ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/રંભાબહેન મનમોહન ગાંધી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:21, 10 June 2024

રંભાબહેન મનમોહન ગાંધી

[૨૪-૪-૧૯૧૧]

એમનો જન્મ ઈ.સ. ૧૯૧૧ના એપ્રિલની સત્તાવીસમી તારીખે સૌરાષ્ટ્રના સરવાળ ગામે થયો હતો. એમનું મૂળ વતન વઢવાણ શહેર. એમના પિતાનું નામ શ્રી સુખલાલ છગનલાલ શાહ અને માતાનું નામ શિવબેન. જ્ઞાતિએ તેઓ જૈન વણિક છે. ઈ.સ. ૧૯૨૬માં શ્રી મનમોહનભાઈ ગાંધી સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. શ્રી રંભાબહેને કર્વે યુનિવર્સિટીની જી. એ. ની ઉપાધિ ઈ.સ. ૧૯૩૭માં મેળવી. માનસશાસ્ત્રના વિષયમાં તેમને લોકમાન્ય તિલક ઇનામ મળ્યું હતું. આ બધો અભ્યાસ એમણે લગ્ન કર્યા પછી જ કર્યો હતો. શ્રી રંભાબહેનના રસના વિષયો છે સામાજિક કાર્ય, કેળવણીકાર્ય અને અલબત્ત, ગૃહકાર્ય. રંભાબહેન નાનપણથી જ લખતાં થયાં હતાં. એમના જ શબ્દો ટાંકીએ તો: “નાનપણથી જે કાંઈ જોતી, મિલ, કારખાનાં, ટંકશાળ, ટેલિફોન વગેરે તે ઉપર નિબંધ લખવો જ પડતો. શાળામાં મંત્રી હતી તેથી બાળકો માટે નાનાં નાટકો લખતી. એ નાટકો સારી રીતે ભજવાતાં. કંઈક વિચારો આવતાં લેખો લખતી, જે કલકત્તામાં ‘નવરોજ’ છાપતું. ૧૯૪૨માં મુંબઈ આવ્યા પછી લગભગ ૧૯૪૫થી રેડિયો પર જવાનું શરૂ કર્યું ને નાટકો લખવા માંડ્યાં. શાળા, રેડિયો અને સામાજિક સંસ્થાઓએ મારા લેખનવિકાસમાં ખૂબ ભાગ ભજવ્યો છે. નાનપણમાં નાટક માટે ગાલિયારા પ્રાઈઝ મળ્યુ અને નાટક લખવાની ઇચ્છા પ્રબળ થઈ પછી તો અનેક સરકારી ઇનામ પ્રાપ્ત થયાં." રંભાબહેન અંગ્રેજી, બંગાળી, મરાઠી, હિંદી અને ગુજરાતી જાણે છે. અંગ્રેજીમાં ક્યારેક લખ્યું છે. અન્ય પ્રવૃત્તિઓ કરતાં કરતાં એમની લેખનપ્રવૃત્તિ પણ સહજપણે શરૂ થઈ ગઈ. લેખન દ્વારા સામાજિક સુધારા સિદ્ધ કરવાની, અગર કૃતિ વાંચનાર-જનાર મંગળમાર્ગે જાય તો સારું એવી એમની ભાવના ખરી. વળી નિર્દોષ હાસ્ય, કટાક્ષ એમને ગમે ખરાં. તેઓ માને છે કે કૃતિ જોનાર યા વાંચનારને નીચે ન પાડે એટલું તો તેઓ ધ્યાન રાખે જ છે. લખવામાં એમને ખૂબ જ આનંદ આવે છે. એમના લેખકજીવનનો આરંભ ૧૯૩૫-૩૬થી થયો. શરૂમાં નાનાં નાટકો, લેખો, નિબંધો લખતાં લખતાં નાટકો પર પહોંચ્યાં. શ્રી રંભાબેન અંગ્રેજી, ગુજરાતી, બંગાળી લેખકોનું ઘણું ઘણું લખાણ વાંચે છે; તે દરેકમાંથી તેમને કંઈ ને કંઈ ગમતું તો મળ્યું જ છે. નાટક એમનો મનગમતો લેખનવિષય છે. એમને ખરી મઝા નાટક લખવામાં જ આવે છે. નાટકના સંવાદો, પ્લોટમાં ઘણીવાર તેઓ એવાં તો ઓતપ્રોત થઈ જાય છે કે જાણે લખતી વેળા આખું નાટક એમની મનોભૂમિમાં ભજવાઈ ન રહ્યું હોય! તેઓ હાસ્યરસનાં નાટકો લખતાં આનંદ અને કરુણ નાટકો લખતાં વેદના પણ અનુભવે છે. શ્રી રંભાબેન દરરોજ પાંચ-છ કલાકનું વાંચન નિયમિત કરે છે. વાર્તાઓ, નિબંધો, લેખો, નાટકો વગેરે તેઓ વાંચતાં રહે છે. એમનાં નાટકોમાં સમાજના વ્યવહારો તરફ હળવો પણ માર્મિક કટાક્ષ જોવા મળે છે. રેડિયો દ્વારા એમનાં રજૂ થયેલાં નાટકોએ સારું આકર્ષણ કર્યું હતું. તંદુરસ્ત મનોરંજન પીરસતી એમની કૃતિઓ સૌને પ્રિય બને જ તેમાં શી નવાઈ? ‘મનમોતી ને કાચ' ત્રિઅંકી નાટક અને ‘ભરતી અને ઓટ' એકાંકીઓ તેઓ લખી રહ્યાં છે. એમની નાટ્યકૃતિઓને 'ગલિયારા પ્રાઈઝ' તેમ જ દેના બેંક અને મુંબઈ તથા ગુજરાત સરકાર તરફથી ઇનામો પ્રાપ્ત થયાં છે. એક ઇન્ટરનેશનલ સેમિનારમાં ઈ. ૧૯૫૫માં તેમણે ફ્રાન્સની મુલાકાત લીધી હતી. એમનાં નાટકોનું વસ્તુ મોટેભાગે ગૃહજીવનમાંથી અને એમાંયે નારીજીવનમાંથી લીધેલું હોય છે. સામાજિક અન્યાયો પણ એમાં કેન્દ્રસ્થાને જેવા મળે છે. દલીલભર્યા સંવાદો અને હળવું મનોરંજન પૂરું પાડતાં એમનાં નાટકોમાં તખ્તાલાયકીના અંશો ઠીક ઠીક પ્રમાણમાં હોય છે, પરંતુ સૂક્ષ્મ અંશોની ખિલવણી અલ્પ પ્રમાણમાં દેખાય છે. એકાંકી અને ત્રિઅંકી નાટ્યકૃતિઓ આપનાર રંભાબહેનમાં વિનોદવૃત્તિ પણ સારી પેઠે ખીલેલી છે. એમના પ્રહસનો આપણે ત્યાં ઠીક પ્રચાર પામ્યાં છે. શ્રી રંભાબહેન ભગિની સમાજમાં શિક્ષણસમિતિનાં મંત્રી છે. વર્ષો સુધી મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ પેટાસમિતિમાં કાર્ય કરતાં હતાં અને સ્ત્રીસેવા સંઘ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. પાંચ વર્ષ એમણે ફિલ્મ સેન્સર બોર્ડમાં પણ કાર્ય કર્યું છે.

કૃતિઓ
૧. કોઈને કહેશો નહિ : મૌલિક, એકાંકીઓ; પ્ર. સાલ ૧૯૫૧.
પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.
૨. પ્રણયના રંગ : અનુવાદ, ત્રિઅંકી: પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
3. રોજની રામાયણ : મૌલિક, એકાંકીઓ; પ્ર. સાલ ૧૯૫૩, બીજી આવૃત્તિ ૧૯૫૭.
૪. ચક્રમક : મૌલિક, એકાંકીઓ; પ્ર. સાલ ૧૯૫૪.
૫. પરણું તો એને જ : મૌલિક, એકાંકીઓ: પ્ર. સાલ ૧૯૫૭.
૬. તીર અને તુક્કા : કટાક્ષલેખો; પ્ર. સાલ ૧૯૫૯.
૭. જીવન ઝંઝાવાત : મૌલિક, ત્રિઅંકી; પ્ર. સાલ ૧૯૬૦. નં ૩થી ૭ ના પ્રકાશકો : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
८. પ્રેક્ષક માફ કરે : મૌલિક, એકાંકીઓ; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : વોરા એન્ડ કું., મુંબઈ.
૯. લગ્નગીતો તથા લોકગીતોની ગૂંથણી : સંપાદન; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૧૦. દેવ તેવી પૂજા : મૌલિક, એકાંકીઓ: પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૧૧. સ્વપ્ન કે સત્ય : મૌલિક, એકાંકીઓ; પ્ર. સાલ ૧૯૬૨.
પ્રકાશક : સ્વાતિ પ્રકાશન, મુંબઈ.
૧૨. સંસારસાગરને તીરેથી : મૌલિક, સામાજિક પત્રો (પ્રેસમાં).
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
અભ્યાસ સામગ્રી :
ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી, ૧૯૫૫ (‘તીર અને તુક્કા’ તેમ જ ‘ચકમક’ માટે); ૧૯૫૭ (‘પરણું તો એને જ' માટે); ૧૯૫૮ (‘દેવ તેવી પૂજા' માટે), ૧૯૬૧ (‘પ્રેક્ષક માફ કરે' માટે). ઉપરાંત 'સંદેશ, ‘જન્મભૂમિ,' શિક્ષણ અને સાહિત્ય’માં પ્રગટ થયેલાં અવલોકનો.
સરનામું : ગિરિકુંજ, ૧૧, હ્યુજિસ રોડ, મુંબઈ-૭,

સરનામું : ભાંગવાડી, ૨૭ એફ બ્લોક, કાલબાદેવી રોડ, મુંબઈ-૨.