ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:37, 11 June 2024
હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી
[૧૭-૧૦-૧૯૧૯]
સુખ્યાત ઇતિહાસજ્ઞ શ્રી હરિપ્રસાદ શાસ્ત્રીનો જન્મ એમના વતન પેટલાદ તાલુકાના મલાતજ ગામે તા. ૧૭-૧૦-૧૯૧૯ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રી ગંગાશંકર વ્રજલાલ શાસ્ત્રી અને માતાનું નામ રુકિમણી. જ્ઞાતિએ તેઓ સાઠોદરા નાગર છે. એમનું લગ્ન ઈ. ૧૯૪૭માં કેળવણીકાર કરુણાશંકર ભટ્ટનાં પુત્રી શ્રીદેવી સાથે થયું હતું. એમણે ૧થી ૬ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મલાતજની સ. ગુ. શાળામાં લીધું હતું અને માધ્યમિક શાળાનાં આરંભનાં ત્રણ વર્ષો (૧૯૩૦- ૩૨) ત્યાંની જ એ. વી. સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, અને પછીથી મેટ્રિક સુધી જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં. એ સમય દરમ્યાન સંસ્કૃત અને ગણિત એમના માનીતા વિષેયો હતા. ૧૯૩૬ માં એ સ્કૂલમાં પ્રથમ આવી મેટ્રિકયુલેશતની પરીક્ષા પસાર કરી અને એને લગતું રાણા પ્રાઈઝ મેળવ્યું. એ પછી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં દાખલ ગઈ ૧૯૪૦માં મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા સંસ્કૃત વિષય સાથે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી. કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન સંસ્કૃત એમનો પ્રિય વિષય હતો, અને કૉલેજ મૅગેઝિનમાં પણ સંસ્કૃતમાં નિબંધ, વાર્તા, નાટક, કાવ્યાદિ લખતા. અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગમાંથી ૧૯૪૨માં એમ. એ. ની પદવી સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે બીજા વર્ગમાં પ્રાપ્ત કરી. એ પરીક્ષામાં વૈકલ્પિક શાસ્ત્ર તરીકે તેમણે અભિલેખવિદ્યા (એપિગ્રાફી)ને પસંદગી આપી હતી. સંસ્કૃત સાહિત્ય અને પ્રાકૃત-સંસ્કૃત અભિલેખોને લઈને પ્રાચીન ઈતિહાસનો એમને શોખ લાગેલો. ૧૯૪૭માં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી એમણે સંસ્કૃત (અભિલેખવિદ્યા) વિષય સાથે ભો. જે. વિદ્યાભવનમાંથી મેળવી. સામાન્ય રીતે, પ્રાચીન લિપિવિદ્યાના જાણનાર જૂજ હોય છે. એપિગ્રાફીમાં પ્રાચીન લિપિવિદ્યાનો સમાવેશ થતો હોઈ પ્રાચીન લિપિના અભિલેખો ઉકેલવામાં અને એમાંની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક માહિતી તારવવામાં એમને સારી ફાવટ છે. અધ્યાપન અને સંશોધન એમનો મુખ્ય વ્યવસાય છે. હાલ તેઓ ભો. જે. વિદ્યાભવનના ઉપાધ્યક્ષ છે. શ્રી શાસ્ત્રીને વિદ્યાનો કૌટુંબિક વારસો મળ્યો છે. જાણીતા ભાષાશાસ્ત્રી શ્રી વ્રજલાલ શાસ્ત્રી તેમના પિતામહ થાય. કવિ છોટમ તેમના પિતામહના વડીલ બંધુ, અને વિવેચક શ્રી શંકરલાલ શાસ્ત્રી એમના મોટાભાઈ. એ સર્વેએ એમના જીવનઘડતરમાં પ્રબળ અસર પાડી છે. સંસ્કૃત સાહિત્યમાં ભાસ, કાલિદાસ, શદ્રક, બાણ અને હર્ષ એમના પ્રિય લેખકો છે, જ્યારે ગુજરાતીમાં મુનશી, રમણલાલ, ચંદ્રવદન, ન્હાનાલાલ અને ચુનીલાલ વ. શાહ, પરંતુ ઉદાત્ત વિચારો અને સરળ શૈલીને કારણે એમને સહુથી વિશેષ ગમે છે ગાંધીજી. જીવનદૃષ્ટિ અને દર્શનસમન્વયનો તથા નિષ્કામ કર્તવ્યમય કર્મયોગનો સરળ અને સક્રિય બોધ આપતી હોવાને કારણે 'ભગવદ્ગીતા' એમનો પ્રિય ગ્રંથ છે. આ સર્વ લેખકોએ તેમ જ અન્ય કૃતિઓએ એમને પ્રેરણા આપી છે. કવિ છોટમની અને સંસ્કૃત કવિઓની કૃતિઓ પરથી એમને લલિતસાહિત્યસર્જનની અભિપ્રેરણા, મહાત્મા ગાંધીજીનાં લખાણો પરથી સત્ય અને સાદાઈના સંસ્કાર, વિવેકાનંદ, રામતીર્થ અને ટિળકના ‘ગીતારહસ્ય' ઇત્યાદિ પરથી આર્યધર્મનું નૂતન અર્થતારણ અને કર્મયોગ, સંસ્કૃત નાટકો, બાણ ભટ્ટની ગદ્ય કૃતિઓ અને વલભી રાજ્યનાં તામ્રશાસનો પરથી પ્રાચીન સંસ્કૃતિનું અધ્યયન, ગાંધીજીનાં લખાણો અને અશોકના લેખો પરથી અસામ્પ્રદાયિક માનવધર્મનું મૂલ્યાંકન, શંકરલાલ ગં. શાસ્ત્રી પાસેથી પુરાતત્ત્વના અભ્યાસની પ્રેરણા, કરુણાશંકર ભટ્ટનાં લખાણો પરથી સંસ્કાર-શિક્ષણનો સુબોધ તેમ જ રસિકલાલ છો. પરીખ પાસેથી ઈતિહાસ સંશોધનની સાચી દૃષ્ટિ તથા શાસ્ત્રીય પદ્ધતિની સૂઝ એમને પ્રાપ્ત થયેલ છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં એમણે લેખનપ્રવૃત્તિ કરી છે. સંસ્કૃતમાં નિબંધ, વાર્તાદિ અને અંગ્રેજીમાં સંશોધનાત્મક લેખો અને થોડાંક પુસ્તકો. લેખનપ્રવૃત્તિ દ્વારા સમાજદર્શનનું રસભર આલેખન, હૃદયયભાવની અભિવ્યક્તિ, ઇતિહાસના વિવિધ વિષયોનો પરિચય, ઇતિહાસસંશોધનનાં પરિણામોની રજૂઆત અને જીવનરસ તથા માનવધર્મના વિતરણનો ઉદ્દેશ સિદ્ધ કરવા તેઓ માગે છે. પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ તો એમણે શાળાકીય નિબંધથી કર્યો હતો. પ્રાચીન ભારતની વિજ્ઞાન-પ્રગતિને લગતાં ચાર-પાંચ પુસ્તકો-લેખો વાંચીને ૧૯૩૬માં ‘પ્રાચીન હિંદમાં વિજ્ઞાન' નામે લેખ લખવા પ્રેરાયેલા. સંસ્કૃત લલિત સાહિત્યની અસરથી પ્રથમ સંસ્કૃતમાં અને પછી ગુજરાતીમાં વાર્તા, નાટક, કાવ્ય લખ્યાં; તેમાં નાટક એમનો સહુથી પ્રિય સાહિત્યપ્રકાર થઈ પડ્યો, અને લલિતેતર સાહિત્યમાં નિબંધ, પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ-એનાં સાહિત્યિક, આભિલેખિક અને પુરાવશેષીય સાધનોના સીધા પરિચય અને સક્રિય રસને લઈને-એમનો મનગમતો લેખનવિષય છે. એની સાધનામાં ઉપકારક થાય એ માટે પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ, સંસ્કૃત. સાહિત્ય, અભિલેખો (શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ વગેરે), પ્રાચીન સ્મારકો અને પુરાતન અવશેષો વગેરેનાં પુસ્તક એ વિશેષ વાંચે છે. એમની પ્રથમ ગુજરાતી લલિત કૃતિ ‘મૃત્યુજય' નામે સોક્રેટીસના મૃત્યુપ્રસંગ વિશે ૧૯૪૭માં લખાયેલું એકાંકી નાટક છે, અને એમનું પ્રથમ પુસ્તક છે 'હડપ્પા ને મોહેંજો-દડો.' 'વીણાનો વિજય' નામે ત્રિઅંકી નાટક હજી અપ્રસિદ્ધ છે. કવિ છોટમકૃત કેટલીક અપ્રસિદ્ધ કાવ્યકૃતિઓનાં સંપાદનો, ‘મત્તવિલાસ પ્રહસન'નો અનુવાદ પણ હજી અપ્રકટ છે. એમના અંગ્રેજી મહાનિબંધની સુધારાવધારાવાળી આવૃત્તિ અને 'પ્રાચીન ભારત' પ્રકટ થવામાં છે. એમના ‘મૈત્રકકાલીન ગુજરાત' એ પુસ્તકને ૧૯૫૧-૫૫નો ઇતિહાસ-સંશોધનને લગતો નર્મદ સુવર્ણચંદ્રક અને એમની ઇતિહાસસંશોધનની સેવાને ખ્યાલમાં લઈ ૧૯૬૦નો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત થયેલ છે. ગુજરાત વિદ્યાસભાના તેઓ આજીવન સભ્ય છે. ‘બુદ્ધિપ્રકાશ'ના સંપાદક તરીકે પણ ૧૯૫૭-૫૮ દરમ્યાન તેમણે પ્રશસ્ય કામગીરી બજાવી છે. ગુજરાત યુનિવર્સિટીના ફેલો, ઈતિહાસ-પુરાતત્ત્વની અભ્યાસસમિતિના સભ્ય અને અધ્યક્ષ, ભારતીય સંસ્કૃતિની અભ્યાસસમિતિના, ઇતિહાસ-પુરાતત્ત્વ-સંસ્કૃતિની પરિભાષા સમિતિના તેમ જ એકેડેમિક કાઉન્સિલના પણ તેઓ સભ્ય છે. સંસ્કૃત અને ભારતીય પ્રાચીન સંસ્કૃતિના વિષયોમાં તેઓ એમ. એ. અને પીએચ. ડી.ના માન્ય અધ્યાપક-માર્ગદર્શક છે. એમના માર્ગદર્શન નીચે પાંચ વિદ્યાર્થી પીએચ. ડી. થયા છે અને બીજા સંશોધન કરી રહ્યા છે. એમાંના ઘણા ગુજરાતના ઈતિહાસ-પુરાતત્ત્વના વિષેયોમાં સંશોધન કરે છે. ગુજરાત સાહિત્યસભા, ઇતિહાસ મંડળ (ભૂતપૂર્વ પ્રમુખ), ગુજરાત ઇતિહાસ પરિષદ (પ્રમુખ ૧૯૬૦-૬૨), ઇંડિયન હિસ્ટરી કૉંગ્રેસ, અખિલ ભારતીય પ્રાચ્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સ્થળનામ સંસદ (ઉપપ્રમુખ) વડોદરા, ગુજરાત સેવાસમાજ, લેખકમિલન વગેર અનેક સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે જોડાયેલા છે. મુંબઈ મુકામે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૨મા સંમેલનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના વિભાગીય પ્રમુખ તરીકે પણ તેમની વરણી થયેલી. શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી આપણા વિદ્વાન ઇતિહાસજ્ઞ છે. એમનું ‘મૈત્રકકાલીન ગુજરાત' ગુજરાતના એ કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધનાત્મક પુસ્તક તરીકે ઘણો સારો આવકાર પામ્યું છે. લેખક પાસે ઐતિહાસિક સંશોધનની શાસ્ત્રીય દૃષ્ટિ છે. ઇતિહાસ-સંશાધન વિષયક એમનાં પુસ્તકોમાં પ્રથમ પંક્તિના ઇતિહાસાભ્યાસીનું આપણને દર્શન થાય છે.
કૃતિઓ
૧. હડપ્પા ને મોહેંજો-દડો : મૌલિક, ઇતિહાસ, પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : ભો. જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ.
૨. ભારત બહાર વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ : ઇન્ડોનેશિયામાં : મૌલિક, સંસ્કૃતિ; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : ભો. જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ.
3. કારકસંબંન્ધોદ્યોત (સંસ્કૃત) (લેખક: રભસનન્દી) : સંપાદન, ગદ્ય; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર, જયપુર.
૪. શબ્દરત્નપ્રદીપ (સંસ્કૃત) : સંપાદન, પદ્ય; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર, જયપુર.
૫. સાંખ્યસાર તથા યોગસાર (કવિ છોટમકૃત.) : સંપાદન, પદ્ય; પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.
૬. સુમુખ આખ્યાન તથા નૃસિંહકુંવર આખ્યાન (કવિ છોટમકૃત) : સંપાદન, પદ્ય: પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.
૭. એકાદશી માહાત્મ્ય (કવિ છોટમકૃત) : સંપાદન, પદ્ય; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ.
८. મૈત્રકકાલીન ગુજરાત ભા. ૧ (રાજકીય ઇતિહાસ), ભા. ૨ (સાંસ્કૃતિક ઈતિહાસ) : મૌલિક, ગદ્ય: પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : ભો. જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ.
૯. સૂર્યનારાયણનું મંદિર : મૌલિક, ગદ્ય; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : નીલકંઠ અખાડા, અમદાવાદ.
૧૦. Chronology of Gojarat (Hist. and Cultural): સહલેખક; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા.
૧૧. કરુણાશંકર-શિક્ષકવિભૂતિ : સંપાદન, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : પુસ્તકાલય સ. સ. મંડળ, વડોદરા.
૧૨. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ (રૂપરેખા) : મૌલિક, ઇતિહાસ; પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
૧૩. કાવ્યશિક્ષા (સંસ્કૃત-લેખક : વિનયચન્દ્રસૂરિ) : સંપાદન, ગદ્ય-પદ્ય; પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ.
ઉપરાંત, ‘પ્રાચીન હિંદમાં વિજ્ઞાન', 'ચિત્રપટા:' (સં.), 'હિન્દની પ્રાચીન યુદ્ધવિદ્યા’, ‘પ્રાચીન સંસ્કૃત વાક્મય’, ‘સંસ્કૃત રંગભૂમિનાં નટ–નટીઓ', ‘રામાયણનું એક બીજું મૂક પાત્ર-રુમા', 'દાનવીર વિશ્વંતર', ‘ગુજરાતી સાહિત્યમાં ભાઈબહેનનું સ્થાન' (ગુ. સમાચાર, દીપોત્સવી અંક, ૧૯૪૦) વગેરે અનેક નિબંધો-લેખો ‘બહાઉદ્દીનિયન' મેગેઝિનમાં ૧૯૩૬થી ૧૯૪૦ દરમ્યાન પ્રગટ થયા છે. 'પુત્રવતી' નામે સંસ્કૃત નાટક પણ એમાં પ્રસિદ્ધ થયેલું છે. જુદાં જુદાં સામયિકોમાં ડઝને જેટલાં એકાંકી નાટકો, થોડીક નવલિકાઓ અને કેટલાંક કાવ્યો પણ પ્રકટ થયેલાં છે.
અભ્યાસ-સામગ્રી :
૧. ચરોતર સર્વ સંગ્રહ ભા. ૧.
२. Who's Who.
૩. નર્મદચંદ્રક તથા રણજિતરામ ચંદ્રક સમયના પરિચયલેખો તથા પરિચયપત્રિકા.
૪. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૨, ૧૯૫૫.
સરનામું :
સરનામું : ‘સુવાસ', આઝાદ સોસાયટી, અમદાવાદ-૬.