ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/વેણીભાઈ જમનાદાસ પુરોહિત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:28, 11 June 2024

વેણીભાઈ જમનાદાસ પુરેહિત

[૩૧–૧–૧૯૧૮]

કવિશ્રી વેણીભાઈ પુરોહિતનો જન્મ બે નદીને કાંઠે આવેલા નિસર્ગરમણીય એમના વતન જામખંભાળિયામાં તા. ૩૧-૧-૧૯૧૮ના રોજ થયો હતો. પિતાનું નામ જમનાદાસ અંબારામ પુરોહિત અને માતાનું નામ ગુલાબબહેન. જ્ઞાતિએ તેઓ ગુગળી બ્રાહ્મણ છે. એમનું લગ્ન ઈ.સ. ૧૯૩૯માં રેખાબહેન સાથે થયું હતું શ્રી વેણીભાઈનું બાળપણ મુંબઈમાં વીતેલું એટલે પ્રાથમિક શિક્ષણ પણ મુંબઈની બુદ્ધિવર્ધક મ્યુ. શાળામાં લીધેલુ. કિશાર અવસ્થામાં તેઓ ખંભાળિયામાં રહેલા. ત્યાંની જે. વી. જે. હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. ભૂગોળ, વિજ્ઞાન અને ગણિત તો એમને કડવાં ઝેર જેવાં લાગતાં ! વતનનું ગામ નિસર્ગશોભાવાળું અને વળી સંગીતશોખીન પણ ખરું. સંગીતના જલસા, આખ્યાનયુક્ત સસંગીત વ્યાખ્યાનો અને હરિકીર્તનો ચાલ્યા જ કરતાં હોય-એ સર્વની અસર કવિ વેણીભાઈ પર પડી છે. શાળાના અભ્યાસ દરમ્યાન જ કવિતાલેખનની ચાનક લાગેલી. ગામમાં એકલા બેઠાંબેઠાં લખ્યા કરતા અને લખેલી રચનાઓનો મુક્તમને પાઠ કરવા ગામની બહાર એકાંત સ્થળે ફરવા ચાલ્યા જતા. ‘ઊર્મિ' અને 'કુમાર'ના કાવ્યો એ સમયે એમને માટે માનદંડરૂપ હતાં. શ્રી ઉમેદરાય ભટ્ટની મૈત્રીએ એમની સર્જનપ્રવૃત્તિને સૌ પ્રથમ હુંફ આપી. મેટ્રિકની પરીક્ષાની ચિંતા પણ એક બાજુએ મૂકીને અમદાવાદમાં ભરાતી ગુજરાતી સાહિત્ય પરિષદમાં હાજરી આપવા ઊપડી ગયેલા! પછી તો અભ્યાસ અને કવિતા-બંનેને એક બાજુએ મૂકીને વ્યવહારજીવનની જવાબદારીની ધૂંસરી ઉપાડવા મુંબઈ પહોંચ્યા. બેત્રણ સ્થળે નોકરી અર્થે રહ્યા, પણ વિશ્વવિગ્રહ ફાટી નીકળતાં અમદાવાદ આવી પ્રથમ અમદાવાદના દૈનિક 'પ્રભાત'માં, ભારતી સાહિત્ય સંઘમાં અને પછી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં જોડાયા. ત્યાં માયાળુ મિત્ર શ્રી બાલમુકુન્દ દવેનો પરિચય ગાઢ મૈત્રીમાં પરિણમ્યો. અમદાવાદના નિવાસ દરમ્યાન શ્રી ઉમાશંકર જોશી અને શ્રી રામનારાયણ પાઠક સાથેના સંપર્કે (અને શ્રી ઉમાશંકર દ્વારા શ્રી બળવંતરાય ઠાકોરની ૫ણ એમનાં કાવ્યો વિશેની ઉપયોગી સૂચનાઓએ) એમની કવિતાને પોષણજલ પાયાં છે. ઉપરાંત શ્રી બચુભાઈ રાવતની મમતાળુ છાયા નીચે ચાલતી 'બુધ કવિસભા'નો પણ એમના કાવ્યસર્જનના ઘડતરમાં અતિ મહત્ત્વનો ફાળો છે. રાષ્ટ્રીય આંદોલન પ્રસંગે એમને ઘેર પણ ઈ. ૧૯૪૩માં દરોડો પડેલો અને સાબરમતીમાં દશ મહિનાનો જેલનિવાસ મળેલો. ૧૯૪૨ના સ્વાતંત્ર્ય આંદોલને એમના ચિત્તંત્ર પર અને કાવ્યભાવના પર પણ પ્રબળ અસર કરી છે. 'સસ્તું સાહિત્ય' પછી 'પ્રજાબંધુ' અને 'ગુજરાત સમાચાર'માં શ્રી ચુનીલાલ વ. શાહ પાસે પત્રકારત્વની દીક્ષા પામીને, ઈ. ૧૯૪૯માં તેઓ ‘જન્મભૂમિ' દૈનિક (મુંબઈ)માં દાખલ થયા, અને અત્યારે પણ ત્યાં જ છે. લેખનપ્રવૃત્તિદ્વારા એમનો પ્રયત્ન જીવનને જ પામવાનો છે. કાવ્ય એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. એમનું પ્રથમ કાવ્ય ‘પુરાણો દીવડો' ૧૯૩૬-૩૭ આસપાસ 'કુમાર'માં પ્રગટ થયેલું. એ પછી તો તેમણે 'સિંજારવ' અને 'દીપ્તિ' એ બે કાવ્યસંગ્રહો આપ્યા, ત્રણેક વાર્તાસંગ્રહ આપ્યા, નૃત્યનાટિકાસંગ્રહ, બાળકથાકાવ્યો આપ્યાં અને કેટલાંય વર્ષોથી 'જન્મભૂમિ' દૈનિકમાં નિયમિત રીતે દર અઠવાડિયે 'આખા ભગત'ના તખલ્લુસથી તેઓ રોજિંદી સામાજિક અને રાજકારણીય ઘટનાઓને વણી લઈને હાસ્યકટાક્ષની પદ્યવાણી 'ગોફણગીતા' લખે છે અને એને સારી લોકપ્રિયતા પણ મળી છે. એમના કાવ્યસંગ્રહ 'દીપ્તિ'ને મુંબઈ સરકારનું પારિતોષિક મળ્યું છે. કવિશ્રી વેણીભાઈ એ છંદોબદ્ધ કાવ્યો અને ગીતો-ભજનો બંને લખ્યાં છે, પરંતુ ગીતરચનાઓ અને ભક્તિરસભીનાં ભજનોમાં એમની વિશિષ્ટતા આગળ તરી આવે છે. એમની વાણીમાં રંગભર્યું માધુર્ય અને અર્થની વિશદતા છે. એમની ભજનકૃતિઓના લયમાં પ્રાચીન અધ્યાત્મભાવનાનો રણકાર સંભળાય છે. ગઝલના સાહિત્યપ્રકારમાં પણ એમને સારી ફાવટ છે, અને એમાં વિવિધ ભાવો આકર્ષક રીતે એમણે નિરૂપ્યા છે. એમની બાનીમાં એક પ્રકારની વિશિષ્ટ છટા છે. 'પ્રકૃતિગાન' જેવી સુદીર્ઘ કૃતિ અને ગાંધીજીને પ્રિય થઈ પડેલું એમનું 'વિસામો,' 'કાવડિયો' જેવું ભજન અને 'અખોવન માવડી' જેવું સ્વાતંત્ર્યભાવનાનું કાવ્ય એ શ્રી વેણીભાઈની સુખ્યાત કૃતિઓ છે. એમણે મુક્તકો અને સૉનેટો, કટાક્ષભરી હળવી રચનાઓ, રંગરાગી તેમ જ મર્મભરી ગઝલો, પ્રકૃતિપ્રેમની અને દેશની મુક્તિની, લોકરંજક શૈલીની અને અધ્યાત્મભાવની-એમ અનેક કૃતિઓ આપી છે. આ સર્વમાં પ્રા. શ્રી ઉપેન્દ્રભાઈ પંડ્યાએ કહ્યું છે તેમ 'જીવનની મસ્તી, ઉલ્લાસ ને સ્વતંત્રતાનો ગુલાલ જેમ એમની કવિતામાં એક તરફથી ઊછળી રહે છે તેમ બીજી બાજુથી ભક્તિનો ગેરુઓ રંગ પણ એમની કવિતામાં કોઈ નવી જ સુષમા લાવે છે.' આ 'ગુલાલ' અને 'ગેરુઓ રંગ' ભાવાનુરૂપ પ્રવાહી શૈલીમાં ચોટદાર અભિવ્યક્તિ સાધીને શ્રી વેણીભાઈની કવિમુદ્રાથી અંકિત થઈ જાય છે. શ્રી વેણીભાઈને સાહિત્યસાધના સિવાય બીજા કોઈ કાર્યમાં જીવંત રસ નથી.

કૃતિઓ
૧. સિંજારવ : મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી, મુંબઈ.
૨. દીપ્તિ : મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : વોરા ઍન્ડ કું. મુંબઈ.
૩. અત્તરના દીવા : મૌલિક, વાર્તાસંગ્રહ.
પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ.
૪. સેતુ : મૌલિક, વાર્તાસંગ્રહ.
૫. વાંસનું વન : મૌલિક, વાર્તાસંગ્રહ.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક'‚ એપ્રિલ-જૂન, ૧૯૫૮.
૨. ‘લિરિક અને લગરિક', 'ચંદ્રવદન મહેતા.
૩. ‘રશ્મિ' અંક ૧૪-૧૫, ઈ. ૧૯૫૦-૫૨.
૪. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૫ ('સિંજારવ') માટે.
૫. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૬ (‘દીપ્તિ' માટે).

સરનામું : C/o. ‘જન્મમૂમિ', ઘોઘા સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૧.