે. ‘ડેન્માર્કનો મુસાફર', 'બર્નિયર', 'સીદી અલી' અને ‘હ્યુએનસંગ’- તખતાલાયકી અને સાહિત્યતત્ત્વનો સ-રસ સમન્વય એમનાં આ નાટકોમાં સંધાયો છે. ‘સમર્પણ'ના ઐતિહાસિક નાટકમાં સંવાદની કુશળતા અને જહાંગીર-નૂરજહાંની આલેખાયેલી પ્રણયકથા ધ્યાન ખેંચી રહે છે. ‘મંબો જંબો’, ‘ઘેલો બબલ' જેવાં પ્રહસનો એમણે આપ્યાં છે, પણ એમાં હાસ્ય સ્થૂળ છે. એમનાં ચરિત્રાત્મક નાટકો જ વિશેષ યશોદાયી છે ‘સરી જેતી રેતી'માં ડૉ. કલ્યાણ નામનું મુખ્ય પાત્ર અનેક સ્ત્રીઓ સાથે ગાઢ પરિચયમાં આવે છે એનું અભિધામાં રાચતું આલેખન કૃતિની કલાત્મકતામાં વિઘ્નરૂપ બની ગયું છે. તેમ છતાં સ્થૂલ ભોગવિલાસની સૃષ્ટિને સામે કિનારે સૂક્ષ્મ પ્રેમની અપાર્થિવ સૃષ્ટિ તરફ ડૉ. કલ્યાણનો અભિમમ લેખકે બીજા પુસ્તકમાં યોજ્યો છે તે જોતાં એમ લાગે છે કે યશોધરભાઈને ઉદ્દિષ્ટ તો છે માનવીના આંતરજીવનનું યથાર્થ આલેખન. તેમની નવલકથાઓ એમના શિષ્ટ અને સંસ્કારી ગદ્યને લીધે સુવાચ્ય તો બને જ છે. મહારાત્રિ, વહી જતી જેલમ, તુંગભદ્રા, સંધ્યારાગ અને મહમદ ગિઝની જેવી નવલકથાઓ આપી એમણે આપણું સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આમાંની મોટાભાગની નવલકથાઓ ઐતિહાસિક છે. કાશ્મીરના કલ્હણ પંડિતની 'રાજતરંગિણી' કૃતિને સહારે એમણે કાશ્મીરની ઇતિહાસકથાઓ 'વહી જતી જેલમ’ અને ‘તુંગનાથ’ આપી છે. સુરેખ પાત્રાલેખન, રસિક વર્ણનો, એકંદરે નિર્વાહ્ય પ્રસંગોની સંયોજના એમની કૃતિઓને લોકપ્રિય બનાવે છે. ટૂંકમાં, એક નાટ્યકાર, નવલકથાકાર અને પ્રવાસલેખક તરીકે યશોધરભાઈએ આપણા સાહિત્યમાં ગણનાપાત્ર સ્થાન પાપ્ત કર્યું છે એમ નિ:સંકોચ કહી શકાય. એમની નવલકથા 'મહારાત્રિ' હિંદીમાં પણ અનુવાદિત થઈ છે.

કૃતિઓ
૧. રણછોડલાલ અને બીજાં નાટકો : મૌલિક, રેડિયો નાટકો, પ્ર. સાલ ૧૯૪૭. (બે આવૃત્તિઓ)
૨ સરી જતી રેતી (ભાગ ૧–૨) : મૌલિક, નવલકથા: પ્ર. સાલ ૧૯૫૦. (ચાર આવૃત્તિ)
૩. નદીઓ અને નગરો : મૌલિક, રેડિયો વાર્તાલાપ,
૪. મંબો જંબો : મૌલિક, પ્રહસન; પ્ર. સાલ ૧૯૫૧.
૫. ઘેલો બબલ : મૌલિક, પ્રહસન.
૬. મહારાત્રિ : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૪ (ત્રણ આવૃત્તિ), હિંદીમાં પ્રગટ.
૭. સરી જતી કલમ: મૌલિક, હળવા લેખો.
૮. વહી જતી જેલમ: મૌલિક, ઐતિહાસિક નવલ; પ્ર. સાલ ૧૯૫૫..
૯. યશોધારા : મૌલિક, પ્રકીર્ણ લેખો.
૧૦. તુંગનાથ : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૭.
૧૧. શિવસદનનું સ્નેહકારણ: મૌલિક, પ્રકીર્ણ લેખો.
૧૨. સમર્પણ : મૌલિક, રેડિયો નાટકો; પ્ર. સાલ ૧૯૫૮.
૧૩. શ્રીનંદા : મૌલિક, પ્રવાસ; પ્ર. સાલ ૧૯૫૮.
૧૪. ૪૪ રાત્રિઓ : મૌલિક, પ્રવાસ; પ્ર. સાલ ૧૯૬૦.
૧૫. અગમનિગમ : મૌલિક, તત્ત્વજ્ઞાનના લેખો; પ્ર. સાલ ૧૯૬૦.
૧૬. કિમિયાગરો : મૌલિક, જીવનચરિત્રો; પ્ર. સાલ ૧૯૫૪, (૩ આવૃત્તિ).
૧૭. પ્રેમગંગા : મૌલિક, પ્રેમકથાઓ: પ્ર. સાલ ૧૯૫૪. (૩ આવૃત્તિ)
૧૮. રસનંદલ : મૌલિક, યોગની વાતો; પ્ર. સાલ ૧૯૫૪ (૩ આવૃત્તિ)
બધાંના પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૧૯. ભાવિનો ભેદ : મૌલિક, જ્યોતિષ: પ્ર . સાલ ૧૯૫૪. (૨ આવૃત્તિ)
૨૦. ભાવિનાં રહસ્યો : મૌલિક, જ્યોતિષ; પ્ર. સાલ ૧૯૫૯. (૨ આવૃત્તિ)
પ્રકાશક : (બંન્નેના) રામચંદ્ર જાગુષ્ટે, અમદાવાદ.
૨૧. સંખ્યારાગ : મૌલિક, નવલકથા: પ્ર. સાલ ૧૯૬૩.
૨૨. મહમદ ગઝની : મૌલિક, નવલકથા, પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : (બન્નેના) હરિહર પુસ્તકાલય, સૂરત.
અભ્યાસ-સામગ્રી :
૧. ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી ૧૯૪૮-૪૯ ('રણછોડલાલ અને બીજાં નાટકો’ માટે); ૧૯૪૯-૫૦, ૧૯૫૫ (‘સરી જતી રેતી' માટે); ૧૯૫૫ (‘વહી જતી જેલમ' માટે); ૧૯૫૯ (‘સમર્પણ’ અને ‘અગમનિગમ’ માટે).
૨. ‘અભિનેય નાટકો' અને 'ગુજરાતી સાહિત્યની વિકાસરેખા' ભાગ-૨ (ડૉ. ધીરુભાઈ ઠાકર).
૩. ‘સંસ્કૃતિ’ માર્ચ ૧૯૫૮. શ્રી પુરોહિતની ‘વહી જતી જેલમ’ અને ‘તુંગનાથ’ની સમીક્ષા.

સરનામું : શિવસદન, શાહીબાગ, અમદાવાદ-૪.