સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૧.૪ ગૃહીતોને પડકારતી નવ્ય વિવેચના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 07:38, 17 June 2024

૧.૪
ગૃહીતોને પડકારતી નવ્ય વિવેચના

(સુરેશ જોષીની વિવેચના સંદર્ભે)

આ તબક્કાના ઉત્તરાર્ધમાં સુરેશ જોષી અત્યાર સુધીની ગુજરાતી વિવેચનાનાં કેટલાંક ગૃહીતોને પડકારતી નવ્ય વિવેચના આપે છે તેને હવે, છેલ્લે, આપણે જોઈ લઈએ. ઉમાશંકરને પોતાનાં દેશોમાં મંતવ્યોનો ફેરવિચાર કરવા, ક્યાંક એને પરિષ્કૃત કરવા તો ક્યાંક એને પુનઃસ્થાપિત કરવા કદાચ આ નવ્ય વિવેચના હોય. વીસમી સદીમાં પશ્ચિમના મહાયુદ્ધોએ માનવમૂલ્યોને છિન્નભિન્ન કરી નાખ્યાં. યંત્રવિજ્ઞાનના વિકાસે માનવસંબંધોનાં જુદાં જ પરિમાણો પ્રગટ કર્યાં તેમ જ માધ્યમો અને ટેક્‌નિકોની શક્યતાઓને પણ વિસ્તારી મૂકી. મનોવિજ્ઞાનના વિકાસે માનવચિત્તના અગોચર પ્રદેશોને ખુલ્લા કર્યા. જીવન અને વિજ્ઞાનના આ નવા સંદર્ભોએ કલા અને સાહિત્યનાં, રૂઢ ખ્યાલો અને ચુસ્ત વર્ગીકરણોને તોડીફોડી નાખતાં આંદોલનો જન્માવ્યાં. આપણે ત્યાં સુરેશ જોષી સજાગતાથી આ આંદોલનો ઝીલે છે અને ગુજરાતી સાહિત્ય અને વિવેચનને નવી દિશા ચીંધવાનું પુણ્યકર્મ કરે છે.

આ નવ્ય વિવેચનાનું મુખ્ય લક્ષણ એ છે કે એ કળાકૃતિ કે સાહિત્યકૃતિને એક સંરચના, એક આકૃતિ કે રૂપનિર્મિતિ તરીકે જુએ છે. અત્યાર સુધીના વિવેચનમાં સાહિત્યકૃતિના મૂલ્યાંકનમાં એની સામગ્રી, એમાં રજૂ થયેલા અનુભવ કે ભાવ કે દર્શનનું કોઈ ને કોઈ રીતે માહાત્મ્ય થતું. સંક્રમણના વ્યાપારને સ્વાભાવિક ગણવામાં આવતો અને રૂપનિર્મિતિને સંક્રમણનું માધ્યમ ગણવામાં આવતું. સંક્રમણ માટે સાધારણીકરણની અપેક્ષા રાખવામાં આવતી. હવે, સુરેશ જોષી શું કહે છે તે જુઓ :

– સાહિત્ય કે કલામાં આપણે ભાવ નહીં પણ ભાવના આકારને પામીએ છીએ.
– વસ્તુનું સાધારણીકરણ નહીં પણ વિલીનીકરણ કલામાં થવું જોઈએ.
– અગ્નિશિખા રૂપે જ જેમ ઘી, દિવેટ વગેરે સામગ્રી અવશિષ્ટ રહે એ ઇષ્ટ સ્થિતિ છે તેમ આકાર રૂપે જ કળાનાં ઉપાદાન અવશિષ્ટ રહે એ ઇષ્ટ સ્થિતિ છે.

અગ્નિશિખાનું દૃષ્ટાંત બતાવે છે કે સુરેશ જોષીને મતે આકૃતિ કે રૂપ એ કોઈ બાહ્ય ખોખું નથી. એમાં સામગ્રીનો પરિહાર નથી, પણ સામગ્રીના આગવા પરિમાણને વ્યક્ત કરવાની ક્રિયા છે. સુરેશ જોષી, ક્યારેક, પોતાના વાર્તાલેખન અંગેના નિવેદનમાં કહ્યું છે તેમ, આત્યંતિક અને આપણને ભરમાવે એવી રીતે કહી નાખે છે કે “લાગણીઓને બીબાં પૂરતી વાપરી છે, આકાર ઢાળ્યા પછી વર્જ્ય ગણી એમનો પરિહાર કર્યો છે.”૧[1] પરંતુ સામાન્યતઃ તેઓ રૂપનિર્માણમાં સંવેદનની વિશિષ્ટતા રહેલી છે એ રીતે જુએ છે. અલબત્ત, આ રૂપ પછી કોઈ માધ્યમ રહેતું નથી, એ જ પ્રાપ્તવ્ય બની જાય છે. આ રૂપનિર્માણ કેવી રીતે થાય છે? કવિને કોઈક સંવેદન થાય છે. એને એ તટસ્થ બનીને જુએ છે તેથી એનું abstraction સિદ્ધ થાય છે. એમાં પૂરક કે વિરોધી સંવેદનો ભળે છે અને વ્યાપ્તિ તથા સઘનતાવાળું સંવેદનનું નવું રૂપ પ્રગટ થાય છે. સુરેશ જોષીએ એક દૃષ્ટાંત લઈ રૂપનિર્માણની પ્રક્રિયા સમજાવી છે તે જુઓ : “કોઈને એકલતાનો અનુભવ થતો હોય તો તે વર્ણવવાને ‘મને એકલું-એકલું લાગે છે’ એમ જો એ કહે તો એથી કહેનાર કે સાંભળનાર આગળ આ એકલતા મૂર્ત થઈ ઊઠતી નથી; એ ભાવને આકાર મળતો નથી. આપણું સંવેદન ઇંદ્રિયગ્રાહ્ય હોય છે. માટે એની મૂર્તતા માટે એ બધી ઇંદ્રિયોના પરિમાણનો વિષય બની રહે તો એ સાચા અર્થમાં વાસ્તવિક બને. આ એકલતાના અનુભવની તીવ્રતા જ મને મારી તત્કાલીન ચિત્તસ્થિતિની સંકીર્ણતામાંથી બહાર કાઢીને આ એકલતાના સ્વરૂપને સ્ફુટ કરવામાં ઉપકારક નીવડે એવી, સ્મૃતિમાં સચવાયેલી વેરવિખેર સંવેદનાઓ, અધ્યાસ – આ બધાંને પોતા તરફ ચુંબકીય બળથી આકર્ષીને એનો એક ભાવપુદ્‌ગલ રચી આપે છે. અપૂજ શિવમંદિરમાંના ગભારામાંનો, દીપથી અજવાળાયા વિનાનો એકાકી સૂનો અંધકાર, સાંજ વેળાની નિસ્તબ્ધતામાં મંદિરની આરતીનો પ્રસરી જઈને લોપ થતો ઘંટારવ, જીર્ણ અવાવરુ વાવને તળિયે બાઝેલાં પાણી પર કોઈક છિદ્રમાંથી આવી ચડેલું સૂર્યકિરણ – આવી ધ્વનિની, દૃશ્યની વિક્ષિપ્ત ઘટનાઓ એકાએક એકસૂત્રે ગૂંથાઈ જઈને મારી એકલતાની અનુભૂતિને સાકાર કરી આપે છે. આ રીતે સાકાર થયેલી અનુભૂતિને ભાષામાં પ્રકટ કરતી વેળાએ ઘુમ્મટના પોલાણમાં ઘુમરાતા અવાજગુણવાળા ગોરંભાતા વર્ણોની યોજના કરીને એ એકલતાને વધુ મૂર્ત કરી શકાય. આ રીતે મૂર્ત થયેલી એકલતા પછીથી મારી અમુક સમયની ભાવાવસ્થા મટી જઈને, આ પ્રક્રિયાઓમાંથી પસાર થવાને કારણે, વ્યક્તિનિરપેક્ષ સ્થળકાળનિરપેક્ષ સદાને માટે આસ્વાદ્ય એવી કલાકૃતિ બની રહે છે.” એ રીતે રૂપબદ્ધ થયેલું સંવેદન એ પાછી અપૂર્વ અનનુભૂત વસ્તુ બની રહે છે. દેખીતી રીતે જ, અહીં કવિના દ્રષ્ટા કે અનુભવને વાચા આપનાર તરીકેના કાર્ય કરતાં સ્રષ્ટા તરીકેના કાર્ય પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. પ્રેરણાના આવેગમાં કવિ કંઈક ઉદ્‌ગાર કરી બેસે છે એ ખ્યાલ પણ હવે છોડી દેવામાં આવ્યો છે. સર્જક ઘણાબધા પડકારોનો સામનો કરીને રૂપનિર્માણ કરે છે. અને કાવ્યની પરીક્ષા પણ એ રૂપનિર્માણને આધારે જ કરવી જોઈએ. એટલે કે કાવ્યનાં વર્ણ, શબ્દાર્થ, શબ્દચિત્ર, પ્રતીક, છંદોલય આદિ અનુભૂતિના નવા નવા આકારો, લાગણી-લાગણી વચ્ચેના નવા સંબંધો અને સંદર્ભો સર્જવામાં કઈ રીતે ભાગ ભજવે છે એની તપાસ એ જ વિવેચનનો ખરો વિષય ગણાય. સુરેશ જોષી એક બાજુથી રૂપનિર્માણનું મહત્ત્વ કરે છે તેમ બીજી બાજુથી રૂપબદ્ધ થયેલી કોઈપણ સંવેદનાને તુચ્છ કે નગણ્ય ગણવા તૈયાર નથી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નવી કવિતાની ‘અલ્પસ્વલ્પ પ્રત્યક્ષ’ને શબ્દબદ્ધ કરવાની પ્રવૃત્તિ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરેલો. એમણે કાવ્યમાં સૌંદર્યનો આગ્રહ રાખ્યો પણ સૌંદર્યની એવી સંકીર્ણ વ્યાખ્યા સ્વીકારી કે જેમાંથી, સુરેશ જોષી કહે છે તેમ, ઘણાં અનુભૂતિવિશ્વો બાકાત રહી જાય. સુરેશ જોષી સંવેદનના જગતને કોઈ સીમામાં પૂરવા માગતા નથી. સૌંદર્યને સ્થાને સામર્થ્યનો આગ્રહ રાખવાનું તેઓ સૂચવે છે અને રૂઢ પ્રતિભાવોના તંત્રને ફગાવી દઈને નવેસરથી જ બધી ઇંદ્રિયોને, નવા પ્રતિભાવોની શોધના સાહસ માટે દોડાવવી જોઈએ એવો અભિપ્રાય દર્શાવે છે.૨ [2] આ ઉપરાંત, એમની તો ફરિયાદ છે કે આપણા સર્જકો વાસ્તવની એક સંકુચિત-મર્યાદિત સૃષ્ટિમાં – બુદ્ધિગમ્ય વાસ્તવની સૃષ્ટિમાં પુરાયેલા રહ્યા છે. તેઓ પોતે તો ચૈતસિક વાસ્તવના આગ્રહી છે અને સ્વપ્ન, તંદ્રાવસ્થા, કપોલકલ્પિત, બાલ્યાવસ્થાની કલ્પના, અસંગતતા આ સર્વમાં સત્યના મૂલ્યવાન અંશો રહેલા છે એમ માને છે. એમની દૃષ્ટિએ સત્ય એટલે સન્તતિ – pure state of existing – ચેતનાની શુદ્ધ પ્રવાહી સ્થિતિ. જો કાવ્યમાં સામગ્રી કે દર્શનનું નહીં પણ રૂપનિર્માણનું મહત્ત્વ હોય તો કાવ્ય-કાવ્ય વચ્ચે તારતમ્યનું – ઉચ્ચાવચતાનું ધોરણ શું? સુરેશ જોષી કહે છે કે માધ્યમની શક્યતાઓને જે કવિ વધારે પ્રમાણમાં સિદ્ધ કરે, ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે – રહસ્યના વધારે વ્યાપક વિસ્તારને પોતાના વ્યાપમાં લઈ શકે એ ઉચ્ચ કવિ.૩ [3] કૃતિની દીર્ઘતા-લઘુતાનાં ધોરણો, ઊર્મિકાવ્ય-મહાકાવ્યના ભેદો આ વિચારણામાં અપ્રસ્તુત બની જાય છે; ટૂંકી વાર્તા પણ epic tenor (મહાકાવ્યનું ધોરણ) ધરાવતી હોઈ શકે છે. માધ્યમની શક્યતાઓ સિદ્ધ કરવી એટલે શું? સુરેશ જોષી કહે છે કે “કવિ કશુંક કહેવા માગતો નથી. એ કશુંક કરવા માગે છે અને એનું એ કાર્ય તે ભાષાનું પુનર્વિધાન, ભાષાનો અપૂર્વ વિનિયોગ.” સુરેશ જોષીએ ભાષાના અપૂર્વ વિનિયોગની અનેકવિધ શક્યતાઓનો પોતાના વિવેચનમાં વારંવાર ઉલ્લેખ કર્યો છે – ભાષાનું વિસંવાદી પોત (discordant texture), લયનું એકસૂરીલાપણું, કલ્પનોનાં વિકૃતીકરણ (distortion) અને ઘનીકરણ (condensation), પ્રતીકની ભિન્નભિન્ન પ્રકારની રચના વગેરે. આ બધાંને ઉદાહરણોથી સમર્પિત કરવાનું – સુગમ બનાવવાનું એમનાથી બહુ બની શક્યું નથી, પણ પોતાની કૃતિસમીક્ષાઓમાં તો એમણે ભાષાના અપૂર્વ વિનિયોગને તપાસવાનો ઉપક્રમ રાખ્યો છે ખરો. સાહિત્યમાં વધુ ને વધુ મૂર્તતાનો આગ્રહ રાખનાર અને નવા જ ઇંદ્રિયપ્રતિભાવો તથા વાસ્તવની અગોચર ભૂમિઓની શોધમાં લાગવાનું કહેનાર વિવેચનમાં કલ્પનો અને પ્રતીકોની ચર્ચા મહત્ત્વની બની રહે તે સમજાય એવું છે. પ્રતીકના સ્વરૂપને અને કાર્યને તો, સુરેશ જોષી, ગુજરાતી વિવેચનમાં પહેલી વાર સૂક્ષ્મતાથી તપાસવાનો પ્રયત્ન કરે છે. પ્રતીક વિશે તેઓ એમ કહે છે ખરા કે “પ્રસ્તુત દ્વારા થતું અપ્રસ્તુતનું સૂચન એ પ્રતીકનું લક્ષણ છે.” પણ પ્રસ્તુત અને અપ્રસ્તુતને જોડવાની કાવ્યની રીતિ સૂક્ષ્મ બનતી ચાલી છે એની તેઓ નોંધ લે છે. અને પ્રસ્તુતનો અપ્રસ્તુતને હાથે સંહાર થાય છે એમ કહેવા સુધી પણ જાય છે. કાવ્યના શબ્દોને તેઓ સ્પ્રિન્ગબૉર્ડ તરીકે પણ વર્ણવે છે, જે અનુભૂતિના અપરિમેય વિસ્તારમાં વિહરવા આપણને મૂકી દે છે. દોસ્તોયેવસ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’માં ઘોડીને ફટકારતા ખેડૂતનું સ્વપ્ન રાસ્કોલનિકોવને આવે છે તે, કથાના ભિન્નભિન્ન સંદર્ભોમાં કેવા ભિન્નભિન્ન સંકેતો ધરાવે છે તે સુરેશ જોષીએ સ્ફુટ કર્યું છે (‘કથોપકથન’, પૃ. ૧૫૮-૯) તેમાં આ મુદ્દાનું સમર્થન જોઈ શકાય. તો, હવે, સંકેતની નિશ્ચિતતા નહીં પણ અપરિમેયતા કાવ્યનું લક્ષણ બની જાય છે. સુરેશ જોષી કહે છે કે “કાવ્યનો અર્થ તો કાવ્યસમસ્ત છે”, “એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી, પણ અપરિમેયતાને કારણે છે.” કાવ્યના અર્થની અનિશ્ચિતતા-અપરિમેયતાના આ ખ્યાલને સુરેશ જોષી ક્યાં સુધી લંબાવે છે તે પણ જુઓ : “કવિની કવિતા તો પેલા શબ્દોમાં નથી, પેલી પંક્તિઓમાં નથી પણ આ બધાની વચ્ચે રાખેલા મુક્ત અવકાશમાં છે.” માલાર્મેને આવો અવકાશ ઇષ્ટ હતો એમ સુરેશ જોષી નોંધે છે. વિષ્ણુપ્રસાદે એક વખત એવું કહેલું કે અસ્પષ્ટતા પણ કવિતામાં સાર્થ હોઈ શકે છે અને અર્થનિષ્પત્તિ વગર અનુભવનિષ્પત્તિ દ્વારા રસનિષ્પત્તિ થાય એવો સંભવ એમણે સ્વીકારેલો, પણ તરત જ એમણે વાતને વાળી લીધેલી, એમ કહીને કે આ નિયમ નથી, કવિતાની અપવાદરૂપ સ્થિતિ છે; અને પછીથી તો એવું સ્પષ્ટપણે જાહેર કરેલું કે કાવ્ય એ અર્થની કલા છે, શબ્દની નહીં. ઉમાશંકરે શબ્દની બહિર્નિર્દેશકતાનો ધ્વંસ ન થાય એવી ચેતવણી ઉચ્ચારી છે અને શુદ્ધ કવિતા વિશે સંદેહ પ્રગટ કર્યો છે તે આપણે જોઈ ગયા છીએ. સુરેશ જોષીની નવ્ય વિવેચના પરિચિત અર્થની નિષ્પત્તિના સોપાનને ઉડાવી દઈ કે એને ગૌણ બનાવી દઈ કવિતાને શુદ્ધ કલાની કોટિએ પહોંચાડવા મથી રહી છે એ અત્યંત સ્પષ્ટ છે. કાવ્યમાં જો અપૂર્વ અનનુભૂત વસ્તુનું – સંવેદનના નવા રૂપનું સર્જન કરવામાં આવતું હોય, એના અર્થની અપરિમેયતા પર ભાર મૂકવામાં આવતો હોય તો “અમુક નિશ્ચિત અર્થની ભાવકને કવિ તરફથી થતી લહાણી” એવા અર્થમાં સંક્રમણવ્યાપાર નભી શકે નહીં એ દેખીતું છે.૪ [4]એટલે સુરેશ જોષી જ્યૉર્જ વ્હેલીના શબ્દો ટાંકી સંક્રમણ એટલે અર્થનું સંવહન નહીં પણ મનની તદાકારતા એવું પ્રતિપાદન કરે છે. સંક્રમણના પર ભાર મૂકનારા બધી જવાબદારી કવિના ઉપર મૂકી દે છે એને બદલે સુરેશ જોષી ભાવકે પણ કલ્પના-વ્યાપાર ચલાવવાનો છે – એને પક્ષે પણ થોડા સાહસની અપેક્ષા છે એવું સૂચવે છે, અને કાવ્યના આસ્વાદની પ્રક્રિયાને આ રીતે સમજાવે છે : “કાવ્ય આપણી પકડમાં આવે માટે એને સંકોચવું, હ્રસ્વ કરવું. એના કરતાં કાવ્યની સાથે આપણે વિસ્તરીએ એ ઇષ્ટ છે.” આસ્વાદની પ્રક્રિયા સંક્રમણનો વ્યાપાર બનવાને બદલે દીક્ષા કે ઉપનયન(initiation)નો વ્યાપાર બની જાય છે. કાવ્યનો અર્થ જો કાવ્યસમસ્ત હોય તો કાવ્ય વિશે વાત કરવી કેટલે અંશે શક્ય? અપરિમેયતા એ કાવ્યાર્થનું લક્ષણ હોય અને ભાવકે એમાં પોતાનો કલ્પનાવ્યાપાર ચલાવવાનો હોય તો સમાન અનુભૂતિની શક્યતા ખરી? પછી ‘વિવેચન’નો કોઈ હેતુ ખરો? વિવેચનનો હવે અંત આવ્યો છે કે કેમ એવો પ્રશ્ન પણ સુરેશ જોષી સમક્ષ ખડો થાય છે. આ નવી વિવેચનામાં કેટલાક ચર્ચાસ્પદ અંશો હોવાનો સંભવ છે. વિષ્ણુપ્રસાદે જેને અપવાદરૂપ પરિસ્થિતિ ગણી હતી તેને નિયમ બનાવવાનો અભિનિવેશ એમાં ક્યારેક પ્રગટ થાય છે. સાહિત્યના જીવન અને સમાજ સાથેના અનુબંધનો તંતુ કપાઈ જવાની અને સાહિત્યકાર કેવળ ભાષાનો એક રીતનો વિશેષજ્ઞ બની જવાની એમાં સંભાવના છે. તેમ છતાં સાહિત્ય પ્રત્યેના આપણા અભિગમમાં એ કેટલુંક પાયાનું પરિવર્તન આણે છે એ રીતે અત્યંત નોંધપાત્ર છે. છેલ્લા સૈકામાં પશ્ચિમના દેશોમાં સાહિત્યવિભાવના બદલાઈ તેમ ભિન્નભિન્ન સાહિત્યપ્રકારો – નવલકથા, નવલિકા, નાટકની વિભાવનાઓમાં પણ મૂળભૂત પલટો આવ્યો. નવલકથા-નવલિકા જેવા પ્રકારોમાં ઘટનાઓને ભૂમિકામાં નાખી દઈ ચેતનાપ્રવાહને નિરૂપવાની રીતિ આવી, નવલકથાએ એને પ્રતિનવલ (anti-novel) કહેવી પડે એવી મુદ્રાઓ પ્રગટાવી અને નાટ્યક્ષેત્રે અસંગતની રંગભૂમિ(theatre of absurd)નું આંદોલન આવ્યું. આપણે ત્યાં સુરેશ જોષી નવલકથા-નવલિકા વિશેની આ નવી વિચારધારાને ઝીલે છે. સામાન્ય રીતે, આજ સુધી નવલકથાને કંઈક અશુદ્ધ સાહિત્યપ્રકાર લેખવામાં આવ્યો છે. એમાં આકારશૈથિલ્યને સ્વાભાવિક ગણવામાં આવ્યું છે ત્યારે સુરેશ જોષી નવલકથાને પણ એક સઘન રચના તરીકે, સંવિધાન દ્વારા માનવસંદર્ભના આગવા ઋતને પ્રગટ કરનાર કલારૂપ તરીકે જોવા ઇચ્છે છે. આમ તો તેઓ સ્વીકારે છે કે નવલકથાલેખનની અનેક રીતો હોઈ શકે, પરંતુ તૉલ્સ્તૉય આદિની અને કાફકા-પ્રૂસ્ત આદિની એમ બે રીતોનો તેઓ વિગતે ઉલ્લેખ કરે છે અને બંનેમાં વસ્તુસંવિધાન, પાત્રાલેખન, જીવનવાસ્તવ, ભાષાવિનિયોગ વગેરેના સંકેતો કેવા તો જુદા છે એ બતાવે છે. અલબત્ત, આમાંથી સુરેશ જોષીનો પક્ષપાત બીજી રીત પ્રત્યે છે એ અછતું રહેતું નથી. તૉલ્સ્તૉયને માર્ગે ચાલેલી ગુજરાતી નવલકથા એમને જરાયે સંતોષ આપતી નથી. (જોકે ‘પશ્ચિમમાં ટૂંકી વાર્તાનો વિકાસ’ આલેખતી વખતે એમણે તૉલ્સ્તૉયની વાર્તાકળાને મોકળે મને અભિનંદી હતી.) ગુજરાતી નવલકથામાં સુરેશ જોષીને ભાવનાપરસ્તી, છાપાળવી વાસ્તવિકતા અને વધારે પડતી કથાશ્રિતતા દેખાઈ છે અને એને, એમના મતે, સંવિધાનના સંસ્કારની જરૂર છે. આ સંવિધાનનો સુરેશ જોષીનો ખ્યાલ ઘણો સૂક્ષ્મ છે – એટલે સુધી કે નવલકથામાં સ્થળ અને કાળનાં નવાં પરિમાણો સિદ્ધ કરી જે ઘનીભૂત સંવેદનો નિપજાવી શકાય એ તરફ પણ તેઓ ધ્યાન દોરે છે. પ્રૂસ્તની નવલકથામાં પથારીમાં એક બાજુથી બીજી બાજુ પડખું બદલવામાં તો કેટકેટલું બની જાય છે અને ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’માં પણ ઘટનાબહુલતા અને કાળવિરલતાની સંનિધિ વાસ્તવિકતાને એક નવું જ રૂપ આપે છે એની તેઓ નોંધ લે છે. નવલિકામાં સુરેશ જોષી, પહેલાં તો ઘટનાના હ્રાસની પ્રતિજ્ઞા જાહેર કરે છે, પરંતુ પછીથી યોગ્ય રીતે કહે છે કે “દરેક ઘટનાને એનું આગવું વજન હોય છે. એ વજન ગળે બાંધેલા પથ્થર જેવું હોય તો વાર્તાને ડુબાડે; એ વજન પંખીની પાંખ જેવું હોય તો વાર્તાને ઉડાડી શકે. પોતાની વિશિષ્ટ આકૃતિને જાળવવા પૂરતું ઘટનાનું ગુરુત્વ જાળવવું ને gravitation સાથે એના levitationનું બળ પણ સર્જકે પ્રગટ કરવું જોઈએ.” નવલિકામાં તેઓ એક અર્થગર્ભ – ભાવગર્ભ ક્ષણ(pregnant moment)ના ત્રણે કાળના telescopingની અપેક્ષા રાખે છે. સુરેશ જોષીની રુચિ વિશ્વસાહિત્યના અદ્યતન પ્રવાહોથી ઘડાયેલી છે. ગુજરાતી સાહિત્ય પ્રત્યે એમનું વલણ સામાન્ય રીતે નકારાત્મક – ટીકાત્મક રહ્યું છે. પશ્ચિમની (અને જપાનની પણ) નવલકથા-નવલિકાઓની એમણે સરસ સમીક્ષાઓ આપી છે. ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’ના સંવિધાનને અનેક દૃષ્ટિકોણથી અને અત્યંત સૂક્ષ્મતાથી તપાસ્યું છે. હેમિંગ્વેની વાર્તામાંના ગ્રેન્ગ્રીનનો રોગ આદિ telescoping images તરફ ધ્યાન દોર્યું છે. કાફકાની ‘ધ વિલેજ ડૉક્ટર’માં ‘પણ’થી જોડાયેલાં વાક્યોથી કૃતિનો મર્મ કેવી રીતે પ્રગટ થાય છે તે બતાવવા સુધી તેઓ ગયા છે. ગુજરાતીની એક પણ નવલકથા-નવલિકાને એમણે આવી સહૃદયતાથી તપાસી નથી – છેલ્લા દાયકામાં આ ક્ષેત્રમાં ગુજરાતીમાં જે પ્રયોગો થયા છે એમાંની કોઈ કૃતિને પણ નહીં. ‘સરસ્વતીચંદ્ર’ જેવી કૃતિ તો એમને, પછી જેટલે અંશે કલાતત્ત્વને કારણે નહીં તેટલે અંશે કર્તાની જીવનપર્યેષણાને કારણે મહત્ત્વની લાગે એમાં કંઈ આશ્ચર્યજનક નથી. નવલકથા-નવલિકાને મુકાબલે ગુજરાતી કવિતા પ્રત્યે સુરેશ જોષીનો કંઈક કૂણો ભાવ રહ્યો છે એમ કહી શકાય ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’માં ગુલામમોહમ્મદ શેખની અદ્યતન રીતિની કવિતાને સુરેશ જોષી પુરસ્કારે એ સહજ છે, પરંતુ નરસિંહરાવથી માંડીને વેણીભાઈ પુરોહિત સુધીના કવિઓની રચનાઓમાંથી તેઓ જે આસ્વાદ્ય અંશો પામી શક્યા છે તે આહ્‌લાદક લાગે છે. કવિતાનો આસ્વાદ કરાવવાની સુરેશ જોષીની રીતિ પણ વિશિષ્ટ છે. વિવેચનની રૂઢ પરિભાષાને ટાળીને, જે-તે કાવ્યના સંવિધાનાત્મક ઘટકોના સંસ્કારોને તેઓ સ્ફુટ કરતા જાય છે, આપણી કલ્પનાને ઉત્તેજતા જાય છે અને કાવ્યના વિશિષ્ટ ભાવજગતમાં આપણને મૂકી આપવાની નેમ રાખે છે. આ રીતે એમણે ‘વીરની વિદાય’માં શૃંગારથી શબલિત થયેલા વીરરસને, ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’માં ‘સાસરવાસ’, ‘પાંગરી’, ‘ઊઘડ્યું’ આદિ શબ્દોની સાભિપ્રાયતા અને એમાં રહેલી પરિસ્થિતિની વક્રતાને, ‘નયણાં’માં ‘સાતે રે સમદર એના પેટમાં’ એ પંક્તિની ચમત્કૃતિને જે સહૃદયતા અને વિદગ્ધતાથી સ્ફુટ કરી છે તે જુઓ. બ. ક. ઠાકોરની “બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં” એ પંક્તિનું વિવરણ આ પદ્ધતિનો સરસ નમૂનો છે : “કાવ્યનો સંદર્ભ આવો છે : પરણ્યા પછીથી પતિ સાથેનો પ્રથમ દીર્ઘ સહવાસ માણીને, પ્રથમ પ્રસૂતિ નિમિત્તે, કાવ્યની નાયિકા ફરી પિયર આવી છે... સાસરે તો સાધારણ રીતે ખાટ પર ન બેસે, પણ પિયરમાં તો આવો આરામ ભોગવવાનો એનો અધિકાર, માટે કાવ્યની શરૂઆત આ અધિકારના ભોગવવાથી થઈ. પણ ખાટ પર બેસતાંની સાથે જ પોતે એકલી છે એનું તીવ્ર ભાન થયું; જે જીવનની નાનીમોટી બધી જ ક્રિયામાં પોતાની સાથે અવિચ્છિન્નપણે એક થઈ ગયો છે તેની અનુપસ્થિતિનું શૂળ એને વીંધી ગયું ને એ બેઠી ન બેઠી ત્યાં તરત જ ઊભી થઈ ગઈ, માત્ર ઊભી જ ન થઈ, બધે ફરી વળી. પ્રિયતમની સતત ઉપસ્થિતિથી ટેવાયેલી એ એની આવી અનુપસ્થિતિ એ ભ્રાંતિ જ હશે એમ માનીને, અધીરી બનીને, એ ક્યાંક આટલામાં જ હશે એમ ધારી એને શોધવા મેડીએ, ઓરડામાં – બધે ફરી વળે છે. આ વ્યાકુળતાનો દ્રુત લય કવિ, મંદાક્રાન્તાના સાર્થક ઉપયોગથી, પ્રકટ કરે છે. મંદાક્રાન્તાના પ્રથમ ચાર ગુરુ ખાટ પર નિશ્ચિંતતાથી બેસતી નાયિકાની આસાએશની – આરામની લાગણી પ્રગટ કરે છે; પણ તરત જ, પેલી અનુપસ્થિતિનું ઉગ્ર ભાન થતાં, એ ઊભી થઈ જાય છે અને બધે ફરી વળે છે. આ ત્વરિતતા, આ બાવરી ગતિ, મંદાક્રાન્તાના પહેલા ચાર ગુરુ પછી એકસાથે આવતા પાંચ લઘુની મદદથી, કવિએ પ્રકટ કરી છે.” સુરેશ જોષીની આસ્વાદની રીતિમાં કોઈને સર્જનનું સાહસ લાગે, પણ કહેવું જોઈએ કે એ એમને અમુક અંશે ઇષ્ટ છે. ગુજરાતી સાહિત્ય અને વિવેચન હવે માત્ર અંગ્રેજી સાહિત્યના જ નહીં પણ વિશ્વસાહિત્યના પ્રવાહોથી વધુ ને વધુ સભાન બનવા માંડ્યાં છે એમાં સુરેશ જોષીનો ફાળો ઓછો નથી. ‘મનીષા’, ‘વિશ્વમાનવ’, ‘ક્ષિતિજ’ અને છેલ્લે ‘ઊહાપોહ’ એ સામયિકો દ્વારા પુનર્વિચાર અને પુનઃમૂલ્યાંકનની હવા એમણે ઊભી કરી છે. ગુજરાતીમાં અણિયાળી કહેવાય એવી સમીક્ષાઓની પરિપાટી પણ આ સામયિકોનું જ પ્રદાન છે. અત્યારે ગુજરાતીમાં જેને પરંપરાગત ધાટીના કહેવાય એવા, સાહિત્યકૃતિને વિભાગોમાં વહેંચીને થતા અભ્યાસો અને સર્જાતા સાહિત્યના તાત્કાલિક પરિચયના હેતુથી થતાં અવલોકનો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કૃતિનિષ્ઠ વિવેચના – સાહિત્યકૃતિની ભાષાની-છંદની ભાતો, એમાં કલ્પનો અને પ્રતીકો દ્વારા થયેલું સંવિધાન, એના સંઘટનની વિલક્ષણતાઓ આદિને સૂક્ષ્મ પૃથક્કરણથી તપાસતી વિવેચના – તરફની વૃત્તિ દેખાય છે ખરી, પણ આપણી ગતિ એટલી ધીમી છે કે જગતના બદલાતા સાહિત્યપ્રવાહોની સાથે આપણે તાલ મિલાવી શકીશું કે કેમ એની શંકા થાય. સુરેશ જોષીના અનુકરણમાં આસ્વાદની પ્રવૃત્તિ પણ ફાલીફૂલી છે, પણ એમાં સાચી સહૃદયતા અને સૂઝ કરતાં સાહસ ઘણી વાર વધારે દેખાય છે. તત્ત્વવિચારમાં અત્યારના વિવેચકોનું અર્પણ ન-જેવું છે. પણ સાહિત્યસમીક્ષાને ક્ષેત્રે થોડી આશાસ્પદ કલમો કામ કરી રહી છે. પણ એને વિશે અત્યારે વાત કરવી અકાળે છે.*

સંદર્ભનોંધો :

  1. ૧. કલાકૃતિમાં પ્રસ્તુતનો અપ્રસ્તુતને હાથે સંહાર થતો હોય છે અને એને અંતે રહેતો શુદ્ધ અવકાશ જ આપણા આસ્વાદનો વિષય બને છે એમ પણ સુરેશ જોષી કહે છે.
  2. ૨. કલાનો આનંદ એ પણ સુરેશ જોષીની દૃષ્ટિએ અંગત રીતે અનુકૂળ સંવેદ્ય લાગણી નથી. એ heightened awarenessના અનુભવનો, ચૈતન્યની સન્નધ અવસ્થાના અનુભવનો આનંદ છે.
  3. ૩. કાવ્યના મૂલ્યાંકનનું એક ધોરણ સુરેશ જોષી એવું આપે છે કે “કવિ આપણા અવકાશ જોડે શું કરે છે?”
  4. ૪. સુરેશ જોષીની દૃષ્ટિએ કળા અહેતુક નિર્માણની પ્રવૃત્તિ છે; “કવિ સ્રષ્ટા છે, સંવાહક નથી.”

[‘જ્ઞાનગંગોત્રી-૧૦’, ૧૯૭૨, પાદટીપ રૂપે સંવર્ધિત]
[‘વિવેચનનું વિવેચન’]

  • ‘વિવેચનનું વિવેચન’માંના ‘ગુજરાતી સાહિત્યવિવેચન : વળાંકો અને સીમાચિહ્નો’માંથી ખંડ-૬ અહીં પસંદ કર્યો છે. – સંપાદક]
*