સોનાની દ્વારિકા/‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center>'''<big>‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’</big>'''<br>
<center>'''<big>‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’</big>'''<br>
{{gap|20em}}'''–કિરીટ દૂધાત'''<center>
{{gap|20em}}'''–કિરીટ દૂધાત'''</center>


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 01:44, 25 June 2024

‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’
–કિરીટ દૂધાત

કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે જાણ્યે અજાણ્યે એ શબ્દોના સંગીતથી અને આંતરિક લયથી પણ સભાન થાય છે. જેથી એની ભાષામાં લયનું માધુર્ય જન્મે છે. આવો કવિ નવલકથા કે વાર્તા લખતી વેળા પેલી સભાનતા કામમાં લે તો આપણને કથાની સાથોસાથ ગદ્યનું સંગીત માણ્યાનો અપાર્થિવ આનંદ પણ મળે છે. કવિ-વાર્તાકાર મિત્ર હર્ષદ ત્રિવેદી એમની પ્રથમ નવલકથા ‘સોનાની દ્વારિકા’ લઈને આવે છે, ત્યારે આપણને એમના વતનના વહી ગયેલા સમયની કથાની પડખે સર્જનાત્મક ગદ્ય કેવું હોય તેનો અનુભવ થાય છે. હા, આ કથા એમના વતન ઝાલાવાડની છે. અગાઉ એમની પાસેથી ‘જાળિયું’, ‘આઢ’, ‘અપૈયો’ અને ‘ચોકિયાત’ જેવી વાર્તાઓ મળી છે. એમ લાગે કે આ નવલકથા એ વાર્તાઓનું વિશદ અને વિસ્તૃત રૂપ ધારણ કરીને આવે છે. જેને આપણે અંગ્રેજીમાં saga (મહાવૃત્તાંત) કહીએ છીએ એવી આ કથા છે. એમાં એમણે જે જગત નરી આંખે જોયું છે એની વાત તો છે જ, પણ એમની આંતરિક ચેતનામાં ધબકી રહેલી એક ચૈતસિક દુનિયાનું પણ આ વૃત્તાંત છે. એટલે જ સર્જક અહીં શરૂઆતમાં જ કહે છે કે- ‘એવું તો નથી કે આ બધી ઘટિતઅઘટિત બિના મેં નજરે જોઈ છે. ક્યારેક સ્થૂળ આંખે જોઈ છે અને જ્યાં એની મર્યાદા આવી ગઈ, ત્યાં અંદરની આંખે જોઈ છે અને એને ધારણ કરી છે. મારી હાજરીગેરહાજરી વચ્ચે તો હું પણ ભેદ પાડી શકું એમ નથી. તમામેતમામ ક્ષણનો હું સાક્ષી નથી છતાં છું. સૂક્ષ્મપ્રકારે મારી સર્વજ્ઞ ચેતના પળેપળમાં વ્યાપ્ત છે. એટલે કે મને સકળ વિશ્વ વિદિત છે એમ માનીને માંડું છું જેવી આવડે એવી વૈખરીમાં મારી દ્વારિકાની વાત... (પ્ર.૧) આટલું કહ્યા પછી એમનું વતન કેવું હતું એની વાત એમનાં વિશિષ્ટ ગદ્યમાં કહે છે- ‘હરિની હથેળી જેવો પ્રદેશ.’ (પ્ર. ૧), ‘બીજું ગામ વસાવીએ તો એય સમાઈ જાય એવડું તો પાદર’ (પ્ર. ૧) ‘એ પછી આવે સરવાણી જેવી શેરીઓ.’ (પ્ર. ૧) અગાઉ કહ્યું તેમ આ મહાવૃત્તાંત છે એટલે જ આ કથાનાં કોઈ એક જ નાયક-નાયિકા નથી, પણ આખો સમાજ એનાં મુખ્ય પાત્રો છે. આ બધાં પાત્રોની જુદી જુદી ઉપકથાઓ છે અને આ બધાં પાત્રો પોતાનાં કુટુંબ, ગામ અને સમાજનાં પરિઘમાં રહીને પોતપોતાનાં ઉપાખ્યાનો રચે છે અને એમની આવી અનેક કથાઓનો સમૂહ એકસાથે મુકાય છે ત્યારે એક ગાથા રચાય છે. એટલે અહીં તે બધાની વિશિષ્ટતા આ રીતે રજુ કરી છે- ‘મોચી તો નર્યો મનમોજી, ગાંયજો તો કે’ ગામનો. કુંભાર તો કે’ કાયમનો. મેરાઈ તો એવો કે મરવા માટેય નવરો નહીં. લુહાર તો કહે લમણે લખાયેલો!’ (પ્ર. ૧) પણ અહીં કોઈ નાયક નથી એટલે આ કથા વેરવિખેર છે એવું નહીં. એવાં કેટલાંક પ્રતાપી પાત્રો છે જેની આંગળી પકડીને કથા આગળ ચાલે છે. એમાંથી એક છે ગામની શાળાના માસ્તર કરુણાશંકર. જે વાચક આજથી પચાસ-સાઠ વરસ પહેલાનાં ગામમાં જીવ્યા છે એને ખબર હશે કે પ્રાથમિક શાળાના શિક્ષક એક દિવસમાં કેટકેટલા વેશ ભજવતા હતા- ‘આ માસ્તરના અવતારેય ચોવીસ કલાક બદલાતા રહે. પરોઢે જુઓ તો વેદપાઠી બ્રાહ્મણ, દિ’ ઊગ્યે જુઓ તો પોસ્ટમાસ્તર, પછીના કલાકોમાં મહેતાજી કહેતાં નિશાળના હેડમાસ્તર, ગામના પ્રહરી, પછી સમય પ્રમાણે વચ્ચે વચ્ચે જરૂર પડે એમ વૈદ, સમાજસેવક, ન્યાયાધીશ, કારભારીઓના સલાહકાર અને ભાંગ્યાના ભેરુ જેવી કોઈપણ ભૂમિકામાં એમનો અદલો બદલો થતો રહે’ (પ્ર. ૧) આમ આ માસ્તર જેના કેન્દ્રમાં હોય એવી અનેક ઘટનાઓ આ કથામાં આકાર લે છે. અહીં એમના શિષ્ય જેવા અને ગામનું સરપંચપદ શોભાવતા ગમ્ભાબાપુ પણ છે અને છે અઢારે વરણ અને તેર તાંસળી. અહીં આખું ગામ એક તાંતણે પરોવાઈને રહે એ માટે માસ્તર અને સરપંચ પારકી છઠ્ઠીના જાગતલ થઈને જીવે છે અને જરૂર પડે તો લાલ આંખ કરવામાં ગમ્ભાનું સરપંચપદ અને ગરાસિયાપણું બંને એકસાથે પ્રગટે છે. પ્રૌઢ ઉકા ચમારની યુવાન પત્ની રામી ગામના જાયમલ નાડોદા સાથે નાસી ગયા પછી જાયમલ નાડોદાના કમોત પછી માસ્તરની કૃપાદૃષ્ટિ અને કોઠાસૂઝથી ગામમાં અને ઉકાના ઘરમાં પાછી આવે ત્યારે જાયમલનાં સગાંઓને આ સમાચાર આપવા ગયેલા માસ્તર અને સરપંચ આગળ જાયમલના પિતરાઈ ભાઈ અને કાકા રામી ઉપર બદલો લેવાની હઠ પકડે ત્યારે ગમ્ભા એમને જે શબ્દોમાં ઝાટકી નાખે છે એમાં પણ ગ્રામસમાજના સૂક્ષ્મ તાણાવાણા જોઈ શકાય છે— ‘આ ભૂરો ઓળગાણો, આટલ્યો બધો ગોરો ચ્યમ સે ઈની ખબર સેને? તું ઈની મા હાર્યે હળી ગ્યેલો... તે તું તારા મનમાં ઈમ ખાંડ ખા સો કે કોઈને કંઈ ખબર્ય નથી ઈમ? હું ગામધણી સું… ગામધણી! નવરીના મને ખબર્ય નો હોય? — કે ભૂરિયો કુંનું ફરજંદ સે! મેં ગામધણી થઈને મોટું મન રાખ્યું કે, હશ્યે મનેખ સે તે ચ્યારેક લથડીયે જાય.... પણ જાયમલેય લોઈ તો તમારું જ ને? તમ્યે જે આજલગણ સાનું રાખ્યું ઈ ઈણે સતરાયું ને સડેચોક કર્યું! ખરો વટનો કટક્યો તો ઈ જાયમલ કે રામી હારુ વંડી ઠેકીને વયો જ્યો! જ્યો ઈ જ્યો, કોઈ દિ’ પાસું વળીન્ જોયું નંઈ! ને તમ્યે એક સો કે ભૂરો આખા ગામની ગંદકી ઉપાડે સે ઈ જોયા કરો સો!’ એક ઊંડો શ્વાસ લીધો ને વળી કહે કે - ‘હવે જાતાં ઓલી બાઈમાણહને મારવા ત્યાર થ્યા સો? ખબરદાર જો કોઈએ ચૂં કે ચ્યાં કર્યું સે તો! બાંધી મૂઠી લાખની.. ઈ તો ખબર્ય સે ને?’ (પ્ર. ૫) આ કથા વીસમી સદીના પાંચમા-છઠ્ઠા દાયકાની કથા છે. વર્તમાનમાં આ બધાં ગામોનાં પોત એટલાં બધાં બદલાઈ ગયાં છે કે આજે આ કથાના શરૂઆતનાં પ્રકરણની ઘટનાઓ કોઈ કલ્યાણગ્રામમાં બનતી હોય એવી સુખપાઠ્ય લાગે, એટલે એની કરુણ ઘટનાઓમાં પણ એક પ્રકારનું માધુર્ય લાગે છે. પણ, આમ કહીએ એટલે આ બધું પોચટ, વાયવી અને સ્મૃતિમાંદ્ય રચીને મૂળ જે શ્વેત-શ્યામ હતું તેમાં પાછળથી લાગણીઓના ઘાટા રંગના લપેડા મારીને અકુદરતી કલરફૂલ બનાવવું છે એવું નહીં જ. પણ, એક સમય હતો કે જ્યારે જિંદગી કઠિન હતી પણ આટલી ગૂંચવાડાભરી નહોતી, લોકોનાં રોજબરોજનાં જીવન પણ એક યા બીજી નીતિમત્તા અને આદર્શોને વશ વર્તીને જીવાતાં હતાં; એટલે એવાં પાંચ-પંદર સ્ત્રી-પુરુષો એક ઈલાકામાં હોય તો બધાંને ચોવીસે કલાક ધરપત રહેતી અને બાકીનાને જીવવાનું બળ મળતું. એ સમય, એ માણસો હમણા હતાં, થોડાં વરસો પહેલાં જ હતાં અને હવે નથી. આ બધાં હતાં ત્યારે સમય જાણે કે સ્થિર હતો અને પછી ધીમેથી સમય ફર્યો. જાણેકે બંધ ઓરડામાં બેઠા હોઈએ તો બહાર મંથરગતિએ પસાર થતો સમય એ ઓરડામાં ધીમેધીમે ખસતા ચાંદરણાંની ગતિ પરથી પામી શકાય એ રીતે આ પ્રદેશમાં અલસગતિથી પસાર થતો સમય અને ઘટનાઓ હળવે હળવે ગતિ પકડે છે. વરસો સુધી તાલુકા પંચાયતના પ્રમુખ રહેલા અનોપચંદભાઈ અને સરપંચ રહેલા ગમ્ભા એક પદ ઊંચે જાય અને અનોપચંદ ધારાસભ્ય થાય, ગમ્ભા તાલુકા પંચાયત શોભાવે અને સરપંચ તરીકે ગામના દલિત યુવાન તુલસીને માસ્તર અને અનોપચંદ મસલત કરીને મૂકે ત્યાં સમયની મંથર ગતિ વધતી અનુભવી શકાય છે. ઘણી નવલકથાઓમાં time, place અને action પૈકી એકાદ પરિમાણ ખૂટતું હોય એવું અનુભવાય. મોટે ભાગે તો સમયનું જ. નવલકથાકાર લખે કે ‘પછી તો પાંચ વરસનાં વાણાં વાઈ ગયાં.’ પણ ઘટનાનાં વર્ણન કે પાત્રોનાં વર્તનમાં એવા સરકી જતા સમયનો લેખક વાચકને અનુભવ કરાવવામાં સફળ થતા નથી. અહીં ગામના દલિત યુવાનને સરપંચપદ સોંપાય છે ત્યાં સમયનું પરિમાણ પેલા ચાંદરણાની જેમ ધીમેથી ગતિ કરી જતું અનુભવાય છે. કાળ આવી જ રીતે પાસું બદલતો હોય એવો અનુભવ પ્રકરણ ૧૭માં સુરેન્દ્રનગરની જયભારત મિલમાં ઉત્પાદિત પોપલિન અને વેજા(સુતરાઉ)નો ઉપાડ ઘટતાં, મિલ બંધ કરવાની સ્થિતિ આવે છે ત્યારે મિલમાલિક કાંતિલાલ અને તેમનો દીકરો નયનેશ અમદાવાદ અંબાલાલભાઈ શેઠને મળીને એમની સલાહ સૂચના મુજબ જયભારત મિલમાં નવા સંચા નાંખી ૬૭ + ૩૩ કોટન અને રેયોન ભેગું વણીને પોપલિનના વિકલ્પે આપે છે. એમ કરવાથી જયભારત મિલ બચી જાય તેમ જ પ્રાયોગિક ધોરણે આ કાપડ પોતાને ત્યાં નહીં, પણ સુરેન્દ્રનગરની મિલમાં તૈયાર થાય એવો ઉકેલ શેઠ અંબાલાલ કાઢે છે તેમાં એમની ધંધાદારી સૂઝ, કાયમના સાથીની મિલ ચાલુ રહે તેવી ભાવના તેમ જ કામદારો પ્રત્યેની વત્સલતા, આ બધું એકસાથે વ્યક્ત થાય છે. આ પ્રસંગ પણ બદલાઈ રહેલા સમયની આલબેલ પોકારે છે. અહીં સુરેન્દ્રનગરના એક મોટા મોભી તેમજ અમદાવાદના તે સમયના ફક્ત પૈસાદાર જ નહિ, પણ સમાજ પ્રત્યે પોતાનું શું કર્તવ્ય છે એની સભાનતાથી પોતાના આર્થિક વ્યવહારો ચલાવતા તે સમયના અગ્રણી એવા મહાજનનું એક આકર્ષક ચિત્ર મળે છે. આવા મહાજનોએ જ આજની વિશ્વવિખ્યાત IIM, PRL, ISARO કે NID જેવી સંસ્થાઓ આપી છે તે આ વાતનો પુરાવો છે. તો પાત્રોનાં વિકાસની ઝીણી ઝલક પ્ર. ૮, ૯ અને ૧૦માં દુલો, રસીલા અને જાદવજીની કથામાં મળી રહે છે. અહીં દિયર અને ભાભી જે રીતે શરીરસંબંધમાં મુકાયાં છે અને જે રીતે પશ્ચાતપ અનુભવે છે, છતાં એમાંથી છૂટી ન શકે એમાં જાણે કે દૈવના દોરવાયાં વર્તતાં હોય એમ લાગે. લેખકે એમનું સ્ખલન બતાવ્યું છે પણ એમના વિશેનો કોઈ ન્યાય તોળવા બેસી નથી ગયા. એક પાત્ર શુભ હોય અને બીજું અશુભ હોય તો કથામાં સંઘર્ષ આવે, પણ ટ્રેજેડી ન આવે. બંને પાત્રો પોતાની રીતે સાચાં હોય છતાં શુભનાં દોરવાયાં નહિ પણ, પરિસ્થિતિને વશવર્તે એમાં ટ્રેજેડી છે. અહીં રસીલાને જે ક્રીડાની આકાંક્ષા છે તે પતિ જાદવજી પાસેથી મળે એ શક્ય નથી, એની બધી અપેક્ષાઓ પોતાના દિયર દુલા પાસેથી જ સંતોષાય એમ છે. આ બધું જાદવજીની નૈતિકતાની દૃષ્ટિએ સ્વીકાર્ય નથી. એમ છતાં, કોઈ પાત્ર પોતાનું-નિજી વ્યક્તિત્વ બદલી શકે એમ નથી. જુઓ લેખકે દુલાને સગી ભાભી સાથે શરીરસંબંધ બાંધ્યા પછી થતા પશ્ચાતાપનું વર્ણન આ રીતે કર્યું છે કર્યું છે. ‘આખા ઓરડાની શાંતિ દુલાની છાતી માથે ચડી બેઠી. હાકોબાકો દુલો એકદમ બેઠો થઈ ગયો. રસીલા પણ જાગી ગઈ. દુલાએ એની છાતીમાં નાના બાળકની જેમ મોઢું છુપાવી દીધું. એની આંખનાં આંસુ અટકવાનું નામ લેતાં નહોતાં. થોડી વારમાં તો ડૂસકે ચડી ગયો. મૂંગી મૂંગી રસીલા ક્યાંય સુધી એના વાળમાં હાથ ફેરવતી રહી, પીઠ પસવારતી રહી. દુલો પણ જાણે હમણાં જ અવતર્યો હોય એમ બેય હાથે અમૃતકુંભ પકડીને વળગી રહ્યો.’ અહીં ‘અમૃતકુંભ’ શબ્દથી દુલો રસીલામાં પળ પહેલાંની શૈયાસંગીની નહીં, પણ માતાને જુએ છે અને નિર્દોષ બાળક તરીકે પોતાને આ પરિતાપમાંથી રસીલા ઉગારશે એવી ખેવના પણ આ શબ્દમાં સૂચવાય છે. પરંતુ પ્રયત્નો છતાં ભાભી-દિયર એ માનસિક ભૂમિકા રચી શકતાં નથી. આનું અનુસંધાન ૨૦માં પ્રકરણમાં મળે છે. અહીં જાદવજીને એક સવારે અનાયાસ જે દેખાઈ જાય છે તેમાં ભાભી અને દિયરના સંબંધનો એક અલગ જ ખૂણો જોવા મળે છે. ‘ડબલું મૂકીને હાથ ધોતો હતો અને એની નજર ઓરડા તરફ ગઈ. એમ લાગ્યું કે આખું બ્રહ્માંડ બમણી ગતિએ દોડી રહ્યું છે. રસીલા અંદર સૂતેલા દુલાને જગાડતી હતી. એને તો ખબરેય નહોતી કે જાદવજી આવી ગયો છે..’ છેવટે જાદવજીને એની દિવંગત મા એના અચેતનમાં આવીને ઉગારે છે. અહીં રસીલા દુલાને ઉગારવાનું જે કામ સદેહે નથી કરી શકતી તે કામ જાદવજીની વિગત થયેલી મા કરે છે. એ રીતે લેખકની કલમ અહીં ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં જ નહીં, પણ ઈહલોક અને પરલોકમાં પણ ફરી વળે છે. બાળપણમાં આપણે ‘ઝગમગ’ કે ‘ફૂલવાડી’માં પેન્સિલથી જુદાંજુદાં ટપકાંઓ જોડીને માણસ કે પશુની આકૃતિ રચતા એમ અહીં પણ સર્જકે અલગ અલગ પ્રસંગો મૂક્યા છે તે ટપકાંમાંથી વાચકે પણ માણસાઈ કે પશુતાના ચહેરા ઉપસાવી લેવાના છે. અહીંનાં વૃત્તાંતો આમ તો એકમેકથી સ્વતંત્ર છતાં ક્યાંક ને ક્યાંક એકબીજાં સાથે ફૂલબુટ્ટાની જેમ જોડાયેલાં છે અને એ રીતે કથાની ભાત રચાય છે. જોઈએ તો કેટકેટલી પ્રેમકથાઓ છે! રામી અને જાયમલ તથા રસીલા અને દુલાની સમાજની દૃષ્ટિએ રજોટાયેલી પ્રેમકથાઓ તો ટેલિફોન ઓપરેટર યુવાન અને યુવતી જિતુ અને સુમીની એકબીજાના ચહેરા જોયા વગર ફક્ત ટેલિફોન પર જ શમ્મી કપૂરનાં ફિલ્મીગીતો સંભળાવવામાંથી આકાર લેતી, ફિલ્મી લાગે તેવી પ્રેમકથા. અહીં ફિલ્મીગીતો અને સિચ્યુએશન જેવી લોકપ્રિય કે kitsch art સસ્તી લોકરંજન-પદ્ધતિ કામમાં લેવાઈ હોવા છતાં એમાંથી પણ જીવનનું ભાથું બને તેવા શુદ્ધ પ્રેમની મંઝિલ સુધી બંને પાત્રો પહોંચી શકે છે. અહીં સેવાયજ્ઞમાં જાત હોમી દેવા નીકળી પડેલાં રબારી કાનજીભાઈ અને વણિક જ્ઞાતિનાં કાંતાબહેનની પ્રેરક પ્રેમકથા છે તો the beauty and the beast જેવાં પેટ્રોલ પંપના માલિકની ફેશનેબલ દીકરી અને એ જ પંપમાં નોકરી કરતા હાથલિયા થોર જેવા પેમા મહારાજની ‘પછી શું થયું હશે?’ ની ઉત્કંઠા મૂકી જતી ઉફરી પ્રેમકથા પણ છે. આ બધાંમાં મંદિરનાં ગર્ભગૃહમાં બળતા સાચા ઘીના દીવાની સ્થિર દ્યુતિ જેવી માસ્તર અને એમનાં પત્નીનાં દામ્પત્યપ્રેમની કથા. પરકીયા પ્રેમની શરીરી વાસનાથી ભરપૂર પ્રેમકથા લખવી પ્રમાણમાં સહેલી છે, પણ આદર્શ દામ્પત્યપ્રેમની દેહરાગને ગેરહાજર રાખીને પ્રૌઢપ્રેમની વાત લખવી અઘરી છે. માસ્તર ગામલોકોની બહાદુરીથી મોતના મોમાંથી પાછા આવ્યા છે પણ શાળાનાં શિક્ષકોનો પગાર એ ધમાલમાં ચોરાઈ ગયો છે. આ બંને ઘટનાઓનો ઓથાર બંનેનાં મન પર છે. હવે જુઓ એ રાતનું દૃશ્ય- ‘વીજળી ક્યારે આવે એનું તો ઠેકાણું હતું નહીં, એટલે સાંજ પડવા આવી કે તરત ઉમાબહેને કાચના ફોટા સાફ કરી, વાટ કાપી, કેરોસીન ભરીને ફાનસ તૈયાર કર્યાં. મોટાભાઈને બપોર પછી ભત્રીજો એમના ઘેર લઈ ગયો હતો. ફાનસ કરીને છોકરાંઓ સાથે બંને જણ વાળુ કરવા બેઠાં. જમતાં જમતાં માસ્તર ઉમાબહેનને કહે કે— ‘તમારા હાથના રોટલા ખાવાના લખ્યા હશે તે અમે જીવતા રહ્યા!’ ‘તમે ક્યાં રોટલા હારુ જીવો એવા છો? શું ખાવ છો એનુંય ક્યારેક તો ભાન હોતું નથી. જે આપું છું ઈ ખાઈ લો છો! એમ કહો કે સમાજનું કામ કરવાનું લખ્યું હશે એટલે...!’ ઉમાબહેનની આંખ ભીની થઈ ગઈ. ‘એમ ગણો તો એમ! પણ, સાચું તો એ છે કે આપણે કંઈ કરતા નથી. કોઈ અલૌકિક શક્તિ આપણને નિમિત્ત બનાવીને કામ કરાવે છે!’ છોકરાંઓ સૂઈ ગયાં પછી, મેઘલી રાત્રે પતિપત્ની પથારીમાં બેઠાં હતાં. કરુણાશંકરે ભીંતે માથું ટેકવીને પગ લંબાવ્યા. ખાટલાની પાંજેતે બેઠેલાં ઉમાબહેન એમના પગ ઉપર હાથ ફેરવતાં હતાં. ઉમાબહેને અંધારાને કાપતો પ્રશ્ન કર્યો, ‘આપણાં લગ્નને કેટલાં વર્ષ થયાં?’ ‘આવતા ડિસેમ્બરે વીસ પૂરાં થશે! કેમ એમ પૂછવું પડ્યું?’ ‘આ વીસ વરસમાં મેં કંઈ માગ્યું છે ખરું? સાચું કહેજો!’ ‘ના ક્યારેય નહીં! પણ એનું અત્યારે શું છે?’ ‘તો એક વચન આપો!’ ‘આપ્યાં, એક નહીં બે! માગી લ્યો...’ ‘એક તો એમ કે હવે પછીથી આવાં જોખમ ક્યારેય નહીં ખેડો! મારા નહીં તો છોકરાં માટે થઈને...’ ‘સાચું કહું? ભાઈએ રમેશ માટે કન્યા જોવા જવાનો વિચાર કર્યો ન હોત તો કદાચ હું પણ ન ગયો હોત! પણ ભાઈને ના કેમ કહેવાય? અને એય આવા કામમાં?’ ‘તે કન્યા ક્યાં ભાગી જવાની હતી? પછીયે જવાત ને? અને ભાગી જવાની હોય તો આપણે આમેય શું કામની? હેં લખમણ જતિ!’ ઉમાબહેનનાં જેઠાણી જરા આકરાંપાણીએ! એટલે જ્યારે પણ મોટાભાઈનાં કામમાં ખરપાવાનું થાય ત્યારે ઉમાબહેન કરુણાશંકરને લખમણ જતિની ઉપમા આપતાં!’ કરુણાશંકર હસી પડ્યા ને ઉમાબહેનનો હાથ પકડી લીધો. એના ઉપર બીજો હાથ મૂકતાં કહે કે, ‘આ બધું તમારાં નસીબનું જ પરિણામ છે. હું તો હાવ હતો જ બૂંહાં જેવો. તમે મને માણસ કર્યો. તમારામાં સમજણ ન હોત તો કઈ પત્ની એવી હોય કે જે પરણ્યાના બીજે જ દિવસે પતિને પી. ટી. સી. નું ભણવા મોરબી જવા દે?’ ‘મેં તો ક્યાં બીજું કંઈ જોયું હતું? બસ મને તો તમારાં વાણી અને પાણીમાં જ ભરોંસો બેઠો’તો! એમ થયું કે આ માણસ કંઈક કરી દેખાડશે! બીજું તો શું?’ આટલું બોલતાંમાં તો એમણે જતિની છાતી પર માથું ઢાળી દીધું! કરુણાશંકરનો હાથ એમની પીઠ પર ફરતો રહ્યું. પડ્યે પડ્યે ઉમાબહેન રડતાં રહ્યાં. એમનાં આંસુએ જતિને પણ ભીંજવી દીધા! બંનેની ઉંમરમાંથી જાણે કે એક દાયકો થોડી વાર માટે ખરી પડ્યો! મોડી રાત સુધી બંનેએ ભૂતકાળને વાગોળ્યો. એમ જ પડી રહ્યાં. કરુણાશંકર કહે : ‘હવે બીજું વચન નથી માગવું?’ ‘બીજું એ કે મારી પાસે બાએ આપેલો મોરહાર અને લોકીટ છે તેમાંથી એકાદું મૂકીને આપણે પગાર કરી દઈએ. આવી મોંઘવારીમાં માસ્તરો કેમ કરીને મહિનો કાઢે? અને ખાસ તો તમારો આત્મા પણ ડંખે નહીં! અને મારે ક્યાં અત્યારે ઘરેણાં પહેરીને ક્યાંય જાવાનું છે?’ માસ્તરને જીવવું સાર્થક લાગ્યું. એમણે મનોમન ઉમાને પ્રણામ કર્યાં. (પ્ર.૧૫) અહીં હાસ્યના પ્રસંગો તો ઠેરઠેર છે જ પણ અંબારામ અને ગંગારામ નામના ઉત્તર ગુજરાતના બહુરૂપીઓનો પ્રસંગ ગામલોકોની માનસિકતા, ઝાલાવાડી અને પોલીસ ખાતાનો ઢોળ ચડાવ્યા છતાં એમાંથી માથું ઊંચકીને ઝગારા મારતી ઉત્તર ગુજરાતની બોલીને કારણે આખો પ્રસંગ નૈસર્ગિક હાસ્યનો બની રહે છે— ‘એક દિવસ બંને ભાઈએ પોલીસનો વેશ લીધો. હાથમાં દંડો લઈને નીકળ્યા તો કેટલાયનાં છોકરાંઓ આઘાપાછાં થઈ ગયાં. બેય જણા પોલીસની કડક ચાલે ચાલતા હતા. ત્યાં સામે મળ્યો નટુમા’રાજનો નંદલાલ. પોલીસને જોયા એટલે સલામ કરી ને કહે કે- ‘કુની તપાસમાં આવ્યા છો? દેવા રામજીની? ઈ સે જ ઈ લાગનો! પકડી જાવ તમતમારે!’ અંબારામ કરતાં ગંગારામ જરા તેજ ફોજદાર! મોઢામાંથી ગાળ કાઢીને કહે કે : ‘અભી અભી સાલે કું પકડતા હું, વો ચીનીકોર્ય રે’તા હૈ?’ નંદલાલને તો મજા આવી ગઈ.... કહે કે, ‘ચલે જાવ ઊભી પાટીએ ફિર ડાબે હાથે બલી જાના… હામે જ ડેલા આવેગા!’ અંબારામને થયું કે વાત મજા આવે એવી છે. ચાલો ત્યારે કંઈક નાટક કરીએ. એટલે એકદમ રુઆબ છાંટતા અવાજે કીધું કે ‘વો માનેગા તો ઠીક હૈ અગર નંઈ માનેગા તો છઠી કા ધાવણ નિકલવા દેંગે! ....લેકિન તું બતા સચમેં ઉસકા ગુના ક્યા હૈ?’ ‘વો દેવા રામજી હાળા હલકીના હૈ... ચોરી કા માલ લાતા હૈ ઔર સસ્તે ભાવ મેં બેસતા હૈ... ઔર હળી જ્યેલા ભી હૈ... માંડા કોળીની ગવરી હાર્યે ઉસકા હાલતા હૈ...!’ ‘કોઈ બાત નંઈ!’ કહેતાં બેય જણા ખબડખબડ કરતા ઊભી પાટીએ ચાલતા થયા. ડાબા હાથે જરાક વળ્યા કે તરત સામે ડેલો... જઈને પૂછ્યું - ‘દેવા રામજી કા ઘર યે હૈ?’ એક છોકરાએ બીતાંબીતાં હા પાડી કે તરત આ બંને અંદર દાખલ થયા. પોલીસને જોયા કે દેવો હડી કાઢતોકને ખડ ભરવાના ડુરિયામાં જઈ ભરાણો. પોલીસ એની પાછળ ગઈ ને હાંકોટો કર્યો. ‘બહાર નિકલ જા દેવા રામજી! વરના યે તુમારી સગી નહીં હોગી!’ એમ કરીને કેડ્યે ઝૂલતી રમકડાની પિસ્તોલ કાઢી… ડુરિયામાં બેઠેલા દેવાએ આ જોયું કે તરત ધ્રૂજતો ધ્રૂજતો બહાર આવ્યો... ‘સ્યાયેબ મેંને કૂછ નહી કિયા! મેં તો નિર્દોષ હું..... નકરી બીડી જ પીતા હું!’ ‘અરે બીડી કી બીબી! ચોરી કા માલ કહાં છુપાકે રક્ખા હૈ? બતાતા કે ની?’ એમ કરીને અડબોથ ઉગામી.... ત્યાં તો દેવાનું પાટલૂન પલળી ગયું! ગંગારામ હસી પડે એ પહેલાં અંબારામ કહે, ‘બોલ! બતાતા કે ની?’ દેવો રડવા માંડ્યો... ‘બતાતા... બતાતા…’ કહેતો અંદર ભંડકિયામાં લઈ ગયો. ટેરેલિનના થોડાક પેન્ટપીસ, શર્ટપીસ અને બીજું થોડુંક કાપડ હતું. એ બતાવીને કહે કે, ‘મેંને ચોરા નહીં, મેં તો વેસાતા લાવ્યા હું.. સસ્તે ભાવમેં દેને કે વાસ્તે...’ ‘કહાં સે લાયા?’ ગંગારામ બોલ્યો. ‘સુરેન્દ્રનગર સે... એક સિંધી કી દુકાનેસે...’ અંબારામ કહે, ‘દેવા કો હાથકડી લગા દો....’ ‘વો સિંધી કો ભી ઢૂંઢના પડેગા!’ ગંગારામે અવાજ ભારે કરીને કહ્યું. એટલી વારમાં પંચાયત ઑફિસેથી પટાવાળો જસુ આવ્યો ને કહે કે- ‘ઇનિસ્પેકટર સ્યાહેબ તમને ગમ્ભાબાપુ પંચાયતમાં ચાપાણી પીવા હાકરે સે.....’ બેય બહુરૂપીનો પારો જરા નીચો આવી ગયો. દેવા રામજીને મેલ પડતો ને આવ્યા પંચાયત ઑફિસે. ગમ્ભાને જોઈને બેય જણે ટોપી કાઢી ને સલામ કરી. બહુરૂપીને જોઈને ગમ્ભા ખડખડાટ હસવા લાગ્યા... પરિચય પૂછ્યો. આખી વાત જાણીને બેયને પૂછ્યું : ‘કંઈ માલ મળ્યો?’ ‘માલ તો ઠીક બાપુ, પણ બાતમી પાકી મળી...!’ ‘કેવી?’ ‘દેવા રામજી ચોરીનો માલ સુરેન્દ્રનગરના એક સિંધી વેપારીને ત્યોંથી લાવ હ અને પસે ગોમમોં વેચ હ… ઝાઝે ભાગે તો ટેરેલિનનોં લૂઘરોં...!’ મહિલા વિકાસ મંદિર અને પાન્ડોરાસાહેબ, સંધ્યા, વીરબાળાબહેન, ચારુબહેન અને વસંતભાઈવાળો પ્રસંગ શિક્ષણમાં ચોર પગલે પેસી ગયેલા ભ્રષ્ટ વાતાવરણની લકીર ખેંચી બતાવે છે. એ પ્રસંગ તેમજ કાનજીભાઈ અને કાન્તાબહેનની સેવાકીય પ્રવૃત્તિવાળી ઉપકથાઓ એવી છે કે એની સ્વતંત્ર નવલકથાઓ પણ થઈ શકે. એ બંને કથાઓમાં આપણા સમાજના છઠ્ઠા-સાતમાં દાયકાનું વરવું અને ગરવું એમ બંને ચિત્રો મળે છે. પણ અહીં નવલકથાના એક અભિન્ન અંગ તરીકે એ પણ એક વિશાળ ચિત્રમાં મનોહર રંગ પૂરે છે. પ્ર. ૨૧માં ધારાસભ્ય અનોપભાઈનું અવસાન અને માસ્તર ધારાસભ્ય થવાની ના કહે છે તે પછી ઝાલાવાડ અને ગુજરાતમાં ઝડપથી બનતી ઘટનાઓ આ કથાને યોગ્ય રીતે જ સમાપન તરફ લઈ જાય છે. છેલ્લે જગમાલ મારુનું ખેતર નેશનલ હાઈવેની કપાતમાં જતું રોકવા માટે કલેકટર અને મામલતદાર જગમાલ પાસેથી ભ્રષ્ટાચારી રીત રસમથી પૈસા પડાવે જેના આઘાતથી જગમાલ હવે રાજકારણમાં જઈને નેતાઓ, અધિકારીઓ અને પ્રજાનો દોરીસંચાર પોતે જ કરશે એવો આકરો નિર્ણય કરે છે એ સમયે, એક દુભાયેલા સામાન્ય માણસની લવારીની કક્ષાએ પહોંચતી સ્વગતોક્તિ હવેનાં વરસોમાં સમગ્ર પ્રજાજીવનમાં મુલ્યહ્રાસની આંધીની આગાહી કરે છે. આ મનોમંથનને શબ્દદેહ આપવા કથાકારે કામમાં લીધેલું ગદ્ય પણ એમની સર્જકતાની શગરૂપ છે— ‘એક દિવસ એવો આવશે કે હું આ પ્રદેશનો કર્તાહર્તા અને સમાહર્તા હોઈશ! મગતરા જેવા મામલતદારો, કલેક્ટરો અને સચિવો મારા ઈશારે મુજરા કરશે. પંચાયત, ધારાસભા, લોકસભા, રાજ્યસભા, આમસભા ને ખાસસભા, અરે! કોઈ પણ સભા... એમાં જવા ને આવવાની ટિકિટો હું ફાડીશ! તમે બહુમતીની વાત કરો છો ને? પૂરેપૂરી સોએ સો ટકા મતિ મારી! ન કોઈ પક્ષ-અપક્ષ-વિપક્ષ. એક જ લક્ષ. હું જ હું દક્ષ અને સહસ્ત્રાક્ષ! કોની માએ સવાશેર સુંઠ ખાધી છે કે કોની મગદૂર છે મારો વાળેય વાંકો કરે? હું જ તમને તમારી આપીશ સાચી ઓળખ! તમે કડવા, તમે લે’વા, તમે કોળી, તમે ક્ષત્રિય, તમે મુસ્લ્મીન, તમે વાણિયા, તમે ભામણ, તમે હરિજન, વાસી તમે, આદિવાસી તમે, બંધુ તમે જ હંધું! તમારી નાત, તમારી જાત, તમારા ટકા. તમારાં બટકાં, તમારાં લટકાં. તમારાં મટકાં, તમારો કોળિયો, તમારો ઓળિયો ઘોળિયો બધું હું નક્કી કરીશ. હું કોણ? તમારો એક નંબરનો ને અવ્વલ સેવક. તમારી કેવટ. મારો વટ! અત્યારે બે વીઘા માટે મને ખોટી રીતે કગરાવો છો... પણ યાદ રાખજો હવે રસ્તા મારા, નદિયું મારી, પહાડ મારા, જંગલ મારાં, દરિયા મારા, અરે! આખી ને આખી પ્રથમી મારી... આ આકાશ ને પાતાળેય મારાં! હું કહું એ પહાડ ખોદી નાંખવાના. હું કહું એ નદીને નાથી દેવાની, હું કહું એ જંગલને કાપી નાંખવાનાં, હું કહું એ પ્રાણીઓ જીવે. બાકીનાંને મારી નાંખો.. કાપી નાંખો.... બાફી નાંખો... અરે! ખાઈ જાવ..... જોઈ શું રહ્યં છો? ભૂંસી નાંખો હજ્જારો વરસના ઇતિહાસો... ભૂલી જાવ તમારી ભૂગોળ! બધે જ લખો મારું નામ... આંખ ઉપર, નાક ઉપર, કાન ઉપર, મકાન ઉપર... પુલ ઉપર, બુલબુલ ઉપર... સિટી ઉપર. યુનિવર્સિટી ઉપર... મંડળ ઉપર, કમંડળ ઉપર... હું દૃષ્ટા, હું સ્ત્રષ્ટા, હું કર્તા, હું સૃષ્ટિનો પાલનહાર! કરી નાંખું આખી પૃથ્વીનો જિર્ણોદ્ધાર... હું જગપાલ... હું જગમાલ!’ જગમાલ કદીયે ન ખૂટે એવી લવરીએ ચડી ગયો... (પ્ર. ૩૫) આ આખી કથા ઝાલાવાડની છે. એનો નાયક ઝાલાવાડનો છઠ્ઠો-સાતમો દાયકો છે. આ અગાઉ કવિ ‘મીનપિયાસીએ ઝાલાવાડનાં ઓવારણાં એમનાં કાવ્ય ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’માં લીધાં હતાં પણ કોઈ કથામાં ઝાલાવાડને આ રીતે વધાવ્યો હોય તો હર્ષદ ત્રિવેદીએ ‘સોનાની દ્વારિકા’માં. આમ સુવર્ણકળશ જેવા ઝગારા મારતા સમયના વર્ણનથી આરંભાયેલી એક પ્રદેશની, એક સમયની ‘સોનાની દ્વારિકા’ની આ કથા વર્તમાન કાળના ખારા ઉસ પાસે આવીને નિમજ્જન પામે છે. છત્રીસ પ્રકરણ સુધી ચાલેલી આ કથા, એનાં પાત્રો, સ્થળ-કાળનાં વર્ણનો, એના દુકાળ, એની હેલી, એના ધરતીકંપ, એ બધું આપણી ચેતનાનો એક હિસ્સો થઈને જેમ લેખકના તેમ જ વાંચકના મનમાં પણ હળવે હળવે સેલ્લારા મારતી ક્યારેક ગોચર થતી તો ક્યારેક અગોચર રહીને આપણને એક પળે એ કાળમાં લઈ જાય છે અને બીજી પળે વર્તમાનમાં પાછા લાવીને મૂકે છે એટલે જ છેલ્લા ફકરામાં સર્જક કહે છે કે- ‘હવે હું કૃષ્ણ છું. નહીં કાળો, નહીં કામણગારો. કર્તા છતાં અકર્તા. તમને બધાંને મારા ગજા પ્રમાણે મારી કલ્પનાના વિરાટનું પ્રીતિ-અપ્રીતિ વિના દર્શન કરાવ્યું. મારી દ્વારિકાને ગળી ગયેલો સમુદ્ર હજીયે એની ચાંદીચમક છોડતો નથી. ભલે યુગયુગાંતરો વહી જાય પણ આ સમુદ્ર જરાક પ્રવાહી બને તો હું ફરી એક વાર ડૂબકીના દાવમાં જ છું. એ ગમે એટલા દાવ ખેલે હું મારો દાવ છોડવાનો નથી. હાલતો આ આદિ સમુદ્રના પ્રવાહ ઉપર તરતા પીપળાના એક પાન ઉપર બાલમુકુન્દની જેમ તર્યા કરે છે મારું મન...’ અહીં વાચકને ‘બાલમુકુંદાષ્ટકમ્’નો પ્રથમ શ્લોક યાદ આવે.

करारविन्देन पदारविन्दम् मुखारविन्देन विनीवेशयंन्तम् ।
वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसास्मरामि ।।

જાણે કે ઝાલાવાડમાં આવેલા ધરતીકંપ પછી એક કાળ, એક વિશ્વ, સંહારની ગર્તામાં વિલીન થઈ ગયું છે. લીલાનું એક ચક્ર પૂરું થયું. જે જે દુષિત છે તેનું શમન થયું છે. એક નવી સૃષ્ટિ રચાવાની તૈયારી છે. વિગત, વર્તમાન અને ભવિષ્યથી પર એવા કોઈ પરા-સમયમાં છીએ જેમાં સર્જકનું ચિત્ત વટપત્ર પર પોઢેલા બાલકૃષ્ણની જેમ ધીમેધીમે હિલોળા ખાઈ રહ્યું છે અને એ બાલમુકુન્દ એક નૂતન અને નીરજ સૃષ્ટિ પોતાના મુખથી, પોતાના અંગુઠાના સૂક્ષ્મ હલનચલનથી સહેજમાં રચી કાઢશે અને એક નવ્ય લીલાનો આરંભ થશે. એ રીતે લેખકના ચિત્તમાં એક નવી દ્વારિકા - આપણા માટે તો સોનાની જ - રચાશે જેના આ વખતની જેમ ફરીથી આપણે સાક્ષી થઈશું. આ કથા સાથે છત્રીસ પ્રકરણ રહ્યાં પછી વાચકને પણ મારી જેમ આવા કપરા અને કુરૂપ વર્તમાનમાં પાછા આવવાનું સહેજેય મન નહીં થાય એ જાણું છું. તો કવિશ્રી અને હવે નવલકથાકાર શ્રી હર્ષદ ત્રિવેદીને કહીએ કે થઈ જાય હજી એક કથા અને તુરંત, હા, અભી અભી. તા : ૧૫/૦૧/૨૦૧૭

*